ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંબંધો જ્યારે સમાજ માટે જોણું બની જાય ત્યારે...

સંબંધો જેટલી સહજ, સરળ અનુભૂતિ છે એટલી જ કોમ્પલીકેટેડ અનુભૂતિ પણ છે. કોઈપણ સંબંધ તૂટે કે છૂટે ત્યારે કોઈ એક વ્યક્તિનો વાંક હોતો જ નથી. કોઈ એક વ્યક્તિની વાત સાંભળીને તમે એ સંબંધના ન્યાયાધીશ ન બની શકો. પતિ-પત્નીના સંબંધ વિશે તો એવું કહેવાય છે કે, એ જેટલાં પ્રેમાળ હોય છે એટલાં જ પેઇનફુલ પણ હોય છે. પતિ-પત્નીના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે, લખાયું છે તેમ છતાં કોઈ સંબંધો સપાટી ઉપર આવી જà
09:50 AM Jun 03, 2022 IST | Vipul Pandya
સંબંધો જેટલી સહજ, સરળ અનુભૂતિ છે એટલી જ કોમ્પલીકેટેડ અનુભૂતિ પણ છે. કોઈપણ સંબંધ તૂટે કે છૂટે ત્યારે કોઈ એક વ્યક્તિનો વાંક હોતો જ નથી. કોઈ એક વ્યક્તિની વાત સાંભળીને તમે એ સંબંધના ન્યાયાધીશ ન બની શકો. પતિ-પત્નીના સંબંધ વિશે તો એવું કહેવાય છે કે, એ જેટલાં પ્રેમાળ હોય છે એટલાં જ પેઇનફુલ પણ હોય છે. પતિ-પત્નીના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે, લખાયું છે તેમ છતાં કોઈ સંબંધો સપાટી ઉપર આવી જાય અને ગામ જોણું થાય ત્યારે લોકો ચર્ચા કરવાના જ છે.  
‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મમાં નસીરુદ્દીન શાહના મોઢે એક ડાયલોગ છે, સચ ક્યા હોતા હૈ... સબ કા અપના અપના વર્ઝન હોતા હૈ. દરેક સંબંધમાં જોડાયેલી દરેક વ્યક્તિનું સત્ય અલગ અલગ હોય છે. કેમકે, દરેકની લાગણી  જુદી જુદી હોય છે. સમજ સેપરેટ હોય છે. સંબંધોની બાબતમાં સમજ, સંયમ અને સમજદારી બહુ જ મહત્ત્વની હોય છે. જ્યારે સંબંધ ગ્રેસ ગુમાવી બેસે ત્યારે એમાં સ્પાર્ક થાય છે. જે તમને પણ દઝાડે છે અને તમારી સાથે જોડાયેલા લોકોમાં પણ આગ લગાવે છે.  
કોઈપણ લગ્ન કદીય તૂટવા માટે નથી થતા હોતાં. જોડીઓ સ્વર્ગમાં બને છે એવું કહેવાય છે પણ તેને નીભાવવી ધરતી ઉપર પડે છે. પતિ-પત્નીના સંબંધો એટલા સંવેદનશીલ હોય છે કે, એમાં બેવફાઈ પ્રવેશે અને ભરોસો ઉઠી જાય ત્યારે એમાંથી સંવેદના ગાયબ થઈ જાય છે. એકબીજાને વેદના આપવાનો સંબંધ ક્યારે શરુ થઈ જાય છે એની કોઈને ખબર નથી રહેતી. એકબીજાનો સાથ સાત જન્મ સુધી આપીશું એવા સપનાં સાથે શરુ કરેલી સહિયારી સફરમાં સાત સેકન્ડ પણ સાથે રહેવું દુષ્કર બને ત્યારે એ સંબંધમાં એક ખાલીપો સર્જાવા લાગે છે.  
ગુજરાતના રાજકારણમાં આજકાલ એક વિડીયો બહુ વાયરલ થયો છે. સ્માર્ટ ફોન ધરાવતી દરેક વ્યક્તિએ આ બ્લર થયેલો નહીં બ્લર થયેલો વિડીયો જોયો જ હશે. જેટલા લોકોએ આ વિડીયો જોયો એ તમામના અભિપ્રાયો અલગ અલગ હોવાના. સંબંધોમાં જેમણે તિરાડો જોઈએ એ લોકો અને સંબંધોમાં જેમણે ભરપૂર પ્રેમ જોયો છે એ લોકોના ઓપિનિયન જુદાં જુદાં હોવાના એ સ્વભાવિક વાત છે.  
જે વ્યક્તિ સંબંધમાં ગ્રેસ ગુમાવી દે છે એણે પછી જિંદગીમાં કંઈ જ ગુમાવવાનું રહેતું નથી. આપણે ત્યાં પરિવારની મરજીથી થયેલા પ્રેમલગ્ન હોય કે પરિવારે ગોઠવેલા લગ્ન હોય એ લગ્ન ક્યારેય બે વ્યક્તિઓ વચ્ચે નથી થતાં હોતાં. બે પરિવારો પણ એકબીજા સાથે સંબંધે બંધાય છે. ભારતમાં આપણે સહુ આવો જ ટ્રેન્ડ જીવીએ છીએ. આ સંબંધો જીવાય ત્યાં સુધી તો વાંધો નથી આવતો. પણ એકબીજા સાથે વાંધો પડે ત્યારે પરિવારોમાં પણ ભાગલા પડી જાય છે. પોતાનું સંતાન ખોટું હોય તો પણ એને સાથ દેનારા મા-બાપની સંખ્યા ઓછી નથી. સંતાનના પ્રેમમાં મોહાંધ થઈને સંતાન જે કરે છે અને કહે છે એને જ સત્ય સમજીને બીજી વ્યક્તિના સત્યને ન સ્વીકારવું એ આપણામાંથી  મોટાભાગના લોકોનો  સ્વભાવ છે.  
સંબંધોમાં જ્યારે સમજની વાત આવે ત્યારે પોતાના દિલનું સાંભળવું અને સમજવું ખૂબ જ જરુરી બની જાય છે. એવા કેટલાય સંબંધો છે જે જોડાયા હોય ત્યારે કોઈને ખબર ન પડી હોય પણ એ જ્યારે તૂટે ત્યારે એટલા કડાકાભેર અવાજ સાથે તૂટે છે કે, લોકો ધ્રૂજી ઉઠે. કોર્ટમાં ગયેલા કેસમાં સામેવાળી વ્યક્તિ પાસે કેવી રીતે રુપિયા ખંખેરવા એ રમત શરુ થાય ત્યારે સૌથી ગંદું પોલિટિક્સ શરુ થઈ જાય છે. પતિ-પત્નીના સંબંધો કોર્ટમાં છૂટા થવા માટે પહોંચે ત્યારે કેસને જીતવા માટે કે કેસને મજબૂત કરવા માટે જે કાવાદાવા તમને સમજાવવામાં આવે છે એ સૌથી મોટી કરુણતા છે. એક સંસ્થા સાથે જોડાયેલાં સામાજિક કાર્યકર મહિલાએ કહેલી વાત યાદ આવે છે, કોર્ટમાં છૂટાછેડાના કેસમાં પિયરવાળાની ચડામણી અને વકીલો દ્વારા થતું બ્રેનવોશ બંધ થાય તો દરેક દંપતી સુખી થઈ જાય.  
કોર્ટમાં તમારું વર્તન જજ થતું હોય છે. પણ ઘરમાં તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે જીવન ગુજારો છો ત્યારે પણ ઘરના લોકો તમને જજ કરતાં હોય છે. કોઈ પણ માણસ દ્વારા થતું સારું કે ખરાબ વર્તન હોય તેમાં આખરે એ વ્યક્તિના સંસ્કારની ઉંચાઈ જ બતાવતાં હોય છે. મારાથી આવું ન થાય કે હું આવું ન કરી શકું એવું કરતા તમને તમારી જાત રોકે એ સંસ્કાર જ છે. સંબંધો તૂટે ત્યારે કેવા ગ્રેસ સાથે તમે છૂટા પડો છો એ વધુ મહત્ત્વનું છે. પતિ-પત્નીના સંબંધમાં જ્યારે બતાવી દેવાની દાનત આવી જાય ત્યારે તમને સલાહ આપનારા તમામ લોકો સાચા જ હોય છે એ માનવું સૌથી મોટી ભૂલ છે. જે સંબંધમાં સત્વ ન રહ્યું હોય એને ઢસડે રાખવાથી કે પકડી રાખવાથી સરવાળે કોઈને કંઈ મળતું નથી હોતું. જે સંબંધમાંથી સત્ય અને સત્વ ઊડી ગયું હોય એ સંબંધ ક્યારેય સજીવન રહેતો નથી.  
આપણે ત્યાં સંતાનોને ખાતર.... આ એક ટર્મિનોલોજી પતિ-પત્નીના સંબંધોમાં બહુ બોલવામાં આવે છે. મા-બાપના સંબંધોમાં કંઈ ખટરાગ છે એ વાત સંતાનો ન બોલતાં હોય તો પણ એમને ખબર જ હોય છે. સંતાનોને તમારી પેઇનફૂલ રીલેશનશીપના ભાગીદાર બનાવવા કરતાં એક ગ્રેસ સાથે છૂટા પડી જવું જ વધુ બહેતર હોય છે.  
ગામજોણું થાય, વિડીયો બને, પ્રૂફ એકઠાં થવા માંડે ત્યારે સમજણને તાળું વાગી જાય છે. સમાજ કંઈ બોલે નહીં તો પણ આવું બધું જોવામાં બધાંને મજા આવતી હોય છે. હોઠનો એક ખૂણો વિચિત્ર રીતે હસી જતો હોય છે. આવું થાય ત્યારે ખુલાસાઓની વણઝાર ચાલે છે. પરંતુ, આવા ખુલાસાઓનો છેવટે કોઈ મતલબ રહેતો હોતો નથી.
Tags :
alimonychildcustodydisloyaltyDivorceextramaritalfamilycourtGujaratFirst
Next Article