Science fiction : વિજ્ઞાન સાહિત્યને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડતા જીગર સાગર
- 'રહસ્યમય પ્રકાશ'ને નવલકથા સ્વરૂપમાં તૃતિય પારિતોષિક પ્રાપ્ત થયું
- વિજ્ઞાનમાં રૂચિ ન હોય એવા વાચકો પણ આ સાહસકથાનો રોમાંચ અનુભવી શકે
- આ અગાઉ AIને અનુલક્ષીને એક લઘુનવલ 'અસ્તિત્વનો અહેસાસ' પ્રકાશિત થઈ હતી
Science fiction : આપણાં ગુજરાતમાં વિજ્ઞાન સાહિત્યની ઉપલબ્ધતા અંગે હંમેશા દુષ્કાળની પરિસ્થિતિ હોવાની ફરિયાદ રહે છે પરંતુ હવે ક્રમશઃ એમાં પરિવર્તન આવતું જાય છે. એનો એક સંકેત એ પણ મળે છે કે તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ 2023 ના શ્રેષ્ઠ પુસ્તકોને પરિતોષિકો જાહેર થયા ત્યારે એમાં સાહિત્ય વિભાગમાં નવલકથા સ્વરૂપમાં ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના એક વહીવટી અધિકારી અને ભૌતિકશાસ્ત્રના અનુસ્નાતક, વિજ્ઞાન સાહિત્ય સર્જક જીગર સાગરની નવલકથા 'રહસ્યમય પ્રકાશ'ને નવલકથા સ્વરૂપમાં તૃતિય પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ વાત ગુજરાતી વિજ્ઞાન સાહિત્યમાં પોતે એક મહત્વની બાબત છે અને એક સરકારી વહીવટી અધિકારી, વિજ્ઞાન સાહિત્ય સર્જક હોય એવો સુખદ સંજોગ છે.
અગાઉ AIને અનુલક્ષીને 'અસ્તિત્વનો અહેસાસ' લખી હતી
જીગર સાગરે ગુજરાતના લોકપ્રિય વિજ્ઞાન સામાયિક ‘સફારી'માં ઓસ્ટ્રેલિયા ખંડના મધ્ય ભાગમાં દેખાતા ભેદી પ્રકાશ મીન-મીન અંગે એક લેખ વાંચ્યો અને એ લેખના વિજ્ઞાન તથા ઘટનાની આસપાસ કથા ગોઠવીને આ રહસ્યમય પ્રકાશની ઘટનાને ઉકેલવા માટે ભારતીય વૈજ્ઞાનિકોની ટીમ કેવી રોમાંચક સાહસ યાત્રા કરે છે એનું આલેખન કર્યું. વિજ્ઞાનમાં કોઈ રૂચિ કે કોઈ પણ ભૂમિકા ન હોય એવા વાચકો પણ આ સાહસકથાનો રોમાંચ અનુભવી શકે છે. એમની આ વિજ્ઞાન નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમીનું ત્રીજું પારિતોષિક પ્રાપ્ત થયું એ આનંદદાયક વાત છે. જીગર સાગરે આ અગાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વિષયને અનુલક્ષીને પણ એક લઘુનવલ 'અસ્તિત્વનો અહેસાસ' લખી હતી. જે આ રીતની કદાચ પ્રથમ ગુજરાતી લઘુનવલ હશે. હાલમાં જ તેમની એક ત્રીજી વિજ્ઞાન નવલકથા 'હાઈઝેનબર્ગ ઈફેક્ટ' પણ પ્રકાશિત થઈ છે. જેમાં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિપ્રેક્ષ્યમાં અણુબોમ્બના નિર્માણની કથા અને શક્યતાના તાણાંવાણા ગૂંથી એ યુદ્ધના કાલ્પનિક પરિણામની કથા લખી છે.
youtube વિડીયોને દોઢ કરોડથી વધારે દર્શકો મળ્યા
વિજ્ઞાન સાહિત્ય સર્જક તરીકે જીગર સાગર પ્રતિલિપિ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય છે. તેમણે લખેલી ટૂંકી વિજ્ઞાનકથાઓ પરથી બનેલા youtube વિડીયોને દોઢ કરોડથી વધારે દર્શકો મળ્યા છે. આ વાત એ દર્શાવે છે કે તેઓ માત્ર લેખક જ નહીં, પરંતુ સૈદ્ધાંતિક અને પ્રાચીન વિજ્ઞાનને એક નવી ભાષામાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતી વિજ્ઞાન સાહિત્ય ક્ષેત્રે જીગર સાગરના પ્રયાસો પ્રશંસનીય છે અને તેઓ પાસે ભવિષ્યમાં માતબર પ્રદાનની આ ક્ષેત્રમાં આશા રાખી શકાય એમ છે.
વિજ્ઞાન સાહિત્ય ક્ષેત્રે જીગર સાગરનું યોગદાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. તેમનુ આ ક્ષેત્રે અનોખુ સંશોધન અને આ ક્ષેત્ર માટેની તેમની શ્રેષ્ઠ દૃષ્ટિ સાહિત્યિક અને વૈજ્ઞાનિક બંને દૃષ્ટિકોણથી અનોખું છે. તેઓ ફક્ત એક સક્ષમ વહીવટી અધિકારી જ નથી, પરંતુ સાથે જ વિજ્ઞાન સાહિત્યના સર્જક તરીકે પણ ઓળખીતા બન્યા છે. તેમણે ગુજરાતી વિજ્ઞાન સાહિત્યમાં એક નવો દ્રષ્ટિકોણ દાખલ કર્યો છે, જે સકારાત્મક રીતે પ્રગટાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Grok 3એ લોન્ચ કર્યું વોઇસ મોડ, આ AI ગુસ્સો પણ કરશે અને...!