Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Are you proud to be ગુજરાતી?

અંગ્રેજીમાં હેડિંગ વાંચીને તમને આશ્ચર્ય થયું ને? પણ આપણે ગુજરાતી ભાષાને આ દરજ્જામાં નથી મૂકી દીધી? અવિનાશ વ્યાસનું ગીત યાદ આવ્યા વગર નથી રહેતું,  ગુજરાતી થઈ કોઈ બોલે નહિ બરાબર... કરુણતા એ છે કે, બોલવા અને લખવા બેયમાં આપણે સહુએ મળીને ગુજરાતી ભાષાના બાર વગાડવામાં કંઈ બાકી નથી રાખ્યું. આપણને નથી અંગ્રેજી કડકડાટ  આવડતું કે નથી આપણે ગુજરાતી હોવાનું ગૌરવ કે સન્માન અનુભવી શકતા. કવિ, પત્રક
are you proud to be ગુજરાતી
અંગ્રેજીમાં હેડિંગ વાંચીને તમને આશ્ચર્ય થયું ને? પણ આપણે ગુજરાતી ભાષાને આ દરજ્જામાં નથી મૂકી દીધી? અવિનાશ વ્યાસનું ગીત યાદ આવ્યા વગર નથી રહેતું,  ગુજરાતી થઈ કોઈ બોલે નહિ બરાબર... કરુણતા એ છે કે, બોલવા અને લખવા બેયમાં આપણે સહુએ મળીને ગુજરાતી ભાષાના બાર વગાડવામાં કંઈ બાકી નથી રાખ્યું. આપણને નથી અંગ્રેજી કડકડાટ  આવડતું કે નથી આપણે ગુજરાતી હોવાનું ગૌરવ કે સન્માન અનુભવી શકતા. કવિ, પત્રકાર, કોશ રચનાકાર નર્મદના જન્મદિને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાય છે. એક દિવસ આપણે ગુજરાતી ભાષાના ગુણગાન ગાઈને સંતોષ માની લઈશું. પણ જીવનમાં કંઈ ફરક નહીં કરીએ.  
માતૃભાષાને પ્રેમ કરવો જોઈએ એ કહ્યેથી નહીં હૈયેથી સહુને થવું જોઈએ. બહુ આસાનીથી આપણે હિન્દી અને અંગ્રેજી ભાષાને બોલવા લાગ્યા છીએ. ક્યારેય કોઈ બંગાળી કે મરાઠીભાષીને તમે બીજી ભાષા બોલતા સાંભળ્યા છે? બે મરાઠીઓ કે બે બંગાળીઓ કે બે તમિળભાષી લોકો મળશે તો એ પોતાની માતૃભાષામાં જ સંવાદ કરશે. ને આપણે ગુજરાતીઓ મળીશું ત્યારે સામેવાળા ઉપર છાકો પાડી દેવા માટે વ્યાકરણની ભૂલો સાથેનું અંગ્રેજી બોલવાનો ખોટો પ્રયાસ કરીશું. વળી, પાછું આપણે વિદેશ જઈશું અને વિદેશીને આપણે શું બોલીએ છીએ એ ખબર નહીં પડવા દેવી હોય તો આપણે તરત જ ગુજરાતીમાં બોલવાનું શરુ કરી દઈશું.  
સાચી વાત એ છે કે, આપણે આપણી સગવડ પ્રમાણે આપણી માતૃભાષાનો તોડી મરોડી નાખતા જરાય અચકાતા નથી. આપણને આવું બધું ફાવી ગયું છે કેમકે, આપણને માતૃભાષાને પ્રેમ કરવાનું ગળથૂથીમાં નથી મળતું. એમાંય હવેની પેઢીને તો બિલકુલ નથી મળતું. માતૃભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ એ વાત સમજાવવામાં સૌથી મોટો ફાળો આજની નવી પેઢીની માતાઓનો છે. બાળકનું ભણતર તો અંગ્રેજી માધ્યમમાં જ હોવું જોઈએ. આજના જમાનાની આ ઓળખ છે. માની લઈએ કે આ વાત સાચી હશે કે છે. પરંતુ ક્યા ભોગે એનો વિચાર આપણે કોઈ કેમ નથી કરતાં? તમે માતૃભાષાનું ખૂન કરીને બાળકની સાથે સંવાદ સાધો છો. લે લે બેટા એક બાઈટ ઈટ કરી લે....આમાં એ માતાનો બેટો કે બેટી ક્યાંયના નથી રહેતા. એ માતા નથી ગુજરાતી સરખું શીખવી શકતી કે નથી એ અંગ્રેજી બરાબર ભણાવી શકતી. જ્યારે આ ભદ્દું અંગ્રેજી બોલાવાનું બંધ થશે ત્યારે જ તો બોલચાલની ગુજરાતી ભાષા બચી શકશે.  
ગુજરાતી ભાષા બોલનારા આટલા કરોડ છે એની સંખ્યા કે ગુજરાતી ભાષા વિશ્વમાં પહેલા પચીસમાં સ્થાન ધરાવે છે આવું વાંચવું આપણને સારું લાગે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, આ ક્રમ દિવસે ને દિવસે ગગડતો જવાનો છે. આપણે ત્યાં બીજા પ્રાંતમાંથી આવતા અધિકારીઓ ફરજના ભાગ રુપે ગુજરાતી ભાષા શીખે છે. આપણે બીજા દેશમાં જઈએ અને બાળકોને ત્યાં ભણાવવાનું આવે તો મોટાભાગના દેશોમાં ત્યાંની માતૃભાષા ભણવી, લખવી અને બોલવી ફરજિયાત છે. આપણી ગુજરાતી ભાષા માટે કેમ આવું નથી થઈ શકતું. ગુજરાત સરકારે દુકાનોના પાટિયાં, જાહેર સ્થળોએ સૂચનાઓ કે સાઈન બોર્ડ ગુજરાતીમાં મારવાનો આદેશ કર્યો પછી ક્યા ગુજરાતી પ્રેમીએ અંગ્રેજીનું પાટિયું હટાવીને ગુજરાતીમાં લખાવ્યું?  
ગયા અઠવાડિયે જ મુંબઈ જવાનું થયું. ત્યાં ઓવર બ્રીજ માટે પણ ઉડ્ડાણ પુલ એવું લખેલું છે. દુકાનોના પાટિયાથી માંડીને બધી જ જગ્યાએ મરાઠી ભાષા તમને ઉડીને આંખે વળગે છે. આપણે ત્યાં આવો પ્રેમ કોઈ જગ્યાએ નથી જોવા મળતો. બોલચાલની ગુજરાતી ભાષા હોય કે લખાણમાં વપરાતી ગુજરાતી ભાષા હોય આપણને અંદરથી નાદ જ નથી સંભળાતો કે, આપણને સરખું ગુજરાતી લખતા કે વાંચતા કે બોલતા નથી આવડતું. કોઈ ફાંકડુ અંગ્રેજી બોલતું હશે તો આપણે કેટલા એનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ અને આપણને એવું અંગ્રેજી બોલતા નથી આવડતું એના માટે આપણે લઘુતાગ્રંથિ અનુભવીએ છીએ. ગુજરાતી હોવ તો એકવખત દિલ પર હાથ રાખીને કહેજો કે, આવું તમને ગુજરાતી ભાષા માટે ક્યારેય થાય છે ખરું? આપણે વ્યાકરણની ભૂલો વગરનું અંગ્રેજી બોલવા માટે મહેનત કરીએ છીએ પણ આવું આપણે ગુજરાતી ભાષા માટે ક્યારેય કરીએ છીએ ખરાં? કારકિર્દીમાં આગળ વધવા માટે અંગ્રેજી જરુરી છે, આ સ્પર્ધાત્મક દુનિયામાં ટકી રહેવા માટે પણ અંગ્રેજી જરુરી છે બધી જ વાત સાચી છે. પરંતુ, તમે મા કે માતૃભાષાના ભોગે આ બધું કરી રહ્યા છો એ ક્યારે સમજાશે?  
જ્યારે દિલથી આપણને એવું થશે કે, જેમ મા એક જ હોય એમ માતૃભાષા પણ એક જ હોય જેને જાળવવાની આપણી ફરજ છે એ દિવસે ભાષા ટકશે કે નહીં એની ચિંતા બહુ મોટો સવાલ નહીં રહે.  
છેલ્લે એક સરસ મજાની વાંચેલી વાત લખતા મારી જાતને અટકાવી નથી શકતી. ઊંચ નીચમાં નથી માનતી આપણી ગુજરાતી ભાષા. એટલે જ તો ગુજરાતી ભાષામાં કેપિટલ કે સ્મૉલ લેટર્સ નથી હોતા... 
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.