ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kishor Desai-અજોડ એરેંજર, અજોડ સાજિંદા અને વિરલ ઇન્સાન

Kishor Desai- હિન્દી ફિલ્મોનાં કેટલાંય સુપરહિટ ગીતોના મ્યુઝિક એરેન્જર અને એ ગીતોમાં યાદગાર મેંડોલીન વગાડનાર ગુજરાતી છે.  ઘટના પહેલી: કવિ-ગીતકાર પ્રદીપજીની દેશભક્તિની અમર રચના ગણાયેલું ગીત એટલે 'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...' આ ગીત...
02:50 PM Oct 03, 2024 IST | Kanu Jani

Kishor Desai- હિન્દી ફિલ્મોનાં કેટલાંય સુપરહિટ ગીતોના મ્યુઝિક એરેન્જર અને એ ગીતોમાં યાદગાર મેંડોલીન વગાડનાર ગુજરાતી છે. 

ઘટના પહેલી: કવિ-ગીતકાર પ્રદીપજીની દેશભક્તિની અમર રચના ગણાયેલું ગીત એટલે 'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...' આ ગીત સાથે સંકળાયેલી આ ઘટના ખૂબ જાણીતી છતાં કેટલેક અંશે અજાણી છે.

સંગીતકાર સી. રામચંદ્રે આ ગીતની ધૂન બનાવેલી. મૂળ યોજના મુજબ આ ગીત આશા ભોંસલે ગાવાની હતી, કારણ કે આ ગીતની બંદિશ બની ત્યારે લતા અને સી. રામચંદ્ર વચ્ચેના સંબંધો વણસી ગયા હતા. રામચંદ્રે આશાને તૈયાર કરી હતી, પરંતુ લતાને ક્યાંકથી ગંધ આવી જતાં એણે પ્રદીપજી સાથે ગુફતેગુ કરી અને આ ગીત પોતે ગાશે એવી જોગવાઇ કરી લીધી. આશાને ધમકાવીને કહી દીધું કે તું રામચંદ્રને કહી દે કે મારી તબિયત સારી નથી એટલે હું ગાઇ નહીં શકું. લતાની ધાક એવી હતી કે આશાએ એ આજ્ઞાનું પાલન કર્યું. ગીત સાથે લતાનું નામ પણ અમર થઇ ગયું એમ કહી શકાય.

'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...'ના મ્યુઝિક એરેન્જર

રસપ્રદ વાત એ છે કે આમ બન્યું શી રીતે? કારણ કે જો લતા અને સી. રામચંદ્રના સંબંધોમાં કદી પૂરી ન શકાય એવી તિરાડ પડી ગઇ હોય તો આવું શી રીતે બન્યું એ રહસ્ય છે.

લતા પોતાના મિશનમાં કેવી રીતે કામિયાબ રહી. એનું કારણ એ હતું કે લતાને જેની સાથે ભાઇ-બહેન જેવો નાતો હતો એવો એક ગુજરાતી યુવાન સંગીતકાર સી. રામચંદ્રનો મ્યુઝિક એરેંજર હતો. આ ગીતનું સંગીત સંચાલન એ ગુજરાતી યુવાન કરવાનો હતો એટલે લતા પોતાના સંબંધો પર મુસ્તાક હતી. એ ગુજરાતી યુવાન એટલે કિશોર દેસાઇ. 'અય મેરે વતન કે લોગોં...' ગીત વિશે ફિલ્મ્સ ડિવિઝને બનાવેલી દસ્તાવેજીમાં મ્યુઝિક એરેંજર તરીકે કિશોર દેસાઇનું નામ પ્રદીપજીએ ખાસ મૂકાવ્યું હતું.

ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં નદી મિલે સાગર મેં...'ના સંગીતકાર 

ઘટના બીજી: ૧૯૬૭ના પૂર્વાર્ધની વાત છે. ફિલ્મ 'અનોખી રાત'ના મૂકેશે ગાયેલા ગીત 'ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં નદી મિલે સાગર મેં...'નું રેકોડગ થઇ ગયું હતું. ફિલ્મ 'નૂરજહાં'ના 'શરાબી શરાબી યે સાવન કા મૌસમ...'નું રેકોડગ પણ થઇ ચૂક્યું હતું. ફિલ્મ 'બહુ બેગમ'ના 'હમ ઇંતજાર કરેંગે.. તેરા કયામત તક...'નું રેકોડગ પણ થઇ ચૂક્યું હતું. છતાં સંગીતકાર રોશનનાં પત્ની ઇરા ખૂબ ચિંતામાં હતાં કારણ કે રોશનની તબિયત દિવસે દિવસે કથળી રહી હતી.

કામના વ્યસ્ત રોકાણ વચ્ચે વચ્ચે સંગીતકાર રોશન આરામ કરી લેતા હતા. એમને હાર્ટનો પ્રોબ્લેમ હતો. એકવાર રોશન આ રીતે આરામમાં હતા ત્યાં એમનો સહાયક ઘેર આવ્યો. રોશને પત્ની ઇરાને કહ્યું, 'મારા અધૂરા કામની ચિંતા ન કર. એ તો આ કિશોર કરી નાખશે. કેમ કિશોર, બરાબર ને?' ચાની ચુસ્કી લેતાં કિશોર દેસાઇએ હા પાડી. માત્ર હા ન પાડી, રોશનનો જીવનદીપ બુઝાયો ત્યારે એમની ફિલ્મોનું સંગીત પોતાના નામની કે વધારાના મહેનતાણાની પરવા  સુદ્ધાં ન કરી. રોશનને આપેલા વચનનું પાલન કર્યું.

'ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકલે...'  કિશોરભાઈનું સંગીત

પ્રદીપજીની વાત નીકળી એટલે યાદ આવ્યું. સ્વામી બ્રહ્માનંદ રચિત એક ભજન છે- 'ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકલે...' મોટા ભાગના ગાયકો આ ભજન એવી કરુણ રીતે ગાતા કે સાંભળનારની આંખો ભીંજાઇ જાય. કિશોરભાઇએ મુહબ્બતનો રાગ ગણાતા રાગ પહાડીમાં એની સરસ તર્જ બનાવી અને પ્રદીપજીના કંઠે ગવડાવી. ખૂબ લોકપ્રિય નીવડી. યુટયુબ પર તમે પણ સાંભળી શકો છો. ભજનના શબ્દોમાં રહેલા ગૂઢ ભાવને પ્રદીપજીએ સરસ રીતે જીવંત કર્યા છે.

કિશોર દેસાઇની કારકિર્દી એક મસાલા ફિલ્મ જેવી

યસ્સ, આ વાત કિશોર દેસાઇની છે. ૧૯૫૪-'૫૫માં ૧૩-૧૪ વર્ષની વયથી શરૂ કરીને આવરદાના નવમા દાયકા સુધી સતત સક્રિય રહેલા કિશોર દેસાઇની કારકિર્દીની વાતો એક મસાલા ફિલ્મ જેવી રસપ્રદ છે.

મૂળ તો રંગૂનના એક સુખી-શ્રીમંત પરિવારનો નબીરો. સંજોગો બદલાતાં રંગૂનમાંથી ધંધોધાપો સમેટી લઇને આ પરિવાર મુંબઇ આવ્યો. ગિરગામ ચોપાટી પર એક આલીશાન ફ્લેટમાં વસવાટ કર્યો. કિશોરના પિતા સંગીતના શોખીન. અવારનવાર ઘેર શાસ્ત્રીય સંગીતના ધુરંધર કલાકારોને નોતરે.

કિશોરના પિતા પોતે શોખથી બુલબુલ તરંગ તરંગ તરીકે ઓળખાતું વાદ્ય વગાડતા, પરંતુ કિશોરને તાલીમ આપવા સરોદના શહેનશાહ ઉસ્તાદ અલી અકબર ખાન ઘેર આવતા. એ દિવસોમાં લતા નાના ચોક વિસ્તારમાં રહેતા. કિશોરને ત્યાં સંગીતના સાધકો આવે ત્યારે લતા અચૂક હાજરી આપે. પરિણામે કિશોર સાથે ભાઇ-બહેન જેવો સંબંધ બંધાઇ ગયેલો.

અજોડ એરેંજર, અજોડ સાજિંદા અને વિરલ ઇન્સાન

વાત છે-અજોડ એરેંજર, અજોડ સાજિંદા અને વિરલ ઇન્સાનનો ત્રિવેણી સંગમ સમાન કિશોર દેસાઈ વિશે. સરોદની સાથોસાથ કિશોરને મેંડોલીનનું પણ આકર્ષણ. સરોદ અને મેંડોલીન બંને તંતુવાદ્ય. સંગીત તરફનો પુત્રનો ઝોક જોઇને માતાપિતાએ શિક્ષણનો ઝાઝો આગ્રહ ન રાખ્યો. જો કે આમ છતાં કિશોરભાઇએ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. એમનો જીવ સતત સંગીતમાં રમે. તેર ચૌદ વર્ષની વયે તો બંને સાજ ઉપર હાથ જબરો તૈયાર થઇ ગયો.

એકવાર એવી ખબર પડી કે સિનિયર સંગીતકાર અનિલ વિશ્વાસના કોઇ ગીતનું રેકોર્ડીંગ  છે. કિશોર તો મેંડોલીન લઇને ત્યાં પહોંચી ગયો. અનિલદાએ એને જોયો. અચ્છા, તુમ મેંડોલીન બજાતા હૈ? દેખું, મુઝે સુનાઓ. કિશોરે મેંડોલીન છેડયું. અનિલદા તો છક થઇ ગયા. ત્યાં ને ત્યાં રેકોર્ડીંગ થવાનું હતું એ ગીતનો મેંડોલીન માટે પીસ તૈયાર કરીને કિશોર પાસે વગડાવ્યો. અનિલદા સાથેના સાજિંદા પણ મુગ્ધ થઇ ગયા.

રાતોરાત ફિલ્મ ઉદ્યોગમાં જંગલની આગની જેમ વાત વહેતી થઇ કે એક ગુજરાતી છોકરો વિદ્યુતવેગી મેંડોલીન વગાડે છે. એ વાત સાંભળીને દાદુ મેંડોલીનવાદક ડેવિડે કિશોરને બોલાવ્યો. આ ડેવિડ એટલે ફિલ્મ 'આવારા'ના 'ઘર આયા મેરા પરદેશી...'માં પોતાના મેંડોલીનનો જાદુ પાથરનાર કલાકાર. એમણે કિશોરભાઇના મેંડોલીનવાદનમાં રહેલી ટેકનિકની કચાશ દૂર કરાવી. આમ એક તરફ ઉસ્તાદ અલી અકબર ખાન અને બીજી બાજી ડેવિડ. બબ્બે ધુરંધરોનું માર્ગદર્શન કિશોરને મળ્યું. એનો હાથ બંને સાજ પર જાદુ કરતો થઇ ગયો.

'આમ અનાયાસે મારી કારકિર્દી શરૂ થઇ ગઇ. મને સામેથી સંગીતકારોના તેડા આવતા થયા,' કિશોરભાઇ કહે છે. પછી તો હુ'ઝ હુ કહી શકાય એવા તમામ સંગીતકારો સાથે વગાડવાની તક મળતી થઇ. અનિલ વિશ્વાસના આશીર્વાદ એવા ફળ્યા કે સરદાર મલિકથી શરૂ કરીને છેક અનુ મલિક અને રોશનથી માંડીને રાજેશ રોશન સુધીના ત્રણ પેઢીના સંગીતકારો સાથે મેંડોલીન કે સરોદ વગાડતા રહ્યા.

રોશન અને સી. રામચંદ્રના સહાયક સંગીતકાર

સરદાર મલિકને કોઇ કારણે લતા સાથેના સંબંધ બગડયા હતા. સારંગા ફિલ્મ વખતે લતાના કંઠની જરૂર હતી. કિશોરે સરદાર મલિક અને લતા વચ્ચે સમાધાન  કરાવી આપ્યું. એક તરફ જુદા જુદા ગીતમાં જરૂરિયાત પ્રમાણે મેંડોલીન કે સરોદ વગાડતા. બીજી બાજુ જ્યારે જ્યાં તક મળે ત્યાં આસિસ્ટન્ટ સંગીતકાર કે મ્યુઝિક એરેંજર તરીકે કામ કરતા. રોશન અને સી. રામચંદ્રના સહાયક સંગીતકાર તરીકે ખૂબ કામ કર્યું. એમની પાસે સંભારણાંનો ખજાનો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત ડઝનબંધ એવોર્ડ એમની અલમારીમાં સુશોભિત રીતે ગોઠવેલા છે.

સંગીતકાર-કલ્યાણજી આણંદજી કિશોરને 'અમારો લકી મેસ્કોટ' કહેતા

પાકિસ્તાનથી મુ્ંબઇ આવીને સ્થાયી થયેલા અદનાન સામી માટે કહૈવાય છે કે એ અતિશય ઝડપે કી બોર્ડ વગાડે છે. કેમેરામાં એમના હાથને પકડી શકાય નહીં. કિશોર દેસાઇ એ જ રીતે મેંડોલીનને વીજળીવેગે વગાડતા. ક્યારેક કોઇ સંગીતકારને એવી ધરખમ સ્પીડ જોઇએ તો સિને મ્યુઝિશિયન એસોસિયેશનના સભ્ય મેંડોલીનવાદકો સ્વાભાવિક રીતે કહી દેતા, વો ૩૬૧૨૪૯ પે ફોન કર દો. આ નંબર કાલ્પનિક છે. કહેવાનું તાત્પર્ય એ કે કિશોરભાઇનો લેન્ડલાઇન ફોન નંબર આ સાજિંદા આપી દેતા. એ સમયે ધુરંધર સંગીતકાર-કલ્યાણજી આણંદજી કિશોરને 'અમારો લકી મેસ્કોટ' કહેતા. લક્ષ્મીકાંત પોતે અચ્છો મેંડોલીનવાદક હતો પરંતુ પોતાના ગીતમાં કિશોરને બોલાવતો.

'અય મેરી જોહરાજબીં, તુઝે માલુમ નહીં...'

ક્યારેક જોકે સંગીતકાર સાથે અનબન થઇ જતી. એવો એક દાખલો કિશોરભાઇએ આપ્યો. સંગીતકાર રવિનું રેકોડગ હતું. કોણ જાણે કેમ, પણ સંગીતકાર કે સાઉન્ડ રેકોડસ્ટને સંતોષ થતો નહોતો. દરમિયાન, સાજિંદાઓની શિફ્ટ પૂરી થઇ ગઇ. કિશોરભાઇ પેકપ કરીને ચાલવા માંડયા. રવિ કહે, એય કિધર જાતા હૈ, અભી રેકોડગ ખત્મ નહીં હુઆ હૈ... કિશોરભાઇએ સ્વસ્થતાથી કહ્યું કે એમાં અમારો વાંક નથી. અમારી શિફ્ટ પૂરી થઇ ગઇ. હવે ઓવરટાઇમ અથવા બીજી શીફ્ટના પૈસા આપવા પડશે. કિશોરભાઇએ હિંમત કરી એટલે બીજા વાદ્યકારો પણ ઊભા થઇ ગયા. કિશોરભાઇએ પોતાનો અભિગમ સમજાવતાં કહ્યું, 'હું તો સુખી બાપનો દીકરો છું. મોજથી વગાડી લઉં છું. પણ આ બધા તો બાલબચ્ચાવાળા છે. એમને તો પૈસા મળવા જોઇએ ને, એમનું પેટ સંગીત પર નભે છે.' રવિએ વધારાની શિફ્ટના પૈસા ચૂકવવા પડયા. થોડા દિવસ કિશોરભાઇ પર નારાજ રહ્યા. પછી ફરી બોલાવતા થયા. એ સદાબહાર ગીત એટલે મન્ના ડે એ ગાયેલું ફિલ્મ વક્તનું ગીત 'અય મેરી જોહરાજબીં, તુઝે માલુમ નહીં...'

કિશોરભાઇએ પોતાનું સ્થાન મહેનતથી તૈયાર કર્યું હતું. એક પ્રકારની અનિવાર્યતા સર્જી હતી.  એટલે ઘણીવારનહ કિશોરભાઇ હાજર ન હોય તો સંગીતકાર રેકોડગ મોકૂફ રાખતા. ફિલ્મ 'પ્યાર કા મૌસમ'ના એક ગીત વખતે કિશોરભાઇ ત્રણ ચાર દિવસ બહારગામ હતા ત્યારે પંચમ (આર. ડી. બર્મન)એ 'તુમ બિન જાઉં કહાં...' ગીતનું રેકોડગ મોકૂફ રખાવેલું, નહીંતર એમની પાસે મનોહારી સિંઘ હતા. પણ પંચમને જે સૂર્ અને જે વજનના સ્ટ્રોક જોઇતા હતા એ કિશોરભાઇના હતા. (સરોદ કે મેંડોલીનના તારને પ્લેક્ટ્રમ વડે છે઼ડે એને સ્ટ્રોક કહેવાય.)

આજે ૮૭-૮૮ વર્ષની વયે પણ કિશોરભાઇ શરીરથી થાક્યા છે, મન તો આજે પણ અઢાર વર્ષના જુવાન જેવું છે. સિનિટર સિટિઝન કેર સેન્ટરમાં રહીને પણ એ પોતાના ત્રીસ-પાંત્રીસ શિષ્યોને મેંડોલીન વગાડવાનું માર્ગદર્શન આપતા રહે છે.

આ પણ વાંચો- આ અભિનેત્રી બ્રેકઅપ માટે અન્ય પુરુષો અને યુવકો સાથે સેક્સ કરતી હતી!

Tags :
Kishor Desai
Next Article