Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોતે બદલાવું નથી પરંતુ અન્યને પોતાની ઇચ્છા મુજબ મચડવા છે

આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ સંબંધ કોઈ પણ હોય, આપણે આપણામાં બદલાવ લાવવા વિષે વિચારતા પણ નથી હોતા પરંતુ, સામેનાને ઘરમૂળમાંથી બદલાવની ઇચ્છાઓ મનોમન અચૂક રાખતા હોઈએ છીએ ! જ્યાં પોતે...
11:19 AM Aug 24, 2023 IST | Kanu Jani

આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ

સંબંધ કોઈ પણ હોય, આપણે આપણામાં બદલાવ લાવવા વિષે વિચારતા પણ નથી હોતા પરંતુ, સામેનાને ઘરમૂળમાંથી બદલાવની ઇચ્છાઓ મનોમન અચૂક રાખતા હોઈએ છીએ ! જ્યાં પોતે બદલાવું નથી પરંતુ અન્યને પોતાની ઇચ્છા મુજબ મચડવા છે, બદલવા છે, ત્યાં સુખી સહજીવનની અપેક્ષા રાખવી વધારે પડતી !

'સ્વચ્છ ભારત'ની જેમ 'સ્વચ્છ માણસ' અભીયાન

ચાલો, એક મઝાની કલ્પનાથી આજની વાત શરુ કરીએ. કલ્પના કરો કે, 'સ્વચ્છ ભારત'ની જેમ ઇશ્વર પણ એક અભિયાન શરુ કરે, 'સ્વચ્છ માણસ અભિયાન !' તમારે કરવાનું એટલું જ કે વ્યક્તિ પસંદ કરવાની, ઇશ્વર એ વ્યક્તિના સ્વભાવમાં તમારી ઇચ્છા મુજબના ફેરફાર કરી આપશે, તમારી ઇચ્છા મુજબના સ્વભાવનો 'સ્વચ્છ માણસ'!

વિચારો, કોને પસંદ કરશો ?! યાદ રાખજો સ્વભાવ સિવાય કશું બદલવાનું નથી, બાકી બધું એ જ રહેવાનું છે. કોને બદલશો ?

તમારી પસંદગી ઉપરથી તારણો કાઢીએ.

સૌથી પહેલું તમારી પસંદગીમાં કોઈ અજાણી કે દૂરની વ્યક્તિ નહીં હોય. મોટા ભાગે જીવનસાથી, સંતાન, માતા-પિતા કે વિસ્તૃત (એક્સટેન્ડેડ) કુટુંબીજનો ઉપર તમારી પસંદગી ઉતરશે, તે નક્કી !

બીજું, ભલે ઇશ્વરે એક જ વ્યક્તિ બદલવાની તક આપી છે પરંતુ તમને એક કરતા વધુ વ્યક્તિઓને બદલવાના વિચારો આવશે.

ત્રીજું અને સૌથી મહત્ત્વનું, બધી વ્યક્તિઓને છોડીને પોતાની જાતને કે પોતાના સ્વભાવને બદલવાનો વિચાર જવલ્લે જ કોઈને આવશે !
હા, આ વાંચ્યા પછી ઘણાને આવું ડહાપણ અચૂક લાધશે, કેટલાક તો મનમાં વિચારશે કે આ વિચાર તો મગજમાં હતો જ ! બાકી, મોટા ભાગે તો નિખાલસ કબૂલાત કરવી રહી કે આ અભિયાનમાં આપણી પસંદગી આપણે પોતે તો નહોતા જ !

આ ઉપરાંત આપણી માનસિકતા છતી કરે તેવી બીજી રસપ્રદ બાબતો પણ આ કાલ્પનિક અભિપ્રાયમાં તારવી શકાય એમ છે. દુનિયા બદલવા કરતા આપણને આપણું જીવન બદલવામાં વધુ રસ હોય છે, આપણી અંગત દુનિયામાં જ આપણે બદલાવ ઇચ્છતા હોઈએ છીએ.

હકારાત્મક બનીએ

આપણને આપણા સંબંધોમાં હકારાત્મક બદલાવ લાવવાની ઇચ્છા, જાગ્રત કે અજાગ્રત સ્તરે હંમેશા રહેતી હોય છે. એ માટે આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા તત્પર રહેતા હોઈએ છીએ. અને કડવું સત્ય, સંબંધોમાં હકારાત્મકતા વધારવા પોતાની જાતમાં બદલાવ લાવવો એ મહદઅંશે આપણી પસંદગી નથી હોતી અથવા હોય તો પણ પહેલી પસંદ તો નથી જ હોતી !

તો 'સ્વચ્છ માણસ અભિયાન'ની મારી કાલ્પનિક વાતનો નિચોડ એ, કે સંબંધ કોઈ પણ હોય આપણે આપણામાં બદલાવ લાવવા વિષે વિચારતા પણ નથી હોતા પરંતુ, સામેનાને ધરમૂળમાંથી બદલવાની ઇચ્છાઓ મનોમન અચૂક રાખતા હોઈએ છીએ ! જ્યાં પોતે બદલાવું નથી પરંતુ અન્યને પોતાની ઇચ્છા મુજબ મચડવા છે, બદલવા છે, ત્યાં સુખી સહજીવનની અપેક્ષા રાખવી વધારે પડતી છે તેમ કહેવું ખોટું નહિ ગણાય ! સહજીવનના પ્રશ્નો ઉકેલવામાં અડચણરૃપ એવી 'બદલાવાની મારે ક્યાં જરૃર છે ?' અથવા 'મારે શું કામ બદલાવાનું' તેવી માનસિકતા યુગલોમાં સહજ હોય છે, મારી કાલ્પનિક વાત તેનું પ્રમાણ છે. આ જ માનસિકતાને કારણે સહજીવનના સંઘર્ષ વર્ષોના વર્ષો ચાલતા રહે છે.

પ્રેમમાં 'હું' નહીં-અમે

યુગલોના સહજીવનમાં એકમેક પરત્વેના પ્રેમ સાથે ઘણી બાબતો સ્પર્ધા કરતી હોય છે. આ બાબતો મોટા ભાગે પ્રેમને કચડીને આગળ વધી જતી હોય છે અને સહજીવન દુ:ખી અને સંઘર્ષમય બની જતું હોય છે. પ્રેમ સાથે સૌથી વધુ સ્પર્ધા કરનારી જો કોઈ બાબત હોય તો તે છે આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેના ઉપર કાબુ ધરાવવાની વૃત્તિ ! જાણ્યે અજાણ્યે સાથીઓ એકબીજા ઉપર કાબુ ધરાવવાની ઇચ્છા રાખતા હોય છે. મોકળાશ કે સ્વતંત્રતાની વાતો વચ્ચે પણ મોટા ભાગનાઓનો અભિગમ સત્તા જમાવનારો અને કાબૂ ધરાવનારો હોય છે ! આ સંજોગોમાં વ્યક્તિઓ હંમેશા સામેનાને પોતાની અપેક્ષા અનુસાર બદલવાની ઇચ્છા રાખતી હોય છે.

બદલો લેવાની વૃત્તિ પ્રેમની લાગણીઓ સાથે સ્પર્ધા કરતી બીજી બાબત છે. મોટા ભાગના સાથીઓ સહજીવનમાં પોતાની લાગણીઓ સાથે થયેલ ખિલવાડ કે દુર્વ્યવહારોની, જાગ્રત કે અજાગ્રત સ્તરે, બદલો લેવાની ભાવના ધરાવતા હોય છે. સાથીને પોતે પહોંચાડેલ લાગણીઓની પીડાનો અહેસાસ થાય અને તેના વ્યવહારમાં બદલાવ આવે તેવી અપેક્ષાઓ આ બદલો લેવાની ભાવના સાથે સંકળાયેલી હોય છે.

બદલાની આવી ભાવના સાથીઓને સહજીવનના પ્રશ્નો ઉકેલવામાં આડી આવતી હોય છે અને સરવાળે સંઘર્ષ ચાલતો રહે છે. ઘણીવાર તો આ વૃત્તિ એટલી વકરી જતી હોય છે કે વ્યક્તિ બદલો લેવાની વૃત્તિને પોતાના હક્કની લડાઈ સમજવા માંડે છે, જાણે પોતે જ ન્યાય તોળે અને પોતે જ સજા કરે ! સરવાળે, દિવસે ને દિવસે પ્રશ્નો ઉકેલવાને સ્થાને વધુ વિકટ બનતા જાય.

આગ્રહ નહીં- જતું કરીએ

કેટલાક કિસ્સાઓમાં સાથીઓનો અહમ પ્રેમની લાગણીઓ સાથે સ્પર્ધા કરતો હોય છે. સહજીવનમાં સાથી સાથે પોતાનું વર્તન વ્યવહાર અયોગ્ય કે ખોટો છે એવું જાણવા છતાં પોતે હંમેશા સ્વબચાવની કે અન્ય ઉપર આક્રમણો કરવાની ફિરાકમાં જ રહેતા હોય છે. તેમની આ બચાવવૃત્તિનો વિરોધ કરવા સાથી પણ આક્રમકતા અપનાવતો હોય છે.

સરવાળે, નાની નાની બાબતોમાં ઘર્ષણ, આક્ષેપબાજી કે દોષારોપણો ચાલુ જ રહે છે. ઘણાં તો પોતાનામાં જ એટલા ઓતપ્રોત હોય છે કે સહજીવન પણ જાતે પોતે એકલા જ જીવતા હોય તેમ વ્યવહાર કરતા હોય છે. તેઓ સાથીની જરૃરિયાતો કે સહજીવનની જવાબદારી પરત્વેના પ્રેમની સાથે સ્પર્ધા કરતો હોય છે.

સહજીવનમાં પ્રેમ હંમેશા જીતવો જોઈએ

મોટા ભાગના યુગલોના પ્રશ્નોમાં સાથીઓ અને પોતાને સાચા અને સામેનાને ખોટા પુરવાર કરવા પરસેવો પાડતા જોવા મળે છે. 'સત્ય' કે 'સાચા પુરવાર થવાની સનક પ્રેમની લાગણીઓ સાથે સ્પર્ધા કરતા બીજી એક બાબત છે યુગલો વચ્ચે થતી દલીલોમાં મોટા ભાગે લડત તો પોતાને સાચા ઠેરવવાની જ હોય છે ને !?' કમનસીબ બાબત તો એ છે કે સાચા પુરવાર થવાની સનક સામે પ્રેમ હંમેશા હારી જાય છે, જ્યારેે વાસ્તવિકતા તો એ છે કે સહજીવનમાં પ્રેમ હંમેશા જીતવો જોઈએ !

હંમેશા દોષ કાઢવાની વૃત્તિ, સામેનાને ખરાબ કે નકામું ગણીને જ ચાલવાની માનસિકતા ('જવા દે ને યાર, એ છે જ વિચિત્ર', 'થર્ડ ક્લાસ સ્વભાવ છે.' વગેરે) પોતાની જાતને બિચારી ગણવાની માનસિકતા, કડવાશ, આક્રોશ, સાથી સાથે હરીફાઈની માનસિકતા, છાનુછપનું કરવાની માનસિકતા વગેરે પણ પ્રેમ લાગણીઓના નજીકના પ્રતિસ્પર્ધીઓ છે.

જે સહજીવનમાં પ્રેમ બિનહરીફ છે, તે સહજીવન સુખી અને સુમેળભર્યું હોય છે.

ટૂંકમાં, સહજીવનના પ્રશ્નોનો સહિયારો ઉકેલ શોધવામાં મળતી નિષ્ફળતા સાથે સંકળાયેલા ઇચ્છાશક્તિને લગતા પરિબળોમાં સાથીઓના બદલાવ માટેની અનિચ્છા અને પ્રેમની લાગણીના પ્રતિસ્પર્ધીઓ મુખ્ય છે !

સહજીવનમાં પ્રેમ સાથે બીજી ઘણી લાગણીઓ હરીફાઈમાં હોય છે, ક્યાં'ક તો આખ્ખેઆખ્ખો સાથી જ હરીફ હોય છે ! જે સહજીવનમાં પ્રેમ બિનહરીફ છે, તે સહજીવન સુખી અને સુમેળભર્યું હોય છે.

Tags :
change yoursfelfલાગણીઓસહજીવનમાં પ્રેમસ્વચ્છ મન
Next Article