Continence-મૂળમાં પાણી રેડવું પડે પાંદડે પાણી ચોપડવાથી ન ચાલે
Continence-સદવર્તન,સદાચર એ સ્વામિનારાયણ ધર્મનો પાયો છે.મૂળમાં પાણી રેડવું પડે પાંદડે પાણી ચોપડવાથી ન ચાલે. માત્ર ઊપદેશ,કથવાર્તા અને મંદિરોથી એ ધર્મ નથી. ભક્તોના જીવનમાં સદાચાર અને નીતિમત્તા ન આવે તો ધર્મ શા કામનો?
કવિવર ન્હાનાલાલ : "કાદવ-કર્દમવન્તા જીવનને, સંસારને, અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા-વિચારવાની છે. શિક્ષાપત્રી એટલે વ્યવહાર ને સંસારને પરિશુદ્ધતી નિત્ય નિયમાવલિ."
સરદાર વલ્લભભાઈ પટેલ:"જો દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે."
धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः ।
माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे ॥
નોબલ પ્રાઇઝ વિજેતા ડૉ. કોનાર્ક લેરીન્સે પોતાના એક પુસ્તકમાં જણાવ્યું છે કે ‘I believe I have find the missing link between animals & civilized man, It is we.’ મને પશુ અને સુસંસ્કૃત માણસ વચ્ચેની ખૂટતી કડી હાથ લાગી ગઈ છે.
એ કડી કઈ? આપણે બધા. આજે વર્તમાન સમાજ કઈ જગ્યાએ ઊભો છે ? એની એક ટૂંકી ને ટચ સચોટ વ્યાખ્યા ડૉ. કોનાર્ક લેરીન્સ આપે છે. આપણે નથી પશુ કે નથી માણસ. આપણી પરિસ્થિતિ ત્રિશંકુ જેવી ઊભી થઈ છે. લોકોના જીવનમાં મર્યાદા ટળી ગઈ છે.
ચોરી, લૂંટ, વ્યભિચાર વગેરે અનેક દુર્ગુણોથી લોકમાનસ સંપૂર્ણ વ્યાપ્ત થયેલું છે. એ સમાજ વિષે વાત કરનાર વ્યક્તિ એ ભૂલી જતી હોય છે કે સમાજની અંદર હું પોતે પણ આવી જાઉં છુ _. માણસની મનોવૃત્તિ કેવી છે ? એ માટે એક દૃષ્ટાંત છેઃ
એક વખત એક માણસ જંગલમાં ભૂલો પડ્યો. સાંજ પડી ગઈ. ઝાડ પર ચડી ગયો, ત્યાં જ એક સિંહ આવ્યો. તેણે માણસ ઉપર તરાપ મારવા પ્રયત્ન કર્યો પણ માણસ તો ઝાડ પર ચડી ગયેલો. માણસ નીચે ઊતરે તેની સિંહ રાહ જોવા લાગ્યો. એ વૃક્ષ ઉપર એક વાંદરો હતો. એક બાજુ વાંદરો ને એક બાજુ માણસ ઝાડ નીચે સિંહ આંટા મારતો હતો.
Continence-સદાચાર ન હોય તો ?
Continence-રાત પડી. બન્નેને ઝોકાં આવે, કરવું શું? વાંદરો અને માણસ ભેગા થયા ને નક્કી કર્યું એક જણ સૂવે ને એક ધ્યાન રાખે. સૌ પ્રથમ માણસ સૂતો ને વાંદરો જાગતો રહ્યો. મધરાત વીતી ગઈ. વારો બદલાયો. વાંદરાને સૂવાનો વારો આવ્યો. તે ઘસઘસાટ ઊંઘી ગયો. નીચે ઊભેલા સિંહે કહ્યું, 'માણસ, વાંદરો ગાઢ નિદ્રામાં છે. તું એને ધક્કો મારીને નીચે પાડી દે તો હું તને મુક્ત કરી દઈશ. તારો માર્ગ પણ મોકળો થઈ જશે.' આમ, સિંહે લલચાવ્યો ને માણસે વાંદરાને ધક્કો માર્યો ને વાંદરો પડ્યો પણ દૈવસંજોગે એના હાથમાં વૃક્ષની ડાળી આવી ગઈ, પડતો બચી ગયો. પછી વાંદરો માણસને પકડીને કહે, 'મેં તારા પર વિશ્વાસ મૂક્યો પણ તેં દગો દીધો.'
માણસ તો ગભરાઈ ગયો. નીચે સિંહ ને ઉપર વાંદરો. માણસ કરગરવા લાગ્યો. પછી વાંદરો કહે : 'જો મારે તારું કશું બગાડવું નથી, પણ તું હંમેશાં ખ્યાલ રાખજે, તું સમાજમાં ગમે ત્યાં જાય, તું હવે પછી ક્યારેય કહેતો નહિ કે વાંદરામાંથી માણસ થયો છે!'
અનિષ્ટોનું મૂળ માણસનું મન
માણસની વૃત્તિની હીનતા કેટલે અંશે વધી ગઈ છે! આ બધાં અનિષ્ટોનું મૂળ માણસનું મન છે. આ મનનું નિયમન કરવા ભગવાન સ્વામિનારાયણે નિયમાવલી-શિક્ષાપત્રી આપી. જેમાં દરેક વ્યક્તિને તો આવરી જ લીધી છે પણ સાથે સાથે અમુક સામૂહિક નિયમો પણ આપ્યા છે. એમાં અનેક પ્રશ્નોનું સુંદર સમાધાન છે.
માનવના જીવનમાં પ્રશ્નો તો આવવાના જ, કારણ કે એક જ માણસ જુદા જુદા સ્વરૂપે હોય છે. પિતા તરીકે હોય છે, કોઈનો ભાઈ પણ છે, કોઈનો મિત્ર પણ છે, કોઈનો પડોશી પણ છે. પ્રત્યેક સંબંધથી માણસ સંકળાયેલો છે.
અત્યારે સમાજમાં વ્યાવહારિક, આર્થિક અને આંતરિક પ્રશ્નો છે. ભારત અને બીજા દેશમાં ઘણી ખરી વ્યક્તિઓ કંગાલ અવસ્થામાં જીવી રહી છે. લોકોને જ્યારે ખાવાનો જ પ્રશ્ન ઊભો છે, ત્યારે આત્મા-પરમાત્માની વાતો એને વાહિયાત લાગે છે.
કર્લમાક્ર્સ જેવા વિચારકોની ફિલસૂફીમાં એને વધારે રસ પડે છે. એમણે ગરીબોને એમ સમજાવ્યું કે તમે માણસ છો, તમને જીવવાનો અધિકાર છે, રોટીનો, વસ્ત્રનો અધિકાર છે. ન મળે તો ઝૂંટવી લ્યો.' એમ લાગે કે આ બધા વિચારકોએ વિચાર તો કર્યો પરંતુ તેની પ્રાપ્તિનાં સાધનોની શુદ્ધિ એમની પાસે ન હતી.
માનસિક અસંતોષ જ દુ:ખોનું મૂળ
અમેરિકન ચિંતક, જ્યોર્જ ગિલ્ડરે કહ્યું, 'ગરીબ વ્યક્તિને તું ગરીબ છે, ગરીબ છે એમ કહેતા રહેશો તો મનની અંદર તે અતિશય ગ્લાનિ પામી જશે અને એને તમે જેટલી ખોટે ખોટી સુવિધા આપતા જાવ છો તેમ એ વ્યક્તિની અપેક્ષાઓ વધતી જાય છે. પછી આ દુનિયાની કોઈપણ સમૃદ્ધિ એવી નથી કે એ એને સંતોષી શકે.'
માનસિક અસંતોષ વૃદ્ધિ પામે પછી એનાથી સમાજમાં અનેક જાતના પ્રશ્નો ઊભા થાય છે. પણ એ ઉપાયો કરતાં શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં ઉપાય આપ્યા છે એ પ્રમાણે જો અનુસરે તો આ માનસિક અસંતોષ માનવીના જીવનમાં રહેતો નથી, એ પોતે પોતાના જીવનમાં સુખી પણ બને છે.
એક વખત એક સંત એક ખેતર પાસેથી પસાર થતા હતા ત્યારે ખેતરમાં ખેડૂત પાણી પાવા માટે કોસ હાંકતો હતો. ખૂબ મહેનત કરે પરંતુ કોસ ઉપર આવે ને ઠાલવે તોય નીકમાં પાણી આવતું જ નહીં. સવારથી સાંજ સુધી મથ્યો પણ પાણી નીકળ્યું નહીં. કંટાળ્યો ને બરાબર એ જ વખતે સંત ત્યાં પહોંચ્યા ને ખેડૂતને કહ્યું, 'તું પ્રયત્ન કરે છે પણ તું જો તો ખરો તારા કોસમાં કેટલાં કાણાં છે જ્યાં કોસ ઉપર આવે છે ત્યાં તો પાણી બધું નીકળી જાય છે. આમાં કશું બચવા પામતું નથી.'
ઘણા માણસો પુરુષાર્થ ખૂબ કરે છે પણ એને કાંઈ પ્રાપ્ત થતું નથી, કારણ કે જીવનની અંદર દૂષણોનાં ઘણાં કાણાં પડી ગયાં છે. સુખ બધું જ સ્રવી જાય છે, કશું રહેતું નથી. શ્રીજીમહારાજે આ છિદ્ર પૂર્યાં. વ્યસન છોડવા એમણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી.
શિક્ષાપત્રી શ્લોક ૧૮માં કહ્યું : 'અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો, જૂગટું(જુ ગાર) આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહિ ને પીવાં પણ નહિ.' આ એક સામાન્ય નિયમ પણ માનવના જીવનમાં કેટલું સુરક્ષણ આપે છે !
મનની વિકૃતિઓ પણ વ્યભિચાર થકી આવે
સ્વેચ્છાચારમાં દુનિયા એકદમ ખલાસ થઈ જવા આવી છે. કુનીતિથી ને ચારિત્ર્યના ભ્રષ્ટાચારથી પ્રત્યેક પરિવારનું- સમગ્ર સમાજનું અધઃપતન થઈ રહ્યું છે, આજે સમાજનું માનસ વિકૃત બનતું જાય છે. એઈડ્સ રોગ વ્યાપક પ્રમાણમાં વકર્યો છે. એનો કોઈ ઈલાજ નથી. એ મુખ્યત્વે વ્યભિચારમાંથી પરિણમ્યો છે. આ અને આવા બીજા અનેક જાતના ગુપ્ત રોગો, મનની વિકૃતિઓ પણ વ્યભિચારને લઈને થતી હોય છે.
શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં વ્યભિચાર સામે લાલબત્તી ધરી છે.
પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક કિશોરલાલ મશરૂવાળા લખે છેઃવસોનો એક ખૂબ પૈસાદારનો પુત્ર ! પિતાશ્રીએ ખૂબ મિલકત રાખેલી પણ પિતાજીના મૃત્યુ પછી પુત્ર વ્યસનની અંદર એવો લપટાઈ ગયેલો કે જુગાર, દારૂ વગેરેમાં પોતાની સઘળી સંપત્તિ એ ગુમાવી બેઠો અને છેલ્લે પોતે વડોદરામાં સુરસાગર હૉટલની અંદર નોકરી કરતાં કરતાં કપ-રકાબી ધોતાં ધોતાં ત્યાં ફૂટપાથ ઉપર મરણને શરણ થયો! શિક્ષાપત્રી આવી ટ્રેજિક જિંદગી સામે કેવું રક્ષણ આપે છે!
આદિવાસીઓના જીવનમાં પરિવર્તન
આદિવાસી વિસ્તારમાં સંતો વિચરણ કરે છે. આદિવાસીઓમાં તો વ્યસન બહુ ઊંડે સુધી પેસી ગયેલાં. સંતમંડળ ત્યાં ગયેલું ત્યારે લોકો લંગોટી પહેરીને મળવા આવ્યા. સંતોએ પૂછ્યું : 'બીજાં વસ્ત્રો તમારી પાસે નથી ?'
તો કહે : 'નહીં, બસ, ચાલે છે.'
પછી કહ્યું, 'ઠંડી, તડકો લાગતો નથી !'
તો કહે, 'લાગે છે પણ કરવું શું ? પૈસા નથી ?' પછી સાથેના સત્સંગીએ કહ્યું, 'આ માણસને દરરોજ તાડી પીધા વિના ચાલે નહીં, જેટલું કંઈ કમાય એ બધું તાડી પાછળ ખર્ચી નાખે. ઘરમાં પણ કંકાસ, ઝઘડો. મદદ કરવાની ઇચ્છા થાય પણ એ મદદ પણ આ વ્યસનની અંદર હોમાઈ જવાની!'
અહીં કહેવું જોઈએ કે આપણા સંતો ત્યાં જ્યારથી ફરતા થયા છે ત્યારથી આ એકધારી વ્યસન-મુક્તિની ઝુંબેશ ચાલે છે. જેનું ફળ આજે જોઈ શકાય છે. સામાન્ય ઝૂંપડાંમાંથી પાકાં મકાન થયાં. છોકરાઓ સંસ્કારી થયા. હવે એ બીજાને સત્સંગ કરાવે છે, વ્યસનો મુકાવે છે.
માણસને મદદ કરવામાં આવે તો પણ જ્યાં સુધી એ વ્યસનનો ગુલામ છે ત્યાં સુધી એનું જીવન કદી સુખી થવાનું નથી. અને એથી જ પરદેશમાં એલ.એસ.ડી., મોરફીન, મેરીજુઆના વગેરે કેટલાંય માદક દ્રવ્યો નીકળતાં જાય છે ને લોકો એમાં ખુવાર થઈ જાય છે.
લોસ-એન્જલસ, સાનફ્રાન્સિસ્કો વગેરે પશ્ચિમ તરફ ઘણા માણસો આવી રીતે 'ડ્રગ એડિક્ટ' બની નશામાં જ ચકચૂર પડ્યા હોય છે અને એથી જ ત્યાંની ગવર્મેન્ટને પણ પ્રશ્ન બહુ જ મોટો છે કે ભાવિ પેઢીનું શું થશે? અત્યારના નવા નવા જુવાનો, કિશોરો એના બાળકો પણ વ્યસનની લતે ચડી જાય છે.
માણસને ગમે તેટલી સગવડતા આપવામાં આવે પણ જ્યાં સુધી એના જીવનમાંથી વ્યસન નથી ગયું, એનું શુદ્ધ ચારિત્ર્ય નથી થયું ત્યાં સુધી એના જીવનમાં કદી સુખ આવી શકતું નથી. સૉક્રેટિસે પોતાના એક વાક્યમાં કહ્યું છે કે 'સદ્ગુણશીલ જીવનનો પર્યાય એટલે જ સુખ.'
સાથે સાથે આજના કહેવાતા મોર્ડર્ન યુગમાં પણ માણસ વહેમ, અંધશ્રદ્ધાની પણ નાગચૂડમાં ફસાયેલો છે. ભારતમાં જ નહિ, પશ્ચિમના એવા સુધરેલા દેશોમાં પણ અંધશ્રદ્ધા પુષ્કળ છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રી શ્લોક ૮૫માં નિર્ભયતા બક્ષતાં કહ્યું કે 'ગમે તેવો ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ગમે તે દેવીદેવતાનો આશરો ન કરવો પણ ભગવાનના નામનો મંત્ર-જાપ કરવો.'
શ્રીજીમહારાજનો હેતુ એ જ છે કે ભગવાનનો આશરો હશે તો એનામાં આત્મબળ હશે. એ આત્મબળે કરીને માણસ પાછો નહીં પડે. તો એવી રીતે નિર્ભય જીવન, ભગવાનના આશરાથી પ્રાપ્ત થાય છે.
દુર્ગુણો દૂર થતાં નાહક ખર્ચ બચે
સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થનારને શિક્ષાપત્રી દ્વારા આ બધાં છિદ્રો પુરાઈ જાય છે ને તે હંમેશાં સુખી બને છે. એટલે સમાજની અંદર ઘણાને લાગે છે કે સ્વામિનારાયણના અનુયાયીઓ ખૂબ સુખી હોય છે. પરંતુ દુર્ગુણો દૂર થતાં નાહક ખર્ચનાં બધાં દ્વાર બંધ થાય છે ને પરિણામે સૌ કોઈ સુખી થાય છે.
Continence-સદાચાર એ જ ધર્મ છે.
આદિવાસી વિસ્તારમાં વિચરતા સંતોને આ વહેમમાં ફસાયેલા માણસો જોવા મળે છે. એ લોકો ડૉક્ટર પાસે ન જાય પણ ભૂવા પાસે જાય ને ભૂવો જે કહે તે જ માને. ભૂવો દારૂ-માંસ જે કાંઈ માગે તે આ લોકો આપે.
એ જ આદિવાસી વિસ્તારમાં સંતોના વિચરણ પછી એ લોકોમાં જાગૃતિ આવી. જીવનમાં સાચી વાત સમજાઈ અને ખરા અર્થમાં તેઓ ઉત્કર્ષ પામ્યા ને સુખી થયા. આજે ત્યાં આદિવાસી વિસ્તારમાં પણ એમની જ મહેનત શ્રમથી સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્રો થયાં છે. કેટલાક ભૂવાઓ પણ સત્સંગી થયા છે કે જેઓ પ્રજાને ભયમાં રાખતા! ભગવાનનો આશરો કરવાથી ગામનાં ગામ નિર્ભય થઈ ગયાં!
ગરીબીનો પ્રશ્ન વર્તમાન સમાજને નડે છે એનો ઉપાય કાર્લમાક્ર્સ વગેરે બધાએ બતાવ્યો પણ તેના કરતાં શ્રીજીએ બતાવેલ આ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે વ્યક્તિ રહે તો કોઈ પ્રશ્ન ન રહે.
'જેટલી પછેડી હોય તેટલી સોડ
આર્થિક પ્રશ્નને હલ કરવા પણ શ્રીજીમહારાજે બહુ સુંદર વાત કરી છે. લોકમાં જેમ કહેવત છે કે 'જેટલી પછેડી હોય તેટલી સોડ તાણવી' તેથી વધુ લાંબા પગ ન કરવા જોઈએ, એ મુજબ મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને ઊપજ કરતાં જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે. વળી, આજ્ઞા આપી કે 'હંમેશાં રૂડા અક્ષરે પોતે નામું લખવું.' આવક અને જાવકનો ચોખ્ખો હિસાબ નજર સમક્ષ રહે તો માણસના જીવનમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય.
અત્યારે અમેરિકામાં ઉધારી-પૈસો વિકાસ પામ્યો છે! ખરીદી માટે તત્કાળ પૈસા આપવાના ન હોય, તમે ક્રેડીટ કાર્ડ આપો ને પૈસા પછી તમે ગમે ત્યારે ભરપાઈ કરો ! તેનાથી માણસ લલચાઈને પુષ્કળ ખરીદી કરે છે. આવક-જાવકનો કોઈ હિસાબ રહેતો નથી, ખ્યાલ રહેતો નથી, પછી ચુકવણી વખતે માણસ પાયમાલ થઈ જાય છે. એવા ઘણા કિસ્સાઓ બની ગયા છે. ત્યારે શ્રીજીમહારાજે આર્થિક વ્યવસ્થા ખૂબ સુંદર રીતે બાંધી આપેલી છે.
સાક્ષીએ સહિત લખત કર્યા વગર એ કાર્ય કરવું નહિ
આપણે ત્યાં સમાજમાં એક લોક કહેવત પ્રચલિત છે : 'જર, જમીન ને જોરુ ત્રણ કજિયાના છોરુ' જગતમાં તમે ગમે ત્યાં જુ ઓ પૈસો, જમીન ને સ્ત્રી આ ત્રણ બાબતો માટે જ હંમેશાં ઝઘડા થતા હોય છે. જો આ ત્રણ બાબતનો વ્યવહાર શુદ્ધ કરી લેવામાં આવે, તો પછી કોઈ દિવસ પ્રશ્ન ઉદ્ભવવાનું સ્થાન રહેતું નથી. શ્રીજીમહારાજે આ ત્રણેય બાબતોનો સ્પષ્ટપણે નિર્વિઘ્ન વ્યવહાર બતાવ્યો છે. એમણે કહ્યું કે 'પોતાનો ભાઈ હોય, મિત્ર હોય કે પિતા હોય તેની સાથે પણ જમીન કે કોઈપણ ધનની લેવડદેવડનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વગર એ કાર્ય કરવું નહિ.' ઘણા કહે છે ને કે 'સ્વામિનારાયણિયા પાકા બહુ' કારણ કે કોઈ દિવસ છેતરાવાનો પ્રસંગ જ ન થાય!
આંતર અને બાહ્ય બંને શુદ્ધિ
સ્ત્રીઓ સાથેની મર્યાદા અંગે શ્રીજીમહારાજે સ્પષ્ટ વિચારો ધરાવે છે. સ્ત્રીપુરુષ બંનેની મર્યાદા - સ્ત્રીઓએ પુરુષ સાથે કેવી રીતે વર્તવું અને પુરુષો-સંતો, નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, ગૃહસ્થ માટેના સ્ત્રી સાથેના વ્યવહાર શિક્ષાપત્રીમાં પણ સ્પષ્ટપણે આપ્યા છે.
વ્યવહારમાં માણસ બેધ્યાન થઈ જાય, તેના જીવનમાં કલંક લાગે છે ને અધોગતિને પંથે જાય છે. મન વિકૃત થાય છે તેની સાથે ઘણાં દૂષણો પેસે છે. એટલા માટે મંદિરોમાં પણ સ્ત્રી અને પુરુષ એ બંનેના માર્ગ નિરાળા કર્યા. ન્હાનાલાલ કવિએ પણ કહ્યું છે કે 'શ્રીજીમહારાજનાં જે મંદિરો છે તે આંતર અને બાહ્ય બંને શુદ્ધિનાં મંદિરો છે.'
વસ્ત્ર પરિધાન જેવી સાવ નાની જણાતી બાબતમાં પણ શ્રીજીમહારાજે ખાસ સૂચના કરી કે, 'જે વસ્ત્ર પહેર્યે થકે પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી સ્ત્રીઓએ ન પહેરવું.'
આજકાલ જાતજાતની ફૅશન નીકળે છે. આપણને જોનારને વિકાર જન્મે તેવી ફૅશનોથી દૂર રહેવાનો અહીં નિર્દેશ છે. પરદેશમાં માણસના મનનો વિકાર એટલો બધો વધતો ગયો છે કે તેની કોઈ સીમા નથી. માણસ પશુ જેવો બનતો જાય છે.
બ્રહ્મચર્યના પાલન માટે શ્રીજીમહારાજે આ બધી સમસ્યાઓ સામે પાળ બાંધી આપી છે. ઘણા મનોવૈજ્ઞાનિક લોકો વાત કરે છે કે 'માણસની વૃત્તિને દબાવવામાં આવે તો તે વિકૃત બને છે.' પરંતુ સાથે સાથે એ વાત પણ જાણવી જોઈએ કે વૃત્તિઓને જો સંપૂર્ણ છૂટો દોર આપવામાં આવે છે તો એ પશુ બને છે. શ્રીજીમહારાજે આ બંનેમાંથી મધ્યમ માર્ગ આપ્યો છે કે પંચવિષય ત્યાગ કરવાની વાત નથી કરી, પરંતુ ભગવાન સંબંધી ભોગવવાની વાત કરી છે. એ જે વિષય ભોગવે તે ભગવાન સંબંધી હોય તો કોઈ દિવસ એને પ્રશ્ન ન આવે.
શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે માંસાહાર સામે પણ લાલબત્તી ધરી છે, એમણે કહ્યું : ‘न भक्ष्यं सर्वथा मासं यज्ञशिष्टमपि क्वचित् !’ દેવતાને ધરાવેલું પ્રસાદીભૂત માંસ હોય તે પણ ખાવું નહિ, અને ઔષધની અંદર પણ દારૂ અને માંસ બંનેનો નિષેધ કરેલો છે.
જેમ ગુજરાતીમાં કહેવત છે કે 'અન્ન તેવો ઓડકાર.' વિકૃત આહારથી મનની અંદર હંમેશાં વિકૃતિ આવે જ તેનાથી મનોવિકારો ઉત્પન્ન થવાના જ. એટલે શ્રીજીમહારાજે હિંસકવૃત્તિ સામે લાલબત્તી ધરી કહ્યું છે કે યજ્ઞની અંદર પણ હિંસા ન કરવી. જો કે આ જમાનામાં યજ્ઞો ઘણા ઓછા થઈ ગયા.
શ્રીજીમહારાજે એ જમાનામાં પણ આ નિયમ આપીને એ હિંસા થતી અટકાવી અને હિંસકવૃત્તિથી નાનાં નાનાં જૂ, ચાંચડ, માંકડ જેવાં સામાન્ય જંતુઓની હિંસા કરવાની પણ ના પાડી છે.
વળી, સૂક્ષ્મ હિંસા પણ ન કરવા સુધી તેમણે આજ્ઞા આપી. ‘स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित्’ કોઈને દુઃખ લાગે એવું સત્ય પણ ક્યારેય ન બોલવું, કોઈના અંતરમાં પીડા થાય એવી વાણી આપણા મુખમાંથી કદી ન નીકળે.
શ્રીજીમહારાજે પશુદયા પર ભાર મૂક્યો છે. દૂધ કે ખેતીકામ વગેરે માટે પાળેલું પશુ ઘરડું થતાં તેને લોકો કતલખાનામાં મોકલી આપતા હોય છે. મહારાજે કહ્યું છે કે પોતાની પાળવાની સામર્થી હોય તો જ તેને પાળવાં અને પોતાના માટે અન્નનો સંગ્રહ કરીએ છીએ પશુ માટે પણ ચાર્ય અને પૂળાનો સંગ્રહ કરવો, અને જો પોતાની પાસે એવી શક્તિ ન હોય ને પોતે સંભાવના ન કરી શકે તો એવાં પશુને રાખવાં નહિ. પશુપાલન ન થઈ શકે એ સૂક્ષ્મ હિંસા છે. આમ, મૂંગાં પશુ માટે પણ શ્રીજીમહારાજે સુંદર વિચાર શિક્ષાપત્રીમાં આપ્યો છે.
તદુપરાંત મજૂર સાથેના વર્તાવ અંગે પણ નિયમો શિક્ષાપત્રીમાં આપી દીધા છે કે,
अन्नवस्त्रादिभिः प्रीत्या स्वकीयाः परिचारकाः।
सम्भावनीयाः सततं यथायोग्यं यथाघनम्॥
પોતાના જે સેવક હોય તે સર્વેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. (શિ. ૬૭) કોઈ કાર્ય માટે
કોઈ વ્યક્તિને તમે રોકો તો પણ ‘प्रतिज्ञातं घनं देयं यत्स्यात् तत् कर्मकारिणे’ નક્કી કર્યા પ્રમાણે પગાર આપો અને, એનું મૂલ ચૂકવો, તેમાં તમે છેતરામણી ન કરો. શ્રીજીમહારાજે સમાજમાં વ્યાપક આવા વ્યાવહારિક પ્રશ્નોને પણ શિક્ષાપત્રીમાં વણી લીધા છે.
અત્યારનો જે મોટો પ્રશ્ન : સમાજની અંદર ધર્મના નામે પરસ્પર જે ઝઘડા થાય છે, તે કદી ન થાય તેવી સમન્વય દૃષ્ટિ શ્રીજીમહારાજે આપી અને કહ્યું :
दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि।
प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात्॥
માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે; તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું.' (શિ. ૨૩)
શ્રીજીમહારાજે તો પોતે પંચદેવતાઓને પણ માન્ય કર્યા છે ને શિખરબદ્ધ મંદિરોમાં એમને પધરાવ્યા પણ છે. આમ, દરેક ધર્મ-સંપ્રદાયની સહિષ્ણુતા-ભાવના પોતે વધારી છે.
સામાન્ય મનુષ્યના દૈનિક જીવનની શુદ્ધિ પણ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં વણી લીધી છે. આરોગ્ય અંગે એમણે જણાવ્યું છે કે, જાહેર સ્થાનો-બાગ, મંદિર, નદીકાંઠા વગેરેમાં જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવાં, થૂકવું પણ નહિ... જળ, દૂધ વગેરે પ્રવાહી ગાળીને ઉપયોગમાં લેવાં... વહેલાં ઊઠવું, એક જ સ્થળે દાતણ કરવું... નિત્ય સ્નાન કરીને ધોયેલાં પવિત્ર વસ્ત્રો પહેરવાં ને ભગવાનની પૂજા-અર્ચના કરીને જ બીજાં વ્યાવહારિક કાર્ય કરવાં... અરે! ઔષધિ પણ પરિચિત વૈદ્ય પાસેથી લેવા સુધીની સૂઝ તેમણે આપી છે!
માણસને નિત્ય વ્યવહારમાં અનેક માનસિક પ્રશ્નો થતા રહે છે. એને માટે કહ્યું કે 'દરરોજ સાંજે ભગવાનના મંદિરે જવું, ત્યાં ભગવાનનું નામ-કીર્તન કરવું, કથાવાર્તા સાંભળવી, સંતોનો સમાગમ કરવો.'
આ બધી આજ્ઞા માણસ પાળે તો દિવસભરમાં તેને ઊભા થયેલા પ્રશ્નો પણ ભગવાનના નામસ્મરણથી શાંત થઈ જાય છે. ભક્તિમાં તેનું ચિત્ત શાંત થાય. ભગવાનના નામસ્મરણથી મન જેવું શાંત થાય છે તેવું એકેય સાધનથી થતું નથી ને સહેજે જ આંતરિક પ્રશ્નોનાં નિરાકરણ પણ થઈ જાય છે.
સદાચારનો સંદેશ વાણીથી આપી શકાતો નથી-વર્તનથી જ અપાય
શિક્ષાપત્રી અંગે ગુજરાતના માજી મંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે એક સુંદર વાત કરી હતી કે 'સ્વામિનારાયણ સંપ્રદાયની જે ઉચ્ચતમ પ્રણાલિકાઓ છે તેના પૂજ્ય યોગીબાપા અને પૂજ્ય પ્રમુખસ્વામી અખંડ પાલક છે.
સદાચારનો સંદેશ વાણીથી આપી શકાતો નથી. એ જીવનથી આપી શકાય છે. મારી દૃષ્ટિએ શિક્ષાપત્રીના જીવંત સ્વરૂપ તરીકે પ્રમુખસ્વામી મહારાજ પરદેશ ગયા હતા. વિદેશના લોકો પાસે નિર્મળ ચારિત્ર્ય, સંયમી જીવન, ધર્મની આસ્થા સાથે એક વ્યક્તિ જાય, એને જુ એ ત્યારે લોકોને ખ્યાલ આવે કે આ ધર્મ શું છે !'
આર્કીમીડીઝ નામના એક વૈજ્ઞાનિકે વાત કરી, 'Give me a standing place and I will move the world.' કે મને માત્ર એક ઊભા રહેવાની જગ્યા આપો કે જ્યાં ઊભો રહીને હું આખી દુનિયાને બદલી નાખું.' ત્યારે ચિંતક ગોથેએ કહ્યું : 'કે તું બીજા પાસે ઊભા રહેવાની જગ્યા ક્યાં માગે છે, તું તારા જીવનનો પાયો એવો મજબૂત કર તો દુનિયા આપોઆપ પરિવર્તન પામી જશે.' શ્રીજીમહારાજે આ કર્યું છે; જીવનનો પાયો મજબૂત બનાવવાનો માર્ગ શિક્ષાપત્રી આપીને ખુલ્લો કર્યો છે.
ગુજરાતના સાક્ષર ત્રિભુવન વ્યાસના શબ્દોમાં કહીએ તો, 'શિક્ષાપત્રી સર્વ સત્શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે, ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોકજીવનની ભૂમિકા ઉપર ઠેરવેલો છે. તે બંને છેડા વચ્ચે ઉચ્ચ આદર્શને લક્ષમાં રાખીને વ્યવહારુ રીતે ચડી શકાય તેવાં સરલ પણ દૃઢ પગથિયાં ગોઠવેલાં છે.'
આ પણ વાંચો- Lord krishna -ભગવાન શ્રીકૃષ્ણ તુલસીના પાંદડે કેમ તોલાયા?