ગુમનામ સોર્સની માહિતી અને ઉંડી તપાસ બાદ 'ગુજરાત ફર્સ્ટ' પહોંચ્યું અંધશ્રદ્ધાની બલિની કડવી વાસ્તવિકતા પાસે
ઇન્વેસ્ટીગેટિવ રિપોર્ટીંગ (Investigative Reporting) શું કહેવાય તે ફરી એક વાર ગુજરાતની નામાંકિત ચેનલ ગુજરાત ફર્સ્ટે (Gujarat First) પુરવાર કર્યું છે. ગુજરાતમાં ખૂબ ટૂંકા ગાળામાં સમાચારોની દુનિયામાં આગવું સ્થાન જમાવનારી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હંમેશાં લોકોની સમસ્યા અને તેમની વ્યથા ઉજાગર કરતી રહે છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં બનેલી નાની બાળકીની તાંત્રિક વિધિ દ્વારા ચઢાવાયેલી બલિની ઘટનાને પણ તેટ
09:20 AM Oct 13, 2022 IST
|
Vipul Pandya
ઇન્વેસ્ટીગેટિવ રિપોર્ટીંગ (Investigative Reporting) શું કહેવાય તે ફરી એક વાર ગુજરાતની નામાંકિત ચેનલ ગુજરાત ફર્સ્ટે (Gujarat First) પુરવાર કર્યું છે. ગુજરાતમાં ખૂબ ટૂંકા ગાળામાં સમાચારોની દુનિયામાં આગવું સ્થાન જમાવનારી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હંમેશાં લોકોની સમસ્યા અને તેમની વ્યથા ઉજાગર કરતી રહે છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં બનેલી નાની બાળકીની તાંત્રિક વિધિ દ્વારા ચઢાવાયેલી બલિની ઘટનાને પણ તેટલી જ સંવેદનશીલતાથી ઉજાગર કરી છે. ગુજરાત ફર્સ્ટે આ ઘટનાને પ્રકાશમાં લાવીને નાની બાળકી ધૈર્યાને ન્યાય અપાવ્યો છે અને તેની હત્યા કરનારા આરોપીઓને જેલના સળિયા ગણાવ્યા છે.
ગુજરાત ફર્સ્ટે પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો
ગુજરાત ફર્સ્ટના વિનોદ દેસાઈ, હરેશ ભાલીયા અને કેમેરામેન નિંકુંજની મેહનતના કારણે આજે નાનકડી દીકરીને ન્યાય મળ્યો છે. આ ઘટનાથી 21મી સદીમાં જીવતા આપણા સમાજની વરવી વાસ્તવિકતા પણ ઉજાગર થઇ છે. આજે પણ લોકો અંધશ્રદ્ધાના કારણે તાંત્રિકો પાસે વિધીના બહાને પોતાની બાળકીની બલિ ચઢાવી દે છે અને સમાજ શાંતિથી જુવે છે. ગુજરાત ફર્સ્ટે તેનો પર્દાફાશ કરી ને અડીખમ અડગ વિશ્વાસ સાથે પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો છે અને ગુજરાત ફર્સ્ટના પ્રયાસોથી એક નાનકડી બાળકીનો હત્યાનો ગુનો આખરે રજીસ્ટર થયો છે. આ એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટીગેટીવ રિપોર્ટીગનો ઐતિહાસિક દાખલો છે.
નવરાત્રિના આઠમા નોરતે બની હતી ઘટના
દેશભરમાં હાહાકાર મચાવનારી આ ઘૃણાસ્પદ ઘટના આમ તો નવરાત્રિના આઠમા નોરતે બની ચૂકી હતી પણ તેની જાણ સુદ્ધાં કોઇને ન હતી. ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર વિનોદ દેસાઇને સૌ પ્રથમ આ અરેરાટી ઉપજાવનારી ઘટનાની જાણ થઇ હતી. તેમણે આ ઘટના અંગે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકભાઇ ભટ્ટને જાણ કરી હતી. વિવેકભાઇ ભટ્ટ કહે છે કે મારી જીંદગીનો આ સૌથી આઘાતજનક કિસ્સો છે જેણે છેલ્લા ૪૮ કલાકથી મને સુવા ના દીધો.
ગીર સોમનાથની ઘટનાથી સમાજ હચમચી ઉઠ્યો
ગીર સોમનાથના ધાવા ગામની કાળજું કંપાવતી ઘટના નાના મોટા દરેકને ધ્રુજાવી મુકે તેમ છે. ખુદ બાળકીના પિતા અને મોટા કાકાએ વળગાડની અંધશ્રદ્ધામાં દીકરીની બલિ ચઢાવી હતી. ગુજરાત ફર્સ્ટ જ્યારે આ મામલો બહાર લાવ્યું ત્યારે લોકો હચમચી ગયા હતા. વહિવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ બનાવની ગંભીરતા જોઇને તત્કાળ હરકતમાં આવ્યું હતું. પોલીસે સંવેદનશીલ બનીને ઘટનાની તપાસ કરી તો અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં ઘટસ્ફોટ થયો કે દીકરીના પિતા ભાવેશ અકબરી અને કાકા દિલીપ અકબરીએ જ માસૂમ બાળકીનો ભોગ લીધો હતો.
સગા પિતા અને કાકાએ જ બલિ ચઢાવી
પિતા અને કાકાએ પોતાની 14 વર્ષની માસૂમ દિકરી ધૈર્યાને વળગાડની આશંકાએ વિધિ કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. સગા પિતા અને કાકાને 14 વર્ષની દીકરી પર અમાનુષી અત્યાચાર ગુજારતા કેવી રીતે જીવ ચાલ્યો તે સવાલ પણ લોકોમાં પુછાઇ રહ્યો છે. લોકો આ ઘટનાથી સ્તબ્ધ થઇ ગયા છે.
ઘટના શું બની હતી
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે નાનકડી ધૈર્યાને 1 ઓક્ટોબરથી ચકલીઘર નામની વાડીએ ગોંધી રખાઇ હતી.
7 ઓક્ટોબરે દીકરી ધૈર્યાનું વાડીમાં મોત થયો હોવાનો ખુલાસો થયો હતો. એક અઠવાડિયા સુધી માસૂમને ખેતરમાં બાંધી રાખી હતી. તેને તાર અને લાકડી વડે ઢોર માર માર્યો હતો અને કપડાં સળગાવીને તેની પાસે દીકરીને બેસાડી રાખી હતી ત્યારબાદ પ્લાસ્ટિકની કોથળીમાં લાશને વીંટીને સગેવગે કરાઇ હતી. તેના પિતા અને કાકાએ ચેપી રોગથી બાળકીનું મોત થયાનું જણાવી ચૂપચાપ અંતિમવિધિ કરી નાખી હતી. ઘટનાની જાણ થયા બાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કબજે કરી ઉંડી તપાસ શરુ કરી હતી.
ગુજરાત ફર્સ્ટને સૌ પ્રથમ જાણ થઇ
જો કે આ ઘટનાને ઉજાગર કરવી આસાન ન હતું. ગુજરાત ફર્સ્ટના વિનોદ દેસાઇને ઘટનાની જાણ થઇ. તેમણે ચેનલ હેડ વિવેકભાઇ ભટ્ટને જાણ કરી. 11 તારીખે સવારે વિનોદ દેસાઇએ ચેનલ હેડ વિવેકભાઇ ભટ્ટને જાણ કરી ત્યારે પહેલાં તો તેમને વિશ્વાસ ના થયો. ત્યાર બાદ તેમને થયું કે ઘટનાના નક્કર પુરાવા વગર ચૂંટણીના સમયમાં અમદાવાદના અગત્યના કામ છોડીને તાલાલા સુધી કોઇ ટીમને કઇ રીતે મોકલવી. આ નિર્ણય આસાન ન હતો અને તેમાં રિસ્ક હતું. તેમણે વિનોદ દેસાઇને કહ્યું કે મને થોડો સમય આપ, વિચારીને કહું..
પત્રકારત્વનો ધર્મ
જો કે તેમને થયું કે એવું કહી દઉં કે આમા સમય ના બગાડ..પણ ત્યારબાદ એમને વિચાર આવ્યો કે વિનોદ આટલા આત્મવિશ્વાસથી કહે છે અને ખરેખર આવી ઘટના બની હોય તો મારાથી મોટું પાપ થશે. ના પાડવાથી રિપોર્ટરનું મનોબળ તૂટશે અને બીજું નાનકડી દીકરી સાથે જે બન્યું એ ઘટનાને ઉજાગર ના કરી મારા ધર્મ વિરુદ્ધ કામ થશે..
પાકા પુરાવા મેળવવાના પ્રયાસ
આખરે તેમણે મન મક્કમ કર્યું અને વિનોદ દેસાઇને ફોન કરીને કહ્યું કે જા..કરી બતાવ..તારો સોર્સ પાક્કો હોવો જોઇએ અને જ્યાં સુધી મને પાક્કા પુરાવા નહીં મળે તો હું આ સેન્સેટીવ મુદ્દાને ચેનલ પર બતાવી શકીશ નહીં.
ઊંડી તપાસ શરુ
અને વિનોદ દેસાઇ અને હરેશ ભાલીયા તથા કેમેરામેન નિકુંજ પહોંચ્યા તાલાલાના ધાવા ગામે. જો કે સ્થળ પર પહોંચેલી ગુજરાત ફર્સ્ટની ટીમને ત્યાં પહોંચીને તપાસ કર્યા પછી પણ કોઇ સફળતા મળતી ન હતી અને તેથી આ વિસ્તારના અન્ય સમાચાર કવર કરીને પરત આવવું તેવો પણ એક તબક્કે વિચાર આવી ગયો. જો કે રિપોર્ટર વિનોદ દેસાઇનું મન માનતું ન હતું. તેમણે ચેનલ હેડ વિવેકભાઇને કહ્યું કે સર આ ઘટના બની તો છે જ..મારી પાસે તમામ પુરાવા છે, ગામમાં પણ બધા કહે છે પણ પારિવારિક દબાણના કારણે લોકો સામે આવતા નથી. તેમણે કહ્યું કે પોલીસ અને તંત્ર જાગે તો જ આ ઘટનામાં આગળ વધી શકાશે. વિવેકભાઇએ પણ વિનોદ દેસાઇનો આત્મવિશ્વાસ જોયો અને આગળ વધવાની અનુમતિ આપી.
તપાસ બાદ વરવી વાસ્તવિકતા ખુલ્લી પડી
અને પછી વિનોદ દેસાઇ અને ટીમ કલેક્ટર તથા એસ પી પાસે પહોંચ્યા અને તંત્ર દોડતું થયું અને હત્યારાઓ સામે ફરિયાદ નોંધાઇ. પોલીસે ત્વરીત કાર્યવાહી કરી 21મી સદીમાં પણ બનેલી આ કડવી ઘટનાની વાસ્તવિક્તા લોકો સમક્ષ ખુલ્લી પડી હતી.
નાનકડી ધૈર્યાને ન્યાય મળ્યો
જો વિનોદ દેસાઇએ આ ઘટનાને ઉજાગર કરવામાં આટલી મહેનત ના કરી હોત અને ચેનલ હેડ વિવેકભાઇ ભટ્ટે તેમને અમદાવાદથી સ્થળ પર ના મોકલ્યા હોત તો કદાચ નાનકડી બાળકીને ઝડપથી ન્યાય ના મળી શક્યો હોત.
અંધશ્રદ્ધાનો ખતરનાક ખેલ ખુલ્લો પડયો
જો કે ગુજરાત ફર્સ્ટ નાનકડી ધૈર્યાને તો બચાવી ના શક્યું કારણ કે સમગ્ર ઘટનાની જાણ 7 દિવસ પછી થઇ હતી પણ તેની સાથે આચરાયેલી ક્રૂરતા અને અમાનુષી અત્યાચારને પ્રકાશમાં લાવીને તેને ન્યાય અપાવી શક્યું છે અને અંધશ્રદ્ધાના આ ખતરનાક ખેલને સમાજ સમક્ષ ખુલ્લો કરી મૂકદર્શક સમાજને જગાડવાનો પણ પ્રયાસ કરી શક્યું છે.
ગુજરાત ફર્સ્ટની ટીમ પર ગૌરવ
ગુજરાત ફર્સ્ટના વિનોદ દેસાઇના આત્મવિશ્વાસ અને મહેનતના કારણે માસૂમ બાળકીને ન્યાય મળી શક્યો છે અને ગુજરાત ફર્સ્ટને વિનોદ દેસાઇ, હરેશ ભાલીયા અને કેમેરામેન નિકુંજ તથા આ ઘટનાની જાણ કરનારા એ વ્યક્તિ પર ગર્વ છે. ગુજરાત ફર્સ્ટ પરિવાર માસૂમ દીકરી ધૈર્યાને શ્રદ્ધાંજલિ અર્પે છે.
Next Article