સુરત : ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર આરોપી ઝડપાયો
સુરતના ખટોદરા વિસ્તારમાં કરોડોની છેતરપીંડી આચરનાર ઈસમ છેલ્લા ત્રણેક મહિનાથી નાસતો ફરતો હતો. તે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી પ્રવીણ જેઠા પટેલ નામના ઈસમને ઝડપી પાડી સુરત ખાતે લાવી ખટોદરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરમાં દિન પ્રતિદિન છેતરપીંડીની ઘટના વધી રહી છે. લોકોને વિવિધ લાલચ આપી વિશ્વાસ કેળવી છેતરપીંડી આચરવામાં આવી રહી છે. તેવી જ એક ઘટના સુરતના ખટોદરા પોલીસ મથકમાં બની હતી. ખટોદરા વિસ્તારમાં આરતી સિલ્ક મિલમાં કાપડ મંગાવી રૂપિયા પરત નહીં આપતા પિયુષ બારડોલી વાળાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પિયુષ ભાઈના સવા બે કરોડ રૂપિયા બાકી રકમ આપતા ના હોવાથી દિનેશ પટેલ ,ભરત પટેલ અને પ્રવીણ પટેલ નામના ઈસમો સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ખટોદરા પોલીસ તપાસ કરી રહી હતી. દિનેશ પટેલ અને ભરત પટેલ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા હતા જ્યારે પ્રવીણ પટેલ ત્રણેક મહિનાથી ફરાર હતો. આ દમિયાન પ્રવીણ પટેલ સુરતના અલથાનમાં રહેતો હોવાનુ સામે આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તપાસને વેગ આપ્યો હતો. આ તપાસમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. તપાસ દરમ્યાન સામે આવ્યુ હતું કે, પ્રવીણ પટેલે અમદાવાદમાં પણ છેતરપીંડી આચરી હતી. જેથી અમદાવાદમાં પણ પ્રવીણ પટેલ સામે સવા કરોડ ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ફરાર પ્રવીણ પટેલ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં છુપાયેલો છે. જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી પ્રવીણ જેઠા પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે બને જગ્યાએથી અંદાજીત પોણા ચાર કરોડની છેતરપીંડી આચરી આરોપી નાસતો ફરતો રહ્યો હતો. જેને લઈ બાતમીના આધારે પ્રવીણ જેઠા પટેલ સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પ્રવીણને સુરત લાવી ખટોદરા પોલીસને સોંપ્યો હતો. આમ આરોપી પ્રવીણ પટેલ ઝડપાઇ જતા અમદાવાદ અને સુરતના ગુનાના ભેદ ઉકેલાયા હતા. હાલ પોલીસે આરોપી પ્રવીણને જેલ હવાલે કરી કોર્ટ માંથી રિમાન્ડની માંગ કરી છે. જેથી અગાઉ આ આરોપીએ ક્યાંય છેતરપીંડી આચરી છે કે કેમ તે જાણી શકાય.
અહેવાલ : આનંદ પટણી, સુરત
આ પણ વાંચો : વડોદરાના દર્શનાર્થીઓને બિહારમાં નડ્યો અકસ્માત, એકનું મોત, બસ ચાલક ફરાર