Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navaratri - ‘મા’ને મપાય નહીં પમાય

Navaratri-વરસો પહેલાં એક ભજન સાંભળેલું: 'અંતરના બે ઓરડા, એક ઓરડે પ્રભુ બિરાજે, બીજે વસે શેતાન...' . એ ઉંમર એવી હતી કે ભજનનો મર્મ સમજાયો નહોતો. આજે એ યાદ કરીને ભજનના રચનારાને સલામ કરવાનું મન થાય છે. શારદીય નવરાત્રિતો આવી. એક...
navaratri   ‘મા’ને મપાય નહીં પમાય

Navaratri-વરસો પહેલાં એક ભજન સાંભળેલું: 'અંતરના બે ઓરડા, એક ઓરડે પ્રભુ બિરાજે, બીજે વસે શેતાન...' . એ ઉંમર એવી હતી કે ભજનનો મર્મ સમજાયો નહોતો. આજે એ યાદ કરીને ભજનના રચનારાને સલામ કરવાનું મન થાય છે.

Advertisement

શારદીય નવરાત્રિતો આવી. એક નોરતું તો ગયું.. નવ પણ આંખના પાલકારે જતાં રહેશે.  

માએ દૈત્યોને રણમાં રોળ્યા

પૌરાણિક સંદર્ભો જોઇએ તો આશ્ચર્ય થાય. આપણા ગરબાઓમાં આવે છે -'દૈત્યોને રણમાં રોળ્યા રે માએ દૈત્યોને રણમાં રોળ્યા, ચંડ મુંડ ચપટીમાં ચોળ્યા રે માએ દૈત્યોને રણમાં...' આમાં આશ્ચર્ય થાય એવું શું છે? સવાલ તમારા મનમાં ઊઠે એ પહેલાં આગળ વાંચો. દેવો અને દૈત્યો સગ્ગા માસિયાઇ ભાઇઓ  છે.

Advertisement

કશ્યપ નામના ઋષિની બે પત્ની. એકનું નામ દિતિ. બીજીનું નામ અદિતિ. બંને સગ્ગી બહેનો. દિતિના પુત્રો દાનવ બન્યા અને અદિતિના પુત્રો દેવો બન્યા એવી પુરાણકથા છે.

અંગ્રેજી સાહિત્યમાં સ્કોટિશ લેખક રોબર્ટ લુઇસ સ્ટીવન્સનની એક નવલકથા છે- ડૉક્ટર જેકિલ એન્ડ હાઇડ. દિવસે પરગજુ ડૉક્ટર તરીકે જીવતો માણસ રાત્રે અપરાધી બની રહે છે એવો એનેા કથાસાર છે. અગાઉ જે ભજનના મુખડાની વાત કરે એવું જ કાંઇક આ નવલકથામાં છે.  મુહમ્મદ અલી ઝીણા અને જવાહરલાલ નહેરુની માતા હયાત હોત તો કદાચ દેશના ટુકડા ન થયા હોત.

Advertisement

જે કર ઝુલાવે પારણું, એ જગત પર શાસન કરે.

સૉરી, વાત જરા આડે પાટે ચડી ગઇ. શારદીય નવરાત્રિનો વિચાર કરતાં બે વાત ધ્યાનમાં આવે છે. ક્ષણિક આવેશમાં માણસ અપરાધ કરી બેસે ત્યારે એને ખરા અર્થમાં શિક્ષા એની માતા જ કરી શકે. એટલે જ કદાચ કહ્યું હશે, 'જે કર ઝુલાવે પારણું, એ જગત પર શાસન કરે.'  બાળકને વહાલ કરતી માતા જરૂર પડયે એટલે કે બાળક ખોટે રસ્તે જાય ત્યારે એને એકાદ બે અડબોથ મારી દે પણ ખરી. એવા જ કોઇ વિચારથી મહેબૂબ ખાને પોતાની એવરગ્રીન ફિલ્મ મધર ઇન્ડિયાની માતાને છેલ્લે પોતાના પુત્રને ઠાર કરતી દેખાડેલી.  

ગરબો શબ્દ ગર્ભ પરથી આવ્યો

બીજો વિચાર આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે એવો છે. ગરબો શબ્દ ગર્ભ પરથી આવ્યો. છિદ્રો ધરાવતી માટીની મટુકીની ભીતર મૂકેલા કોડિયામાં દીવો પ્રગટે એ ગરબો. ગર્ભમાં વિકસી રહેલા પિંડમાં પણ પ્રાણ કે ચૈતન્ય તો હોય છે. એ પ્રકાશનું પ્રતીક છે.

સ્મૃતિવાહક તંત્ર જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર વિસ્તારે-પ્રસારે છે

૨૦૧૫ના નવેંબરની ૭મીએ એક વિજ્ઞાની મેડી સ્ટોને એવું સંશોધન પેપર પ્રગટ કરેલું. માણસના શરીરમાં રહેલા મગજમાં આમ તો ૮૦ થી ૧૦૦ અબજ ન્યૂરોન્સ છે. એ નેટવર્ક અત્યંત સૂક્ષ્મ છે અને દરેક ન્યૂરોન બીજાં અબજો ન્યૂરોન્સ સાથે જોડાયેલો હોય છે. સંશોધન પેપરમાં જણાવાયા મુજબ માણસના શરીરમાં-વાસ્તવમાં મગજના અબજો ન્યૂરોન્સમાંના ૮૦૦ મિલિયન ન્યૂરોન્સ રોજ સતત .૦૮૫ વૉટ વિદ્યુત પ્રવાહ પેદા કરે છે. એ વિદ્યુત પ્રવાહ એકત્ર કરવામાં આવે તો આજનો આઇફોન ૭૦ કલાક સુધી ચાલી શકે. વાંચો આ વાક્ય ફરીથી. માણસના મગજમાં એવો વિદ્યુત પ્રવાહ સતત ઉદ્ભવે છે અને સતત સક્રિય રહે છે. આ હકીકત માતાના ગર્ભમાં રહેલા જીવને પણ લાગુ પડે છે. ગર્ભનાળ દ્વારા આ જીવ માતાના શરીરનો એક અવિભાજ્ય હિસ્સો બની રહે છે.

 આમ ગર્ભમાં રહેલા ચૈતન્ય પરથી ગરબો આવ્યો. માટીના ગરબામાં છિદ્રો હોય છે એમ માણસના શરીરમાં પણ દસ દ્વાર આવેલાં છે. અધ્યાત્મના પ્રતીકો તો જુઓ. શરીરના દસ દ્વારોની જેમ દશ દિશાઓ છે. ગરબામાં રહેલાં છિદ્રો દ્વારા ભીતર રહેલા પ્રકાશનાં કિરણો બહાર અજવાળું પાથરે છે.

શક્તિ એટલે શારીરિક બાલ નહીં-શરીર સંચાલન કરતી કોઈ અગોચર શક્તિ 

માણસના મગજમાં રહેલું સ્મૃતિવાહક તંત્ર જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર વિસ્તારે-પ્રસારે છે. આમ આપણે ગરબાની એટલે ખરેખર તો આપણામાં રહેલા ચૈતન્ય તત્ત્વની આરાધના કરીએ છીએ. શક્તિની આરાધના એટલે કસરત કરીને શારીરિક બળ વધારવાની વાત નથી, શરીર સૌષ્ઠવ વધારીને નબળા પર શૂરા થવાની વાત નથી, આપણામાં રહેલી ઊર્જા કે પ્રાણશક્તિને સુદ્રઢ બનાવીને અધ્યાત્મનાં શિખરો સર કરવાની વાત છે.

પાર્ટી પ્લોટમાં સૂર-તાલના સથવારે નાચ્યા કૂદ્યા એ બરાબર. એ રીતે પણ શરીર અને મનને આનંદ પ્રાપ્ત થતો હોય તો કશું ખોટું નથી. પણ શક્તિની આરાધનાનો ગૂઢાર્થ પણ સમજવા અને માણવા જેવો છે.

એટલેજ માતાને જગજનની કહી છે. બાળકમાં રહેલો માણસ ખોટા રસ્તે જાય ત્યારે એનો કાન આમળવાનો અધિકાર માતાને છે અને એ માટેની આવશ્યક શક્તિ માતામાં પ્રગટે છે. એ શક્તિનો મહિમા ગાવાનું પર્વ એટલે નવરાત્રિ.

ગમે તેવા સજ્જન માણસમાં પણ ક્યારેક કોઇ કમજોર પળે પશુતા છલાંગ મારીને બહાર આવે છે. દેવ મટીને એ દાનવત્વ દેખાડવા માંડે છે ત્યારે જગતજનની એની સાન ઠેકાણે લાવવા એને સજા કરે છે.

મહિષાસુર મર્દિનીનો સાચો અર્થ આ છે. ગરબી-ગરબા, દાંડિયા રાસ રમતી વેળા આ અર્થ ભૂલવા જેવો નથી.

આ પણ વાંચો: Hiranyakashipu : ભગવાન સામે પડેલો કાલનેમી

Tags :
Advertisement

.