Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદનું ઐતિહાસિક ત્રણસો વર્ષ પુરાણું સિદ્ધિ વિનાયક મંદિર

અમદાવાદમાં ઐતિહાસિક ભદ્રના કિલ્લા નજીક લાલદરવાજા વિસ્તારમાં વસંતચોક પાસે સાબરમતી નદીના પૂર્વકિનારે પેશવાકાળમાં બનાવવામાં આવેલ અનેક વિશેષતા ધરાવતું ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર વિધમાન છે. મોગલ શાસન બાદ અમદાવાદમાં ગાયકવાડી શાસન હતું, એ સમયે ગાયકવાડી સૂબા સાથે આવેલા મહારાષ્ટ્રીયન લોકો પેઢી દર...
12:22 PM Sep 22, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં ઐતિહાસિક ભદ્રના કિલ્લા નજીક લાલદરવાજા વિસ્તારમાં વસંતચોક પાસે સાબરમતી નદીના પૂર્વકિનારે પેશવાકાળમાં બનાવવામાં આવેલ અનેક વિશેષતા ધરાવતું ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર વિધમાન છે. મોગલ શાસન બાદ અમદાવાદમાં ગાયકવાડી શાસન હતું, એ સમયે ગાયકવાડી સૂબા સાથે આવેલા મહારાષ્ટ્રીયન લોકો પેઢી દર પેઢીથી ભદ્ર વિસ્તારમાં આવેલ વસંતચોક પાસે રહે છે. જો કે હાલ થોડી વસતી ઓછી થઈ ગઈ છે. છતાં આ વિસ્તારમાં જઈએ ત્યારે એવું લાગે કે આપણે જાણે મુંબઈના કોઈ પરા વિસ્તારમાં ફરી રહ્યા છીએ.

 

 

લોકવાયકા મુજબ મંદિરમાં બિરાજમાન જમણી સૂંઢ ધરાવતા સિંદૂરી રંગના ગણપતિજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું કહેવાય છે. ગણપતિજીનેં બે પત્નીઓ છે રિદ્ધિ અને સિદ્ધિ. સિદ્ધિનું સ્થાન જમણી બાજુએ હોવાથી જમણીસૂંઢવાળા ગણપતિને ‘સિદ્ધિ વિનાયક' કહેવામાં આવે છે. ગણપતિદાદા રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. વિઘ્નહર્તા છે. મંગલમૂર્તિ છે શક્તિસ્વરૂપ દેવ છે. કોઈ પણ શુભકાર્યમાં સૌ પ્રથમ ગણપતિજીનું સ્મરણ-પૂજન કરવામાં આવે છે. લગ્નપ્રસંગે પણ સૌપ્રથમ ગણેશસ્થાપન કરાય છે. સિંદૂરી રંગના અખંડ પથ્થરમાંથી કંડારવામાં આવેલ ચતુર્ભુજધારી ગણપતિદાદાના ઉપરના જમણા હાથમાં પરશુ છે જ્યારે ઉપરના ડાબા હાથમાં અંકુશ છે. નીચેનો જમણો હાથ વરદ મુદ્રામાં છે. જ્યારે નીચેના ડાબા હાથમાં પોતાનો ભગ્ન દંત ધારણ કરેલ છે. મસ્તક પર જટામુકુટ, કંઠમાં જનોઈ અને હાથ પર કેયૂર તથા કંકણ ધારણ કરેલાં છે. એવા જમણી સૂંઢવાળા આ ગણપતિદાદાની પ્રતિમા ખરેખર શિલ્પ સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ છે. આ જ મંદિરમાં ડાબેરી સૂંઢ ધરાવતા ગણપતિજી (નાના કદની પ્રતિમા સ્વરૂપમાં) બિરાજમાન છે. આ ગણપતિજી પણ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું જાણવા મળે છે.

 

 

ગણપતિદાદા વિશે એવી એક માન્યતા પ્રવર્તે છે કે જમણી સૂંઢવાળા ગણપતિદાદાની ઉપાસના અતિ કઠિન હોય છે. વિધિ સહિત સુંદર રીતે ઉપાસના કરવામાં આવે તો બેડો પાર થઈ જાય છે...! જમણી સૂંઢવાળા ગણપતિના મંદિરમાં પૂજન-અર્ચન આરતી વગેરેમાં ખૂબ જ કાળજી રાખવી પડે છે અને એટલે જ કદાચ જમણી સૂંઢવાળા ગણપતિજીનાં મંદિરોની સંખ્યા ખૂબજ ઓછી હશે. જમણી સૂંઢવાળા ગણપતિજીને ઘરે લાવી સ્થાપના કે પૂજા ન કરી શકાય એવું માનવામાં આવે છે. આની પાછળ પણ એ જ કારણ હશે કે ઉપાસના ખૂબજ કડક હોય છે.

 

સમગ્ર ભારતમાં ભાદરવા સુદ ૪ના દિવસે ‘ગણેશ ચતુર્થી'નો તહેવાર ઉત્સાહપૂર્વક ઊજવાય છે. ગુજરાતમાં પણ નવરાત્રિના પર્વની માફક ‘ગણેશ મહોત્સવ' પણ અતિ આનંદ અને ઉલ્લાસ પૂર્વક મનાવવામાં આવે છે. ગણપતિદાદાને ઘીના લાડુ અતિ પ્રિય હોય છે તેથી ગણપતિદાદાની પૂજામાં લાડુની પ્રસાદી ધરાવવામાં આવે છે, તેમજ ગણપતિદાદાનું ચોખા, લાલ ફૂલ, જાસૂદ નું ફૂલ, દુર્વાઘાસ (ધરો) વગેરેથી પૂજન કરવામાં આવે છે. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલ મંદિરમાં ગણપતિદાદાના દર્શનાર્થે દર મંગળવારે હજારોની સંખ્યામાં ભક્તજનો ઊમટી પડે છે ત્યારે દાદાના દર્શન માટે રીતસર લાઇન કરવી પડે છે. એટલું જ નહીં પરંતુ વિશેષ નવાઈની વાત એ છે કે દર મંગળવારે ટ્રાફિક પોલીસને ખડે પગે સેવામાં હાજર રહેવું પડે છે. ગણપતિદાદાનાં દર્શન માટે કેટલાંય ભાઈ-બહેનો છેક ઘરેથી ઉઘાડા પગે ચાલતા આવે છે. અમદાવાદમાં લાખો ભક્તજનો આ મંદિરમાં બિરાજમાન ગણપતિદાદામાં જબરદસ્ત શ્રદ્ધા ધરાવે છે. જમણી સૂંઢવાળા ગણપતિજી બિરાજમાન હોય એવા ભારતભરમાં માંડ પચ્ચીસેક મંદિરો હશે તે પૈકી ત્રણસો વર્ષ પુરાણા એવા ઐતિહાસિક આ મંદિરનું ગુજરાત અને સમગ્ર ભારતમાં આગવું સ્થાન છે. વિઘ્નહર્તા આવા ગણપતિદાદા આપણા સૌ પર કૃપા વરસાવે એ જ અભ્યર્થના...! જય ગણેશ...

 

 

અહેવાલ - સુનિલ. એ. શાહ (શિક્ષણવિદ્ લેખક અને પત્રકાર)

Tags :
AhmedabadHistorichundred year oldSiddhi Vinayak temple
Next Article