Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક પરીક્ષાનું પરિણામ જ જિંદગીનો ગોલ નથી હોતો

પરીક્ષાનું પરિણામ કરિયરની દિશા નક્કી કરે છે. પરિણામ તમારી કારર્કિદીને ઘડે છે. કેટલીક વખત જિંદગીમાં આવતી ઠોકરો તમને દિશા બતાવે છે. પાઠ ભણાવે છે. પરિણામમાં પણ ઘણાં લોકો ઠોકર ખાતાં હોય છે. ગઈકાલે સેન્ટ્રલ બોર્ડનું દસમા અને બારમા ધોરણનું પરિણામ આવ્યું. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કે, શક્ય છે કે, કેટલાંક વિદ્યાર્થીઓ પોતાના પરિણામોથી રાજી નહીં હોય. પણ એમને એ વાતની ખબર હોવી
એક પરીક્ષાનું પરિણામ જ જિંદગીનો ગોલ નથી હોતો
પરીક્ષાનું પરિણામ કરિયરની દિશા નક્કી કરે છે. પરિણામ તમારી કારર્કિદીને ઘડે છે. કેટલીક વખત જિંદગીમાં આવતી ઠોકરો તમને દિશા બતાવે છે. પાઠ ભણાવે છે. પરિણામમાં પણ ઘણાં લોકો ઠોકર ખાતાં હોય છે. ગઈકાલે સેન્ટ્રલ બોર્ડનું દસમા અને બારમા ધોરણનું પરિણામ આવ્યું. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કે, શક્ય છે કે, કેટલાંક વિદ્યાર્થીઓ પોતાના પરિણામોથી રાજી નહીં હોય. પણ એમને એ વાતની ખબર હોવી જોઈએ કે, એક પરીક્ષા ક્યારેય એવું નક્કી નથી કરતી કે, તમે કોણ છો. આવનારો સમય કદાચ વધુ સફળતા અપાવે એવું બની શકે.  
જે વિદ્યાર્થીઓને એના પરિણામથી ખુશી નથી મળી એ લોકોને એક જ વાત કહેવી છે કે, બિઝનેસમાં, નોકરીમાં સફળ થયેલાં દરેક વ્યક્તિને એક સવાલ કરજો તમને દસમા અને બારમા ધોરણમાં કેટલા માર્કસ આવ્યા હતા. ઘણાં લોકો તો એ ભૂલી પણ ગયા હશે. તો કેટલાક લોકો તરત જ કહેશે, એ માર્કસ ઉપરથી જિંદગી નથી નક્કી થતી. એ માર્કસ  જ સફળતાની સીડી છે એવું જરા પણ નથી હોતું.  
એક વિડીયો જોયો હતો. જેમાં એક પ્રિન્સીપાલે એની શાળામાં બોર્ડમાં ભણતાં દરેક વિદ્યાર્થીના મા-બાપને કાગળ લખ્યો હોવાની વાત સ્પીકર કરે છે. જેમાં એ કહે છે, સ્પોર્ટ્સ મેન બનવા માટે કે, રમતવીરની કરિયર પસંદ કરતી વખતે તમારી ફિઝિકલ ફીટનેસ વધુ જોવાય છે નહીં કે તમારા દસમા અને બારમા ધોરણના માર્ક. કલાકાર માટે જરુરી નથી કે એને ગણિતમાં ખબર પડતી હોવી જોઈએ. સ્ટાર્ટ અપ શરુ કરનારને કદાચ ઈતિહાસમાં ઓછા માર્ક આવ્યા હશે તો એની કરિયરમાં ખાસ કંઈ ફરક નથી પડવાનો. સંગીતકાર બનનારા વ્યક્તિ માટે એને કેમેસ્ટ્રીમાં કેટલા માર્ક મળ્યા છે એ વાત મેટર નથી કરતી. જો તમારું બાળક પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ થાય તો ઉત્તમ વાત છે. પણ જો એનું પરિણામ સારું ન આવે તો એને એવું ચોક્કસ કહેજો કે, આ તારી આખરી પરીક્ષા ન હતી. આ જિંદગીનું આખરી પરિણામ નથી. એનું સ્વાભિમાન કે એનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે એવું કંઈ એને ન બોલતા. કટ ઓફ માર્ક સુધી ન પહોંચી શકાય તો જિંદગીમાં કોઈ રસ્તો ન હોય એવું નથી હોતું. આટલું કહેશો પછી જુઓ તમારું બાળક એક આઝાદ પંખીની માફક ઉડાન ભરશે અને દુનિયામાં કંઈક કરી બતાવશે. એક પરીક્ષા કે ઓછા માર્ક એના સપનાંઓ કે એની આવડત છીનવી શકતા નથી.  
મા-બાપને સંબોધીને લખેલા એ પત્રમાં એવું પણ કહેવાયું કે, તમે એવું જરાય ન માની બેસતાં કે, ડૉક્ટર અને એન્જિનિયર બનેલા લોકો જિંદગીમાં સૌથી વધુ ખુશ હોય છે. પરીક્ષા મહત્ત્વની છે પણ એ સઘળું નથી. સારું પરિણામ તમે કેવા છો એ નથી બતાવતું હોતું. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની એક વાત સમજવા જેવી છે કે, દરેક વ્યક્તિમાં એક જિનિયસ વ્યક્તિત્વ છે પણ દરિયાની માછલીનું મૂલ્ય એ ઝાડ કેટલું ઝડપથી ચડી શકે છે એના પરથી ન આંકી શકો.  
દસમા અને બારમા ધોરણનું પરિણામ તમે વ્યક્તિ તરીકે કેવા છો એ ન કહી શકે. જિંદગીમાં તમે કેવા છો, કેવા બનશો, કેવું જીવો છો એ વધુ મહત્ત્વનું છે. આ વાત દસમા કે બારમાના અભ્યાસમાં નથી આવવાની આ વાત જિંદગીમાં રોજેરોજ પરીક્ષા આપીને શીખાય છે. ભણતાં હોઈએ ત્યારે જે પરીક્ષા આવે એનો અભ્યાસક્રમ આપણને ખબર હોય છે. પુસ્તકની બહારનું કંઈ પૂછાવાનું નથી એનો પણ આપણને વિશ્વાસ હોય છે. દસમું, બારમું અને કોલેજ આ પાસ કર્યા પછી જ ખરી પરીક્ષા ચાલુ થતી હોય છે. આ પરીક્ષા એવી હોય છે જેનો અભ્યાસક્રમ આપણને ખબર નથી હોતી. રોજ સરપ્રાઈઝ એક્ઝામ હોય છે જેના પરિણામનો અંદાજો આપણે નથી લગાવી શકતા. એટલે જ દસમા કે બારમા ધોરણનું પરિણામ સર્વસ્વ નથી. એ પરિણામોથી આગળ પણ ઘણું બધું હોય છે. બોર્ડની પરીક્ષાની અસફળતા ઘણીવખત કોઈ બીજા દરવાજા ખોલી નાખે છે જ્યાં સફળતા તમારી રાહ જોતી હોય છે.  
ધાર્યું પરિણામ ન  મળે એટલે ડિપ્રેસન આવી જાય, નેગેટિવ વિચારો આવવા માંડે કે પછી જિંદગીનો સવાલ બનાવી બેસીએ આ તમામ લાગણીઓ થવી સ્વભાવિક છે. પરંતુ એટલું યાદ રાખવું જરુરી છે કે, અતિ ખરાબ પણ અંતિમ નથી હોતું.
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.