Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Deepawali : દિવાની જેમ જાતે બળી જગને ઝળહળ કરવાનું પર્વ

Deepawali નું આપણા જીવનમાં દરેકે દરેક તહેવારનું મહત્ત્વ છે. ચાહે એ મકરસંક્રાન્તિ હોય કે રક્ષાબંધન, અખાત્રીજ હોય કે નાગપંચમી, વસંત પંચમી હોય કે વાક્ બારસ, રામનવમી, જન્માષ્ટમી હોય કે પછી ગણેશ ચતુર્થી અને નવરાત્રિ. આમ છતાં આસોની અમાસે ઉજવાતી દિવાળીનું...
deepawali   દિવાની જેમ જાતે બળી જગને ઝળહળ કરવાનું પર્વ

Deepawali નું આપણા જીવનમાં દરેકે દરેક તહેવારનું મહત્ત્વ છે. ચાહે એ મકરસંક્રાન્તિ હોય કે રક્ષાબંધન, અખાત્રીજ હોય કે નાગપંચમી, વસંત પંચમી હોય કે વાક્ બારસ, રામનવમી, જન્માષ્ટમી હોય કે પછી ગણેશ ચતુર્થી અને નવરાત્રિ.

Advertisement

આમ છતાં આસોની અમાસે ઉજવાતી દિવાળીનું કંઈક વિશેષ મહત્ત્વ છે. દિવાળીના દિવસનો અનેરો ઉમંગ, દિવાળી આવતાં પહેલાંની તૈયારીઓ, દિવાળીના મહિનાઓ અગાઉ જોવાતી રાહ-આ દરેક તબક્કાઓ પણ એક મહામૂલા અવસર જેટલા જ અગત્યના હોય છે.

Deepawali શા માટે?

આપણા જીવનમાં દિવાળી સૌથી મોટો તહેવાર શું કામ છે?

Advertisement

દિવાળી લક્ષ્મીજીનો તહેવાર છે એટલે સમગ્ર માનવજાત માટે સૌથી મોટો તહેવાર છે. ભારત જ નહીં આખી દુનિયાએ દિવાળીનું મહત્ત્વ સમજીને આસોની અમાસ ઉજવવી જોઈએ. શું કામ?

લક્ષ્મી વિના આ જગતના કર્તાહર્તા સ્વયં વિષ્ણુ ભગવાનને જો ન ચાલ્યું હોય તો આપણે સૌ તો પામર માનવીઓ છીએ. આ જગતના કેન્દ્રમાં લક્ષ્મી છે. પૈસા વિના કે મની વિના આ જગતની પ્રવૃત્તિઓ થંભી જાય.

Advertisement

 પૈસો એટલે શું માત્ર રૂપિયાની નોટો?  

પૈસાની એટલી ટૂંકી વ્યાખ્યા ન થાય. આજના જમાનામાં ભલે પૈસો આ બધાં ચલણનો પર્યાય હોય પણ જે જમાનામાં ચલણી નોટો, સિક્કાઓ કે સુવર્ણ મહોરનું ચલણ નહોતું કે વિનિમય પદ્ધતિથી વેપાર-વ્યવહાર થતા હતા ત્યારે પણ પૈસાનું મહત્ત્વ તો હતું જ. પૈસો એટલે પુરુષાર્થ એવું સમજવું જરૂરી છે. કહો કે પુરુષાર્થનું પરિણામ એટલે પૈસો.

આ જગત પુરુષાર્થને કારણે ચાલે છે. દુનિયાની દરેકે દરેક વ્યક્તિ પુરુષાર્થ કરતી રહે છે ત્યારે આ જગતનો વિકાસ થયો છે. ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, ફેક્ટરીના માલિક-મજૂરો જાતજાતની ચીજોનું ઉત્પાદન કરે, વૈજ્ઞાનિકો નવી નવી શોધખોળો કરે, આર્થિક બાબતોના નિષ્ણાતો નાણાંકીય વ્યવહારો ગોઠવી આપે, ન્યાયતંત્ર અને પોલીસતંત્ર કાયદો તથા વ્યવસ્થાની જાળવણી કરે, શિક્ષકો બાલમંદિરથી લઈને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરાવે, સાહિત્યકારો સાહિત્ય રચે, સંગીતકારો સંગીત રચે કે સફાઈ કામદારો તમારાં ઘર-ગલી ગામને ચોખ્ખુંચણાક રાખે ત્યારે આ જગત ચાલે છે, વધુ સુંદર બને છે, દુનિયાની પ્રગતિ થાય છે.

જીવનમાં પુરુષાર્થનું સૌથી મોટું મહત્ત્વ

જગતની પ્રગતિના કેન્દ્રમાં આ સૌ વ્યક્તિઓનો પુરુષાર્થ છે. એમના પુરુષાર્થના ફળસ્વરૂપે એમને જે કમાણી થાય છે તે એમની લક્ષ્મી છે. લક્ષ્મીનું પૂજન કરીએ છીએ ત્યારે આપણે પ્રતીકરૂપે ભલે બાપદાદાએ વારસામાં આપેલા ચાંદીના રાણીછાપ રૂપિયાની પૂજા કરીએ પણ વાસ્તવમાં આપણે પુરુષાર્થની પૂજા કરીએ છીએ. લક્ષ્મી પૂજા એટલે પુરુષાર્થની પૂજા. દિવાળી એટલે લક્ષ્મીજીના મહાત્મ્યનો દિવસ, જીવનમાં પુરુષાર્થના મહાત્મ્યનો દિવસ. આજની તારીખે પુરુષાર્થના પરિણામે પૈસા મળે છે એટલે લક્ષ્મીજી એનાં પ્રતીક બન્યાં છે.

જીવનમાં પુરુષાર્થનું સૌથી મોટું મહત્ત્વ 

બાળક કમાતું ન થાય ત્યાં સુધી આ દુનિયાનાં કુતૂહલોને સમજવાની કોશિશ કરીને, અભ્યાસ કરીને, તાલિમ મેળવીને, પુરુષાર્થ માટે પોતાની જાતને તૈયાર કરે છે.

અસાધ્ય બીમારીથી પીડાતા કે પછી વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક રીતે તદ્દન અશક્ત થઈ ગયેલા માણસો સિવાય સૌ કોઈની ફરજ છે સતત પુરુષાર્થ કરવાની.

અદ્રશ્ય લક્ષ્મી ઘરમાં પ્રવેશે

રોકડા પૈસામાં જેમનો પુરુષાર્થ પરિણમતો નથી તેવી ગૃહિણીઓ તો પુરુષોના પુરુષાર્થ જેટલા જ ઉચ્ચ તબક્કાનો પુરુષાર્થ કરે છે કારણ કે આ ગૃહિણીઓના પ્રદાન દ્વારા પરિવારના એ સૌનું જીવન ગોઠવાઈને નિયમિતરૂપે ચાલે છે જેઓ પુરુષાર્થ કરીને પૈસો કમાય છે. ગૃહિણીઓ દ્વારા આ રીતે અદ્રશ્ય લક્ષ્મી જે ઘરમાં પ્રવેશે છે તેનું મૂલ્ય ચલણી નોટો દ્વારા પ્રાપ્ત થતી લક્ષ્મી જેટલું જ મોટું છે, અતુલનીય છે.

પૈસાથી એટલે કે પુરુષાર્થથી જ આ દુનિયા ચાલે છે. સાધુસંતો અને ત્યાગી મહાપુરુષોનું જીવન પણ પૈસા દ્વારા જ ચાલે છે, એમની તમામ સગવડો પૈસાથી જ સચવાય છે. ભલે તેઓ પોતે પ્રત્યક્ષરૂપે કમાતા ન હોય પણ તેઓ આ જગતમાં પોતાનાં સદવચનો, સદવ્યવહાર તથા સતકાર્યો દ્વારા જે સુવાસ ફેલાવે છે તેનો પ્રત્યક્ષ-પરોક્ષ લાભ જેમને થાય છે એ સૌ પોતપોતાના પુરુષાર્થના પરિણામનો કેટલોક હિસ્સો ઋણસ્વીકારરૂપે આ સંતોનાં ચરણોમાં મૂકીને ધન્ય થાય છે.

નાસમજણને કારણે જીવનમાં પૈસાના મહત્ત્વને વગોવતા લોકોને સદબુદ્ધિ મળે એ માટે જ લક્ષ્મીજીના આ તહેવાર દિવાળીને આપણે વરસનો સૌથી મોટો ઉત્સવ ગણીને ઉજવીએ છીએ, આવી મારી સમજ છે.

આખું વિશ્વ દિવાળી ઉજવતું થઈ જશે

દીવો, પ્રકાશ, અંધકાર ઇત્યાદિનાં પ્રતીકો દ્વારા આ સમજનો આપણે પ્રસાર કરીએ છીએ. આજે નહીં તો કાલે આખું વિશ્વ દિવાળી ઉજવતું થઈ જશે. એની એંધાણી આઈએમએફ અને યુનો દ્વારા તો મળી જ રહી છે. આપણા દેશની સર્વાંગી પ્રગતિના સાક્ષી બની રહેલા વિશ્વના તમામ દેશો કોઈના હુકમ વિના, સ્વયંભુપણે દિવાળીનું, લક્ષ્મીનું, પુરુષાર્થનું મહત્ત્વ સમજીને પોતપોતાના કેલેન્ડરોમાં આસોની અમાસ જે તારીખે આવતી હોય તે તારીખને લાલ આંકડામાં છાપતા થઈ જાય એ દિવસો હવે બહુ દૂર નથી.

આ પણ વાંચો- Diwali 2024:દિવાળીના દિવસે આ વસ્તુ દેખાતા જ કિસ્મત ચમકી જશે!

Tags :
Advertisement

.