ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમારું અન્ન અને એનો ઓડકાર કેવો છે?

કીડીને કણ હાથીને મણ. અન્ન એવો ઓડકાર. જેના અન્ન ભેગા એના મન ભેગા.દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ.ખાણીપીણીની વાત આવે એટલે કેટલીક કહેવત આપણી સામે આવી જાય. એક એક દાણાની કિંમત સમજવી ખૂબ જ જરુરી છે. આખી દુનિયા અત્યારે અનાજના સંકટમાંથી પસાર થઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મોંઘવારીના કારણે થાળીમાં અનાજ પણ મોંઘું બની રહ્યું છે. આપણી ફૂડ હેબિટ અત્યારે જેવી બની રહી છે એવી ભૂતકાળમાં ક્àª
10:12 AM Jun 07, 2022 IST | Vipul Pandya
કીડીને કણ હાથીને મણ. 

અન્ન એવો ઓડકાર. 

જેના અન્ન ભેગા એના મન ભેગા.

દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ.
ખાણીપીણીની વાત આવે એટલે કેટલીક કહેવત આપણી સામે આવી જાય. એક એક દાણાની કિંમત સમજવી ખૂબ જ જરુરી છે. આખી દુનિયા અત્યારે અનાજના સંકટમાંથી પસાર થઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મોંઘવારીના કારણે થાળીમાં અનાજ પણ મોંઘું બની રહ્યું છે. આપણી ફૂડ હેબિટ અત્યારે જેવી બની રહી છે એવી ભૂતકાળમાં ક્યારેય ન હતી. ભારતમાં તો જેટલા રાજ્યો એટલી ફૂડની વરાયટીઓ જોવા મળે છે. દરેક રાજ્યમાં જે પ્રકારે અનાજ પાકે છે અને એ રાજ્યની આબોહવા છે એ પ્રમાણે ત્યાંની ખાણીપીણી ડેવલપ થઈ છે. ખેતીની જમીન ઘટી રહી છે એવી ચિંતામાં અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને અનાજનો બગાડ પણ એટલો જ વધી રહ્યો છે.  
જમતી વખતે જો જમવાનું પડતું મૂકીએ તો આપણને ભાગ્યે જ વિચાર આવે છે કે, આ એક દાણો પકવવા માટે ખેડૂતે કેટલી મહેનત કરી હશે. એક દાણો ખેતરની જમીનમાંથી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચ્યો હશે એની આપણે ચિંતા જ નથી કરતાં. હકીકતે થાળીમાં જમવાનું પડતું મૂકવું એ બહુ મોટો ગુનો છે. જર્મની જેવા દેશોમાં તો તમે હોટલમાં જાવ અને જો ત્યાં તમારું જમવાનું વધી પડે તો તમારે એનો દંડ ભરવો પડે છે. જ્યારે આપણે ત્યાં તો એવી મેન્ટાલિટી જ નથી કે, આપણે પોતાના ઘરે પોતાની થાળીમાં કે પછી હોટેલમાં જઈને પડતું મૂકીને કંઈ ખોટું કરીએ છીએ. અમે રુપિયા ચૂકવ્યા છે અમને અધિકાર છે એવું જ આપણે માનીએ છીએ.  
જમવાનો બગાડ કરવામાં પણ આપણો તોટો જડે એમ નથી. લગ્ન પ્રસંગોમાં અને મેળાવડાંમાં જે બગાડ થાય છે એમાં જો દંડ ફટકારવાનું ચાલુ કરવામાં આવે તો કંઈક ઉકેલ આવે એ વાતમાં બે મત નથી. મધર ટેરેસા અને શોભા ડેનો એક કિસ્સો વાંચ્યો હતો. એ ટાંકવાનું નથી ચૂકી શકતી. એક વાર શોભા ડેએ મધરને ફોન કરેલો કે, મધર મારે સેવા કરવી છે. હું શું કરી શકું? ત્યારે મધર ટેરેસાએ કહેલું કે, તું પેજ થ્રી પર્સનાલિટી છે. બહુ પાર્ટીઓ કરે છે. હું કહું એ કરીશને? તો એટલું કરજે કે, પાર્ટીમાં જે ખાવાનું બચ્યું હોયને એ ફૂટપાથ પર રહેતાં ગરીબોમાં આપવા જજે. તમે જે બગાડ કરો છો એમાં કેટલાંય ગરીબોનું પેટ ભરાઈ જશે. 
આજે વર્લ્ડ ફૂડ સેફટી ડે છે. આ વર્ષનો થીમ છે, Safer food, better health. દુનિયામાં સાંઈઠ કરોડ લોકો વાસી ફૂડ ખાવાથી બીમાર પડે છે. જેમાંથી દર વર્ષે ત્રીસ લાખ લોકો મૃત્યુ પામે છે. દરેક દસ માણસમાંથી એક વ્યક્તિ ખાવાની ઉતરતી ગુણત્તાને કારણે બીમાર પડે છે. ફૂડ પોઈઝનીંગ આ શબ્દો કોઈ બોલે તો હવે આપણને નવું નથી લાગતું. એમાંય ઉનાળા દિવસોમાં વાસી વસ્તુ ખાવાથી બીમાર પડનારા લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જ થતો રહે છે. બેક્ટેરિયા, વાયરસ સાથેનો ખોરાક અને પેરેસાઈટ્સને કારણે માણસ બીમાર પડે છે. પેટમાં કરમિયાં થવા અને ભૂખ ન લાગવી, પેટમાં દુઃખવું આ કારણો હવે સામાન્ય થઈ ગયા છે.  
સ્વસ્થ રહેવા માટે સારું ભોજન  જરુરી છે એવો થીમ આપણને એ જ સૂચવે છે કે, વાસી ખોરાક ન ખાવો જોઈએ. ઘણાં ઘરોમાં થોડાંક કલાક વીતી ગયા હોય તો એ ખોરાકને સૂંઘીને ખાવામાં લેવો કે ન લેવો એ નક્કી થાય છે. ઘણાં પરિવારો કેટલીક એવી વસ્તુઓ હોય બનાવે છે જે બીજે દિવસે સ્વાદિષ્ટ લાગે છે એમ કહે છે. એનું કારણ એ વસ્તુમાં તમે કરેલો મસાલો અને એનું કેમિકલ રીએક્શન છે. જે તમને બીમાર પાડવા માટે પૂરતું છે.  
ભારતીય પરિવારોમાં તો જમવાનું બને એ પહેલાં ગાય-કૂતરાં માટે રોટલી અલગ બનાવવાની પરંપરા છે. વધેલાં લોટને ફ્રિજમાં મૂકી રાખવાને તો ફૂડ એક્સપર્ટ્સના મતે સૌથી ખરાબ ટેવ ગણે છે. તમે બાંધેલો લોટ ફ્રિજમાં મૂકો છો એ લોટ નથી તમારો પિંડ છે. મતલબ કે, વાસી ખાવાને કારણે તમે ધીમે ધીમે મોત તરફ ધકેલાઈ રહ્યાં છો. જ્યારથી ફ્રિજ આપણાં ઘરોમાં વસ્યા છે ત્યારથી સ્ટોરેજનો આખો કન્સેપ્ટ જ બદલાઈ ગયો છે. વાસી ખોરાક અને વાસી ફૂડ આઇટેમ ફ્રિજમાં વધુ જગ્યા રોકવા લાગી છે. દરેક ગૃહિણી બહુ પ્રેમથી એના પરિવારને બીમારીઓ તરફ ધકેલી રહી છે એવું લખવું જરાપણ વધુ પડતું નથી. વિદેશમાં સમયના અભાવે એકએક અઠવાડિયા સુધી વાસી ફૂડ ખાતાં પરિવારોની આદત અહીં પણ ધીમેધીમે અપનાવાઈ રહી છે.  
હેલ્થ અંગેની અવેરનેસ વધી છે. પણ હેલ્ધી ફૂડ ખાવાની જાગૃત્તિ એટલી નથી આવી. પરિવારમાં બધાંને જમાડીને છેલ્લે જમતી સ્ત્રી, બાળકો જે થાળીમાં જમ્યાં હોય એ થાળીમાં જ પીરસીને જમતી માતાથી માંડીને આવા અનેક દાખલા આપણી સામે જ આપણે જોઈએ છીએ. પરિવારના પુરુષોને તાજું બનાવીને જમાડતી સ્ત્રીને આપણે ત્યાં સમર્પણની મૂર્તિ ગણવામાં આવે છે. કોઈ એ નથી જોતું કે એ ધીમેધીમે બીમારીનું ઘર બનતી જાય છે.  
એક કિસ્સો યાદ આવે છે. લોકડાઉનના દિવસોની વાત છે. એક બિલ્ડીંગનો વોચમેન દિવસરાત ત્યાં જ રહેતો. ઈન્ફેક્શનના ડરે એને ક્યાંય બહાર જવાની છૂટ ન હતી. નક્કી એવું થયું કે, એ વોચમેનનો ચા, નાસ્તો, જમવાનું બિલ્ડીંગના લોકોના ઘરેથી આવશે. એક વખતે એ વોચમેને બિલ્ડીંગમાં રહેતા એક પરિવારના ઘરે ફોન કર્યો. આ પરિવારને ત્યાંથી એના માટે રોજ એકસ્ટ્રા ચા અને નાસ્તો જતો. એ વોચમને કહ્યું કે, સાહેબ, ભૂખ બહુ લાગી છે. આજે જમવાનું તો આવ્યું છે પણ એ વાસી અને ઉતરેલું છે. તમે કંઈક મોકલશો? આપણે ત્યાં ગરીબ માણસોને વાસી અને ઉતરેલું આપી દેવું કે પછી ઘરે કામ કરતાં લોકોને એઠું જમવાનું આપી દેવામાં કોઈને જાતની શરમ નથી નડતી.  
દુનિયામાં દર મિનિટે અગિયાર લોકો ભૂખના કારણે મૃત્યુ પામે છે. એક વખત આ આંકડો વાંચી લેશોને તો પણ જમવાનું પડતું મૂકવાની કુટેવ છોડી દેશો. રુપિયા ચૂકવવાથી ફૂડ ઉપર તમારી માલિકી સમજતાં હોવ તો એ ખોટું છે કેમકે, એ જેણે ઉગાડ્યું છે એની મહેનત અને પરસેવો એ દાણાં સાથે જોડાયેલો છે. પડતું મૂકવાની કુટેવ, વાસી ખાવાની આદત પણ જો આપણે થોડી કેળવીએને તો બેટર હેલ્થ મેળવવી કંઈ અઘરી વાત તો નથી જ.
Tags :
BetterHealthEditor'sAngleFoodgrainGujaratFirstJyotiUndakatSaferFoodValueOfFoodWorldFoodSafetyDayએડિટરએંગલજ્યોતિઉનડકટ
Next Article