VADODARA : મોબાઇલમાં વિડીયો જોઇ જતા વાત હત્યા સુધી પહોંચી
VADODARA : વડોદરાના ઉંડેરાની બંધ શાળામાં રહેતા કોન્ટ્રાક્ટ કર્મી વચ્ચે ઝઘડા બાદ હત્યાની (VADODARA MURDER) ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં હત્યા બાદ આરોપી ફરાર થયો હતો. જેને પકડી પાડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો કામે લાગી હતી. આરોપી વતન નાસી જવાની ફીરાકમાં હતો, પરંતુ તેને તે પહેલા જ અમદાવાદથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે.
કેબલ કાપવાનો ચપ્પુ પેટમાં માર્યો
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા પાંચ ઇસમો ઉંડેરામાં રહેતા હતા. આજે સવારે નોકરી સમયે આયુષ યાદવના બહેનનો વિડીયો ધીરજ દાસના મોબાઇલમાં હોવાનું તે જોઇ ગયો હતો. જે બાબતે રૂમમાં રહેતા આયુષ શંભુ યાદવ અને ધીરજ સુરેશ દાસ (બંને મુળ રહે. બિહાર) વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. બાદમાં આયુષે ઉશ્કેરાઇ જઇને ધીરજ દાસને કેબલ કાપવાનો ચપ્પુ પેટમાં મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં ધીરજ દાસનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે જવાહર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીને નારોલમાંથી શોધી કાઢ્યો
આયુષ શંભુ યાદન ગુનાને અંજામ આપીને ધરપકડથી બચવા માટે ભાગી ગયો હતો. તેને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. દરમિયાન આરોપીને શોધી કાઢવા માટે સીસીટીવી અને હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી મળી કે, આરોપી વતન બિહાર જવાની ફિરાકમાં છે, અને અમદાવાદ પહોંચ્યો છે. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી હતી. આરોપીને નારોલમાંથી શોધી કાઢીને જવાબર નગર પોલીસને સોંપવામાં આવ્યો છે. વિડીયો જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં આજે એક યુવકે જીવ ગુમાવ્યો છે.
છ મહિના પહેલા જ બિહારથી વડોદરા આવ્યો
તપાસમાં સામે આવ્યું કે, આરોપી આયુષ શંભુ યાદવ બિહારમાં ધો. 12 સુધી અભ્યાસ કર્યો છે. તે છ મહિના પહેલા જ બિહારથી વડોદરા આવ્યો હતો. અને કોન્ટ્રાક્ટનાં કામ કરતો હતો. અને સાથીઓ સાથે ઉંડેરાની બંધ શાળામાં રહેતો હતો.
આ પણ વાંચો -- VADODARA : સમોસાની ફેક્ટરીમાં રૂંધાતુ બાળપણ મુક્ત કરાવાયું