VADODARA : 20 વર્ષ જૂના કોમ્પલેક્ષની બાલ્કની મધરાત્રે ધરાશાયી
VADODARA : વડોદરા (VADODARA) ના સુશેન રિંગ રોડ પર આવેલા ઉનડદીપ કોમ્પલેક્ષના એ ટાવરની બાલ્કનીની છત મોડી રાત્રે ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. કોમ્પલેક્ષના નીચેના ભાગે દુકાનો આવેલી છે. અને જે બાલ્કનીની છત પડી તેનો ઉપયોગ ટ્યુશન ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓ કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ કોમ્પલેક્ષની જર્જરિત હાલતને લઇને પાલિકામાં અગાઉ રજૂઆત કરવામાં આવી ચુકી છે. ગતરાત્રે સર્જાયેલી સ્થિતી બાદ હવે આગળ પાલિકા તંત્ર શું કાર્યવાહી હાથ ધરે છે તે જોવું રહ્યું.
અનેક રહીશોની રાત ભયમાં વિતી
વડોદરામાં તાજેતરમાં હરણી લેક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બાદ શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો ચર્ચામાં છે. અને પાલિકા તંત્ર દ્વારા નોટીસ આપવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. તે વચ્ચે આજે મધરાત્રે તરસાલી વિસ્તારમાં આવેલા 20 વર્ષ જૂના ઉનડદીપ કોમ્પલેક્ષના એ ટાવરની બાલ્કનીની છત મોડી રાત્રે ધરાશાયી થઇ છે. આ ઘટનાને કારણે અનેક રહીશોની રાત ભયમાં વિતી છે. હવે આ મામલે પાલિકા તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે.
વર્ષ 2018 માં પાલિકામાં અરજી કરી
સ્થાનિક જણાવે છે કે, ઉનડદીપ કોમ્પલેક્ષના એ ટાવરમાં રાત્રે દોઢ વાગ્યે છત ધરાશાયી થઇ છે. સિક્યોરીટી જવાને આ અંગેની જાણ કરી હતી. અગાઉ પણ નાનુ-મોટુ તુટ્યુ હોવાથી તેની વાતને હળવાશથી લીધી હતી. સવારે પાંચ વાગ્યે આવીને જોયું તો આટલું મોટું તુટેલું હતું. જો આ ઘટના સવારે બની હોત તો અંદાજે 10 જેટલા લોકો મુશ્કેલીમાં મુકાઇ શકત. આ કોમ્પલેક્ષ 20 વર્ષ પહેલા બન્યું છે. વર્ષ 2003 માં બન્યું છે. અગાઉ કોમ્પલેક્ષની મરામત કરવામાં આવી હતી. વર્ષ 2018 માં પાલિકામાં અરજી કરી હતી, જેમાં જણાવ્યું કે, અમારા કોમ્પલેક્ષની હાલત જર્જરિત છે. તેની સ્થિતી જાણી લેવા વિનંતી છે.
કોમ્પલેક્ષ ઉતારીને નવુ બનાવવામાં આવે
વધુમાં તેઓ જણાવે છે કે, પાલિકાની ટીમે આવીને 40 વર્ષ સુધી માળખાને કંઇ નહિ થાય તેમ જણાવ્યું હતું. કોમ્પલેક્ષના ઉપરના ભાગે ક્લાસીસ આવેલા છે. 200 જેટલા વિદ્યાર્થીઓ અહિંયા આવે છે, તેમના આવવા-જવા માટે છતના રસ્તાનો ઉપયોગ કરતા હતા. આખુ કોમ્પલેક્ષ ઉતારીને નવુ બનાવવામાં આવે તો યોગ્ય છે. આ દુર્ઘટના બાદ ફરી શું થશે તેની કોઇ જવાબદારી નહિ. આગળ પણ સ્થિતી ખરાબ છે.
આ પણ વાંચો -- VADODARA : ઉભરાતી ગટરની સ્થિતી વચ્ચેથી અંતિમયાત્રા પસાર થવા મજબૂર