Gulzar- બસ એક ચુપ સી લગી હૈ, નહીં ઉદાસ નહીં
Gulzar- 'ઇન ધ કંપની ઓફ અ પોએટ ગુલઝાર
કયા ગુલઝાર વધારે વહાલા લાગે?
ગીતકાર ગુલઝાર કે ફિલ્મમેકર ગુલઝાર ?
આ એક એવો પ્રશ્ન છે જે કાયમ મીઠી મુંઝવણ પેદા કરે છે! એમણે જેટલી ફિલ્મો બનાવી એના કરતાં વધારે ગીતો લખ્યાં છે. આપણા દિલ-દિમાગમાં ગીતકાર ગુલઝારનો સંદર્ભ વધારે ઉપસે તે સ્વાભાવિક છે.
એક વાર લેખિકા નસરીન મુન્ની કબીરે ગુલઝારને સવાલ કર્યો: ગુલઝારસાબ, તમને ખુદને કેવા પ્રકારનાં ગીતો સૌથી વધારે સ્પર્શે છે?
ગુલઝારે જવાબ આપ્યો, 'લતાજીનાં 'રસિક બલમા' પ્રકારનાં ગીતો. આવાં ગીત તમારા ચિત્ત પર રીતસર કબ્જો જમાવી દે છે. મને આપણા મહાન ઉર્દૂ કવિ સાહિર લુધિયાનવીએ લખેલું 'મને રે તૂ કાહે કો ધીર ધરે....' ગીત પણ ખૂબ ગમે છે. આ ઉપરાંત રાજકુમારીએ ગાયેલું 'ઘબરા કે જો સર કો ટકરાયેં તો અચ્છા હો' મને બહુ પ્રિય છે (ફિલ્મ: 'મહલ', ૧૯૪૯). મેં આ ગીત પહેલી વાર સાંભળ્યું ત્યારે મને બહુ સમજાયું નહોતું, પણ હવે હું જરાક સ્માર્ટ બની ગયો છું. મને હજુય લાગે છે કે આ ગીતનું મીટર અને શબ્દો ગજબના છે. સાવ સાદી ભાષામાં કેટલી ઊંડાણભરી વાત કહેવાઈ છે.'
ગીતકારની સર્જનવેળાએ મનોસ્થિતિ: Gulzar
ગીતકાર જ્યારે કોઈ ગીત લખે ત્યારે શું એના મનમાં કોઈ ગાયક કે ગાયિકા રમતાં હોય છે?
શું ક્યારેય ગુલઝારને એવું લાગ્યું છે ખરું કે અરે યાર, આ ગીત આના કરતાં આ સિંગરે ગાયું હોત તો સારું થાત?
ગુલઝાર-Gulzar કહે છે, 'ગીતને એક ચોક્કસ પ્રકારના વાતાવરણની જરૂર પડતી હોય છે. ભૂપેન હઝારિકાએ ગાયેલા 'દિલ હૂમ હૂમ કરે...' ગીતનું ઉદાહરણ લો. કલ્પના લાજમીની 'રૂદાલી' ફિલ્મનું આ ગીત. આ જ ગીત લતા મંગેશકરે પણ ગાયું છે. જો તમે ભૂપેન હઝારિકાનું વર્ઝન સાંભળો તો લાગશે કે ટેકનિક અને ટયુનની દ્રષ્ટિએ તે લતાજી વર્ઝન જેટલું પરફેક્ટ નથી, પણ ભૂપેન હઝારિકા ખુદ એક લોકકલાકાર હતા એટલે એમણે ગાયેલું ગીત એક ખાસ પ્રકારનો મૂડ સર્જે છે.
લતા મંગેશકરે 'સન્નાટા' ફિલ્મ માટે 'બસ એક ચુપ સી લગી હૈ, નહીં ઉદાસ નહીં' ગાયું છે. હેમંતકુમારે તે કમ્પોઝ કર્યું છે. એમણે પોતે આ ગીત ગાયું ત્યારે અમે સૌ મુગ્ધ થઈ ગયા હતા. એમના અવાજમાં આ એક્સ્ટ્રાઓર્ડિનરી લાગતું હતું. એટલે ડિરેક્ટરે નક્કી કર્યું કે ફિલ્મમાં લતાજીના વર્ઝનની સાથે હેમંદાનું વર્ઝન પણ ઉમેરવું.'
મોહમ્મદ રફી તો પીર આદમી થે
ગુલઝારસાહેબ મોહમ્મદ રફી માટે બહુ ગીતો લખ્યાં નથી, પણ તે એક સંયોગ માત્ર છે. જોકે રફીસાબ માટે Gulzar ના દિલમાં ભારોભાર આદર છે. તેઓ કહે છે, 'મોહમ્મદ રફી તો પીર આદમી થે. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમને ખૂબ ચાહતી અને ખૂબ માનની નજરે જોતી. જો ડીસન્ટ માણસ કોને કહેવાય એવું કોઈ પૂછે તો મનમાં તરત મોહમ્મદ રફીનું ચિત્ર ઉપસે.'
જોકે કિશોરકુમાર માટે ગુલઝારે ખૂબ બધાં ગીતો લખ્યાં છે. ગુલઝાર-કિશોરકુમાર કોમ્બોનાં ગીતો પણ કેવાં કેવાં! 'તેરે બિના ઝિંદગી સે શિકવા...', 'તુમ આ ગયે તો નૂર આ ગયા...', 'ઇસ મોડ સે આતે હૈં...', 'આનેવાલા પલ જાનેવાલા હૈ...', 'ઓ માંઝી રે, અપના કિનારા...', 'વો શામ કુછ અજીબ થી...', 'મુસાફિર હૂં યારો...', 'ફિર વો હી રાત હૈ ખ્વાબ કી...', 'ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા...', 'આપ કી આંખોં મેં કુછ...', 'કોઈ હોતા જિસકો અપના...'
કિશારકુમારના વ્યક્તિત્ત્વનું ઓછું જાણીતું પાસું
'આશાજી હંમેશા કહેતાં કે કિશારદા સાથે યુગલગીત ગાવું બહુ અઘરૂં છે, કેમ કે ચાલુ રેકોર્ડિંગે એ એવાં નખરાં કરતા હોય કે હસવું રોકી ન શકાય...'
ગુલઝાર કહે છે, 'તે સમયે તો તમામ સાજિંદાઓ સાથે ગીતનું લાઇવ રેકોડગ થતું. ગીતની બે કડી વચ્ચે સંગીતનો ટુકડો (ઇન્ટરલ્યુડ) રેકોર્ડ થતો હોય ત્યારે કિશોરકુમાર માઇક છોડીને સાજીંદાઓ તરફ જતા રહે ને એમની મસ્તી કરવા લાગે. વાયોલિનવાદકનું શર્ટ ખેંચશે, ડ્રમરને ગલીગલી કરશે, ને જેવો પોતાનો ગાવાનો વારો આવે કે તરત માઇક સામે આવી જઈને ગાવા લાગશે! હી વોઝ ફેન્ટેસ્ટિક!'
ગુલઝાર અને કિશોરકુમારની દોસ્તી 'દો દૂની ચાર' (૧૯૬૮)ના શૂટિંગ દરમિયાન થઈ. ગુલઝારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને ગીતો લખ્યાં હતાં. 'ભ્રાંતિ વિલાસ' નામની બંગાળી ફિલ્મની તે રીમેક હતી. ડિરેક્ટર હતા દેબુ સેન અને હિરોઈન, તનુજા. કિશોરકુમાર તો સ્ટાર હતા એટલે શેડયુલ-બેડયુલ એમને થોડું લાગુ પડે? સ્ટારને છાજે તે રીતે સેટ પર તેઓ મોડા મોડા આવે, પણ સાંજે જેવા પોણાછ વાગે એટલે ઊંચાનીચા થવા લાગે. એ અકળાઈને કહેશે: મને લેટ થઈ રહ્યું છે. આ ટેક ક્યારેય ઓકે થશે કે નહીં?
બીમાર મધુબાલા માટે કિશોરકુમારનું સમર્પણ
Gulzar કહે છે, 'કિશારદા પોતાની અજીબોગરીબ હરકતો માટે જાણીતા હતા, પણ તેઓ સાંજે સમયસર ઘરે જવા ઉતાવળા થતા એનું કારણ એમની પત્ની મધુબાલા હતી. મધુબાલા એ વખતે બહુ માંદાં હતાં. કિશોરદા અમને કહેતા: ગમે તે થાય, મારે છ વાગે નીકળી જ જવું પડશે. મેં મારી વાઇફને પ્રોમીસ આપ્યું છે કે હું સમયસર ઘરે પહોંચી જઈશ...' કિશોરકુમારના વ્યક્તિત્ત્વનું આ પણ એક પાસું હતું. ખરેખર, એ જમાનામાં આપણી પાસે અસાધારણ ગાયકો હતાં - લતાજી, આશાજી, મોહમ્મદ રફી, કિશોરકુમાર. હું આશાજીને 'ભાભી' કહેતો કેમ કે પંચમ (આર.ડી. બર્મન) મારા માટે ભાઈ સમાન હતા.'
આજના સિંગર્સ પણ ખૂબ ટેલેન્ટેડ
અલબત્ત, એવું નથી કે આજના ગાયકોને ગુલઝાર નીચી નજરે જુએ છે. તેઓ કહે છે, 'આજના સિંગર્સ પણ ખૂબ ટેલેન્ટેડ છે. એમના અવાજમાં જુદા પ્રકારની એનર્જી છે. સુખવિન્દર સિંહે જે રીતે 'જય હો' ગાયું છે તે ગજબનાક છે. એમણે આ ગીતને જીવંત બનાવી દીધું. આજની તારીખના બેસ્ટ સિંગર્સમાં હું સુખવિન્દર સિંહને મૂકું. સુનિધિ ચૌહાણની રેન્જ પણ કમાલની છે. એ તમામ પ્રકારનાં ગીતો ગાઈ શકે છે. 'બીડી જલાઈ લે' ગીતમાં એ કેટલી સરસ એનર્જી લાવી શકી છે. હિન્દી સિનેમા એ રીતે લકી છે. દરેક દાયકામાં એને ઉત્તમ સિંગર્સ મળતા રહ્યા છે.'
આ પણ વાંચો-Kishore Kumar Samman Award થી રાજકુમાર હિરાનીને સન્માનિત કરાશે