Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાણીને બચાવવાની સાથે પાણીની જેમ જીવવાનું આપણે ક્યારે શીખીશું?

દર વર્ષે બાવીસમી માર્ચ આવે અને આપણે વર્લ્ડ વોટર ડે ઉજવીએ છીએ. આ દિવસે પાણી બચાવવું જોઈએ. પાણીનો વેડફાટ ન કરવો... વગેરે વાતો કરવામાં આવે છે. હવેનું યુદ્ધ પાણી માટે થવાનું છે. પાણીને જીવની જેમ વાપરવું જોઈએ. એક ટીપું પાણીનું બચાવવું પણ બહુ જ જરુરી છે. વાત સાચી કે, પાણી આપણે બચાવવું જોઈએ. જીવની જેમ વાપરવું જોઈએ. જળ છે તો જીવન છે.  કાળા માથાનો માનવી આજે પૃથ્વી સિવાય ક્યાં વસી શકાય એની તપાસ કરà«
08:38 AM Mar 22, 2022 IST | Vipul Pandya
દર વર્ષે બાવીસમી માર્ચ આવે અને આપણે વર્લ્ડ વોટર ડે ઉજવીએ છીએ. આ દિવસે પાણી બચાવવું જોઈએ. પાણીનો વેડફાટ ન કરવો... વગેરે વાતો કરવામાં આવે છે. હવેનું યુદ્ધ પાણી માટે થવાનું છે. પાણીને જીવની જેમ વાપરવું જોઈએ. એક ટીપું પાણીનું બચાવવું પણ બહુ જ જરુરી છે. વાત સાચી કે, પાણી આપણે બચાવવું જોઈએ. જીવની જેમ વાપરવું જોઈએ. જળ છે તો જીવન છે.  
કાળા માથાનો માનવી આજે પૃથ્વી સિવાય ક્યાં વસી શકાય એની તપાસ કરે છે. સૌથી પહેલી તપાસ એ કરવામાં આવે છે કે, જે ગ્રહ ઉપર યાન -સેટેલાઈટ મોકલવામાં આવે છે ત્યાં પાણી છે કે નહીં?  જો પાણી હશે તો ત્યાં જીવ હશે. જીવ હશે તો વસવાટ હશે. આજે પણ માનવ વસાહત કે પ્રાણીઓ ત્યાં જ જોવા મળે છે જ્યાં પાણી છે. અગાઉના સમયમાં હિજરત થતી તો એ પણ પાણીના અભાવે થતી. જ્યાં પાણી જોવા મળે ત્યાં હિજરત કરીને જતો કબીલો પોતાનો વસવાટ કરે. હવે તો આપણે પાઇપલાઇન દ્વારા પાણીની વ્યવસ્થા કોઈ પણ ખૂણે કરીએ છીએ એટલે પાણીના અભાવે જીવ નીકળી જાય એવા કિસ્સાઓ બહુ ઓછાં બને છે. 
પાણીની સાથે કેટલું બધું જોડાયેલું છે. પંચ મહાભૂતમાં પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. માનવ શરીરને અગ્નિદાહ દેવાય પછી આપણે એવું બોલીએ છીએ કે, એ જીવ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો. માનવ શરીર પણ પંચ મહાભૂતનું બનેલું છે. મેડીકલ સાયન્સ એવું કહે છે કે, માનવીના શરીરમાં સિત્તેર ટકાથી વધુ પાણી છે. મગજ અને હ્રદયમાં 73 હિસ્સો, ફેફસામાં 83 ટકા પાણીનો ભાગ રહેલો છે. જ્યારે આપણી ચામડી 64 ટકા પાણી સાથે સંવેદનાઓ જીવે છે. તો માંસપેશીઓ અને કીડનીમાં 79 ટકા અને હાડકાં 31 ટકા પાણીનો હિસ્સો ધરાવે છે. પાણીનો હિસ્સો જ આપણને જીવવા જેવો બનાવે છે. રોજ બે લીટરથી વધુ પાણી પીવું જોઈએ એવી વાતોથી માંડીને અનેક વૈજ્ઞાનિક કારણો અને તારણો આપણને અપડેટ કરતાં રહે છે.  
પાણી અને જિંદગી એકબીજા એવી રીતે જોડાયેલાં છે કે જળ આપણને જિંદગી જીવતા શીખવે છે. વહેતું ઝરણું કે નદી, સાગર કે પછી આકાશમાંથી પડતો વરસાદ. આપણને કેટલું બધું શીખવે છે. ઝરણું ખળખળ વહેતું રહે છે. પથ્થર સાથે ટકરાઈને પણ ઝરણાનું પાણી એની વહેવાની પ્રકૃતિ નથી છોડતું. નદીના પાણીનો ટેસ્ટ મીઠો છે. એ ખારા સાગરમાં ભળી જાય છે. તો પણ એ એની મીઠાશની પ્રકૃતિ નથી છોડતી. સાગરમાં ભળી જતી નદી અંત પામે છે કે નિર્વાણ? વિશાળતામાં સમાઈ જવાની એની પ્રકૃતિ મનને મોટું રાખવાનું શીખવે છે. સાગર પોતાના પેટાળમાં કેટલું ભંડારીને બેસે છે. પાણીના પ્રકારો અને સ્ટેટસ જુદાજુદા છે પણ તમામમાં સમાન ગુણધર્મ હોય તો એ છે પારદર્શિતા. પાણી જેવી પારદર્શિતા ભાગ્યે જ જોવા મળે છે. આંખનું આંસુ પણ પારદર્શક છે અને સાગરનું પાણી પણ પારદર્શક છે. બુંદથી માંડીને વિશાળતામાં પણ ટ્રાન્સપરન્સી રહેલી છે. જિંદગીમાં પણ પારદર્શિતા એટલી જ જરુરી છે. જે વ્યક્તિ પારદર્શક હશે એણે કોઈ દિવસ ખોટું નથી બોલવું પડતું.  
આપણે સામેવાળા પાસેથી નિખાલસતાની અપેક્ષા રાખીએ છીએ પણ ભાગ્યે જ એવું વિચારીએ છીએ કે આપણે કેટલાં નિખાલસ છીએ. કેટલાંક લોકો બધી જ ઉંમરના વ્યક્તિ સાથે ભળી જાય. તમામ પ્રકારના સ્વભાવને એ હેન્ડલ કરી શકે. ત્યારે આપણે સહજભાવે બોલી જઈએ છીએ કે, એ માણસ તો પાણી જેવો છે. બધે જ ભળી જાય છે. કેટલાંક માણસો આપણને ગમે જ નહીં. એની સાથે આપણને મજા જ ન આવે આવા લોકો બંધિયાર પાણી જેવા હોય છે. બહુ વાર પડ્યા રહે તો ગંધાવા માંડે. એની હાજરી કોઈને ન ગમે. આપણે ઝરણાંની જેમ ખળખળ વહેવાનું, નદીની જેમ મીઠા બની રહેવાનું, સાગરની જેમ વિશાળ દિલ રાખવાનું શીખી જઈએ તો જિંદગી જળ જેવી રહેવાની છે. જો આવી પ્રકૃતિ કેળવી લઈએ તો માણસ જડ ન બને અને જીવંત રહે. 
બાય ધ વે, તમે કેવા જડ છો કે જીવંત?
Tags :
Editor'sAngleGujaratFirstworldwaterdayworldwaterday2022
Next Article