વડોદરાના યુવકની પોલેન્ડમાં અનોખી સેવા, ભારતીયોને ભોજન પૂરું પાડે છે.
યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણ બાદ યુક્રેનમાં રહેતા 20 હજારથી વધુ ભારતીયોની સ્થિતી કફોડી બની હતી ત્યારે પોલેન્ડમાં રહેતા વડોદરાવાસી યુવકે પોતાની રેસ્ટોરન્ટનું ભોજન આવા ભારતીયો માટે ખુલ્લું મુક્યું હતું. પોલેન્ડની તુલસી રેસ્ટોરન્ટ હાલ ભારતીયો સહિત તમામ શરણાર્થીઓ માટે હોટ ફેવરીટ બની છે. વડોદરાના હિમાંશુ પટેલની સેવા રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ યુક્રેનમાંથી ભારતીયોàª
09:55 AM Mar 05, 2022 IST
|
Vipul Pandya

યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણ બાદ યુક્રેનમાં રહેતા 20 હજારથી વધુ ભારતીયોની સ્થિતી કફોડી બની હતી ત્યારે પોલેન્ડમાં રહેતા વડોદરાવાસી યુવકે પોતાની રેસ્ટોરન્ટનું ભોજન આવા ભારતીયો માટે ખુલ્લું મુક્યું હતું. પોલેન્ડની તુલસી રેસ્ટોરન્ટ હાલ ભારતીયો સહિત તમામ શરણાર્થીઓ માટે હોટ ફેવરીટ બની છે.
વડોદરાના હિમાંશુ પટેલની સેવા
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ યુક્રેનમાંથી ભારતીયોને વતન લાવવાના પ્રયાસો શરુ થયા છે. યુક્રેનમાં વિવિધ સ્થળોએ રહેતા લોકો તથા વિદ્યાર્થીઓને પોતાનું ઘરબાર છોડીને વતન પરત ફરવું પડયું છે. ગુજરાતી વિદ્યાર્થીઓ તથા ભારતીયો મોટી સંખ્યામાં યુક્રેનમાં રહેતા હતા અને તેમને તુરત જ યુક્રેન છોડવાનો વારો આવ્યો છે જેથી તેઓ પોતાનો સામાન લઇને પોલેન્ડ સરહદ તરફ આવી રહ્યા છે અને ત્યાં તેમની માટે ભારત સરકાર દ્વારા મદદ ઉભી કરવામાં આવી છે. બીજી તરફ પોલેન્ડમાં આવી રહેલા વિદ્યાર્થીઓ પોલેન્ડની રાજધાની WARSAW શહેરમાં પણ આવી રહ્યા છે. ઘણા ભારતીયો WARSAW શહેરમાં આવ્યા છે પણ તેમની પાસે પોલેન્ડનું ચલણ ના હોવાથી જમવા સહિતની મુશ્કેલીઓ નડી રહી છે અને આવા સમયે WARSAW શહેરમાં છેલ્લા 8 વર્ષથી રહેતા વડોદરાના હિમાંશુ પટેલે પોતાની તુલસી રેસ્ટોરન્ટમાં ભારતીયોને જમવાની સુવિધા પૂંરી પાડી છે.
ભારતીયોની સ્થિતી જોઇ ભોજન સેવા શરુ કરી
WARSAW શહેરમાં રહેતા હિમાંશુ પટેલે 'ગુજરાત ફર્સ્ટ' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યુક્રેનથી જે ભારતીયો પોલેન્ડ આવ્યા છે તે તેમનું બધું જ છોડીને આવ્યા છે અને યુક્રેનની કરન્સી પણ પોલેન્ડમાં ચાલતી ના હોવાથી પૈસા હોવા છતાં તેમને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાશું પટેલે કહ્યું કે તેઓ પોલેન્ડમાં 8 વર્ષથી રહે છે અને તેમના પત્ની પણ પોલેન્ડના છે. તેઓ છેલ્લા 6 વર્ષથી રાજધાની WARSAW શહેરમાં તુલસી રેસ્ટોરન્ટ ધરાવે છે અને 1 વર્ષ પહેલાં તેમણે આ જ રેસ્ટોરન્ટની બીજી બ્રાન્ચ પણ ખોલી છે. યુક્રેનથી આવી રહેલા ભારતીયોની સ્થિતી જોઇને તેમણે તેમને મદદ કરવાનું નક્કી કર્યું હતું અને તમામને તેઓ તેમની રેસ્ટોરન્ટમાંથી ભોજન બનાવીને પુરુ પાડી રહ્યા છે. ભારતીય ઉપરાંત પોલેન્ડમાં આવેલા યુક્રેનવાસીઓને પણ તેઓ મદદકરી રહ્યા છે.
આશરો લેનારાઓને પણ ફુડ પેકેટની સેવા
જે ભારતીયો રેસ્ટોરન્ટમાં આવે છે તેમને તો ભોજન તેઓ પુરુ પાડે જ છે પણ અન્ય ભારતીયો જે કોઇ સ્થળે WARSAW શહેરમાં આશરો લઇ રહ્યા છે તેમને પણ તેઓ ફુડ પેકેટ ભોજન પુરુ પાડે છે. ભારતીયોને રહેવાની સમસ્યામાં પણ તેઓ મદદ કરી રહ્યા છે. જયારથી યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો અને લોકો પોલેન્ડ તરફ આવી રહ્યા છે ત્યારથી તેમણે પોતાની આ અનોખી સેવા શરુ કરી હતી.
યુદ્ધ ચાલશે ત્યાં સુધી મદદ
તેમણે ફેસબુક અને વોટેસપ ગૃપમાં પોતાના આ નિર્ણય અંગે મેસેજ મુકયો હતો અને તેના દ્વારા જે પણ ભારતીય WARSAWમાં આવતો હતો તે તેમની પાસે પહોંચતો હતો. તેમણે કહ્યું હતું કે યુક્રેનની સ્થિતી ખરાબ છે અને મોટી સંખ્યામાં લોકો પોલેન્ડમાં આશરો લેવા આવી રહ્યા છે. સરકાર દ્વારા મોટી સંખ્યામાં રેસ્કયુ ઓપરેશન પણ ચાલી રહ્યુ છે. ઘણા લોકો WARSAW શહેરમાં આશરો લઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ યુદ્ધ ચાલશે ત્યાં સુધી તમામ લોકોની મદદ કરશે. તેઓ પોલેન્ડ યુક્રેનની સરહદ પર જઇને ત્યાં મહિલાઓને બેબી ફુડની પણ મદદ કરવાના છે તેમ તેમણે કહ્યું હતું.
(પુરક માહિતી, હાર્દિક દિક્ષીત, વડોદરા)