ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બજેટ સત્રનું અવનવું, "પરેશભાઇને કહો હવે એ નેતા નથી એમને માત્ર વહેમ છે."

1. અધ્યક્ષે આરોગ્ય મંત્રીને ટપાર્યાપ્રશ્નોત્તરી કાળ દરમિયાન નર્મદા યોજનાની કેનાલોના બાકી કામ અંગે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશના સવાલના જવાબમાં મુખ્યમંત્રીના બદલે જવાબ આપી રહેલા મંત્રી ઋષિકેશ પટેલને અધ્યક્ષે ટપાર્યા હતા. નર્મદા કેનાલના બાકી કામ સંદર્ભે મંત્રી લાંબો જવાબ આપી રહ્યા હતા દરમિયાન તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના એવો શબ્દપ્રયોગ કર્યો કે કેનાલનું કામ બાકી à
01:30 PM Mar 03, 2022 IST | Vipul Pandya
1. અધ્યક્ષે આરોગ્ય મંત્રીને ટપાર્યા
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નર્મદા યોજનાની કેનાલોના બાકી કામ અંગે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશના સવાલના જવાબમાં મુખ્યમંત્રીના બદલે જવાબ આપી રહેલા મંત્રી ઋષિકેશ પટેલને અધ્યક્ષે ટપાર્યા હતા. નર્મદા કેનાલના બાકી કામ સંદર્ભે મંત્રી લાંબો જવાબ આપી રહ્યા હતા દરમિયાન તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના એવો શબ્દપ્રયોગ કર્યો કે કેનાલનું કામ બાકી હોવાનો આક્ષેપ થાય છે પણ નર્મદા બંધની ઊંચાઇ વધારવા માટે વર્ષો સુધી પરવાનગી અપાતી ન હતી તે ગુજરાતની કમનસીબી છે. તેમના આ નિવેદનથી કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવતા અધ્યક્ષા નીમાબેન આચાર્યએ મંત્રીને ટપારતા કહ્યું કે રાજકીય અવલોકન વગર શોર્ટમાં જવાબ આપો.
2. ત્રણ મિનિટ લાંબા સવાલ સામે જવાબ લાંબો જ મળે: મહેસૂલમંત્રી 
નર્મદા યોજનાની કેનાલોના બાકી કામ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં જ 20 મિનિટ નીકળી જતા કોંગ્રેસના ધારાસભ્યોએ મંત્રીના લાંબા જવાબ સામે વાંધો ઉઠાવ્યો. સવાલ કરનાર ધારાસભ્ય પુંજા ભાઈ વંશે અધ્યક્ષને આ મુદ્દે રજૂઆત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વચ્ચે જ ઉભા થઇ ગયા અને બોલ્યા કે તમે ત્રણ મિનિટ સુધી સવાલ બોલી રહ્યા હતા તો તમને લાંબા જવાબ સામે શુ વાંધો છે?  
3. કોંગ્રેસ સાંભળવાની તૈયારી પણ રાખે
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નર્મદા યોજનાની કેનાલોનું બાકી કામ અંગેના પ્રશ્નની ચર્ચા દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ નો જવાબ પૂર્ણ થતા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ પોતાના પ્રશ્નના પ્રારંભે કહ્યું કે, મંત્રીશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો છે તેમનું આ વાક્ય સાંભળતાં જ વિપક્ષે હોબાળો મચાવતા શશીકાંત પંડ્યા ગુસ્સા સાથે જણાવ્યું વિપક્ષ લાંબો સવાલ કરે છે તો સામે જવાબ સાંભળવાની પણ ટેવ પાડવી પડે.
4. અમે સારા કામને પ્રોત્સાહન આપીએ છીએ
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નર્મદા કેનાલના બાકી કામ અંગેના પ્રશ્નની ચર્ચા દરમિયાન એવું બોલી ગયા કે ગત વિધાનસભામા મારા વિસ્તારમાં કામગીરી અંગે મે માગણી કરી હતી અને તે કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમના નિવેદનથી કોંગ્રેસના ધારાસભ્યો છોભીલા પડી ગયા હતાં, અને ભાજપના ધારાસભ્યો એ તેમની વાતને વધાવતા કહ્યું કે સરકારનો આભાર માનો. ગેનીબેને સરકારનો આભાર માનતા જ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ તરત કોમેન્ટ પાસ કરતા કહ્યું, "અમે સારી કામગીરી ને બિરદાવીએ છીએ." 
5. પરેશભાઇને કહો હવે એ નેતા નથી
ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ પણ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ પ્રશ્નોત્તરીના પ્રશ્ન ક્રમાંક 5 નો મુદ્દો ઉઠાવી પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો હતો. તેમની દલીલોના કારણે અંદાજપત્ર રજૂ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી અધ્યક્ષ અને મંત્રીઓ તેમને આ વિવાદ પડતો મૂકવા સમજાવી રહ્યાં હતાં, પરંતુ પરેશ ધાનાણીએ બોલવાનું ચાલુ જ રાખતા ભાજપના ધારાસભ્યએ બેઠા બેઠા જ કોમેન્ટ પાસ કરતા કહ્યું, "પરેશભાઇને કહો હવેએ નેતા નથી એમને માત્ર વહેમ છે."
6. પ્રદેશ ભાજપ અધ્યક્ષ બજેટ સાંભળવા પહોંચ્યા
વિધાનસભા ગૃહમાં નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું હતું, જેનો ઉત્સાહ શાસક પક્ષના ધારાસભ્યોના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરવાના હોઇ કનુભાઈનો સમગ્ર પરિવાર વિધાનસભા ગૃહ ખાતે બજેટ સાંભળવા પહોંચ્યો હતો. સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ 
સી. આર. પાટીલ અને પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા પણ વિધાનસભા પહોંચ્યા હતા, તેમણે અધ્યક્ષ ગેલેરીમાં બેસીને સમગ્ર બજેટ સાંભળ્યું હતું.
7. ગૃહ રાજ્યમંત્રીએ ગૃહમાં રક્ષણ માગ્યું
ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ડ્રગ્સ નેટવર્ક મુદ્દે વિપક્ષના ધારાસભ્યો એ ગૃહ રાજયમંત્રીનો જવાબ સાંભળવાના બદલે હોબાળો મચાવતા ગૃહ ગાજયું હતું. વિપક્ષના ધારાસભ્યો એ "અદાણી બંદર, ડ્રગ્સ અંદર" જેવા સૂત્રોચાર શરૂ કર્યા અને વેલમાં ધસી આવ્યા. કોંગ્રેસના ધારાસભ્યો ના સૂત્રોચ્ચાર સામે ભાજપના ધારાસભ્યોએ પણ ઉભા થઇ વળતા સૂત્રોચ્ચાર કરતા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. આવા માહોલ વચ્ચે ગૃહ રાજયમંત્રી સતત પોતાને સાંભળવાની વિનંતી કરી રહ્યા હતા પણ વિપક્ષના સભ્યો એકના બે ન થતા અંતે ગૃહ રાજયમંત્રી એ અધ્યક્ષ સમક્ષ હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, " અમારા જેવા નવા મંત્રીઓને સાંભળવામાં આવે અને મને ગૃહમાં રક્ષણ આપવામાં આવે."
Tags :
gandhinagerGujaratFirstvidhansabhasatravidhansbahanidiary
Next Article