Mukesh-કોઈ કામ કર ગયે હમ તો એ જાને દુનિયા
Mukesh ઊર્ફે મુકેશચંદ્ર માથુરનો જન્મદિન એકવીસમી જુલાઈ .કોણ મુકેશ ?? અરે મિત્ર!! આપણો મુકેશ...સબ કુછ સીખા હમને ન સીખી હોશિયારી..ખરેખર,મુકેશ હોશિયારી ન જ શીખી શક્યા તો ય સરળ સ્વભાવના મુકેશ બોલીવુડને અધધધ આપી ગયા.
આ આપણો મુકેશ આંખોમાં પાણી આવી જાય એટલી હદે સજ્જન હતો.એના અવાજ જેવો જ ભાવવાહી.હીરોથી માંડીને સંગીતકારોએ એનું અપમાન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું.લતા મંગેશકરનું એક ચક્રી શાસન હતું. મોહમ્મદ રફી અને મુકેશે જો એવું રાખ્યું હોત તો મહેન્દ્રકપુર કે મન્ના ડે ન મળ્યા હોત પણ બંને નખશીખ સજ્જન. બધા જ સૌજન્યશીલ.એમાંય મુકેશ તો બધાથી બે દોરા ઉપર...
મુકેશજી સાવ ભોળા સ્વભાવના
સુરૈયાની ફિલ્મ-માશુકા માટે મુકેશે contract કર્યો.મુકેશ બહુ ભોળા.વાંચ્યા વિના જ કરાર પર સહી કરી લીધી.આ કરારમાં એક કલમ એવી હતી કે ‘માશુકા’ ફિલ્મ રીલીઝ ન થાય ત્યાં સુધી Mukesh બીજી કોઈ ફિલ્મમાં ગઈ ના શકે.એ જ વખતે ‘શ્રી 420’નાં બે ગીતો એ ગઈ ચૂકેલા.
બધા જાણે છે કે આર.કે. અને મુકેશનું બોન્ડીંગ કેવું હતું.રાજકપૂરે આ વાત જાણી અને મુકેશ પર ખુબ ગુસ્સે થયા. ન સંભળાવવાનું સંભળાવી દીધું.આખરે બાકીના ગીતો મન્ના ડે પાસે ગવડાવવા પડ્યા અને આર.કે.ની બીજી ફિલ્મ ‘ચોરીચોરી’ તો Mukesh વગર જ બની.
આ બાજુ 'માશુકા'નું નિર્માણ લંબાતું જ ગયું.મુકેશજી સુરૈયા સાથેના કરાર મુજબ બીજે ગાઈ જ નહોતા શકતા.આર્થિક રીતે એ પાયમાલ થઇ ગયા. મૂકાભાઈ પાછા મોઢાના મોળા.કોઈને વાત પણ ન કરે.રાજકપૂર ખાસ મિત્ર.એમને ય ન કહે.
આખરે એણે સુરૈયા સાથે કરાર ફોક કર્યો અને એ ય એને મળેલ રકમ પરત કરીને.રાજકપૂરને એમણે મનાવ્યા તો ત્યાંથી પણ એક શરત આવી કે આર.કે.બેનર સિવાય ક્યાય ગાવું નહિ. મુકેશજીને કામ જોઈતું હતું એટલે એ શરત માન્ય રાખી.
મુકેશે ઘણા કર્ણપ્રિય ગીત આપ્યાં
1952 થી 1958 સુધી એમનો ખરાબ સમય રહ્યો.આર.કે.એ પણ મુકેશને બીજે ગાવાની છૂટ આપી.પણ શંકર જયકિશન અને સલીલ ચૌધરી સિવાય કોઈ મુકેશ પાસે ગવડાવતા નહિ. તો ય મુકેશે ઘણા કર્ણપ્રિય ગીતો આપ્યા.આ બાજુ રફી અને કિશોર હતા.ટક્કર જબરી હતી પણ તંદુરસ્ત ટક્કર હતી.રફી કેટલાંક ગીતો જે મુકેશજીના મધુર કંઠ માટે જ હોય એવા સામેથી મુકેશને અપાવતા.
મુકેશ બોલીવુડમાં આવેલા તો હીરો બનવા
લતા મંગેશકર,રફી,તલત મેહમૂદ,મન્નાડે કરતાં ય મુકેશ સીનીયર. 1941માં એ હીરો બનવા આવેલાં.એમનું એક ગીત પણ રેકોર્ડ થઇ ગયેલું....ફિલ્મ ‘નિર્દોષ’માં એ નલીની જયવંત સામે હીરો હતા.
થેંક ગોડ કે એમનું એક્ટિંગનું ભૂત ઉતરી ગયું અને આપણને એક નબળો હીરો ન મળ્યો પણ ઉત્તમ ગાયક મળ્યો. એમણે કુલ હજારેક ગીત ગાયા પણ કેવા ટકોરાબદ્ધ?? તાજા પ્રેમમાં પડ્યા હો તો ગાઓ:એ સનમ જિસને તુઝે ચાંદ સી સુરત દી હૈ..અને બ્રેકઅપ થયું હોય તો ગાઓ:સજનવા બૈરી હો ગયે હમાર...આપોઆપ ગવાઈ જાય એ મુકેશ.કરોડ બે કરોડનો ચૂનો લાગ્યો હોય તો આપોઆપ ગવાઈ જાય: વો સુબહ કભી તો આયેગી....એટલે જ નેવું ટકા બાથરુમો મુકેશના ગીતોથી ગુંજે છે.
મુકેશના અવાજનો જાદુ
Mukesh ના અવાજનો જાદુ હતો કે એ સંમોહિત કરી દે છે.આટલા સમય પછી હજી ય એના ગીતો એટલાજ લોકપ્રિય છે કારણ એ ગળાવગા છે.એ ગીતો મધુર છે.કોઈ ગલી મહોલ્લો એવો નહિ હોય જ્યાં એક મુકેશ ન હોય. મુકેશના ગયે 38-38 વરસ થયા છતાં એ નરગીસી અવાજનો જાદુ તો જુઓ એના એકે ય ગીતે આજ સુધી આપણો પીછો નથી છોડ્યો.
મુકેશ અમદાવાદના જમાઈ
મુકેશકુમાર અમદાવાદના જમાઈ કઈ રીતે બન્યા એ જોઈએ- એમના સસરા રાયચંદ ત્રિવેદી કરોડપતિ.એમની દીકરી સરલા ત્રિવેદી ઉર્ફે બચીબેન સાથે મુકેશને પ્રેમ થઇ ગયેલો...પણ ક્યાં કરોડપતિ રાયચંદ અને ક્યાં બોલીવુડમાં સ્ટ્રગલ કરતા મુકેશ..પણ બંને એ કાંદિવલી ખાતે એક મંદિરમાં લગ્ન કરી લીધાં.
બોલીવુડમાં મોહમ્મદ રફી,કિશોરકુમાર જેવા લોકપ્રિય કલાકારોની હરોળમાં મુકેશચંદ્ર માથુર. મુકેશ આજે પણ એટલા જ લોકપ્રિય છે.સુરીલો અવાજ અને મધુર ગીતો.એમાય કરૂણ ગીતો તો આજે પણ પ્રેમીઓ માટે ધ્રુવપંક્તિ બની રહ્યાં છે.મોટાભાગના બાથરૂમ સિંગર્સની જીભે મુકેશ જ હોય.
મુકેશ હતા દેખાવડા અને પર્સનાલિટીવાળા એટલે મુંબઈ આવેલા તો હીરો બનવા પણ કિસ્મતે બનાવી દીધા ગાયક.
પ્રથમ ગીત કદાચ રેકોર્ડ જ ના થાત
1945ની સાલ.સંગીતકાર અનીલ વિશ્વાસે મુકેશને ફિલ્મ પહેલી નજરના એક ગીત ગાવા બોલાવ્યા. એક દિવસ,બે દિવસ,ત્રણ દિવસ એમ ચચ્ચાર દિવસ રીહર્સલ જ ચાલ્યાં.કોઈ પણ રીતે અનીલદાને જોઈએ એવું રીઝલ્ટ ન મળ્યું.એમણે મોતીલાલને વાત કરી.મોતીલાલનો એ જમાનો અને મુકેશની ભલામણ મોતીલાલે જ કરેલી.મોતીલાલ મુકેશના સગા થાય.અનીલ વિશ્વાસે તો કહી દીધું કે એ પોતે જ ગાઈ લેશે.મોતીલાલે એમને એક ચાન્સ આપવા ભલામણ કરી.અનીલદા માન્યા પણ એક શરતે-હવે સીધું રેકોર્ડીંગ થશે અને એ ય એક ટેકમાં.જેવું થાય એવું.
મુકેશને રાત્રે જ ફોન કરી દેવાયો.બીજા દિવસે સવારે સ્ટુડીઓ પર બધા આવી ગયેલા.મોતીલાલ પણ આવી ગયેલા...પણ મુકેશ જ નહિ આવેલા.રાહ જોવાતી હતી.થોડીવારે એક કામદાર બહારથી આવ્યો એણે ખબર આપી કે મુકેશ તો બાજુમાં આવેલા બારમાં બેઠા છે.
‘દિલ જલતા હૈ તો જલને દે’
અનીલદા અને મોતીલાલ બાર પર ગયા.મુકેશને લઇ આવ્યા.મુકેશને બ્લેક કોફી પાઈ.એ થોડા સ્વસ્થ થયા ને રેકોર્ડીંગ થયું. એક જ ટેકમાં ગીત રેકોર્ડ થયું અને એ ગીત હીટ બની રહ્યું.ગીત હતું- દિલ જલતા હૈ તો જલને દે.
27 ઓગસ્ટ 1976.અમેરિકાના ડેટ્રોઇટમાં મુકેશજી અને લતા મંગેશકરનો શો.સાથે નીતિન મુકેશ પણ.એ શોમાં એમણે આ ગીત ગાયું....અને એ પછી એમને હાર્ટએટેક આવ્યો અને કારકિર્દીનું પ્રથમ ગીત એમનું ગાયેલું છેલ્લું ગીત બની રહ્યું.
દિલ જલતા હૈ ગીત ખુબ પોપ્યુલર થયેલું.આજે ય એ એટલું જ છે..કલકત્તામાં રેડીઓ પર સાયગલસાહેબે આ ગીત સાંભળ્યું.એમણે એમના સેક્રેટરીને પૂછ્યું : આ ગીત હું ક્યારે ગાયો? એ પછી સાયગલસાહેબ મુંબઈ આવ્યા.એમના માનમાં એક પાર્ટી રાખેલી.મુકેશજી એમાં ગાવાના હતા.એ હંમેશાં હાર્મોનિયમ પર જ ગાતા.
સાયગલ સાહેબને એક ગીત ગાવા ખૂબ આગ્રહ કરાયો.એમણે બહાનું બતાવ્યું કે મારું હાર્મોનિયમ નથી તો મુકેશજીએ એમનું હાર્મોનિયમ આપ્યું.સાયગલે ગાયું.એમને હાર્મોનિયમ ખૂબ ગમ્યું.એમણે મુકેશને કહ્યું:"તારી જેમ જ તારું હાર્મોનિયમ પણ સુરીલું છે.મને આપી દે." પાર્ટી પૂરી થઇ.મુકેશે હાર્મોનિયમ સાયગલસાહેબને આપવા ખૂબ પ્રયત્ન કર્યો પણ સાયગલ સાહેબે એ ન જ લીધું.
મુકેશજી સલામ.....હે ઈશ્વર,અમને અમારો મુકેશ પાછો આપ !!
આ પણ વાંચો- Sharvari Wagh-યશ રાજની 'આલ્ફા'નો ભાગ બનવા માટે ઉત્સાહિત