ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈઓમાં સુધારા કરાયા, 10મી એપ્રિલથી થશે અમલ
- રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5000/- ની સ્ટેમ્પ ડ્યુટી
- વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5000/-ની સ્ટેમ્પ ડ્યુટી
- ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈઓના સુધારા 10મી એપ્રિલથી થશે અમલ
Gandhinagar: રાજ્ય સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈઓમાં સુધારા કર્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈઓના સુધારા 10મી એપ્રિલથી અમલ થશે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈઓમાં સુધારા
રાજ્યના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે. વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5000/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. રૂ. 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત / હાઈપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ. 8,00,000ની ડ્યુટીની હાલની જોગવાઈમાં વધારો કરીને તે રૂ. 15,00,000 કરવામાં આવી છે. જો કે એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ. 75,00,000 સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે, N.A.થશે માત્ર 10 દિવસમાં
રેસિડેન્સિયલ માટે ફિક્સ રૂ.500 અને કોમર્શિયલ માટે રૂ.1000ની સ્ટેમ્પ ડ્યુટી
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈઓમાં સુધારા અનુસાર હવે વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5,000ની ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક 2 ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની 4 ગણી રકમ વસૂલ કરવામાં આવશે. તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક 3 ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.500/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.1000/-ની ડ્યુટી ભરપાઈ કરવાની જોગવાઈ કરી છે.
હાઉસીંગ લોનધારકોને નાણાકીય બોજમાં ઘટાડો
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે. વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ Ahmedabad : જીવરાજ પાર્ક બાદ હવે પાનકોર નાકામાં આગનો બનાવ, રમકડાંની 3 દુકાન ભડભડ સળગી