ભાષાને પાંખી નથી બનાવી-જીવનનું માધુર્ય ગુમાવ્યું
ભારે બેડાં 'ને હું તો નાજુકડી નાર...'
'ઓ રાજ રે વાવલડીનાં પાણી ભરવા ગ્યાં'તાં..મને કેર્ય કાંટો વાગ્યો..'
'ભિત્યું તમે કેવી ભાગ્યશાળી
ગારો કરે ગોરા હાથવાળી..'
... કોન્વેંટીયા કલ્ચરે ભાષાનો વૈભવ છીનવી લીધો એમ નથી લાગતું?
માત્ર ભાષાને પાંખી નથી બનાવી જીવનનું માધુર્ય ગુમાવ્યું છે.
સવાર સવારમાં તાજા વલોણાનું ઘી ચોપડેલો અચ્છેર લોટનો રોટલો તો વરસે ચાર રૂપિયાની ફી વાળી નિશાળે જતા છોકરા ઊલાળી જતા.અમૂલ બટર ચોપડેલી બ્રેડ પિરસનાર મમ્મીને જ અસલ મજા ખબર ન હોય તો લાખેક રૂપિયાની ફી વાળી શાળામાં ભણતા પોપટને તો બાજરાના રોટલાનો બ્રેકફાસ્ટ ક્યાંથી ખબર હોય?
ઈંઢોણી તો આજની યુવતીઓએ(બાળપણ તો ક્યાં માણ્યું હોય?)હવે ડ્રેસવાળાને ત્યાં ગામઠી ડ્રેસ સાથે મળે ત્યારે જોઇ હોય.
નોરતાની ઊજવણી જળવાઈ છે ઊલ્ટાંનુ ઝાકઝમાળ અને ઊમંગ વધ્યો છે...પણ વલ્લભ ભટ્ટના જેવા ગરબા ક્યાં?..માનસિક વિકલાંગ ચિત્રવિચિત્ર દાઢીધારીનું ગતકડું અને એ ય ભવાઈ સ્વરૂપની ઊઠાંતરી 'એ ભાઇ ભાઈ વચ્ચે' પતઈ રાજાનો ગરબો ક્યાં?એ ગરબાનું જોમ જેણે અનુભવ્યું હોય એ ધન્ય.
લીંપણ,ઘર ધોળવાનું,નળીયાં સંચવાનાં,દિવાળીના મઠીયાં સુંવાળીયો મહોલ્લામાં સામૂહિક બનતી એની મજા રેડીમેઈડ-માનસિક વિકલાંગ પેકમાં ક્યાં?
નોરતાંમાં ધરતી ધમધમાવતી નારી શક્તિ ક્યાં?
રાત્રે ગરબો વળાવતી વખતે 'રહો રહો મા તને ફલાણાભાઈ મનાવે(ફલાણામાં ગામના નાક સમા વ્યક્તિનું નામ)...સ્ત્રીઓ ગરબા આગળ પાછલા પગે હિંચ લેતી ગાય ત્યારે ભલભલાની આંખો ભીની હોય.
ગામ સમૃધ્ધ થયાં.સિત્તેરના દશક સુધી જે ગામમાં બસ નહોતી આવતી,પાકો રોડ નહોતો,અખબાર પણ બે દિવસે આવતું એ ગામનો જણ કેનેડા,અમેરીકા જેવા દેશમાં વસતા હોય એ સારી વાત છે.
માતાજીની આરતી ઓન લાઈન બોલાતી હોય અને એ ય લાખોમાં-નાની વાત નથી.
પણ.."બાપના કૂવામાં ડૂબી મરાય નહીં" ...પણ કૂવો અવાવરે ય ન રહેવો જોઇયે.