Raj Kapoor :અમદાવાદના બૂટપોલિશવાળા રાજુ સાથે અલૌકિક સંબંધ
Raj Kapoor- વાત છે 1975ની આસપાસની. અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર એક મોચી બૂટચંપલ સાંધે,પાલીશ કરે. સ્ટેશનેથી ઉતરતાં જ રાજુનું રજવાડું ધ્યાન ખેંચે. ફૂટપાથ પર એની જગામાં રાજકપુરના પોસ્ટર દેખાય. ફૂટપાથનો એટલો ભાગ એનું રજવાડું. પોલીસ કે મ્યુનિસિપાલિટી વાળા રાજુની પેઢી માટે કૃપા દ્રષ્ટિ રાખે. દુકાન(એના માટે તો એ પેઢી જ હતી) ખોલે તો દીવો અગરબત્તી કરે પણ કોની ? ખોડિયાર મા સાથે રાજકપૂરની.
રાજુ સાવ શ્યામવર્ણ. દુબળો અને સરેરાશ ઊંચાઈ...પણ વાળ રાજકપૂર Styleથી ઓળે. રાજકપુરનો દીવાનો હશે એની પ્રતીતિ એને જોતા જ થઇ જાય . મેં એ રાજુને જોયો છે. જો કોઈ ઘરાક રાજસાબની પ્રશંશા કરે તો પૈસા ય ન લે. એકવાર મેં એની સામે રાજ્યકપુરની થોડી કડવી ટીકા કરી તો એણે સાંધવા આપેલી મારી ચપ્પલનો છુટ્ટો ઘા કરી દીધેલો..ત્યારે હું ડ્રામેટિક્સનો ડિપ્લોમા કરૂ. ક્લાસમાં વાત કરી તો દરેકે સાથે એની મુલાકાત લેવાનું નક્કી થયું.(માત્ર આઠ જ વિદ્યાર્થીઓની બેચ હતી. આજે પણ એક બેચમાં આઠ બેઠકો જ છે.) અમે બધાએ મણિનગર જઇ રાજૂના સ્વમુખે રાજકપૂરને માણ્યો. આ અભણ બૂટપોલિશવાળો રાજ સાહેબની દરેક ફિલ્મને શૉટ તું શૉટ ચર્ચતો હતો.
વાત રાજુની
Raj Kapoor ની ફિલ્મ બૂટપોલિશ રિલીઝ થઇ. રાજુ એ ફિલ્મ જોઈ અભિભૂત થઇ ગયો. જોકે આપણે ય અભિભૂત થઇ જઇયે પણ આપણે રાજુ બૂટપોલિશવાળા બની શકતા નથી.
ફિલ્મની અસરમાં કેટલાય દિવસ સુધી એ સુનમુન રહ્યો....એક દિવસ એક થેલીમાં એક જોડ કપડાં અને નાનકડી થેલીમાં બૂટપોલિશનો સમાન લઇ બેસી ગયો બોમ્બે જતી ટ્રેનમાં. રિઝર્વેશન કોને જોઈતું હતું? માંડ ટિકિટના પૈસા હતા ત્યાં !!!!
ટ્રેનમાં ય બૂટપોલિશ કરી થોડી કમાણી કરી લીધી. બોમ્બેમાં રાજસાબનું સરનામું ક્યાંથી શોધવું? પણ મુંબઈ સેન્ટ્રલ સામે જમણી બાજુ કોર્નર પર એક ઈરાની હોટલ હતી. ઘણાએ જોઈ હશે. ત્યાં ચિત્રલોક કે એવું કોઈ ફિલ્મી ચોપાનિયુ જોયું. થડા પર બેઠેલા પારસીબાબાને RKનું સરનામું પૂછ્યું એમણે ચેમ્બુરમાં RK સ્ટુડિયો છે એવા સગડ આપ્યા....
ત્રણ દિવસ લગી સ્ટુડીઓની બહાર જ ધામા
બસ એક રાજુ બીજા રાજુને મળવા ચેમ્બુર પહોંચ્યો.પૂછતાં પૂછતાં એ RK સ્ટુડિયો પહોંચ્યો.પણ અંદર જવા કોણ દે? ચોકીદાર અસલ પઠાણ . ત્રણ દિવસ લગી એ સ્ટુડીઓની બહાર જ ધામા નાખીને બેઠો.સવારે રાજસાબની ગાડી આવે ત્યારે દરવાજો ખુલે એ વખતે પઠાણ રાજુને દૂર જ રાખે. ત્રણ ત્રણ દિવસથી રાજુને સ્ટુડીઓના દરવાજે જ અઠે દ્વારકા કરી બેઠેલો જોઈ ચોકીદાર પણ પીગળ્યો... પણ કેટલો? દિવસમાં એકાદવાર ચા પાય અને દરવાજા પાસે પડી રહેવા દે. ચોથે દિવસે તો સવારે રાજુ પાક્કો અમદાવાદી ખમીરવાળો બની ગયો. સવારે જેવી રાજકપૂરની ગાડી આવી ને દરવાજો ખુલે એ સમયમાં તો એ ગાડીની આગળ જઈને હાથ ફેલાવી ઉભો રહી ગયો. દરવાને એને બાજુમાં ધકેલ્યો તો અંદરથી રાજસાબે એને પાસે આવવા કહ્યું. રાજુતો અવાચક બની ગયો...હિન્દી તો ફાવે નહિ. માત્ર –અમદાવાદ...બૂટપોલિશ..વાહ...કહી રાજ સામે હાથ જોડીને આનંદમાં રડ્યા જ કરે. એનો ભગવાન એની સામે હતો. અને આમે ય લાગણીઓને ભાષાની જરૂર નથી હોતી.
રાજુભાઈનો તો વટ પડી ગયો
Raj Kapoor રાજકપૂરે ગાડીનો દરવાજો ખોલ્યો રાજુને અંદર લીધો. રાજુ માટે તો જાણે સ્વપ્ન હતું...રાજુને ઓફિસમાં એમની સાથે લઇ ગયા ,ચા નાસ્તો કરાવ્યા. શાંતિથી એની વાત સાંભળી...એક સાચો કદરદાન રાજકપૂરની સામે હતો પણ એ કરતાંય કોઈ અદ્રશ્ય લાગણીનો તંતુ જોડાઈ ગયો.એમના સેક્રેટરીને આદેશ આપ્યો કે રાજુ એમનો મહેમાન છે.એને રહેવું હોય ત્યાં સુધી ‘જાનકી કુટિર’માં રાખવો.
પહેલા જ દિવસે બે જોડ કપડાં સારા સ્ટોરમાંથી અપાવ્યાં. રાજુભાઈનો તો વટ પડી ગયો. રાજૂ મુંબઈ ફરવાને બદલે આખો દિવસ બસ રાજકપૂરની સામે જ એક ખૂણામાં બેસી જોયા કરે...ભગવાનને નીરખતો હોય તેમ....રાતે ગેસ્ટ હાઉસમાં સૂવાને બદલે ચોકીદારની ખોલીમાં જ સૂએ.
બે ત્રણ દિવસ મહેમાનગતિ માની રાજુ પાછો અમદાવાદ. કારણ ઘેર ચૂલો સળગતો રાખવાનો હતો. રાજસાબે ટિકિટ કઢાવી આપી અને સો રૂપિયા(એ જમાનાના )આપ્યા.
ક્યાં આ રાજુ ને ક્યાં આ રાજુ!!!
વાત અહીં ન પતી. રાજસાબનો જન્મદિન તો આખી દુનિયા જાણે. બસ રાજસાબના અપાવેલ કપડાં અકબંધ હતા. ઉપડ્યા બોમ્બે. આ વખતે બૂટપૉલિશનો સામાન નહોતો.જન્મદિને સાંજે RK સ્ટુડિયો પહોંચ્યો.રાજકપૂરની ઉજવણી પુરી ફિલ્મી દુનિયામાં અજોડ ગણાતી. સ્ટુડિયો ઝાકઝમાળ હતો. મોટી મોટી ગાડીઓની લંગાર લાગેલી.હવે એ ભવ્યતામાં રાજુને અંદર જવા કોણ દે? ચોકીદાર પણ બીજા હતા. રાજુ ચોકીદારને કરગરે કે અંદર જવાદે..પણ કોઈ ટસના મસ ન થયા...એમાં ડેવિડ (બૂટપૉલિશના કલાકાર) આવ્યા. રાજુ સીધો એમને જ વળગ્યો. રક્ઝકના અંતે ડેવિડદાદાએ રાજકપુરને એટલો સંદેશ આપવાનું કબુલ્યું કે -અમદાવાદથી રાજુ આવ્યો છે.
આશ્ચર્યની વાત તો એ બની કે રાજસાબ થોડી વારમાં જ બહાર આવ્યા. રાજુને ભેટ્યા ને એનો હાથ પકડી અંદર લઇ ગયા. ઉમળકાથી બધાને રાજુનો પરિચય કરાવ્યો. બધા દંગ રહી ગયા કે ક્યાં આ રાજુ ને ક્યાં આ રાજુ!!!! પણ રાજકપૂરે શૈલેન્દ્રને આમ જ ઊંચક્યા હતા....બધા જાણતા હતા.માટુંગાની રેલવેની ચાલીમાંથી એક પાટીવાળા મજૂરને રાજકપૂરે મહાન ગીતકાર શૈલેન્દ્ર બનાવ્યો.
પછીતો રાજુ આર.કે.ની દરેક જન્મજયંતિએ પહોંચી જાય.
એક વાર એવું બન્યું કે રાજુ મુંબઈ પહોંચી ગયો.સ્ટુડિયો પર કોઈ નહોતું...ચોકીદારને પૂછ્યું.પહેલા તો એને સરખો જવાબ ન આપ્યો..પણ અચાનક કઈ યાદ આવતા પૂછ્યું કે તારું નામ શું? તો રાજુ એ એની વિગત કહી.બસ આશ્ચર્યનો આંચકો હવે આવે છે. ચોકીદારે કહ્યું-રાજુભાઈ ,ફંક્શન લોની ફાર્મપે હૈ..લેકિન આપકે લિયે ગાડી તૈયાર હૈ......
આ પણ વાંચો- સોનુ સૂદનો શોકિંગ ખુલાસો: સીએમ-ડેપ્યુટી સીએમ પદ માટે ઓફર મળી હતી