Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : પરમ વિશુદ્ધિજી મહાસતીજીના મુક્તાવલી મહાતપ 285 ઉપવાસનો પારણા મહોત્સવ યોજાયો

અહેવાલ -સાગર ઠાર , જુનાગઢ' જૂનાગઢની ગિરનારની ભૂમિ પર જૈન સમાજમાં એક ઈતિહાસ રચાયો, માત્ર 22 વર્ષની વયે 285 ઉપવાસ કરતાં સાધ્વીરત્ના વિશુદ્ધિજી મહાસતીજીના મહાતપનો તપોત્સવ યોજાયો, સમગ્ર જૈન સમાજને નતમસ્તક કરી દેનારી તપસ્યા કરનાર રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજના શિષ્યા...
junagadh   પરમ વિશુદ્ધિજી મહાસતીજીના મુક્તાવલી મહાતપ 285 ઉપવાસનો પારણા મહોત્સવ યોજાયો
અહેવાલ -સાગર ઠાર , જુનાગઢ'
જૂનાગઢની ગિરનારની ભૂમિ પર જૈન સમાજમાં એક ઈતિહાસ રચાયો, માત્ર 22 વર્ષની વયે 285 ઉપવાસ કરતાં સાધ્વીરત્ના વિશુદ્ધિજી મહાસતીજીના મહાતપનો તપોત્સવ યોજાયો, સમગ્ર જૈન સમાજને નતમસ્તક કરી દેનારી તપસ્યા કરનાર રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજના શિષ્યા અને ગોંડલ સંપ્રદાયના સૌથી નાની વયના સાધ્વીરત્ના પરમ વિશુદ્ધિજી મહાસતિજીએ માત્ર 22 વર્ષની નાની વયમાં અને માત્ર 18 મહિનાની દીક્ષા પર્યાય માં સમગ્ર સ્થાનકવાસી સમાજમાં 285 ઉપવાસ સાથેની મુક્તાવલી મહાતપની અતિ ઉગ્ર આરાધના નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી અને તેમની શોભાયાત્રા સાથે પારણાં મહોત્સવ ઉજવાયો હતો.
માત્ર 22 વર્ષની ઉંમરે અને માત્ર 18 વર્ષના સંયમ પર્યાયી મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના તપની અનુમોદના કરવા માટે પૂજ્ય શ્રી કલ્પનાબાઈ મહાસતીજીની ઉપસ્થિતિ સાથે દેરાવાસી પંથના આચાર્ય ભગવંત શ્રી જયસુરિશ્વરજી મહારાજા, આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસુરિશ્વરજી મહારાજ, જૂનાગઢમાં સ્થિત વિવિધ આશ્રમોના સંતો મહંતો, મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર શ્રી રાહુલેશ્વરાનંદજી તથા તમામ સમાજના આગેવાનો, ધારાસભ્ય સંજય કોરડીયા, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, ડિસ્ટ્રિક્ટ જજ નરેશજી જૈન સહીતના હજારો ભાવિકો આ ઐતિહાસિક અવસરમાં જોડાયા હતા. ગિરનારની તળેટીમાં આવેલ જૈન સમાજના પારસધામ ખાતે મહાતપસ્વી મહાસતીજીના પારણા પ્રસંગે એમના તપની અનુમોદના કરતી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગજરાજ સાથે વાજતે ગાજતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા, અને શોભાયાત્રા બાદ પારણાં મહોત્સવ યોજાયો હતો.
Image preview
જૈન ધર્મનું અવિભાજ્ય તત્ત્વ એટલે તપ, ધર્મ અને તપસ્યા... અને તપસ્વી આત્માના પુરુષાર્થની પ્રશસ્તિ કરતો આ અવસર હતો, તપસ્વી મહાસતીજીની દીર્ધ તપશ્ચર્યાની અનુમોદના રૂપે આજીવન ફ્રિજના ઠંડા પાણીનો ત્યાગ કરવાની પ્રેરણાથી ઉપસ્થિત હજારો ભાવિકોએ મહાતપસ્વી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના શ્રીમુખેથી પ્રત્યાખ્યાન કર્યું હતું.
Image preview
આ પારણાં મહોત્સવ એટલા માટે મહત્વનો હતો કે છેલ્લા 500 વર્ષમાં જૈન સમાજમાં આટલી કઠીન તપસ્યા કોઈએ કરી નથી ત્યારે માત્ર 22 વર્ષની વયે અને હજુ દોઢ વર્ષથી જેમણે દીક્ષા લીધી છે એવા સાધ્વીરત્ના વિશુદ્ધિજી મહાસતીજીએ 285 ઉપવાસ કરીને મુક્તાવલી મહાતપની આરાધના કરી છે જે એક વિશ્વ વિક્રમ છે અને આ વિશ્વ વિક્રમ જૂનાગઢની ધરતી પર સ્થપાયો, વર્લ્ડ રેકોર્ડની ટીમ તરફથી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની તપશ્ચર્યાને વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટર કરીને તેનું પ્રમાણપત્ર રાષ્ટ્રસંત  શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
Image preview
પારણાં મહોત્સવ નીમીત્તે સજાવેલી ડોલીમાં શાલના વધામણા કરવામાં આવ્યા હતા, અવંતિભાઈ કાંકરિયા અને હિતેનભાઈ મહેતાના પરિવાર દ્વારા મહાતપસ્વી મહાસતીજીને શાલ અર્પણ કરવામાં આવી હતી, બાદમાં ઉપસ્થિત પદાધિકારીઓએ શાલ અર્પણ કરીને મહાતપસ્વી મહાસતીજીની અનુમોદના કરી હતી. રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શિષ્યા સાધ્વીરત્ના પરમ વિશુદ્ધિજી મહાસતિજીના 285 ઉપવાસ નીમીત્તે 285 વખત તેમનો જયકાર કરવામાં આવ્યો હતો અને પ્રથમ તેમના ગુરૂ અને બાદમાં હજારો ભાવિકોએ પોતાના ઘરેથી બનાવીને લાવેલા સાકર જળથી મહાતપસ્વી પરમ વિશુદ્ધિજી મહાસતીજીને પારણાં કરાવ્યા હતા. આ તપોત્સવમાં જૂનાગઢમાં ચાતુર્માસ વિતાવતાં પૂજ્ય શ્રી ભવિતાબાઈ મહાસતીજી અને પૂજ્ય શ્રી જયણાબાઈ મહાસતીજીના 25 ઉપવાસના પારણા પણ કરાવવામાં આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.