Film Namkeen : ગુલઝારનું કચકડે કંડારાયેલ એક સુંદર કાવ્ય
Film-Namkeen 'નમકીન' (૧૯૮૨)' ગુલઝારનું કચકડે કંડારાયેલ એક સુંદર કાવ્ય.
ગુલઝાર પોતાની ફિલ્મના કથાવસ્તુ તથા તેની માવજત ક્ષેત્રે હંમેશાં પ્રયોગશીલ રહ્યા છે. ૧૯૮૧-૮૨માં ફરી એકવાર ગુલઝારે વિખ્યાત બંગાળી લેખક સમરેશ બાસુની કથા પર પસંદનો કળશ ઢોળ્યો. ફિલ્મ હતી 'નમકીન'! આ ફિલ્મમાં ગુલઝારે પોતે જ આંબેલી સીમાઓ તોડી સંવેદનાની નવી ઊંચાઈઓ સર કરી છે.
સંવેદનાઓ સભર કથાનક
હિમાચલના બરફથી આચ્છાદિત પહાડો! વચ્ચે વચ્ચે આંખ ઠારતી લીલીછમ્મ જાજમ! પર્વતો સાથે વાતો કરતાં વાદળાં! ત્યાંના વાંકાચૂંકા મારગો પર ટ્રક હંકારતો એક ખાનાબદોશ, સીધો સાદો ડ્રાઇવર ગેરુલાલ (સંજીવકુમાર )! એક પહાડી ગામડામાં થોડો વખત રોકાવાનું બનતાં, ક્યાંક નાની એવી ઓરડી તે શોધતો હોય છે, જ્યાં દિવસને અંતે ઓશીકે માથું મૂકવા જેટલી જગ્યા મળી રહે !
ધનીરામ (ટી.પી. જૈન) તેને જઈફ જ્યોતિઅમ્મા (વહીદા રહેમાન) પાસે લઈ આવે છે. અમ્મા અતિશય દરિદ્રતામાં દિવસો કાઢતી હોય છે. સાપના ભારા જેવી ત્રણ ત્રણ જુવાનજોધ દીકરીઓની જવાબદારી તેની છાતી પર હોય છે. તે જુવાનીમાં નૌટંકીની ઝાકઝમાળથી અંજાઈ, 'જુગની'ના નામે મંચ પર નાચતી હોય છે. તે જગતનું વરવું રૂપ તેને જલ્દી સમજાઈ જાય છે. તેથી જ પોતાની દીકરીઓને તે દુનિયાથી દૂર રાખવા આકાશ પાતાળ એક કરે છે.
ગામ લોકો કહેતા હોય છે : "પુરાનેવાલા કિરાયેદાર એકાદ બેટી કો ભી ભગાકર લેકે જાતા, તો બડા ઉપકાર હોતા જ્યોતિઅમ્મા પર!", "લેકિન અમ્મા કે હોતે હુએ તો કિસી કા દમ નહીં, ઉનકો લે જાએ! ચીલ કી તરહ બૈઠી હૈ અંડોં પર! નોચ લે અગર જો કોઈ હાથ ભી લગાએ તો!", "મા-બાપ કે છીંટે ન પડે હોતે, તો તીનોં લડકિયાં ઠિકાને પડ ગઈ હોતી!", "જૈસા ભી થા કિશનલાલ, (છોકરીઓનો પિતા - અભિનેતા રામમોહન, જે નૌટંકી ચલાવતો હોય છે) અચ્છા હોતા અગર જ્યોતિઅમ્મા કો રખ લેતા! ઘર મેં પુરુષ ન હો, તો ઐસા હી હોતા હૈ!" આટલા જ સંવાદોમાં જ્યોતિઅમ્મા અને એના પરિવારની અવસ્થા છતી થઈ જાય છે.
ગુજરાન ચલાવવા તે મસાલા બનાવીને વેચતી હોય છે. વધારાની આવક ઊભી કરવા પોતાના પડતર ઘરનો એક પડતર ઓરડો કોઈને રહેવા માટે ભાડે આપતી હોય છે.
પરિવાર! આ જ એની દુનિયા!
ગામથી દૂર, સમાજથી દૂર પોતાની ત્રણ દીકરીઓ નિમકી (શર્મિલા ટાગોર), મીઠુ (શબાના આઝમી) અને ચિંકી (કિરણ વૈરાલે) સાથે તે રહેતી હોય છે. આ જ એનો પરિવાર! આ જ એની દુનિયા!
ત્રણેય દીકરીઓ જાણે પોતપોતાનાં નામને જીવે છે. મોટી નિમકી - પરિવારમાં નમક - સબરસ જેવી ! ધીર, ગંભીર, ઘરની સઘળી જવાબદારીઓ હસતે મુખે , સ્વેચ્છાએ સંભાળતી! વચેટ, મૂક મીઠુ - મધ જેવી મીઠી! કવિતા લખતી હોય છે! સૌથી નાની ચિંકી - ચટપટી, નટખટ અને બિન્ધાસ્ત!
ગુલઝારની લાક્ષણિક સૂક્ષ્મ રમૂજ (subtle humor)
ગેરુલાલના શરૂઆતી દિવસો ગુલઝારની લાક્ષણિક સૂક્ષ્મ રમૂજ (subtle humor)થી છલોછલ છે. સમય જતાં તે આ અભાગિયા કુટુંબનો 'પુરુષ' સભ્ય બની જાય છે અને બળુકો આધાર સાબિત થાય છે. ટૂંકા ગાળામાં તેણે ત્રણેય દીકરીઓનાં જીવનમાં, ત્રણેયનાં હૈયાંમાં વેગવેગળી રીતે સ્થાન જમાવી લીધું હોય છે. અજાણપણે તે શાંત અને ગંભીર નિમકી પ્રત્યે આકર્ષાય છે. પરંતુ નિમકી હંમેશાં પોતાની ખુશી અને સગવડો કરતાં પોતાની જવાબદારી અને અન્યોની ખુશીઓને અગ્રતાક્રમ આપતી હોય છે. તે પોતાની જવાબદારીઓમાંથી છટકી ગેરુલાલ સાથે પરણવા નથી માગતી. તે ગેરુલાલને મીઠુ સાથે પરણવાની સલાહ આપે છે, જે મનોમન ગેરુલાલને ચાહતી હોય છે. પરંતુ ગેરુલાલ તેવું કરવા માગતો નથી હોતો.
ગેરુલાલને અચાનક નીકળી જવું પડે છે અને તે કોઈ નિર્ણય નથી લઈ શકતો. જ્યોતિઅમ્મા તો આમેય ચિત્તભ્રમ અવસ્થામાં હોય છે, તેથી તેને ખાસ કંઈ ફરક નથી પડતો. પરંતુ ત્રણેય દીકરીઓ ભગ્ન હૃદય અને આંસુભરી આંખે તેને વિદાય આપે છે. ગેરુલાલનો જીવ પણ ભારેખમ હોય છે. પોતાની ટ્રક લઈને તે ધૂળના ગોટેગોટા ઉડાડતો કોઈ અજાણ્યા પ્રદેશ, અજાણા ભવિષ્ય તરફ ટ્રક હંકારી જાય છે.
જ્યોતિઅમ્માની ભય અને અસુરક્ષિતતામાંથી ઉદભવેલી ઝાઝેરી તકેદારી
તે પછીના તેનાં ત્રણ વર્ષ ટ્રક સાથેની રઝળપાટમાં જ વિતે છે. એકવાર અચાનક એક નૌટંકીના મંચ પર ચિંકીને નાચતી જુએ છે. જ્યોતિઅમ્માની ભય અને અસુરક્ષિતતામાંથી ઉદભવેલી ઝાઝેરી તકેદારી, કઠોર પહેરો, વર્ષોની તપસ્યા તેમ જ ત્યાગ તેને એળે ગયેલાં દેખાય છે. અભાવગ્રસ્ત દુનિયામાંથી પોતાના પિતાની ભ્રષ્ટ, કૃત્રિમ ચળકાટવાળી દુનિયામાં તેને આવી પડેલી જોઈને તે સ્તબ્ધ થઈ જાય છે. ચિંકી પાસે તે જવાબ માગે છે. બંને વચ્ચેના સંવાદો ખૂબ અર્થપૂર્ણ અને બળકટ છે. જ્યોતિઅમ્મા અને તેના પરિવારની કટૂ વાસ્તવિકતાઓ અહીં છતી થાય છે.
તેની મુલાકાત કિશનલાલ સાથે પણ થાય છે. તે ગેરુલાલને કહે છે : "જો જુગનીને મળે તો તેને કહેજે, સુખી તો હું પણ ક્યારેય રહી નથી શક્યો!" એક નરાધમનો આવો એકરાર દૃશ્યને વજનદાર બનાવી દે છે.
ત્યાંથી નિકળીને ગેરુલાલ લાગલો જ નિમકી પાસે પહોંચે છે. પહેલેથી જ પડું પડું થતું ઘર થોડું વધુ જીર્ણ, થોડું વધુ શીર્ણ થઈ ગયું હોય છે - જાણે ગમે ત્યારે કક્કડભૂસ થઈ જશે! નિમકીની અવસ્થા પણ ઘર જેવી જ હોય છે. ગેરુલાલની વિદાય પછીની વિતક નિમકી તેને કહે છે : જ્યોતિઅમ્મા તો જાણે મરવાના વાંકે જ જીવતી હતી. સમયાંતરે, મનથી ક્યારનીય મરી ગયેલી અમ્માનાં પ્રાણ તેને છોડીને ઉડી ગયાં. ગેરુલાલના અચાનક ચાલ્યા જવાથી માનસિક રીતે અસ્થિર થઈ ગયેલી મીઠુ આત્મહત્યા કરી ચિરવિદાય લઈ લીધી. સતત અભાવો, કંગાલિયત અને અનેક પહેરાઓ વચ્ચે જીવતી ચિંકી વધુ સહ્ય જીવનની આશામાં ઘર છોડીને જતી રહી અને પિતાની નૌટંકીમાં જોડાઈ ગઈ. રહી ગઈ નિમકી - તેની માતાની જેમ આ ઘરના પડવાની અને પોતાના મૃત્યુની (અને હૃદયના કોઈક ખૂણે ગેરુલાલની) અનંત રાહ જોતી...
સર્જક ગુલઝાર પોતે લાગણીઓનો માણસ
Film-Namkeen નું કથાનક જ સંવેદનાઓ સભર છે. સર્જક ગુલઝાર પોતે લાગણીઓનો માણસ. આવી કથા હોય તો પટકથા ય એમની પોતાની હોય અને એમાંય નિર્દેશન પણ એ કરતાં હોય એટલે 'પાણીને વહેવું હતું 'ને ઢાળ મળી ગયો' વાળો ઘાટ સર્જાયો. ગુલઝાર એટલે એક એક શોટમાં એમની છાપ હોય એમાં ય સંજીવકુમાર,શર્મિલા ટાગોર અને શબાના આજમી જેવા સક્ષમ કલાકારો હોય.. બસ,હવે ફિલ્મ અંગે એક શબ્દ પણ લખવો અતિશયોક્તિ ગણાય.
ગુલઝાર કલાકરોની અભિનેક્ષમતાને પૂરેપૂરી Explore કરતા. Film-Namkeenમાં લોકેશનને પણ એમણે Explore કરવામાં કચાશ રાખી નથી. ગુલઝારની આ ફિલ્મમાં હિમાચલનાં લોકેશન ખુદ પણ એક પાત્ર બની રહ્યાં છે.
Film-Namkeen ની વિશેષતા એ છે કે એને ગમે એટલી વાર જૂએ તો પણ દર્શક લાગણીઓના પ્રવાહમાં તમે વહી જ જાય.
આ પણ વાંચો- 'તે સિંગલ...' પાકિસ્તાનની વહુ બનશે Ameesha Patel? એક્ટ્રેસે તોડ્યું મૌન