VADODARA : સ્પોર્ટસ બાઇકના હપ્તા કાઢવા ATM માંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ
VADODARA : સ્પોર્ટસ બાઇકના હપ્તા કાઢવા માટે યુવકે એટીએમ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મામલે ગુનો નોંધાયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા આરોપી યુવકને પકડી લેવામાં આવ્યો છે. જે બાદ તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રૂ. 75 હજારનું નુકશાન પહોંચાડવામાં આવ્યું
3 એપ્રિલના રોજ રાત્રે શહેરના વાઘોડિયા રોડ પર આવેલા પુનમ કોમ્પલેક્ષ નજીક આવેલા વૃંદાવન કોમ્પલેક્ષમાં આવેલા એટીએમને રાત્રે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એટીએમના પાસવર્ડ બટન, ડિવાઇઝ અને ડિજીટલ લોક તથા વાયરોનો રૂ. 75 હજારનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન રિસોર્સીસ આધારિત તપાસ આગળ ધપાવી હતી.
જલ્દીથી મોટી રકમ મેળવવા ચોરી
જેમાં ધ્યાને આવ્યું કે, આરોપી સ્પોર્ટસ બાઇક લઇને ચોરી કરવા માટે આવ્યો હતો. જે બાદ તપાસ લંબાવવામાં આવતા રમેસભાઇ મેલસિંગભાઇ માળી (ઉં. 22) (રહે. સાંઇનાથ નગર, ગાજરાવાડી, વડોદરા) સુધી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી. શરૂઆતમાં તો તેણે કંઇ પણ કહેવા અંગે ગલ્લા-તલ્લા કર્યા હતા. પછી ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ કરતા જ તેણે વટાણા વેરી દીધા હતા. તેણે જણાવ્યું કે, 6 મહિના પહેલા સ્પોર્ટસ બાઇક તેણે લોન પર લીધી છે. બાઇક લોનના પૈસા ભરવા માટે તેની પાસે રૂપિયા ન હોવાથી અને જલ્દીથી મોટી રકમ મેળવવા માટે તેણે એટીએમમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો
જો કે, એટીએમમાંથી પૈસા મેળવવામાં નિષ્ફળતા મળતે તે ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ચોરીમાં એટીએમના પાસવર્ડ બટન, ડિવાઇઝ અને ડિજીટલ લોક તથા વાયરોનો રૂ. 75 હજારનું નુકશાન પહોંચ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લઇને તેની પાસેનું સ્પોર્ટસ બાઇક જપ્ત કર્યું છે. જે બાદ તેને વધુ તપાસ અર્થે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : અસંખ્ય ગાયોને ડાઇનિંગ ટેબલ પર કેરીના રસનું જમણ પીરસાયું