Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે દિવસીય વાઈબ્રન્ટ રાજકોટ સમિટનો શાપર-વેરાવળ ખાતે ભવ્ય પ્રારંભ, કરોડોની રકમના સમજૂતિ કરાર માટે ઉદ્યોગકારોની વણઝાર

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, રાજકોટ  વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના આરંભ પૂર્વે જ રૂપિયા ૪૭૦૯ કરોડથી વધુની રકમના ૧૮૫ જેટલા સમજૂતિ કરાર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમ.ઓ.યુ.)કરવામાં આવ્યા છે, જેના પરિણામે આગામી દિવસોમાં ઔદ્યોગિક વિકાસ સાથે ૨૦ હજારથી વધુ લોકોને રોજગારી મળશે, તેમ રાજ્યના...
બે દિવસીય વાઈબ્રન્ટ રાજકોટ સમિટનો શાપર વેરાવળ ખાતે ભવ્ય પ્રારંભ  કરોડોની રકમના સમજૂતિ કરાર માટે ઉદ્યોગકારોની વણઝાર

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, રાજકોટ 

Advertisement

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના આરંભ પૂર્વે જ રૂપિયા ૪૭૦૯ કરોડથી વધુની રકમના ૧૮૫ જેટલા સમજૂતિ કરાર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમ.ઓ.યુ.)કરવામાં આવ્યા છે, જેના પરિણામે આગામી દિવસોમાં ઔદ્યોગિક વિકાસ સાથે ૨૦ હજારથી વધુ લોકોને રોજગારી મળશે, તેમ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શાપર વેરાવળ ખાતે જણાવ્યું હતું.

Advertisement

મહત્વનું છે કે વાઈબ્રન્ટ રાજકોટ સમિટ પૂર્વે જ રૂ.૪૭૦૯ કરોડના એમ.ઓ.યુ. થઈ ગયા હતા. જ્યારે સમિટના પ્રારંભની જ સાથે વધુ રૂ. ૧૭૦૦ કરોડ મળીને રૂ.૬૪૦૯.૮૧ કરોડ તેમજ એ સિવાયના મળીને કુલ રૂ. ૬૮૫૮ કરોડના એમ.ઓ.યુ. થઇ ચૂક્યા છે..


વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે, રાજકોટમાં શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેસ સર્વિસ સેન્ટર ખાતે, આજથી બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટ શરૂ થઈ છે. આ સમિટનું ઉદઘાટન કરતા મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વાઈબ્રન્ટ સમિટ શરૂ કરાવી ત્યારે દુનિયા ઉપહાસ કરતી હતી. પરંતુ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન મોદીએ પારખ્યું હતું કે, વિકાસ કરવો હોય તો રાજ્યને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે આગળ લઈ જવું જ પડશે. આથી તેમણે રાજ્યમાં ઉદ્યોગોને ટાંચણીથી લઈને ટેન્ક બનાવવા સુધીનું આયોજન, વાતાવરણ, મદદ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તેવું સ્વપ્ન સેવ્યું હતું. આજે વાઈબ્રન્ટ સમિટ વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન સરકારે પણ ઉદ્યોગોના વિકાસ પર ભાર આપતાં, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે બજેટમાં ૮૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજકોટના વિકાસમાં રોકાણકારોનો મોટો ફાળો હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, રાજકોટના ઉદ્યોગોને આનુસાંગિક ઉદ્યોગો બાજુના જિલ્લાઓમાં વિકસે તે માટે ત્યાં પણ મૂડીરોકાણ કરવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે, તેને સાકાર કરવા ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બનાવવાનું છે. આ માટે આગામી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં રાજકોટ શહેર-જિલ્લામાંથી સૌથી વધુ એમ.ઓ.યુ. અને મૂડી રોકાણ કરીને, રાજકોટને પણ ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં નંબર વન બનાવવા તેમણે ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. આ સાથે વાઇબ્રન્ટ રાજકોટ સમિટના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન તથા ઉદ્યોગકારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરિયાએ કહ્યું હતું કે, આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે તેનું મહત્ત્વ સામાન્ય લોકો સુધી પહોંચે અને તેનો હેતુ સિદ્ધ થાય તે માટે જિલ્લા સ્તરની સમીટ યોજવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ એ બ્રાન્ડિંગ નહીં પરંતુ બોન્ડિંગ છે. આ બોન્ડિંગ વધુ મજબૂત થાય તે માટે જિલ્લા સ્તરે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં ૩૦૦ લોકોની હાજરીમાં વાઇબ્રન્ટ સમિટનો આરંભ થયો હતો. આજે દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સમિટમાં જોડાઈ રહ્યા છે, જે વિકાસ દર્શાવે છે. વડાપ્રધાનશ્રી મોદીએ સમજદારીથી જે દુરંદેશીભર્યુ વિઝન આપ્યું હતું, તેને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાર્થક કરીને વિકાસનો વેગ આગળ વધારી રહ્યા છે. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકોટના ઉદ્યોગ જગત પાસે ખરા અર્થમાં વાઈબ્રન્ટ થઈને વિકસવાની અપાર ક્ષમતા અને શક્યતાઓ છે.

જ્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ રાજકોટના ઔદ્યોગિક વિકાસ અને નવી ક્ષમતાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧,૪૪,૦૦૦ થી પણ વધારે MSME એકમો આવેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૦૦ કરોડના ખર્ચે MSME Technology સેન્ટર બનાવવામાં આવશે. રાજકોટમાં કુલ ૫૪૮ એકર જમીનમાં બીજી ૪ નવી ઔદ્યોગિક વસાહત મંજુર થતા જમીનના કબ્જા સોંપી દેવાયા છે. જ્યારે અન્ય જી.આઈ.ડી.સી. માટે ૯૭૩ એકર માટે જમીન ફાળવણીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

આ તકે વિવિધ લાભાર્થીઓને ઉદ્યોગ ધંધાના વિકાસ માટે રૂ. ૪.૪૦ કરોડથી વધુ રૂપિયાની રકમના ચેક પણ વિતરિત કરાયા હતા. ઉપરાંત મંત્રીશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આશરે રૂપિયા ૧૩૦૦ કરોડથી વધુની રકમના સાત એમ.ઓ.યુ. પ્રતિકરૂપે સાઈન કરવામાં આવ્યા હતા.

આ તકે અન્ય મોટા એમ.ઓ.યુ.ની જાહેરાત કરાઈ હતી. જેમાં જી.એમ. વાલ્વ કંપની દ્વારા રૂ. ૧૫૦૦ કરોડ, ફોર સ્ક્વેર ગ્રીન એનર્જી પ્રા. લિ. દ્વારા રૂ.૧૬૮૦ કરોડ, તેમજ ગોપાલ નમકીન દ્વારા રૂ.૧૦૦૦ કરોડ તથા બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી દ્વારા રૂ.૭૦૦ કરોડના એમ.ઓ.યુ.ની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે મારવાડી ગ્રૂપની પ્રિક્સોન ગ્રીન એનર્જી પ્રા. લિ. દ્વારા આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રૂ.૨૪૫૦ કરોડના એમ.ઓ.યુ.ની જાહેરાત પણ કરાઈ હતી.

વાઇબ્રન્ટ સમિટની સાથે વિવિધ એક્ઝિબિશન સ્ટોલ્સનું પણ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથિરિયા, પ્રાંત અધિકારી ડૉ. સંદીપ વર્મા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણી ઉદ્યોગકારો વગેરે હાજર રહ્યા હતા.

Tags :
Advertisement

.