Elections 2023 : ચૂંટણીના પરિણામો પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું ?
દેશમાં આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાંથી ત્રણમાં ભાજપની સરકાર બની શકે તેવા સંકેત મળી રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનના કારણે દેશભરમાં તેની ઉજવણી નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજસ્થાનનના સહપ્રભારી નીતિનભાઈ પટેલે કહ્યું કે, સમગ્ર દેશમાં ઘણા સમયથી ભારતની જનતા જેની રાહ જોતી હતી તે શુભ દિવસ આજે છે. આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. મોટાભાગની ગણતરીના રાઉન્ડ પૂર્ણ થશે. આનંદ છે ગૌરવ છે ભાજપની ત્રણ રાજ્યોમાં સરકાર બનવા જઈ રહી છે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ,યૂપીના સીએમ, મધ્યપ્રદેશના સીએમ તમામ અને ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી છે.
નીતિન પટેલે શું આપ્યું નિવેદન
નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં અમારી સરકાર યથાવત રહેશે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચારને જનતાએ નકાર્યો છે. EVM દ્વારા જનતાનો પ્રતિસાદ સામે આવ્યો છે. મને સહપ્રભારી બનાવ્યો તે બેઠકો ઉપર અમારા કાર્યકરો, પ્રભારી પ્રહલાદ જોશી, પક્ષના મહામંત્રી અને હોદ્દેદારોએ જે મહેનત કરી છે તે રંગ લાવી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોડલ રાજસ્થાનમાં કામ લાગ્યું છે. પ્રધાનમંત્રીએ અનેક રેલી અને સંબોધન કરી લાખો કાર્યકરો સુધી પહોંચ્યા છે. ભાજપની સરકાર રાજસ્થાનમાં જરૂર બનશે. પ્રજા જે વિકાસ ઝંખી રહી છે તે વિકાસ હવે મળવા તરફ છે.
ભાજપ જીત તરફ
મધ્યપ્રદેશની 230 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. સવારે 11 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 138 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 91 સીટો પર આગળ છે. છત્તીસગઢની તમામ 90 સીટો માટે પણ ટ્રેન્ડ આવી ગયો છે. સવારે 11 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 48 સીટો પર આગળ છે, જે સરકાર બનાવવા તરફ ઈશારો કરી રહી છે. કોંગ્રેસ 40 સીટો પર આગળ છે. રાજસ્થાનની 199 સીટો માટે ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રેન્ડ મુજબ ભાજપ 113 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 70 સીટો પર આગળ છે. તેલંગાણામાં, સવારે 11 વાગ્યા સુધીના વલણો અનુસાર, કોંગ્રેસ 65 બેઠકો પર આગળ છે, જ્યારે BRS 42 બેઠકો પર આગળ છે. 11 વાગ્યાના ટ્રેન્ડમાં ભાજપ 8 સીટો પર આગળ છે. તેલંગાણામાં કૉંગ્રેસની સરકાર બને તેવુ સ્પષ્ટ છે.
ચાર રાજ્યોમાંથી ત્રણમાં ભાજપની સરકાર બની શકે તેવા સંકેત મળી રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનના કારણે દેશભરમાં તેની ઉજવણી નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ શાનદાર જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં પણ થઈ રહી છે. ઢોલ અને નગારા સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા