Food Raid News: ગાંધીનગરથી પાલનપુર લઇ જવામાં આવી રહેલા બિન-આરોગ્યપ્રદ દૂધનો જથ્થો ઝડપાયો
Food Raid News: રાજ્યમાં વધુ એક સ્થળેથી ભેળસેળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીનગરથી સાબરકાંઠા જઈ રહેલા એક ટેન્કરમાંથી દૂધથી બનેલી વિવિધ વસ્તુંઓનો બિન-આરોગ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
- ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો
- માલિકની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા
- બાતમીના આધારે અધિકારીઓએ ટેન્કરને ઝડપી પાડ્યું
- દુધથી બનેલી વિવિધ વસ્તુંઓને નાશ કરવામાં આવી
ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગરમાંથી જથ્થો મળી આવ્યો છે. આશરે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો રૂ. ૮૩,૦૦૦ ની કિંમતનો ૩૦૭ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
માલિકની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા
તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. આ ટેન્કર પાલનપુરના મિલ્ક પ્રોડક્ટ્સને દૂધ પૂરું પાડવા જઈ રહ્યું હતું. પેઢીના માલિક લક્ષ્મણભાઈ મોદીની હાજરીમાં દૂધના ૧૧ નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ દૂધનો રૂ. ૧.૬૮ લાખની કિંમતનો ૪૭૮૧ લીટર જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે અધિકારીઓએ ટેન્કરને ઝડપી પાડ્યું
આ દૂધનો જથ્થો ગાંધીનગરની ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા પેઢી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢી દ્વારા ઉત્પાદિત થતા દૂધની તપાસ કરતા તેમાં પણ માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. જેના આધારે પેઢીના મેનેજર મહેન્દ્રભાઈ શુક્લાની હાજરીમાં દૂધના ૭ અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો ૦૧ નમૂનો મળી કુલ ૦૮ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ. ૨.૫ લાખની કિંમતનો ૫,૦૦૦ લીટર દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
દુધથી બનેલી વિવિધ વસ્તુંઓને નાશ કરવામાં આવી
આ ઉપરાંત પેઢીમાંથી પનીર અને ચીઝ જેવી દૂધની બનાવટોની તપાસ કરતા તે પણ શંકાસ્પદ જણાઈ હતી. પેઢીમાંથી ચીજનો ૦૧ અને પનીરના ૦૨ મળી કુલ ૦૩ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. ૮૨,૯૭૬ ની કિંમતનો આશરે ૩૦૭ કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ સંજ્ય જોશી
આ પણ વાંચો: Organ Donation: અર્ધાંગિનીએ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક કર્યું દાન