'ભારત કી બેટી માતા સીતા' ફિલ્મ આદિપુરુષના આ સંવાદને લઇ તમામ હિન્દી ફિલ્મો પર કાઠમંડુમાં પ્રતિબંધ
નેપાળના લોકો ફિલ્મમાં સીતા પર શૂટ કરાયેલા એક સીનને લઈને ગુસ્સે છે. નેપાળના મેયર બલેન શાહે ફિલ્મના નિર્માતાઓને ત્રણ દિવસમાં ફિલ્મમાં સુધારો કરવાની ચેતવણી આપી હતી, જે સમયગાળો પૂર્ણ થતા કાઠમંડુમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 18મી જૂને મેયર બલેન શાહે કાઠમંડુના તમામ સિનેમા હોલને આદિપુરુષ ફિલ્મનું પ્રદર્શન બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
15 જૂનના રોજ એક ટ્વીટમાં બલેન શાહે કહ્યું હતું કે, “જ્યાં સુધી દક્ષિણ ભારતીય ફિલ્મ આદિપુરુષમાં સમાવિષ્ટ ડાયલોગ 'જાનકી ભારત કી બેટી હૈ'ને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી કાઠમંડુ મહાનગરમાં કોઈ હિન્દી ફિલ્મ રીલિઝ નહીં થાય.
18 જૂને ફિલ્મ પર સ્ટે ઓર્ડર પસાર કરતી વખતે, બલેન શાહે જણાવ્યું હતું કે, “ત્રણ દિવસ પહેલા અમે આદિપુરુષના નિર્માતાઓને વાંધાજનક ભાગ દૂર કરવા કહ્યું હતું. જેમાં જાનકીને ભારતની પુત્રી કહેવામાં આવી છે. નેપાળની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને સ્વાભિમાનનું રક્ષણ કરવું એ નેપાળની દરેક સરકારી, બિન-સરકારી સંસ્થાઓ અને નાગરિકોની પ્રથમ જવાબદારી છે. જ્યાં સુધી ફિલ્મના વિવાદિત ભાગને સુધારવામાં ન આવે ત્યાં સુધી કાઠમંડુ વિસ્તારમાં કોઈપણ ભારતીય ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હવે સવાલ એ થાય છે કે નેપાળ આ હકીકતથી આટલું નારાજ કેમ છે? તે માતા સીતાને નેપાળની પુત્રી કહેવાનો આગ્રહ કેમ રાખે છે? વાસ્તવમાં, ભગવાન શ્રી રામ અને માતા સીતાને હિન્દુ રાષ્ટ્ર નેપાળના લોકો ખુબ માને છે..નેપાળના લોકો માતા સીતાને નેપાળની પુત્રી માને છે કારણ કે નેપાળના જનકપુર ધામમાં માતા સીતાનું જાનકી મંદિર છે. તેમની ધાર્મિક માન્યતાઓ એટલી મજબૂત છે કે તેઓ માતા સીતાને ભારતની પુત્રી તરીકે સ્વીકારવા તૈયાર નથી.
આ પણ વાંચોઃ ‘આદિપુરુષ’ના નિર્માતાઓને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે, ‘ભીષ્મ પિતા’ મુકેશ ખન્નાએ ઠાલવ્યો રોષ