Kankaria Carnival 2023 : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો શુભારંભ, રામ મંદિર સાથે સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં આજથી વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023નો પ્રારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આયોજિત કાંકરિયા કાર્નિવલનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. 25થી 31 ડિસેમ્બર સુધી યોજાનારા આ કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પહેલા દિવસે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ વગાડવામાં આવ્યું છે. આ સાથે બાલનગરી અને બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ પણ કરાયો હતો. કાંકરિયા કાર્નિવલના શુભારંભ નિમિત્તે મેયર પ્રતિભા જૈન, ડે. મેયર જતિન પટેલ, સ્ટે. કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓએ હાજરી આપી હતી.
કાંકરિયા ખાતે યોજાનાર કાર્નિવલના પહેલા દિવસે લોકોની ભારે ભીડ જોવા મળી. બાળકો માટે તૈયાર કરવામાં આવેલ એડવેન્ચર ગેમ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ સાથે સ્વચ્છ ભારત, મારું શહેર-સ્વચ્છ શહેર સેલ્ફી પોઇન્ટ અને ચંદ્રયાન અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ ખાતે લોકો મોટી સંખ્યામાં સેલ્ફી લેતા નજરે પડ્યા. પ્રવેશ દ્વાર પર રામ ધનુષ્યનું પ્રતિક પણ મૂકાયું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જણાવી દઈએ કે, કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે વાસુદેવ કુટુમ્બકમ થીમ પર આધારિત સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો. સાથે જ પ્રથમ દિવસે જ કલાકાર યોગેશ ગઢવીના તાલે મહિલા કાઉન્સિલરો ગરબે ઘૂમ્યા હતા.
26થી 31 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ યોજાશે
26 ડિસેમ્બરે બોલિવૂડ ગીત સંગીત કાર્યક્રમ યોજાશે, જેમાં અરૂણ દેવ યાદવ હાજરી આપશે. જ્યારે 27 ડિસમ્બરે કિર્તીદાન ગઢવી દ્વારા લોક સાહિત્ય ડાયરાની જમાવટ કરવામાં આવશે. 28 ડિસેમ્બરે દિવ્યા ચૌધરી દ્વારા ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ થશે. 29 ડિસેમ્બરે કલાકાર પાર્થ ઓઝા દ્વારા હિન્દી અને ગુજરાત ગીતોની જમાવટ કરાશે. 30 ડિસેમ્બરે રવીન્દ્ર જોની દ્વારા કોમેડી શો અને મીરાંદે શાહ દ્વારા લાઇવ મ્યુઝિકલ કોન્સર્ટ યોજાશે. અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે બંકિમ પાઠક દ્વારા 'એક યાદ રફી કે બાદ' અને વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.
કાંકરિયા કાર્નિવલના આકર્ષણ
કાંકરિયા કાર્નિવલના આકર્ષણોની વાત કરીએ તો ગેટ નં. 1 પર પુષ્પકુંજ, સ્ટેજ નં. 2 પર બાલવાટિકા અને સ્ટેજ નં. 3 વ્યાયામ વિદ્યાલય ખાતે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલ-2023 દરમિયાન 25થી 31 ડિસેમ્બર સુધી રોક બેન્ડ, ડાન્સ પર્ફોર્મન્સ, લોક સાહિત્ય ડાયરો, ડ્રામા પર્ફોર્મન્સ, ડોગ શો, યોગા, હાસ્ય દરબાર, મેજીક શો, લેસર બીમ શો સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલને લઈ જાહેરનામું
જણાવી દઈએ કે, કાંકરિયા કાર્નિવલ-2023ના કારણે કેટલાક વિસ્તારને નો પાર્કિંગે, નો સ્ટોપ અને નો યુ-ટર્ન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કાંકરિયા તળાવની આસપાસ માલવાહક અને પેસેન્જર વાહનો પર સવારે 8થી રાત્રીના 1 વાગ્યા સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 25થી 31 ડિસેમ્બર સુધી આ જાહેરનામું અમલી રહેશે. જણાવી દઈએ કે, કાંકરિયા કાર્નિવલને લઈ કાંકરિયા લેક ખાતે 3 કન્ટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે સુરક્ષા વ્યવસ્થાનને ધ્યાનમાં રાખીને 120 જેટલા કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. તમામ પ્રવેશ દ્વાર, સ્ટેજ તેમ જ તમામ મુખ્ય પોઈન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - અમદાવાદીઓ સાવચેત રહેજો! આ વિસ્તારમાં નવા 5 કેસ નોંધાયા