Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીએના ગ્લેડ ડેઃ રાજી રહેવાની રમત તમને આવડે છે

પોલીએના....  આ ચાર અક્ષરનું નામ આપણી સામે આવે એટલે એક સરસ મજાની અગિયાર વર્ષની ઢીંગલી નજર સામે તરવરવા માંડે. જે લોકોએ આ બુક નથી વાંચી એમણે જીવનમાં એકવાર તો આ પુસ્તક વાંચવું જ જોઈએ. 1913ની સાલમાં એલીનોર પોર્ટરની લખેલી પોલીએના નામની બુક પ્રસિદ્ધ થઈ હતી. જેની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિ થઈ ચૂકી છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો છે. આ પુસ્તક વિશે વાત કરવાનું એટલે બન્યું કે, દર વર્ષના જૂન મà
પોલીએના ગ્લેડ ડેઃ  રાજી રહેવાની રમત તમને આવડે છે
પોલીએના....  
આ ચાર અક્ષરનું નામ આપણી સામે આવે એટલે એક સરસ મજાની અગિયાર વર્ષની ઢીંગલી નજર સામે તરવરવા માંડે. જે લોકોએ આ બુક નથી વાંચી એમણે જીવનમાં એકવાર તો આ પુસ્તક વાંચવું જ જોઈએ. 1913ની સાલમાં એલીનોર પોર્ટરની લખેલી પોલીએના નામની બુક પ્રસિદ્ધ થઈ હતી. જેની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિ થઈ ચૂકી છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો છે. આ પુસ્તક વિશે વાત કરવાનું એટલે બન્યું કે, દર વર્ષના જૂન મહિનાના  બીજા શનિવારે એલીનોર પોર્ટરના ગામ લિટલટનમાં પોલીએના ગ્લેડ ડે તરીકે ઉજવાય છે.  
રાજી થવાનો કોઈ દિવસ હોય શકે ખરો? તમે ધારો તો દરરોજ રાજી રહી શકો. આપણને એમ થાય કે તણાવ અને દોડધામભરી જિંદગીમાં કેવી રીતે રાજી રહી શકાય? સાચી વાત એ છે કે, કોઈ તમને ભૌતિક સગવડો આપી શકે પણ રાજી, ખુશ, સુખી તો તમારે જાતે જ થવું પડે. રાજી રહેવું એટલું અઘરું નથી. પણ એમાં પેલી ફૂદડી સાથેની શરત છે. તમારે રાજી રહેવું હોય તો જ તમે રાજી રહી શકો. કોઈના જોક્સ કહેવાથી, કોઈ કોમેડી મૂવી જોઈને રાજી રહેવાની વાત નથી આ. જાતને હળવીફૂલ રાખીને જીવવાની વાત છે. 
આજના મોબાઈલ ફોના યુગમાં આપણે એટલા બધા આર્ટિફિશિયલ થઈ ગયા છીએ કે, કોઈને સ્માઈલીનું ઈમોજી મોકલતી વખતે આપણે જરા સરખું હાસ્ય પર ચહેરા ઉપર કે અંદરથી અનુભવતા નથી હોતા. આપણને આપણાં હાવભાવ છૂપાવવાની જાણે આદત પડી ગઈ છે. અંગત વ્યક્તિ રડતું હોય તો પણ આપણને એ નાટક લાગવા માંડે છે. કોઈ દુઃખદ વાત આવે ત્યારે પણ આપણે આપણી લાગણી રડવાના ઈમોજી સાથે મોકલીએ છીએ. પણ ખરેખર આપણે એ અનુભવતા હોઈએ છીએ ખરાં?  
પોલીએનામાં જેમ રાજી થવાની રમત પોલીએના રમે છે એ રમત આપણે આપણી જિંદગીમાં ઉમેરવા જેવી છે. કોઈ વ્યક્તિની સામે કોઈ કારણ વગર સ્માઈલ કરી જુઓ. કોઈ વખત સિગ્નલ પર ભીખ માગતા નાનકડા બાળક સામે હસજો. એનુું સ્માઈલ તમારું દિલ ખુશ કરી દેશે. આપણે તો રાજી રહેવાની રમત રમવાને બદલે ફરિયાદોની રમત વધુ નથી રમતાં? ગાડીમાં પંચર પડે તો પણ આપણને ફરિયાદ હોય છે. ઘરમાં પાણીનો નળ બગડી જાય તો પણ આપણો મગજ જતો રહે છે. બોસનો મૂડ સારો ન હોય તો પણ એ આપણી ખુશી છીનવી લે છે. પોતાના લોકોના મૂડ ઠેકાણે હોવાની પ્રાર્થના કરવી પડે એ આજના જમાનાની સૌથી મોટી કરુણતા છે.  
હજુ ગઈકાલનો જ એક બનાવ શેર કરું. એક સોફિસ્ટીકેટેડ સોસાયટીમાં અમે મહેમાન બનીને ગયેલાં. એ સોસાયટીમાં રહેતાં એક બહેનનું તેમના બંગલા નંબર સાથે કારનું પાર્કિંગ હતું. કોઈ અજાણ્યા મહેમાન સોસાયટીમાં આવ્યા અને એમણે એ જગ્યાએ ગાડી પાર્ક કરી દીધી. ફાંકડું વિદેશી ટચનું અંગ્રેજી બોલતાં એ બહેને અંગ્રેજીમાં દેવાય એવી તમામ ગાળો એ પાર્ક કરનાર યુવકને આપી. પેલો યુવક કહે છે, સોરી. હું મારી કાર હટાવી દઉં છું. પણ પેલા બહેનનો મગજ તો જાણે બ્લાસ્ટ થયો. હદ તો એ થઈ કે, પેલા મહેમાનની ગાડી બ્લોક કરીને એ બહેન અપશબ્દો બોલતાં બોલતાં ચાલ્યા ગયા. અંગ્રેજીમાં ભણેલાં ગણેલાં અક્કલમઠ્ઠા છો એવું કહીને એ બહેને ધડામ દઈને પોતાના બંગલાનો દરવાજો બંધ કર્યો. આ જોઈને સવાલ એ થયો કે, એ બહેન અભણ હતાં? કોણ જાણે કઈ વાતનો ગુસ્સો એમણે એ મહેમાન ઉપર કર્યો એ તો નથી ખબર પણ સોસાયટીમાં એ બહેન વિશે એક છાપ ઉભી થઈ ગઈ. 
અમારી સાથે બનેલો એક બનાવ શેર કરું. સખત વરસાદી રાત્રે અમે લોકો બહારગામ જવા નીકળ્યા. રાત્રે દોઢ વાગ્યે ખરાબ રસ્તાને કારણે એમની ગાડીના ચારમાંથી બે ટાયર ફાટી ગયા. નજીકમાં આવેલી હોટલ સુધી ગાડી માંડ માંડ પહોંચી શકી. છત્રી કાગડો થઈ ગઈ હતી. વળી વરસાદ એટલો તીવ્ર હતો કે, છત્રી કંઈ કામ લાગે એમ જ ન હતી. ફરજિયાત પલળવું પડે એવી પરિસ્થિતિમાં ટાયર બદલતી વખતે રાત્રે પોણા બે વાગ્યે અમે રીતસર વરસાદને માણ્યો. રાજી થવાનું નક્કી કરી લો તો કોઈ તાકાત નથી જે તમને અપસેટ કરી શકે. આજના સમયમાં આ રમત શીખીને રોજ અમલમાં મૂકવા જેવી છે. જે રીતે આરોગ્યની સમસ્યાઓ વધી રહી છે એ જોતાં તો આ રાજી રહેવાની રમત અમલમાં મૂકવા જેવી જ છે. જ્યારે કંઈ જ ન ચાલે ત્યારે જે પરિસ્થિતિ છે એમાં જ ખુશ રહેવું, આનંદમાં રહેવું જિંદગી સાથેનો એ જ અભિગમ અત્યારે ઉમેરવા જેવો છે.  
પ્રશ્નો અને સમસ્યાઓ તો આખી જિંદગી રહેવાની જ છે. એના વગરની તો જિંદગી નથી હોવાની. તો પછી એમાંથી બને એટલું જીવી લેવાનું શીખવાની રમત શરુ કરી દેવાની જરુર છે. ફરિયાદોના બદલે જે પરિસ્થિતિ છે એમાં મજા કેવી રીતે કરી શકાય એ જરા સરખો નજરિયો બદલવાથી તમારી અંદરથી એક રાજીપો ઉઠશે. જે તમને હળવાફૂલ કરી દેશે. રાજી રહેવા માટે આપણે ત્યાં આનંદી કાગડાની વાર્તા પેઢી દર પેઢી ચાલતી આવે છે. પણ એમાંથી આપણે કંઈ ગ્રહણ નથી કરતાં.  
પોલીએનાની આ વાર્તામાં પ્રિઝમ આવે છે. પ્રિઝમમાંથી પસાર થતો પ્રકાશ અનેક રંગો ભરી દે છે. બસ આ પ્રિઝમ અને પ્રકાશ બનાવાની રમત આવડી જાય તો રાજી રહેવું અઘરું નથી. થોડાં જ દિવસોમાં એક સરસ મજાની મૂવી આવી રહી છે, રાજી ઓલ્વેઝ ખુશ. નીલમ દોશી, ચિરાગ ઠક્કર, રમેશ કારોલકરની લખેલી આ મૂવીમાં લેખક-દિગ્દર્શક રમેશ કારોલકર પોલીએનાને જ લઈને આવ્યા છે.  
પોલીએના ગ્લેડ ડે- રાજી રહેવાની રમત જીવનમાં ઉતારવા જેવી ખરી કે નહીં?
Advertisement
Tags :
Advertisement

.