Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ હેવાનિયત માટે કોણ કેટલું જવાબદાર?

અરેરાટી, દિલ દ્રવી જવું, હાયકારો નીકળી જવો, આંખો રડી પડી આ અને આવા અનેક શબ્દ પ્રયોગો ફીકા પડી જાય એવી ઘટના ચોવીસ કલાકથી દિલને હચમચાવી રહી છે. આંખો બંધ કરું છું તો પણ એ માસૂમનો ચહેરો જેપીજી ફાઈલની જેમ દેખાય છે. ગાલમાં પડતો ડિમ્પલ એની સુંદરતામાં વધારો કરતો હતો. મા-બાપની સાથે હિલસ્ટેશન પરના ફોટોગ્રાફસ એના બાળપણની પળોને વધુ જીવંત કરે છે. જેણે જન્મ આપ્યો એણે જ જઘન્ય કૃત્ય કરીને દીકરીને મà
આ હેવાનિયત માટે કોણ કેટલું જવાબદાર
અરેરાટી, દિલ દ્રવી જવું, હાયકારો નીકળી જવો, આંખો રડી પડી આ અને આવા અનેક શબ્દ પ્રયોગો ફીકા પડી જાય એવી ઘટના ચોવીસ કલાકથી દિલને હચમચાવી રહી છે. આંખો બંધ કરું છું તો પણ એ માસૂમનો ચહેરો જેપીજી ફાઈલની જેમ દેખાય છે. ગાલમાં પડતો ડિમ્પલ એની સુંદરતામાં વધારો કરતો હતો. મા-બાપની સાથે હિલસ્ટેશન પરના ફોટોગ્રાફસ એના બાળપણની પળોને વધુ જીવંત કરે છે. જેણે જન્મ આપ્યો એણે જ જઘન્ય કૃત્ય કરીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી.  
સોરઠી સિંહોની ડણક માટે ઓળખાતા ધાવા ગીરમાં એ બાળકીના ડૂસકાં, ચીસો અને આંસુઓ શેરડીના ઊભા પાકના ખેતરમાં કોઈએ ન સાંભળ્યા. યાતના અને પીડા જેવા શબ્દો પણ નાના લાગે એવી વાતો બહાર આવે છે એ વાંચીને ગળું સૂકાવા લાગે છે. આ વરવી અને દુઃખદ ઘટના છે સોમનાથ જિલ્લાના તાલાળા નજીકના ધાવા ગીરની. અંધશ્રદ્ધાળુ અને લાલચુ બાપે સગી દીકરીનો નોરતની આઠમે બલિ ચડાવી દીધો.  
દીકરીને ઠેંસ આવી હશે કે કંઈ લાગ્યું હશે ત્યારે આ બાપે જ એને ફોસલાવીને છાની રાખી હશે. એ કુમળી દીકરીને અગ્નિ સામે ઊભી રાખતા એ બાપનો જીવ કેમ ચાલ્યો હશે? એ ટીનેજર દીકરીના વાળ પસવારીને એ બાપે કેટલીય વાર સંવાર્યાં હશે એ વાળમાં લાકડી ભરાવીને એ દીકરીને પીડા આપતાં એનું દિલ એક પણ વખત થડકારો નહીં ચૂકી ગયું હોય?  
આ પ્રકારના કૃત્યો માટે વપરાતાં આકરામાં આકરા શબ્દો આજે વામણાં લાગી રહ્યાં છે.  
પહેલી વખત ધાવા ગીર જેવા નાનકડાં ગામડાંની આ ઘટના અમારી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ પર મારા કલીગ વિનોદ દેસાઈએ બ્રેક કરી ત્યારે મારી આંખો ફાટી ગઈ. જેમ જેમ એ દીકરીને અપાયેલી પીડાની વાતો બહાર આવે છે એમ એમ આંખોની લાલાશ રોકી ન શકાય એવા ભાવ આવી જાય છે.  
દરેક વ્યક્તિ જે આ સમાચારો જુવે છે કે વાંચે છે એને આવું જ થઈ રહ્યું છે. દરેકની ભાવના અને લાગણી સાચી છે અને હશે. પણ સિક્કાની બીજી બાજુ જોવી એટલી જ જરુરી છે. આજના આ સુપર ફાસ્ટ એરામાં દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઈ છે ત્યારે આપણે અંધશ્રદ્ધાને દૂર નથી કરી શક્યા. દીકરીને દૂધ પીતી કરવાના રિવાજને નાબૂદ કરી શક્યા પણ ડામ દેવા દેવું દૂષણ કે બલિ ચડાવવા જેવી ઘટનામાંથી આપણો સમાજ બહાર નથી આવી શક્યો.  
પોતાની હાટડી ચલાવવા માટે ઢોંગી બાબા, ગુરુઓ કે ધૂતારાઓની કોઈ કમી નથી. આવા ધૂતારાઓ પાસે લોભી લોકો વધુ જતાં હોય છે. એટલે જ એમનું બ્રેઈન વોશ કરવાનું સરળ બને છે. કોઈની આભામાં કે પ્રભાવમાં આવીને સમજનું પ્રમાણભાન ભૂલી જવું એને કોઈ પણ રીતે માફ ન જ કરી શકાય. કરુણતા એ વાતની છે કે, આવા લોકોની આપણાં સમાજમાં સંખ્યા વધુ છે. પોતાની બુદ્ધિ વાપરીને કંઈ વિચારવા કરતાં વાતોમાં આવીને ગુનો આચરનારા લોકોને કાયદાની પણ બીક નથી હોતી.  
દીકરી જીવતી થશે એ વિચારે એને યાતના આપીને બલિ ચડાવી દીધો. અશુભની ચિઠ્ઠી પણ ન લખાઈ અને એ માસૂમના અગ્નિસંસ્કાર પણ થઈ ગયા. એને એનો સગો બાપ ક્રૂરતાપૂર્વક પીડા આપતો હતો. એની ચીસો ખેતરમાં દબાઈ ગઈ. એ દેખાતી બંધ થઈ ત્યારે ગામમાં ઘૂસપૂસ થવા માંડી. અમારી ન્યૂઝ ચેનલ પર સમાચારો બ્રેક થયા ત્યારે તંત્રમાં દોડધામ મચી. પણ આ દીકરી સાથે બધું થતું હતું ત્યારે ગામમાં કોઈ એવી વ્યક્તિ ન હતી જે આ દીકરીને બચાવવા જઈ શકે? એક વ્યક્તિને એમ ન થયું કે, પોલીસ પાસે જઈને ફરિયાદ કરીએ? ગામમાં કે એના પિતાના પરિવારમાં કોઈ એવી વ્યક્તિ નહોતી જે એનો કાન આમળીને કહી શકે કે, તું આ ગુનો ન આચર. કોઈને એમ ન થયું કે આ હેવાનિયત આચરતા માણસને રોકીએ? આછી પાતળી ખબર હોય એમાંથી એક વ્યક્તિએ  પણ જો થોડીકેય હિંમત કરી હોત તો કદાચ ધૈર્યા જીવતી હોત.  
સમાજમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે એના માટે સમાજ પણ કંઈ ઓછો જવાબદાર નથી હોતો. આપણે ભલે અંધશ્રદ્ધામાં ન માનતા હોઈએ પણ આવું ઘણું બધું આપણી આસપાસ થતું જ હોય છે. આવું થતું હોય એને રોકીએ. ન થવા દઈએ. જરુર લાગે તો પોલીસની અથવા જેની જરુર પડે એની મદદ લઈએ. એ પણ જરુરી છે. આવા કિસ્સાઓમાં સરકારને દોષ આપીને બેસી ન રહી શકાય. સમાજમાં પરિવર્તન લોકો જ લાવી શકે.  
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.