Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિતેશ પંડ્યા-અમિત પંડ્યાનું મહાઠગ કિરણ સાથે શું છે કનેકશન, વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલય (Gujarat CMO) માં ફરજ બજાવતા હિતેશ પંડ્યા (Hitesh Pandya) અને તેમનો પુત્ર અમિત પંડ્યા (Amit Pandya) રાતો રાત ચર્ચામાં આવી ગયા છે. મહાઠગ કિરણ પટેલ (Big Conman Kiran Patel) સાથેના ગાઢ સંબંધોને લઈને અમિત પંડ્યા અને...
હિતેશ પંડ્યા અમિત પંડ્યાનું મહાઠગ કિરણ સાથે શું છે કનેકશન  વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલય (Gujarat CMO) માં ફરજ બજાવતા હિતેશ પંડ્યા (Hitesh Pandya) અને તેમનો પુત્ર અમિત પંડ્યા (Amit Pandya) રાતો રાત ચર્ચામાં આવી ગયા છે. મહાઠગ કિરણ પટેલ (Big Conman Kiran Patel) સાથેના ગાઢ સંબંધોને લઈને અમિત પંડ્યા અને અમિતના પિતા હિતેશભાઈ સમાચારોમાં ચમકવા લાગ્યા. ભાજપ સરકારને વાતમાં તથ્ય લાગતા પિતા અને પુત્ર બંનેને હાંકી કઢાયા. પુત્રને BJP માંથી રવાના કરી દેવાયો અને પિતાને CMO માંથી હટાવી દીધા. જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલની પોલીસે શ્રીનગરની લલિત ગ્રાન્ડ પેલેસ (The Lalit Grand Palace Srinagar) નામની વૈભવી હોટલમાંથી ધરપકડ કરી ત્યારે તેની સાથે હાજર ગુજરાતના બે શખ્સો પૈકી એક અમિત પંડ્યા અને બીજો જય સીતાપરા હતો. અમિત પંડ્યા અને જય સીતાપરા (Jay Sitapara) કિરણ પટેલ સાથે મળી આવતા હવે તેમની પણ ઝીણવટભરી પૂછપરછ અને ખાનગી તપાસ પૂર્ણ કરી દેવાઈ છે. મહાઠગ કિરણ પટેલ સાથે જો કોઈના સૌથી ગાઢ સંબંધો હોય તો તેવી વ્યક્તિઓમાં અમિત પંડ્યા અને અમિતના પિતા હિતેશભાઈનો સમાવેશ ચોક્ક્સ થાય.

Advertisement

કોણ છે અમિત પંડ્યા
મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ ચર્ચામાં આવેલા નામો પૈકી એક અમિત પંડ્યા એટલે કોણ ? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. મહાઠગ કિરણ પટેલનો ખાસમખાસ મિત્ર અમિત અચાનક જ ચર્ચામાં આવી ગયો છે. અમિત પંડ્યા એટલે CMO APRO હિતેશ પંડ્યાનો પુત્ર, આ છે પ્રથમ ઓળખ. સરકારમાં વર્ષોથી મોટાપાયે સીસીટીવી કેમેરાના કોન્ટ્રાક્ટ (CCTV Camera Contractor) મેળવનાર સેફ સોલ્યુશન (Safe Solutions) કંપનીનો માલિક એ બીજી ઓળખ અને ત્રીજી ઓળખ BJP સોશિયલ મીડિયા પ્રભાગના ઉત્તર ઝોનનો રહી ચૂકેલો ઈન્ચાર્જ. પિતાના નામે BJP સરકારમાં ગોઠવણો કરી અમિત પંડ્યાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટી છલાંગ લગાવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર અમિત પંડ્યા ભાજપ સરકારમાં CCTV કેમેરા લગાવવાના સંખ્યાબંધ (ત્રણ આંકડામાં) પ્રોજેક્ટ પૂર્ણ કરી ચૂક્યો છે. ખૂબ જ ઓછા સમયમાં અનેક સરકારી કોન્ટ્રાક્ટો મેળવનારા અમિત પંડ્યા પર પિતાના ચાર હાથ હતા.
RSS, પત્રકાર અને CMO સુધીની સફર
મૂળ રાજકોટ (Rajkot) ના હિતેશ પંડ્યા જનસંઘ (Jansangh) આરએસએસ (RSS), ABVP અને VHP સાથે જોડાયેલા વ્યક્તિ છે. રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં મોટું રાજકીય માથું ગણાતા ચીમનભાઈ શુકલ (Chiman Shukla) ના ચેલા તરીકે પોતાને પ્રસ્થાપિત કરનારા હિતેશ પંડ્યા ની સફર રોચક રહી છે. 90ના દાયકામાં ધોરાજી જેવા અતિ સંવેદનશીલ ગામમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવી રથયાત્રા કાઢવામાં હિતેશ પંડ્યાની મુખ્ય ભૂમિકા હતી. ધોરાજી (Dhoraji) અને ત્યારબાદ રાજકોટમાં જન્માષ્ટમીને ખૂબ જ મોટો ઉત્સવ બનાવવામાં હિતેશ પંડ્યાનો મહત્વનો ફાળો રહ્યો છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ફૂલછાબ અખબાર (Phulchhab Newspaper) માં પત્રકાર (Journalist) થી શરૂઆત કરીને પોતાની આગવી આવડતથી એડીટર (Editor) કક્ષા સુધી હિતેશભાઈ પહોંચી ચૂક્યા હતા. હિન્દુત્વની વિચારધારા ધરાવતા હિતેશ પંડ્યાને કેશુભાઈ પટેલની સરકારમાં CMO ના જન સંપર્ક વિભાગમાં પ્રવેશ મળ્યો અને ત્યારથી તેઓ લગભગ અઢી દાયકા સુધી એડિશનલ પબ્લિક રિલેશન ઑફિસર (APRO) તરીકે રહ્યાં.
મહાઠગ સાથે પિતા-પુત્રના સંબંધો
CM બદલાય પણ મારું સ્થાન અડીખમ છે તેવો હંમેશા દાવો કરતા રહેતા હિતેશ પંડ્યાની સફર મહાઠગ કિરણ પટેલ સાથેના કનેકશનને લઈને પૂર્ણ થઈ ગઈ છે. અઢી દસક સુધી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં દબદબો ભોગવી ચૂકેલા હિતેશ પંડ્યાએ સૌથી વધુ 12 વર્ષ જેટલો સમય નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે પસાર કર્યો અને તેનો લાભ પણ ભરપૂર ઉઠાવ્યો. નરેન્દ્ર મોદી સાથે અંગત સંબંધો હોવાનો એક માહોલ ઉભો કરીને PMO માં પણ પોતાના સંપર્કો બનાવી લીધા. PMO ના નામે ચરી ખાતા કિરણ પટેલના હિતેશ પંડ્યા અને ખાસ કરીને અમિત પંડ્યા સાથે ગાઢ સંબંધો રહ્યાં છે. મહાઠગ કિરણ પટેલને CMO થી લઈને PMO સુધીની કેટલીક મહત્વની ખાનગી જાણકારી પણ પંડ્યા પાસેથી મળતી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
હિતેશ પંડ્યાની પરદા પાછળની કામગીરી
સિનિયર સિટીઝન હિતેશ પંડ્યા ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં લગભગ અઢી દસકાથી પગ જમાવીને બેઠા રહ્યાં. CMO ગુજરાતમાં પોતાનો એકાધિકાર સ્થાપિત કરનારા હિતેશ પંડ્યાની કામગીરી અંગે ખૂબ ઓછા લોકો જાણકારી ધરાવે છે. હિતેશ પંડ્યા મુખ્યમંત્રી વતી શુભેચ્છા સંદેશ તેમજ શોક સંદેશ લખવા-પાઠવવાનું કાર્ય કરતા આવ્યા છે. કેશુભાઈ પટેલ (Keshubhai Patel) નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ (Anandiben Patel) વિજય રૂપાણી (Vijay Rupani) અને ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એમ પાંચ-પાંચ મુખ્યમંત્રી સાથે હિતેશ પંડ્યા કામ કરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વર્ષ 2001માં કમ બેક કર્યું ત્યારબાદ હિતેશ પંડ્યાને સૌરાષ્ટ્રની તમામ ગતિવિધિઓ પર નજર રાખવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. અખબારોમાં પ્રસિદ્ધ થયેલા સમાચારો ધ્યાને મુકવા તેમજ તેની શું વાસ્તવિક તેમજ અસર શું થશે તેની જાણકારી હિતેશ પંડ્યા આપતા હતા. એક સમયે પત્રકાર રહી ચૂકેલા હિતેશ પંડ્યા સૌરાષ્ટ્રના મીડિયા હાઉસની અંદરની વાતો પણ સરકાર સુધી પહોંચાડતા હતા અને આ કામ માટે તેઓ રાજકોટના કેટલાંક પત્રકારોનો સારી રીતે ઉપયોગ કરતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં ત્યારબાદ પણ હિતેશ પંડ્યા તેમની આગવી કામગીરી નિભાવતા રહ્યાં અને PMO ની ગતિવિધિથી વાકેફ થઈ ગયા. કહેવાય છે કે, રાજકોટ કનેકશનના કારણે વિજય રૂપાણી સાથે હિતેશ પંડ્યાના સંબંધો એક મિત્ર જેવા હતા.
FB પર 'દાદુ નામા'
'મજબૂત થવાની મઝા ત્યારે જ આવે છે, જ્યારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય' તેવી પોસ્ટ હિતેશ પંડ્યાએ ફેસબુક વોલ (Facebook Wall) પર કરી છે. વિવાદમાં આવ્યા બાદ અન્ય FB Post માં પણ હિતેશ પંડ્યા કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા છે. પુત્ર અમિત પંડ્યા અને ખુદનું નામ મહાઠગ કિરણ સાથે જોડાયા બાદ સોશિયલ મીડિયા પર 'દાદુ નામા' (Dadu Nama) ના નામે હિતેશ પંડ્યા એક અલગ અંદાજમાં જોવા મળે છે. અમદાવાદની જાણીતી હોટલમાં મહાઠગ કિરણ પટેલ આયોજીત જી-20 સમિટ CMO ના આર્શીવાદથી સંપન્ન થઈ હતી. G-20 સમિટના ચકચારી કાંડમાં એક ઉચ્ચ મહિલા IAS અધિકારી હિતેશ પંડ્યાના પ્રભાવમાં આવી ગયા હોવાથી ચર્ચાના ચગડોળે ચઢ્યા છે.
પંડ્યા પરિવારે ભરપૂર લાભ ઉઠાવ્યો
વર્ષ 1998-99માં કેશુભાઈ પટેલના શાસનકાળ દરમિયાન રાજકોટથી ગાંધીનગર આવેલા હિતેશ પંડ્યાનો દબદબો વર્ષ 2001થી વધી ગયો હતો. એક ચર્ચા અનુસાર રાજકોટમાં એડવર્ટાઈઝિંગ એજન્સી (Advertising Agency Rajkot) ચલાવતા પંડ્યા પરિવારે સરકારની જાહેરાતો ઉપરાંત મોટાપાયે પ્રિન્ટીંગ કોન્ટ્રાક્ટો લેવાના શરૂ કરી દીધા હતા. સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને લોકસભા ઈલેકશન સુધીના એડ કેમ્પેઈન પણ પંડ્યા પરિવારની એજન્સીને જ મળતા હતા. ચૂંટણી ટાણે BJP ના ઉમેદવારોની વ્યક્તિગત પ્રસિદ્ધીની જવાબદારી પણ હિતેશ પંડ્યા અને તેમનો પરિવાર સંભાળતો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement

.