PM મોદીએ માતા હીરાબાના પગ ધોઈને લીધા આશીર્વાદ, હવે પાવાગઢ મંદિર માટે થયા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે અને રૂ. 21,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જોકે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરા બાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે, આજે માતા હીરા બાનો જન્મ દિવસ છે. હીરા બા આજે 100 વર્ષના થઇ ગયા છે.
હીરા બાના જન્મ દિવસને લઇને વડાપ્રધાન ગાંધીનગર ખાતે માતા હીરા બાના નિવાસ સ્થાને પહોંચ્યા અને ત્યાં જઇ હીરા બાના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદીએ હીરા બાને સતાયુ પ્રવેશની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન મોદીએ માતાના આશીર્વાદ લીધા પછી રાજભવન માટે રવાના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આજે 100 વર્ષના થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી માતાને મળવા ગુજરાતના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન મોદીએ માતાના પગ ધોયા અને પછી પોતાના હાથે મીઠાઈ ખવડાવી. આ પછી વડાપ્રધાન પાવાગઢ મંદિર જવા રવાના થયા જ્યાં તેઓ માતા કાલીનું પૂજન કરશે. આ સાથે તેઓ આજે ગાંધીનગરના એક રોડનું નામ પણ હીરાબાના નામ પર રાખશે. આ રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામ આપવામાં આવશે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન શુક્રવારે રાત્રે ગાંધીનગર રાજભવનમાં રોકાયા હતા. શનિવારે વડાપ્રધાન વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં 21 હજાર કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પહેલા પાવાગઢ કાલિકા માતા મંદિરની મુલાકાત લેશે જ્યાં તેઓ દર્શન કરશે અને નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરશે. હીરાબાના 100 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં માત્ર મોદી પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર વડનગરમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને વડનગરના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા અને ડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચે તે પહેલા રાયસણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો - PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે