Twitter નો આઇકોનિક બ્લુ બર્ડ લોગો વેચાઈ ગયો, જાણો કેટલી લાગી બોલી
- બ્લુ બર્ડની 30 લાખ રૂપિયામાં હરાજી થઈ
- હરાજી કરનાર કંપનીના PRએ આ સમાચારની પુષ્ટિ કરી
- બ્લુ બર્ડ ખરીદનારની ઓળખ જાહેર કરવામાં આવી નથી
Blue Bird Logo Sold Out : ટ્વિટરની ઓળખ લાંબા સમયથી બ્લુ બર્ડ તરીકે રહી છે. પરંતુ જ્યારથી એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સંભાળ્યું છે, ત્યારથી તેમાં એક પછી એક ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલા તો તેનું નામ બદલીને X કરવામાં આવ્યું અને હવે USAના સાન ફ્રાન્સિસ્કો સ્થિત મુખ્યાલયમાં બ્લુ બર્ડ સાથેનો પ્રતિષ્ઠિત લોગોની હરાજી કરવામાં આવી છે.
બ્લુ બર્ડની હરાજી
બ્લુ બર્ડની 34 હજાર 375 ડોલર એટલે કે લગભગ 30 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. હરાજી કરનાર કંપનીના PRએ આ સમાચારની પુષ્ટિ કરી છે. આશરે 254 કિલો વજન ધરાવતા અને 12 ફૂટ લાંબા અને 9 ફૂટ પહોળા આ બ્લુ બર્ડ ખરીદનારની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
આની પણ હરાજી થઈ
બોલી પ્રક્રિયામાં બ્લુ બર્ડની હરાજી કરવામાં આવી હતી, તેમાં એપલ-1 કમ્પ્યુટર લગભગ રૂ. 3.22 કરોડ (3.75 લાખ ડોલર) માં વેચાયું હતું, અને સ્ટીવ જોબ્સ દ્વારા સહી કરાયેલો એપલનો એક ચેક લગભગ રૂ. 96.3 લાખ (1,12,054 ડોલર) માં વેચાયો હતો. જ્યારે પહેલી પેઢીનો 4 GB આઇફોન, જે સીલબંધ પેક હતો, તે 87 હજાર 514 ડોલરમાં વેચાયો હતો. ભલે બ્લુ બર્ડનો આ લોગો હવે માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ X નો ભાગ નથી, પણ સોશિયલ મીડિયામાં તેની ઓળખ એપલ અથવા નાઇકી જેવી જ છે.
આ પણ વાંચો : Rupee Hike : ડોલર સામે રૂપિયાનો દબદબો! જાણો કેટલો થયો મજબૂત!
નોંધનીય છે કે, વર્ષ 2022માં એલોન મસ્કે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરને લગભગ રૂ. 3368 બિલિયન ($44 બિલિયન)માં ખરીદવાની જાહેરાત કરી હતી. ડીલ બાદ એલોન મસ્કે કહ્યું હતું કે લોકશાહીના સુચારૂ સંચાલન માટે વાણીની સ્વતંત્રતા જરૂરી છે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ટ્વિટર પ્રોડક્ટ નવી સુવિધાઓ અને સુધારાઓ સાથે અત્યાર સુધીનુ સૌથી સારૂ સ્પેસ બને.
X ની સ્થિતિમાં સુધારો થવાની ધારણા
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર પાછા ફર્યા બાદ અને કેટલાક એડવર્ટાઇઝર્સની વાપસી બાદ આગામી દિવસોમાં X ની સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. વધુમાં, જે બેંકે એલોન મસ્કને તેમના સંપાદન માટે $13 બિલિયનની લોન આપી હતી તેને પણ આનાથી રાહત મળી છે.
આ પણ વાંચો : Stock Market: સતત 5માં દિવસે ગ્રીનઝોનમાં બંધ,આ ત્રણ શેરમાં જબરદસ્ત ઉછાળો