Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિક્ષકની કસોટી રોજે રોજ થઈ રહી છે

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. પ્રલય અને નિર્માણ એના ખોળામાં ઉછરે છે. ચાણક્યની આ વાત આજે અનેકવાર બોલાઈ હશે. કહેવાઈ હશે. વર્ષોથી આમ જ થતું આવ્યું છે. આજે પણ શિક્ષક દિવસ ઉજવાઈ ગયો અને સન્માન થઈ ગયું. કેટલીક શાળાઓમાં- કોલેજોમાં એક દિવસ માટે ટીચર બનેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મિડીયા પર ફોટોગ્રાફસ મૂકીને ઉજવણી કરી લીધી. શિક્ષણની વાત આવે ત્યારે હંમેશાં એક વાત વર્ષોથી બોલાતી રહે છે, હવે ક્યà
11:22 AM Sep 05, 2022 IST | Vipul Pandya
શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. પ્રલય અને નિર્માણ એના ખોળામાં ઉછરે છે. ચાણક્યની આ વાત આજે અનેકવાર બોલાઈ હશે. કહેવાઈ હશે. વર્ષોથી આમ જ થતું આવ્યું છે. આજે પણ શિક્ષક દિવસ ઉજવાઈ ગયો અને સન્માન થઈ ગયું. કેટલીક શાળાઓમાં- કોલેજોમાં એક દિવસ માટે ટીચર બનેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મિડીયા પર ફોટોગ્રાફસ મૂકીને ઉજવણી કરી લીધી. શિક્ષણની વાત આવે ત્યારે હંમેશાં એક વાત વર્ષોથી બોલાતી રહે છે, હવે ક્યાં પહેલા જેવા શિક્ષકો રહ્યા છે. એમાં આજે એક વાત ઉમેરવી છે, એક સવાલ પૂછવો છે, હવે પહેલા જેવા વિદ્યાર્થીઓ રહ્યા છે ખરાં? 
હજુ બે દિવસ પહેલા જ એ શિક્ષકે ઈન્ટર્નલ માર્કસ ઓછા આપ્યા એમાં વિદ્યાર્થીઓએ એમને થડ સાથે બાંધીને ઢીબી નાખ્યા. શિક્ષકોનું માન અને કડપ હવે અગાઉના વર્ષો જેવા પણ નથી જોવા મળતા. બાળકોના ઘડતરમાં સૌથી મહત્ત્વનો કોઈ ભાગ ભજવતું હોય તો એના શિક્ષક છે. પણ હવે એમની હસ્તીને કે હયાતીને બહુ સામાન્ય રીતે જોવામાં આવે છે.   
કોવિડના દિવસોની વાત યાદ કરો. વર્ક ફ્રોમ હોમની સાથોસાથ સ્કૂલ ફ્રોમ હોમ પણ શરુ થયું હતું. જે બાળકોને મોબાઈલ અને લેપટોપની સ્ક્રીનથી દૂર રાખવા હોય એ બાળકોને પણ મા-બાપે નાછૂટકે ભણવા માટે સ્ક્રીન આપવી પડતી હતી. આમાં બાળકો ભણ્યા કે નહીં એ તો દૂરની વસ્તુ બનેલી ઉલટું બાળકો ડ્રાય આઈનો શિકાર બન્યા અને મોબાઈલની લત લાગી ગઈ એ અલગ.  
કોવિડના દિવસોમાં એક શિક્ષકે કહેલી વાત યાદ આવે છે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતા આ શિક્ષકને ટીનેજર સ્ટુડન્ટ્સે એટલા ટીઝ કર્યાં કે એ ટીચર સ્ક્રીન બંધ કરીને રડી પડેલાં. ઓન લાઈન કલાસીસમાં એક ટીચરે એવું કહ્યું કે, સ્કૂલ કે કોલેજના કલાસમાં ફક્ત વિદ્યાર્થી જ અમને જજ કરતાં. પણ ઘરેથી જ્યારે બાળકો ભણે છે ત્યારે આખું ઘર અમને જજ કરે છે. અમે લોકો વિદ્યાર્થીઓનું રિપોર્ટ કાર્ડ ભરીએ પણ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓનો આખો પરિવાર જાણે અમારું રિપોર્ટ કાર્ડ ભરતા હોય એવું લાગતું હતું. કંઈ પણ ભૂલ થાય કે બાળકને સહેજ ડિસીપ્લીન મામલે વઢીએ તો પણ મા-બાપ સીધી પ્રિન્સીપાલને ફરિયાદ કરતા.  
હવેના શિક્ષકની ફરજ બહુ જ બદલાઈ છે. હવે શિક્ષક જો અપડેટેડ ન રહે તો એ કલાસરુમમાં વિદ્યાર્થીને આઉટડેટેડ લાગે છે. શિક્ષક પહેલા જેવા નથી રહ્યા એવી ફરિયાદ કરવી બહુ આસાન છે. સાથોસાથ એ જોવા જેવું છે કે, હવે વિદ્યાર્થીઓ પણ ક્યાં પહેલા જેવા રહ્યા છે. આજનો હાઈ ટેક યુગનો વિદ્યાર્થી કલાસરુમના ગુરુ કરતા ગૂગલ ગુરુ પર વધુ ભરોસો કરવા લાગ્યો છે. આજની પેઢીના સ્માર્ટ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ટીચરે વધુ તકેદારી રાખવી પડે છે. આજનો વિદ્યાર્થી પુસ્તકની દુનિયાની બહારનું વધુ જાણવા મથે છે અને વધુ જાણવા માગે છે.  
અગાઉના દિવસોમાં શિક્ષકો કલાસરુમમાં સફારીમાં વાંચેલી સાયન્સ ફિક્શન કહેતા તો પણ આપણે એ ઈમેજિન કરી લેતાં. શિક્ષકની કહેલી વાત આપણાં માટે સૌથી સાચી હતી. જ્યારે આજે એવું બહુ ઓછું જોવા મળે છે. સમય પ્રમાણે બધું બદલાયું એમ ટીચર પણ બદલાયા છે અને સ્ટુડન્ટ્સની આખી જનરેશન પણ એટલી જ ચેન્જ થઈ ગઈ છે.  
અમારા જમાનામાં તો શિક્ષકો કાન આમળીને ધોલાઈ કરી નાખતા. આજે કોઈ બાળકોને આ વાત કરીએ તો એમને માન્યામાં ન આવે. એમાંય જો માસ્તરે માર્યું હોય અને જો ઘરે જઈને કહીએ તો મા-બાપના હાથની બીજી બે થપ્પડ ખાવી પડે. અત્યારે સમય 360 ડીગ્રીએ ફરી ગયો છે. આજે શિક્ષકની રોજે રોજ પરીક્ષા લેવાય છે. સૌથી અઘરું કામ ભણાવવાનું છે. ભણાવવા કરતાં પણ આજની પેઢીના વિદ્યાર્થીઓને હેન્ડલ કરવા એ એનાથી પણ અઘરું કામ છે. વળી, આજે મા-બાપે પોતાના બાળકને નંબર વન, એક્સપર્ટ, જિનિયસ બનાવવા છે બસ એ સારો માણસ બને એવું કંઈ શિક્ષક ભણાવે એવું એમને નથી જોવું કે નથી જોઈતું. એટલે જ આજની પેઢીના ટીનેજર્સ ક્રાઈસીસની પળોમાં જાતને સંભાળી નથી શકતા.   
સૌથી મહત્ત્વની વાત એ છે કે, હવે શિક્ષણ વ્યવસાય બની ગયું છે. હવે બધાં નોકરી કરે છે. આજના શિક્ષકોને નોકરી સિવાયના બીજા કામોનો બોજ પણ ડિસ્ટર્બ કરી દે છે.  અંગત રીતે રસ લઈને કોઈ વિદ્યાર્થીની પાછળ મહેનત કરવી એ બિઝનેસ બની ગયો છે. સૌથી ઓછું મહત્ત્વ શિક્ષકની નોકરીને અપાય છે. જ્યારે જાપાન અને જર્મની જેવા દેશોમાં શિક્ષકોને વીઆઈપી કેટેગરીમાં મૂકવામાં આવે છે. કોઈપણ દેશની પ્રગતિમાં શિક્ષણ અને શિક્ષકનો ફાળો બહુ જ અગત્યનો રહેલો છે. પણ આપણી રગોમાં પ્રોફેશનાલિઝમ દોડી રહ્યું છે એમાં સરવાળે વિદ્યાર્થી અને દેશનું ભવિષ્ય વધુ જોખમાઈ રહ્યું છે.  
jyotiu@gmail.com
Tags :
GujaratFirstGurushishyaTraditionStudentsteacherrelationshipTeacherDayTeacherdayCelebration
Next Article