Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાયવોય કરીને આખરે ક્યાં પહોંચવું છે?

सीने में जलन आँखों में तूफ़ान सा क्यूँ हैं सीने में जलन आँखों में तूफ़ान सा क्यूँ हैं इस शेहेर में हर शक्स परेशान सा क्यूँ हैं इस शेहेर में हर शक्स परेशान सा क्यूँ हैं  શહરયારની લખેલી આ પંક્તિ આજે પણ કેટલી સાચી છે? દરેક વ્યક્તિ સતત દોડતો રહે છે. ભાગતો રહે છે. કંઈક મેળવી લેવું છે એ લ્હાયમાં. કંઈક છૂટી જશે એ ચિંતામાં. પાછળ રહી જવાની ફિકરમાં. બસ માણસ કંઈક ભૂલે છે તો એ છે, જિંદગી જીવવાનું. ક
હાયવોય કરીને આખરે ક્યાં પહોંચવું છે
सीने में जलन आँखों में तूफ़ान सा क्यूँ हैं 
सीने में जलन आँखों में तूफ़ान सा क्यूँ हैं 
इस शेहेर में हर शक्स परेशान सा क्यूँ हैं 
इस शेहेर में हर शक्स परेशान सा क्यूँ हैं  
શહરયારની લખેલી આ પંક્તિ આજે પણ કેટલી સાચી છે? 
દરેક વ્યક્તિ સતત દોડતો રહે છે. ભાગતો રહે છે. કંઈક મેળવી લેવું છે એ લ્હાયમાં. કંઈક છૂટી જશે એ ચિંતામાં. પાછળ રહી જવાની ફિકરમાં. બસ માણસ કંઈક ભૂલે છે તો એ છે, જિંદગી જીવવાનું. કારણ વગરની ઉપાધિઓ માથા પર લઈ લેવાનો સ્વભાવ અને ધીરજનો અભાવ આપણને હાયપરટેન્શનની નજીક લઈ જાય છે એ આપણે વિચારતા જ નથી.  
આજે વર્લ્ડ હાયપરટેન્શન  ડે છે. આખી દુનિયામાં ત્રીસ ટકા લોકો હાયપરટેન્શનથી પીડાય છે. ભારતમાં  એકવીસ ટકા મહિલાઓ અને ચોવીસ ટકા પુરુષો હાયપરટેન્શનનો ભોગ બન્યા છે. આ લાઇફસ્ટાઇલ ડિસીઝને કારણે ઘરે ઘરે બ્લડ પ્રેશરના દર્દીઓ તમને મળી આવે છે. ગુજરાતમાં 11 ટકા સ્ત્રીઓ અને 14 ટકા પુરુષો તણાવની બીમારીથી પીડાય છે. આંચકાજનક બાબત એ છે કે, થોડાં મહિનાઓ પહેલા બોર્ડની પરીક્ષામાં આપણે ત્રણ ટીન એજની જિંદગી ગુમાવી હતી. આપણને સવાલ થાય કે, ખેલવા કૂદવાની કુમળી વયે આટલું ટેન્શન! આખરે આપણે શું મેળવી લેવું છે?  
ભાવનગરની હવેલીના વૈષ્ણવ આચાર્ય આણંદાબાવાએ કહેલી વાત યાદ આવે છે. તેઓ એક વખત અમેરિકાની મુલાકાતે ગયેલા. ત્યાં લેન્ડ થયા બાદ ત્યાં તેમને એરપોર્ટ પર અલગ બોલાવ્યા. તેમણે વૈષ્ણવ આચાર્યનો ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલો. કુતૂહલવશ ત્યાંના ઓફિસરે પૂછ્યું કે, તમે કોઈ મોટીવેશનલ ગુરુ છો? ત્યારે આણંદાબાવાએ સરસ વાત કહી કે, હું મોટીવેશનલ ગુરુ નથી. હું ડીમોટીવેશનલ ગુરુ છું. એમની આ વાત સાંભળીને પેલો ઓફિસર આશ્ચર્ય પામ્યો. એણે પૂછ્યું, આવા પણ ગુરુ હોય? આણંદાબાવાએ હસીને કહ્યું, મોટીવેશન આપીએ એટલે બધાં કંઈક મેળવવા માટે દોટ મૂકે છે. મને એમ થાય છે કે, આ શેના માટેની દોટ છે? આખરે તમારે શું મેળવી લેવું છે? મેળવીને પણ ક્યાં જવું છે?  આ દોડમાં તમારી જિંદગી ક્યાં છે? લોકોને દોડતા રોકવા છે. જરા ધીરા પડો. જરા જીવો. જિંદગીને માણો. સંબંધોને માણો.  
બ્લડ પ્રેશર, બ્લડ શુગર, માથાનો દુઃખાવો, અસુખ લાગવું, મૂંઝારો થવો, કંઈ ન ગમવું, ટેન્શનનું કોઈ કારણ ન હોય તો પણ સતત એન્ગ્ઝાઇટી લાગવી આ તમામ અનુભૂતિઓ નવા જમાનાની દેન છે. નાની ઉંમરે હાર્ટ એટેક આવતા હોય એ સમાચાર હવે આપણને આંચકાજનક નથી લાગતા. બહુ સામાન્ય લાગતી વાતો માટે આખરે જવાબદાર તો આપણે જ છીએ. થ્રી ઈડિયટ મૂવીમાં છે, જિંદગી રેસ છે.... બસ બાળક જન્મે ત્યારથી માંડીને જીવે ત્યાં સુધી રેસમાં દોડતો-ભાગતો રહે છે. બે-ત્રણ વર્ષનું થાય એટલે એને નર્સરીમાં બેસાડી દેવામાં આવે બસ ત્યારથી એની પોતાની જાત સાથે અને સાથે ભણતા, રમતા, કામ કરતા લોકો સાથે સ્પર્ધા ચાલુ થઈ જાય છે. આપણે મોટીવેશનના કલાસ ચલાવીએ છીએ. પણ માણસ ભાંગી પડે ત્યારે કે ડીપ્રેસ્ડ થાય ત્યારે એણે શું કરવું જોઈએ એનો કોઈ કોર્સ આપણે નથી શીખવતા.  
કોવિડ-19નો ખરાબ સમય આપણે સહુએ જોયો છે. ઘડીમાં માનવી હતો ન હતો થઈ જાય છે એ આપણે જોયું છે. પણ આ અનુભવમાંથી આપણે કંઈ શીખ્યા ખરાં? ઉલટું અભ્યાસ તો એમ કહે છે કે, કોવિડ-19 પછી હાયપરટેન્શનના કેસીસમાં વધારો થયો છે. કોવિડ થયો હોય એ પછી લોહીના પરિભ્રમણમાં ફેરફાર થયો હોય એની વાત નથી કરતી. પણ કોવિડ પછીના આભાસી ભયની વાત છે આ. આપણે એક આભાસી ભય-ડર-તણાવને આપણી અંદર રોપી દીધો છે. જેમ દિવસો વીતતાં જાય છે એમ તે મોટો જ થતો જાય છે. જીવને ક્યાંય શાંતિ નથી મળતી. જીવ ક્યાંય ઠેકાણે નથી રહેતો. ઘડીકમાં મગજ ગૂમાવી બેસીએ છીએ. પોતાના લોકોને સમય નથી અપાતો એનું પણ આપણને ટેન્શન લાગવા માંડે છે. આ તણાવ એક એવો શબ્દ અને અનુભૂતિ છે જેના વગર કેટલાંક લોકો જીવી જ નથી શકતા. એમને એવું કહો કે, તને જે તણાવ છે એ બધાં સોલ્વ થઈ ગયા  છે તો પણ એ શાંતિથી જીવી નથી શકતાં.  
સરવાળે આપણે જે તરફ દોડીએ છીએ એ દોડને થોડી સ્લો કરવાની જરુર છે. આપણી જિંદગીમાંથી હસવાનું ઓછું થઈ રહ્યું છે અને હસતાં ચહેરાઓ તો દુર્લભ થઈ ગયા છે. પ્લાસ્ટિકીયું સ્માઈલ આપણે પહેરવા માંડ્યા છીએ. એ કૃત્રિમતાથી નથી આપણને શાંતિ મળતી કે નથી સામેવાળાને કંઈ મળવાનું. હકીકતે આપણે થોડું આપણને જ ઓળખવાની જરુર છે. રોજ થોડો Me Time જીવવાનું શરુ કરી દો દિવસ મજાનો જશે. પેલી ઉક્તિ છે ને, એને જીવવી વધુ યોગ્ય ગણાશે  मैं भीतर गया, मैं भी तर गया...
Advertisement
Tags :
Advertisement

.