Gulzar-સંવેદનાઓ બિલોરી કાચ વડે જીવનને કંડારતો સર્જક
Gulzar -'મૌસમ' (૧૯૭૫)
'आदमी बुलबुला है पानी का
और पानी की बहती सतह पर
टूटता भी है, डूबता भी है,
फिर उभरता भी है,
फिर से बहता है।'
1968માં રિલીઝ થયેલી ફિલ્મ 'આશિર્વાદ'ના સંવાદો લખવાની વાત હોય કે પછી હોલીવુડની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' Slumdog Millionaire નું ગીત 'જય હો'... પ્રખ્યાત ગીતકાર, કવિ, પટકથા લેખક, ફિલ્મ દિગ્દર્શક અને નાટ્યકાર ગુલઝાર0 Gulzar ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે સ્થાન હાંસલ કર્યું છે તે મેળવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે મુંબઈમાં મિકેનિક તરીકે કામ કરતા હતા પરંતુ તેમના શોખથી તેનું જીવન બદલાઈ ગયું.
જો કે Gulzar-ગુલઝાર વિષે દરેક જાણે છે. આપણે વાત કરીએ એમની એક યાદગાર ફિલ્મ ‘મૌસમ’ની.
'મૌસમ' અને 'આંધી' સાથે સાથે જ બની રહી હતી. બંનેનાં લોકેશન્સ પણ લગભગ સરખાં હતાં. પરંતુ 'આંધી' વિવાદમાં સપડાતાં (ગણ્યાગાંઠ્યા પ્રદર્શનો બાદ) તેના પ્રદર્શન પર નિષેધ લદાઈ ગયો અને 'મૌસમ' પહેલાં રજૂ થઈ.
અગ્રગણ્ય અભિનેત્રી શર્મિલા ટાગોરે સામેથી રોલ મેળવ્યો
સંજીવ કુમાર અને શર્મિલા ટાગોર અભિનિત આ ફિલ્મમાં શર્મિલા ટાગોર માતા અને પુત્રીની બેવડી ભૂમિકામાં દેખા દે છે. જોકે બંને પાત્રો એકસાથે પડદા પર ક્યારેય નથી આવતાં. મૂળે ગુલઝારની ઈચ્છા પ્રતિભાશાળી અભિનેત્રી ઝરીના વહાબને નાયિકા તરીકે લેવાની હતી. જ્યારે શર્મિલા ટાગોરને કાને આ વાત આવી, ત્યારે તેઓએ આ ફિલ્મ કરવાનો પાકો નિર્ધાર કરી લીધો. નિર્માતા અને દિગ્દર્શક - બંનેનો સંપર્ક કરી, આગ્રહપૂર્વક તેમણે આ ભૂમિકા પોતાના નામે કરાવી લીધી. એ વખતે શર્મિલા અગ્રગણ્ય અભિનેત્રીઓ પૈકી એક હતાં. તેઓના આગ્રહ અને જીદને વશ થઈ તેઓને સાઈન કરવામાં આવ્યાં... અને ગુલઝાર કે નિર્માતાને ક્યારેય એ વિષે દિલગીરી કે પસ્તાવો નથી થયો!
દેહવિક્રયના કાદવમાં ફસાયેલ સ્ત્રીની કથા
કથા કંઈક આવી છે : યુવાન ડૉક્ટર અમરનાથ અને ચંદા એકમેકના પ્રેમમાં હોય છે. સંજોગવશાત્ બંને વિખૂટા પડી જાય છે. અમરનાથ વર્ષો સુધી ચંદા પાસે આવી નથી શકતો. દરમિયાન ચંદાના લગ્ન થઈ જાય છે અને તે એક બાળકીને જન્મ આપે છે ; પરંતુ તે અમરનાથ ને ભૂલી નથી શકતી. સમય જતાં તે માનસિક સમતુલા ખોઈ બેસે છે અને મૃત્યુ પામે છે. તેની યુવાન પુત્રી - કજરીને તેનો કોઈ સંબંધી દેહવિક્રયના કાદવમાં ધકેલી દે છે.
વર્ષો બાદ અમરનાથ ચંદાને શોધતો શોધતો આવી ચડે છે અને ચંદાના મૃત્યુના ખબરથી ભાંગી પડે છે. અકસ્માત, તેની નજર ગણિકાના વેશમાં રહેલી કજરી પર પડે છે. તે સ્તબ્ધ થઈ જાય છે. કજરીની આવી દુર્દશા માટે તે પોતાને જવાબદાર ગણે છે. તે તેને કીચડમાંથી બહાર ખેંચી કાઢવા પ્રયત્નો આદરે છે. કજરીને તે પાછળના કારણ વિષે જાણ નથી હોતી અને ધીરે ધીરે તે પોતાના પિતાની વયના અમરનાથના પ્રેમમાં પડે છે. અમરનાથની હકીકત સામે આવતાં કજરીને કારમો આઘાત લાગે છે.
ભાવવાહી, હ્રદયસ્પર્શી ફિલ્મ
છેલ્લા અત્યંત ભાવવાહી, હ્રદયસ્પર્શી દ્રશ્યમાં અમરનાથ કજરીને પૂછે છે, "મેરે સાથ ચલોગી ?" અને બે પળના પૉઝ પછી કહે છે, "પીછે મુડકર દેખને કો હમ દોનોં કે પાસ કુછ નહીં!" ...અને બંને એક નવી આશા સાથે, કોઈક અજાણી દિશામાં ગાડી હંકારી જાય છે!
કથાની માવજતમાં ગુલઝારનો સ્પર્શ ડગલેને પગલે વરતાય છે. શરૂઆતમાં ચંદાના પિતા - વૈદ્ય હરિહર થાપા (ઓમ શિવપુરી), અમરનાથ તથા ચંદા વચ્ચેના સંવાદોમાં એક વેગળા જ સ્તરની અભિજાત, સૂક્ષ્મ રમૂજનું આદાન પ્રદાન જોવા મળે છે. એ હળવા સંવાદોને જ્યારે સંજીવકુમારની કૉમિક ટાઈમિંગનો સાથ મળે છે, ત્યારે તેઓ પ્રેક્ષકોને નીતર્યા હાસ્યના પ્રદેશમાં લઈ જાય છે. નટખટ, બેફિકર અને નિર્દોષ ચંદાના પાત્રમાં તો શર્મિલા ટાગોરે પ્રેક્ષકોના હૈયાં જીતી લીધાં જ છે ; પરંતુ તેની ગણિકા પુત્રી કજરી તો લોકોના મનમાં હંમેશા માટે ઘર કરી ગઈ છે. ગણિકાના પાત્રને સુસંગત એવા ભડક, રંગીલા, અસભ્ય કપડાં, જીભને ટેરવે ભૂંડી ગાળો અને હોઠના ખૂણે બીડી દબાવીને પડદા પર આવતી કજરી - એ શર્મિલા ટાગોરની કારકિર્દીની એક અવિસ્મરણીય ભૂમિકા છે.
જીવનની ક્રૂરતાનો સામનો કરતાં વ્યક્તિત્ત્વમાં આવતી કટૂતા અને ઉદ્ધતાઈ
જીવનની ક્રૂરતાનો સામનો કરતાં વ્યક્તિત્ત્વમાં આવતી કટૂતા અને ઉદ્ધતાઈ તેઓએ અસરકારક રીતે સાકાર કરી છે. બંને ભૂમિકાઓ શર્મિલા ટાગોરે પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવી છે. સામે પક્ષે સંજીવકુમારે પણ યુવાન તેમ જ આધેડ વયની ઉંમરના નાયકની ભૂમિકામાં, હંમેશ મુજબ, જીવ રેડી દીધો છે.
અહીં ફરી એકવાર સંબંધો અને સંવેદનાઓના અનેકસ્તરીય આટાપાટા ગુલઝારે રચ્યા છે. અને એક સુંદર ફિલ્મ પ્રેક્ષકો સમક્ષ મુકી છે. એ દિવસોમાં નાયિકાને સિગરેટ પીતી પડદા ઉપર બતાવવી એ ઘૃણાસ્પદ કૃત્ય લેખાતું. તેના વિષે ખાસ્સો ઉહાપોહ થયો હતો. છતાં ફિલ્મની કળાકીય ગુણવત્તા વિષે ક્યારેય, કોઈનેય બેમત નહોતો.
સંવેદનાઓ બિલોરી કાચ વડે જીવનને કંડાર્યું
દેહ વ્યવસાયમાં ધકેલાયેલી યુવતીનાં મનોભાવો ગુલઝારે અત્યંત કોમળતાથી ઝીલ્યા છે અને પરદે માંડ્યા છે. તેનાં અંતરતમ ભાવો, દ્વિધા, ઈચ્છાઓ, સપનાં ગુલઝારે પોતાના બિલોરી કાચ વડે તાગ્યા છે. કજરી અને તેના જેવી અસંખ્ય યુવતીઓની વેદનાને વાચા આપી છે. સંવાદની સાથે સાથે ગુલઝારનું દિગ્દર્શક તરીકેનું વિઝન પણ ફિલ્મને મુઠ્ઠી ઊંચેરી બનાવે છે.
'મૌસમ'ના સંવાદ અને પટકથા Gulzar- ગુલઝાર તથા ભૂષણ બનમાલીના છે તથા કથા કમલેશ્વરની છે. તે થોડે ઘણે અંશે એ. જે. ક્રૉનિનની નવલકથા 'ધ જુડાસ ટ્રી' (૧૯૬૧) પર આધારિત છે. ગીતો મદનમોહને સ્વરબદ્ધ કર્યાં હતાં. 'કોશિશ' બાદ મદનમોહન સાથે ગુલઝારની આ બીજી ફિલ્મ હતી. ડિસેમ્બર ૧૯૭૫માં ફિલ્મ પ્રદર્શિત થઈ તે પહેલાં મદનમોહનનું નિધન થયું હતું. ગુલઝારે આ ફિલ્મ સ્વ. મદનમોહનને સમર્પિત કરી છે. પાર્શ્વસંગીત સલિલ ચૌધરીએ આપ્યું હતું. અમુક દૃશ્યોમાં પાર્શ્વસંગીત જાણે કે પાત્રોના મનોભાવોને વાચા આપે છે. આવા દૃશ્યોમાં સંવાદોનો લોપ વાંછનીય પુરવાર થાય છે. મૌનનું અત્યંત અસરકારક પ્રયોજન ગુલઝારે અનેક સ્થળે કર્યું છે.
દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુર્સત કે રાત દિન - એક નવતર પ્રયોગ
Gulzar ની આ ફિલ્મનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. મૂળ ગાલિબે લખેલી પંક્તિઓ : "દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુર્સત કે રાત દિન ; બૈઠે રહેં તસવ્વુર-એ-જાના કિયે હુએ..."ને લઈ ગુલઝારે સ્વતંત્ર ગીત વિકસાવ્યું. આ ગીતને તેની સુંદર, આહ્લાદક અભિવ્યક્તિ માટે આજે પણ પ્રેક્ષકો યાદ કરે છે.
ફક્ત ભૂપેન્દરસિંઘે ગાયેલી "દિલ ઢૂંઢતા હૈ ફિર વહી..."ની વિલંબિત આવૃત્તિમાં ગુલઝારે સિનેમેટોગ્રાફી ક્ષેત્રે એક નવતર પ્રયોગ કર્યો હતો. સામાન્ય રીતે ફિલ્મોમાં જ્યારે ફ્લૅશબૅક ટેક્નીક પ્રયોજાય, ત્યારે પડદા પર કાં તો ભૂતકાળ દર્શાવાય, કાં વર્તમાનકાળ! ગુલઝાર અહીં બંને કાળ એક સાથે પડદા પર બતાવે છે. ગીતમાં ફ્રેમને એક ખૂણે અથવા ઝાડની પાછળ ઊભા રહી અમરનાથનું આધેડ પાત્ર યુવાન અમરનાથ અને ચંદાની હળવી, સોનેરી પળો છુપાઈને જુએ છે - જાણે હાથમાંથી સરી પડેલી સોનેરી ક્ષણો પાછી જીવે છે!
આનંદની ક્ષણોને આબાદ ઝડપવાની ગુલઝારની કળા
આ શૈલી અભિનવ અને મનમોહક હતી. અને એ સાથે સંજીવકુમાર જેવા ધૂરંધર અભિનેતાના પ્રસંગને અનુરૂપ, એવાં હાવભાવ પ્રેક્ષકો ઉપર અપેક્ષિત અસર ઊભી કરે છે.
મોહમ્મદ રફી અને લતા મંગેશકરે ગાયેલું "છડી રે છડી કૈસી, ગલે મેં પડી" એક હસતું રમતું, હળવું ગીત છે, જેમાં સંજીવકુમાર અને શર્મિલા ટાગોરની નાની નાની હરકતો મન પ્રફુલિત કરી દે છે.
અનેક 'મૌસમ'ની આવન જાવન સાથે જીવનની ક્ષણો વહેતી જાય છે. જીવનને બદલી નાંખતી ખુશીની, વેદનાની, આનંદની ક્ષણોને આબાદ ઝડપવાની કળા ગુલઝારને સુપેરે હસ્તગત છે... અને આ જ Gulzar-ગુલઝારની તાકાત છે!!!
આ પણ વાંચો- Rajinikanth's 74th Birthday:આ 5 ફિલ્મો જે ક્યારેય રિલીઝ થઈ નહોતી!