ભાવનગર પાસેના તરસમીયા ગામની એક ગૌરવ અપાવે તેવી ઘટનાની આપણે સહુએ નોંધ લેવી જોઈએ
આ ગામની પ્રાથમિક શાળામાં નીલાબેન ટપુભાઈ સોનાણી નામના એક નેત્રહીન શિક્ષિકા કામ કરતા હતા તેઓએ પૂરી નિષ્ઠાથી પોતાના શિક્ષકત્વને દીપાવ્યું હતું. પોતાની શાળાના બાળકોના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય ઉપરાંત વર્ગખંડોની બહાર તેમના સર્વાંગી વિકાસ માટેની અનેક પ્રવૃત્તિઓનું નીલાબેન એ સફળ નેતૃત્વ લઈને અન્ય શિક્ષકોને માટે પણ પ્રેરણા પૂરી પાડે તેવું સરસ કામ કર્યું હતું. બાળકોને રમત દ્વારા à
આ ગામની પ્રાથમિક શાળામાં નીલાબેન ટપુભાઈ સોનાણી નામના એક નેત્રહીન શિક્ષિકા કામ કરતા હતા તેઓએ પૂરી નિષ્ઠાથી પોતાના શિક્ષકત્વને દીપાવ્યું હતું. પોતાની શાળાના બાળકોના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય ઉપરાંત વર્ગખંડોની બહાર તેમના સર્વાંગી વિકાસ માટેની અનેક પ્રવૃત્તિઓનું નીલાબેન એ સફળ નેતૃત્વ લઈને અન્ય શિક્ષકોને માટે પણ પ્રેરણા પૂરી પાડે તેવું સરસ કામ કર્યું હતું. બાળકોને રમત દ્વારા જ્ઞાન આપી શકાય ગીતો દ્વારા જ્ઞાન આપી શકાય વાર્તા કથન દ્વારા જ્ઞાન આપી શકાય આમ બાળકોને ગમથી રમત-ગમતની અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે તેમને સહેજ પણ ભાર ન લાગે તે રીતે તેમના પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમોમાં આવતી મોટાભાગની બાબતોનું શિક્ષણ આપવાના પ્રયત્નો અને પ્રયોગને નીલાબેને સફળ કરી બતાવ્યા હતા. તરસમીયા અને આજુબાજુના ગામોની પ્રાથમિક શાળાઓમાં નીલાબેન એક આદર્શ શિક્ષિકા તરીકે ખૂબ નામના મેળવતા થયા અને દિન-પ્રતિદિન બાળકોમાં અને એ પછી એમની શાળામાં અને એ પછી શાળાઓનું વહીવટ કરતાં તંત્રમાં તેમનું નામ ખૂબ આદરપૂર્વક લેવાતું થયું હતું.
સામાન્ય રીતે આપણે સહુ એવો ભ્રમ સેવતા હોઈએ છીએ કે અંધ વ્યક્તિ અમુક કાર્યો કરી શકતી નથી. પણ નીલાબહેન એ ભ્રમ અથવા તો કહો કે ખોટી માન્યતાને પોતાના શિક્ષણકાર્યથી તોડી બતાવી હતી. એટલું જ નહીં પણ તમામ પ્રકારના પડકારો ઉપાડીને અંધત્વ અને અતિક્રમીને તેમણે એક દેખતા શિક્ષકની જેમ પોતાના શિક્ષક કર્મથી એક ઝળહળતો દાખલો બેસાડ્યો હતો. આપણે ત્યાં પુરા વિશ્વમાં વ્યાપેલા કોરોના રોગની મહામારીનો નીલાબેન પણ શિકાર બન્યા. ભાવનગરમાં ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાના સીઇઓ અને લીલાબેનના પતિ પ્રજ્ઞાચક્ષુ લાભુભાઈ કે સોનાણીએ પત્નીને કોરોનામાંથી બેઠી કરવા માટે તનતોડ મહેનત કરી. તેમની દીકરી નિષ્ઠા પણ રાત-દિવસ એક કરીને બનતા બધા જ પ્રયત્નો કરીને પોતાની માતાને કોરોનામાંથી મુક્ત કરવા માટે બધા જ પ્રયત્નો કરતા રહ્યા. પરંતુ વિધિએ નિર્મિત કર્યું હશે કે પછી કોરોના મહામારીના ઉપચારો કરવાની આપણા પાસે જે કોઈ ઉપલબ્ધ દવાઓ અને તંત્ર હતું તે કદાચ પ્રાથમિક કક્ષાનું હોવાને કારણે કે પછી ગમે તે કારણ હોય ગયા વર્ષની 30મી એપ્રિલે રે લીલા બેને કોરોના મહામારીના કારણે ઓક્સિજન ખૂટી જતાં આ ફાની દુનિયામાંથી વિદાય લીધી.
પતિ લાભુભાઇ સોનાણી અને નીલાબેનની દીકરી નિષ્ઠા ઉપર તો આભ તૂટી પડ્યું પણ કુદરતના આ ક્રમને સ્વીકારો જ રહ્યો. નીલાબેનના અવસાનથી તરસમીયા ગામની અને ઘનશ્યામ નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને બહુ જ મોટો આઘાત લાગ્યો અને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી હોય તેવો તેમને એહસાસ થયો. શાળાના બાળકોએ દિવસો સુધી સ્વર્ગસ્થ નીલાબેનના આત્માની શાંતિ માટે પ્રાર્થનાઓ કરી ભજન સંધ્યાઓ કરી અને ક્યારેક ક્યારેક તો તેમને યાદ કરીને તેમના ગુણગાન ગાઈને પોતાની રીતે પોતાની પ્રિય શિક્ષિકાને અંજલિ આપવાનો પ્રયત્ન કર્યો.
ધીમે ધીમે લાભુભાઇ સોનાણી આઘાતમાંથી બહાર આવ્યા પણ કેમે કરીને પોતાની પ્રિય પત્ની સાથે ગાળેલા મધુર દાંપત્યનાં 20 વર્ષ તેઓ ભૂલી શકતા નહોતા. એથી વધારે એ વીસ વર્ષ દરમિયાન એક સફળ સારા અને લોકપ્રિય શિક્ષક તરીકે સ્વર્ગસ્થ નીલાબહેને કરેલા શિક્ષણના વિવિધ પ્રયોગો તેમના મનમાંથી અટકતા નહોતા.
આખરે લાભુભાઈએ કલમ ઉઠાવી અને પોતે પણ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આધુનિક ટેકનોલોજીનો સહયોગ લઇને કોઈની પણ મદદ વગર પોતાની જાતે પોતાની પ્રિય પત્ની અને એક ઉત્તમ શિક્ષક કર્મની વાતો લખવાનું શરૂ કર્યું અને જોતજોતામાં એમના દ્વારા લગભગ 25 પ્રકરણો લખાઈ ગયા એ પછી લાભુભાઈએ વિચાર્યું કે આ બધી વાતોને પુસ્તકરૂપે મૂકવી જોઈએ અને તેમણેએ બીડું પણ ઉઠાવ્યું. અગાઉ પાંચેક પુસ્તકો લખી ચૂકેલા લાભુભાઈએ સ્વર્ગસ્થ નીલાબેનના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ આ પુસ્તક જેનું નામ છે "યાત્રા નો આનંદ"નું વિમોચન કર્યું.
મજાની અને પ્રેરણા આપે તેવી વાત એ છે કે યાત્રાનો આનંદ પુસ્તકનું વિમોચન સમારંભ તરસમીયા ગામની પ્રાથમિક શાળાના એ જ મેદાનમાં યોજવામાં આવ્યો કે જ્યાં સ્વર્ગસ્થ નીલાબહેનએ પોતાના પ્રિય વિદ્યાર્થીઓ સાથે અનેક શૈક્ષણિક પ્રયોગો કરીને વર્ગખંડોના શિક્ષણને એક નવી દિશા આપીને સૌને માટે એક નવું પ્રેરક બળ અને પ્રેરણાનું માધ્યમ બનવાની કોશિશ કરી હતી.
આ વિમોચનના કાર્યક્રમમાં લગભગ 7000 ગ્રામ્યજનો ઉમટી પડ્યા હતા. એ જ સ્વર્ગસ્થ નીલાબહેનની એક શિક્ષક તરીકેનીએ વિસ્તારની તેમની લોકપ્રિયતાનો દાખલો પૂરો પાડે છે. આ આખા એક કાર્યક્રમને facebook ઉપર લાઈવ બતાવવામાં આવ્યો હતો. તેમાં પણ લગભગ ચારથી સાડા ચાર હજાર લોકોએ કાર્યક્રમ નીહાળીને સ્વર્ગસ્થ નીલાબેનના શિક્ષકત્વને અશ્રુભીની અંજલી આપી હતી.
આજે જ્યારે શાળાઓમાં શિક્ષણ કાર્ય બરાબર થતું નથી અથવા તો સારા અને સમર્પિત શિક્ષકો મળતા નથી એવી વાતોની વચ્ચે પ્રજ્ઞાચક્ષુ શિક્ષિકા નીલાબહેનએ પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન વર્ગખંડોના અને વર્ગખંડોની બહારના વિદ્યાર્થીઓના વિકાસના તેમના દ્વારા થયેલા નવતર પ્રયોગો અને પ્રયાસો બિરદાવવા જ રહ્યા. તરસમીયા અને ઘનશ્યામ નગર પ્રાથમિક શાળાના પરિવારે તથા ગ્રામ્ય જનોએ તેમના ઉપર લખાયેલા પુસ્તક "યાત્રા નો આનંદ"ના વિમોચન સમારંભને જે રીતે દીપાવ્યો તે જોઈને કહેવાનું મન થાય છે કે સમાજ આજે પણ સારા અને સાચા શિક્ષકનું ગૌરવ કરવામાં તેનું બહુમાન કરવામાં તેની ગેરહાજરીમાં તેના અર્પણનું તર્પણ કરવામાં ક્યારેય પાછી પાની કરતો નથી.
Advertisement