ખેડૂતો બાજરીના બિયારણમાં છેતરાયા, વિચિત્ર કદ અને આકાર ધરાવતી બાજરી ઊગી નીકળતા ખેડૂતોને મોટુ નુકસાન
અહેવાલઃ નામદેવ પાટિલ, પંચમહાલ
ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ખેડૂતો હવે પોતાના ખેતરમાં વાવેતર ની તૈયારીઓની સાથે સાથે બિયારણની ખરીદી પણ કરતા હોય છે.પરંતુ આ વખતે બિયારણની ખરીદી કરતા પહેલા ચેતજો !!!! કારણ કે માર્કેટમાં હવે ડુપ્લીકેટ અને બિનગુણવત્તા યુક્ત બિયારણનો જથ્થો વેચાઈ રહ્યો છે.આવા બિયારણના વાવેતર બાદ ત્રણ થી ચાર મહિના બાદ જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખેડૂતને છેતરાયા હોવાનો અહેસાસ થાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.આવું જ કઈક થયું છે પંચમહાલના શહેરા તાલુકાના બીલીથા અને આસપાસના ખેડૂતો સાથે.આજથી અંદાજિત પાંચેક મહિના પહેલા આ વિસ્તારના ખેડૂતોએ બાજરીના બિયારણમાં મોટું નામ ધરાવતી પાયોનિયર બ્રાન્ડનું 86M11 બિયારણ હોંશે હોંશે ખરીદીને પોતાના ખેતર માં વાવ્યું હતું.
શહેરાના બીલીથા ગામ ના પુનમભાઈ માછી એ પણ ગત ફેબ્રુઆરી માસ માં બાલાસિનોર ના શક્તિ પેસ્ટીસાઇઝ્ડ નામની એગ્રો દુકાન માંથી 6 પેકેટ પાયોનિયર બ્રાન્ડ નું 86M11 બાજરીનું બિયારણ રૂપિયા 3900 માં ખરીદી કર્યું હતું.જેના બાદ પોતાની 3 એકર જેટલી જમીન માં વાવી તેની પાછળ પાણી મુકવા,ખાતર નાખવા સહિત નો ખર્ચ અને અંદાજિત 3 મહિનાની મહેનત કરી હતી.પૂનમ ભાઈને દુકાનદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સારી બ્રાન્ડનું બિયારણ છે એટલે વિધે 40 મણ બાજરીનો ઉતારો આવશે.
મોટી આશા ઓ સાથે બ્રાન્ડેડ બિયારણ થી કરેલ બાજરી ની ખેતી નો પાક તૈયાર થતા જે પરિણામ આવ્યું તે જોઈ પુનમ ભાઈ સહિત આસપાસ ના ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા હતાં.બાજરી ના છોડ પર બાજરી ના ડુંડા ની જગ્યા એ કઈક વિચિત્ર કહી શકાય તેવો પાક જોવા મળ્યો હતો. પુનમભાઈ સહિત આસપાસ ના ઘણા ખેડૂતો ને પાયોનિયર બ્રાન્ડ નું 86M11 બાજરી નું બિયારણ વિધે 20-25 હજાર નો ફાયદો કરાવવા ની જગ્યા એક વિઘા માં અંદાજિત 70 હજારનું નુકસાન કરાવી ગયું હોવાના આક્ષેપો કરી રહ્યા છે.પુનમભાઈ એકલા ને જ 3 થી 4 લાખ નું નુકશાન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
ખરાબ કે ડુપ્લીકેટ બીયારણનો ભોગ બનનાર એવા પુનમભાઈ સહિત તમામ ખેડૂતો આવા ખરાબ અને બિનગુણવત્તા યુક્ત બિયારણો વેચનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.તો સાથે જ હાલ તેઓને જે નુકશાન થયું છે તેનું વળતર પણ તાત્કાલિક મળે તેવી માંગણી કરી રહ્યા છે.અને જો કોઈ પણ પગલા નહિ લેવાય તો દેવાના બોજ તળેલા દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ત્યારે હાલ સમગ્ર મામલે પંચમહાલ જિલ્લાના અને મહીસાગર જિલ્લાના અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે સંલગ્ન વિભાગની આંખ ક્યારે ખુલશે અને ક્યારે સમગ્ર મામલે તપાસ કરી જગતના તાત કહેવાતા ખેડૂતોને ન્યાય આપાશે .