Gulzar- कोई होता जिसको अपना हम अपना कह लेते यारों
Gulzar પોતે લખેલાં ફિલ્મી ગીતોની વાત કરવા માટે એક આખું પુસ્તક ભરાય તો એક બે લેખમાં એમને ન્યાય આપી શકાય ? એમાં કમ સે કમ અડધી જગ્યા તો એમણે આર. ડી. બર્મન સાથે કરેલા કામ વિશે જ કરવી પડે.
Gulzar એટલે કે પુરણસિંહ કાલરાનો જન્મ ૧૯૩૪માં. ૮૯ના થયા, ૧૮મી ઑગસ્ટે.
91 વરસની આ ઉંમરે પણ ભરપૂર કામ કરે છે, પૂરેપૂરી ડિસિપ્લિનથી કામ કરે છે. અઠવાડિયાના છ દિવસ સાહેબ સવારે સાડાદસ વાગ્યે વાંચવા-લખવા માટે પોતાની ડેસ્ક પર ગોઠવાઈ જાય. બપોરે દોઢ વાગ્યા સુધી કામ ચાલે. કલાકના લંચ બ્રેક પછી ફરી કામ શરૂ થાય જે સાંજના છ સુધી ચાલે. એક સાથે અનેક પુસ્તકોનું કામ હાથમાં છે. કેટલીય ફિલ્મો માટે ગીતો લખવાનાં અસાઈન્મેન્ટ લીધેલાં છે. મુલાકાતીઓ આવતા રહે. ફોનની રિંગ વાગતી રહે.
અતિવ્યસ્ત છતાં નવરાશ
સતત પ્રવૃત્તિ હોવા છતાં ગુલઝારસા’બ પાસે તો ય હળવી નવરાશ છે. હકીકત એ છે કે બિઝી માણસો પાસે જ દરેક કામ માટે પૂરતો સમય હોય છે. આળસુ માણસો પાસે ક્યારેય સમય હોતો નથી, એમની પાસે કામ ટાળવાનો એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે: “કાલે કરીશું, નેક્સ્ટ વીક રાખીએ, આ મહિનો જવા દઈએ…” બિઝી માણસો બે કામની વચ્ચેના ગાળામાં, ચસોચસ ટાઈટ શેડયુલ વચ્ચે પણ સમય કાઢી જ લેતા હોય છે. 92મા વર્ષે પણ વ્યસ્ત રહેવું હોય તો આ ગુરુચાવી આપી તમને.
Gulzar કહે છે કે મણિ રત્નમ્ની ફિલ્મ ‘દિલ સે’ માટે એ. આર. રહેમાને પહેલવહેલી વાર લતા મંગેશકરનો અવાજ વાપર્યો. ‘જિયા જલે જાન જલે, નૈનોં તલે ધુઆં ચલે, ધુઆં ચલે…’ રહેમાનની ખાસિયત છે કે કોઈ પણ ગાયકે ગીત ગાવા માટે ચેન્નઈના એમના સ્ટુડિયોમાં આવવું પડે અને એ પણ મોડી રાત્રે. ૧૯૯૭નું વર્ષ. લતાજી રહેમાન માટે રેકૉર્ડિંગ કરવા મુંબઈથી ઊડીને ચેન્નઈ ગયા. અગાઉ તેઓ ક્યારેય રહેમાનને રૂબરૂ મળ્યા નહોતા, રહેમાનના સ્ટુડિયોથી પરિચિત નહોતા. એમની સાથે ગુલઝારસા’બ હતા.
ક્રિએટિવ હસ્તીને અહમ ન હોય
ખરેખર ક્રિયેટિવ હોય એવા માણસો કામની બાબતમાં ક્યારેય પોતાનો અહમ્ આડે નથી લાવતા એવો આ કિસ્સો છે. લતાજીનો અને ગુલઝાર’સાબનો પણ.
લતાજીએ તો પુરવાર કરી દીધું કે પોતાનાથી મચ જુનિયર એવા સંગીતકાર માટે પોતે ગાવા જશે અને તે પણ છેક ચેન્નઈ સુધી, એવા સ્ટુડિયોમાં જેની સિસ્ટમથી તેઓ બિલકુલ પરિચિત નથી. અને તે પણ ક્યારે? જ્યારે એમણે બધું જ અચીવ કરી લીધું છે. ભારતરત્ન સહિતનું બધું. જ.
ગુલઝારની સરળતા
હવે ગુલઝારસા’બની મહાનતાની વાત આવે છે. રહેમાનના સ્ટુડિયોમાં તમે એન્ટર થાઓ એટલે તરત મોટું મિક્સિગં ડેસ્ક આવે જ્યાં રહેમાન પોતે હોય. અંદરની તરફ માઈક્રોફોન્સ સાથેનું નાનકડું સિંગર્સ બૂથ હોય. મણિ રત્નમ્ પણ આ રેકૉર્ડિંગમાં હાજર હતા. વાદ્યકારોની જરૂર નહોતી. એ ટ્રેક્સ પાછળથી સિંગરના ટ્રેક સાથે જોડાવાના હતા.
રહેમાન પાસે ટયુન સમજી લીધા પછી લતાજી સિંગર્સ કૅબિનમાં જાય છે પણ ત્યાં પગ મૂકતાં જ ખબર પડે છે કે આ કૅબિનમાંથી મિક્સિંગ ડેસ્ક નજરે પડતી નથી. વિચ મીન્સ કે એમને રહેમાન દેખાતા નથી. લતાજી માટે આ એક બહુ મોટી સમસ્યા હતી, કારણ કે એમને ગીત રેકૉર્ડ થતું હોય ત્યારે સંગીતકાર એટલે કે કંપોઝર સાથે આઈ કૉન્ટેક્ટ કરવાની ટેવ હતી. (‘ઠીક જા રહા હૈ ના?’). એક રિહર્સલ પછી લતાજીએ ગુલઝારસા’બને સાઈડમાં બોલાવીને કહ્યું કે, ‘ગુલઝારજી, મને કશું દેખાતું નથી. બ્લાઈન્ડ હોઉં એવું લાગે છે.’
એક નાનકડું સ્ટૂલ લઈને બેસી ગયા
લતાજીને કદાચ આજુબાજુ કોઈ જોવા મળતું નહીં હોય એટલે પોતે કોઈ કાળકોઠડીમાં પુરાઈ ગયા હોય એવું પણ લાગતું હશે. હવે કરવું શું? દીવાલ ખસેડી શકાય નહીં, દરવાજો તોડી શકાય નહીં. ગુલઝારસા’બે એનો તોડ કાઢ્યો. સિંગર્સ કૅબિનના કાચના દરવાજા સામે એક નાનકડું સ્ટૂલ લઈને બેસી ગયા જ્યાંથી એક તરફ એમને રહેમાન દેખાય અને સામે લતાજી. રહેમાને ઍમ્બેરેસ થઈને ગુલઝારસા’બને કહ્યું પણ ખરું કે તમે શું કામ આ રીતે બેસો છો. કોઈ આસિસ્ટન્ટને બેસાડી દઈએ. ગુલઝાર કહે: નહીં, આયમ કમ્ફર્ટેબલ! અને આમ ગુલઝારસા’બ એ દિવસે (રાત્રે) લતાજી અને એ. આર. રહેમાન વચ્ચેના બાઉન્સિંગ બોર્ડ બન્યા.
શ્રેષ્ઠતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે બધું જ કરી છૂટે
મહાન માણસો, તમને લાગે કે, બહુ ઈગોઈસ્ટ હોય છે. પણ તેઓ જ્યારે ક્રિયેટિવ કામમાં ઈન્વોલ્વ હોય ત્યારે પોતાના ઈગોને નેવે મૂકીને જે સર્જન થઈ રહ્યું છે તેને શ્રેષ્ઠતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે બધું જ કરી છૂટતા હોય છે. આવા લોકોની આવી નાની નાની વાતોમાંથી ઘણું ઘણું શીખવાનું હોય છે આપણે.
Gulzar કહે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપણી પાસે એવા ગાયકો છે જેઓનું ગીત રેકૉર્ડિંગમાં પહેલા જ ટેકમાં ઓકે થઈ જતું હોય છે. લતાજી, આશાજી, સુરેશ વાડકર, સોનુ નિગમ અને અનુરાધા પૌડવાલનાં નામ ગુલઝારસા’બ આ યાદીમાં ગણાવે છે. આ બધા ગાયકો ગીતને પોતાના અક્ષરોમાં કાગળ પર લખીને ક્યાં પૉઝ આપવાનો છે, ક્યાં ભાર મૂકવાનો છે, ક્યો શબ્દ કેવી રીતે ગાવાનો છે, એ બધી નોંધ કરી લેતા હોય છે. પછી તેઓ ગીત રેકૉર્ડ કરવાનું શરૂ કરે અને એક જ ટેકમાં ઓકે થઈ જાય.
રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે…
અહીં ગુલઝારસા’બનું ગીત યાદ આવે છે જે મદનમોહને સ્વરબદ્ધ કરેલું Lata Mangeshkar એ ગાયેલું. ‘મૌસમ’ ફિલ્મમાં એ ગીત રેડિયો પર સંભળાતું હોય એ રીતે શર્મિલા ટાગોર પર ફિલ્માવવામાં આવ્યું છે. રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે… તમે ધ્યાનથી આ ગીત સાંભળજો. પહેલી જ પંક્તિમાં ત્રણ વાર રુકે/રુક શબ્દ રિપીટ થાય છે. પગલાંની અવઢવ, કઈ દિશામાં આગળ વધવું, એની વાત કવિએ પોતાના ખૂબસૂરત અને આગવા અંદાજમાં કરી છે.
લતાજીની ગાયકીની કમાલ
સોનામાં સુગંધ મળે એમ લતાજીએ એક જ પંક્તિમાં આવતા આ ત્રણેય એક સરખા શબ્દોને જે અંદાજથી ઉચ્ચાર્યા છે તે તમે જુઓ: પહેલી વાર ‘રુકે આવે છે ત્યારે ‘ર’નો ધ્વનિ તમને દોઢ ‘ર’ જેવો સંભળાશે, ‘ર્ રુકે’ જેવો. જાણે ચાલતાં ચાલતાં અવઢવ થતી હોય એવો લાગશે. પછીનો ‘રુકે’ શબ્દ (રુકે સે કદમવાળા ‘રુકે’માં) તમને પગલાં અટકી ગયા હોય એવી ફીલિંગ આપશે. અને ત્રીજીવાર રુક આવે છે (રુક કે બાર બાર ચલે) ત્યારે ‘રુક’માંનો ‘ક’ અડધો એટલે કે ‘ક્’ જેવો સંભળાશે જેથી ‘રુક’ પછીના ‘કે’ વચ્ચે નાનકડો, ક્ષણાર્ધ જેટલો પૉઝ આવે, જાણે અટકી પડેલાં પગલાં સહેજ ખમચાઈને ફરી પાછાં ઉપડતાં હોય. લતાજીની ગાયકીની આ કમાલ છે. માત્ર સ્વર દ્વારા તેઓ આખું ચિત્ર ઊભું કરે છે, કવિના દરેક શબ્દને સજાવે અને સંગીતકારની ટ્યુનને પૂરેપૂરો ન્યાય આપે.
‘પુચિરી તંજી કોં ચિક્કો - ઓરિજિનલ મલયાલમમાં જ રાખ્યું
લતાજી ‘જિયા જલે’ ગાઈને મુંબઈ પાછા આવી ગયાં પણ A. R. Rehman એ. આર. રહેમાન માટે હજુ આ ગીત અધૂરું હતું. એમાં બે અંતરા વચ્ચેનું સંગીત (ઈન્ટલ્યુડ મ્યુઝિક) ઉમેરવાનું હતું. રહેમાનનો ફોન આવ્યો: ‘ગુલઝારસા’બ, મેં બે અંતરા વચ્ચે મૂકવા માટે મેલ-ફિમેલના અવાજમાં રેકાર્ડિંગ કરી લીધું છે. શબ્દો મલયાલમમાં છે. તમે એનું હિંદી કરી આપશો?’
ગુલઝારે ફોન પર કહ્યું, ‘સંભળાવો.’ રહેમાને રેકૉર્ડિંગ સંભળાવ્યું: ‘પુચિરી તંજી કોં ચિક્કો (તારું નિર્મળ સ્મિત મને પુલકિત કરે છેે), મુન્તિરી મુતોલિ ચિંતિકકો (દ્રાક્ષ જેવા મીઠાં ચુંબનો) મંજાનિ વર્ના ચુંતારી વાવે (ઓ, મિઠ્ઠી, મિઠ્ઠી નાનકડી છોકરી) તંગિનક્કા તકાદિમિ આદુમ તન્કા નિલવે (સુવર્ણમય ચાંદનીની જેમ નૃત્ય કરતી) તન્કા કોલુસલૈ (શું તું જ મારું સુવર્ણ પાયલ છે?) કુરુકમ કુપિલૈ (શું તું જ ટહુકા કરતી કોયલ છે?) મારાના મયૈલલૈ? ઉમ તંગા નિલવ હોયે (શું તું જ નૃત્ય કરતો મોર છે?)
ગીતમાં ઓવરઑલ ઈમ્પેક્ટનું મહત્ત્વ વધારે હોય
ગુલઝારને આ મલયાલમ શબ્દોનો જાદુ સ્પર્શી ગયો. એમણે કહ્યું, ‘આ ભાષા નહીં સમજનાર શ્રોતાને પણ આ શબ્દો સ્પર્શી જશે. તમે એને હિંદીમાં ટ્રાન્સલેટ કરાવવાને બદલે ઓરિજિનલ મલયાલમમાં જ વાપરો તો ગીત ઘણું યુનિક બનશે.’ ગુલઝારના આ સૂચનને રહેમાને માન્ય રાખ્યું. ઘણી વખત ગીતમાં ઓવરઑલ ઈમ્પેક્ટનું મહત્ત્વ વધારે હોય છે, શબ્દોનો અર્થ સમજ પડે તો તો સારું જ છે, ન સમજ પડે તો પણ એ શબ્દોના ધ્વનિથી સર્જાતું વાતાવરણ ગીતને યાદગાર બનાવતું હોય છે.
ગુલઝાર પોતે ગીતકાર છે પણ તેઓ દૃઢપણે માને છે કે ફિલ્મમાં ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો એની ટ્યુનનો હોય છે
‘પાખી પાખી પરદેસી’ માત્ર ગુલઝાર જ લખી શકે
ગુલઝાર યાદ કરે છે કે ‘દિલ સે’ના એક અન્ય ગીત ‘ઐ અજનબી’માં ઉદીત નારાયણે રેકૉર્ડિંગ પૂરુંકરી લીધું એ પછી રહેમાને ફોન કરીને કહ્યું કે આ વખતે બે અંતરાની વચ્ચે કોરસ નહીં પણ સિંગલ ફીમેલ વોઈસમાં થોડાક શબ્દો જોઈએ છે, પણ એ શબ્દોમાં ‘પા’ ધ્વનિ હોવો જોઈએ. ગુલઝારે સજેસ્ટ કર્યું, ‘પાખી પાખી પરદેસી’. રહેમાન પૂછે કે આ શબ્દોનો કોઈ મીનિંગ થાય ખરો કે પછી માત્ર ધ્વનિ માટે જ તમે સજેસ્ટ કરો છો.
ગુલઝારે સમજાવ્યું: ‘સંસ્કૃતમાં પાખીનો અર્થ પંખી થાય, બંગાળીમાં પણ પંખીને પાખી કહે છે.’ એની પાછળ પરદેસી શબ્દ મૂકીને કવિએ પરદેસી શબ્દ મૂકીને કવિએ નિર્દેશ કર્યો કે આ પંખી ઋતુ બદલતાં ઉડીને સ્થળાંતર કરતું પંખી છે, માઈગ્રેટરી બર્ડ છે. અર્થાત્ એક દિવસ એવો આવશે જ્યારે એ ઊડીને ફરી પાછું પોતાના વતનભેગું થઈ જશે. રહેમાન મહાલક્ષ્મી ઐય્યરના અવાજમાં આ શબ્દો રેકોર્ડ કર્યા અને તમે ‘દિલ સે’નું આલબમ સાંભળશો તો ‘જિયા જલે’ તથા ‘ઐ અજનબી’ ગીતોમાં આ જાદુગરી સાંભળી શકશો.
ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો એની ટ્યુન
Gulzar પોતે ગીતકાર છે પણ તેઓ દૃઢપણે માને છે કે ફિલ્મમાં ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો એની ટ્યુનનો હોય છે. નૉર્મલ શ્રોતા પણ ગણગણી શકે એવી ધૂન પૉપ્યુલર થાય અને એ પછી ધ્યાન એના શબ્દો પર જાય. શબ્દો જાણવા મળે એટલે તમારા મનમાં એ ધૂન પાકેપાયે બેસી જાય. અને એક વખત શબ્દો હોઠે ચડી જાય એટલે તમને એ શબ્દોનો અર્થ જાણવાનું કુતૂહલ થાય. આમ એક પછી એક પગથિયાં પરથી તમે આગળ વધતા જાઓ.
‘દિલ સે’ના આઈકોનિક સૉન્ગ ‘ચલ છૈયા, છૈયા, છૈયા’ વિશે વાત કરતા ગુલઝાર કહે છે કે પ્રેમના છાંયે છાંયે આગળ વધવાની વાત આ ગીતમાં છે.
દુનિયાદારીના આકરા તાપથી બચવું હોય તો પ્રેમની શીળી છાયા નીચે ચાલતાં ચાલતાં આગળ વધવું પડે એવી સમજ ગુલઝારસા’બે આપી ત્યારે આપણામાં આવી. બાકી, અત્યાર સુધી તો આપણેે મલાઈકા અરોરાની લચકાતી કમર પર એટલું ધ્યાન આપતા હતા કે ગીતના શબ્દો શું કહેવા માગે છે તેની પરવા પણ નહોતા કરતા!
આ પણ વાંચો-રક્તપાન કરતા માનવ અને સાહસિક યોદ્ધાઓના સંગમની ગાથા ફિલ્મ કંગુઆ