Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાધુત્વનું લાંછન-અક્ષમ્ય

મહાદેવ જ રાવણને માફ કરવા શું કામ રાજી નથી? મહાદેવના અનન્ય ભક્તમાં રાવણનું નામ સૌથી ઉપર આવે અને એ પછી મહાદેવે રાવણને નરકમાં સ્થાન આપ્યું ત્યારે મા પાર્વતીએ કારણ પૂછ્યું, જેનો જવાબ મહાદેવે જે આપ્યો એ વાત આજે પણ સૌકોઈએ...
સાધુત્વનું લાંછન અક્ષમ્ય

મહાદેવ જ રાવણને માફ કરવા શું કામ રાજી નથી?

Advertisement

મહાદેવના અનન્ય ભક્તમાં રાવણનું નામ સૌથી ઉપર આવે અને એ પછી મહાદેવે રાવણને નરકમાં સ્થાન આપ્યું ત્યારે મા પાર્વતીએ કારણ પૂછ્યું, જેનો જવાબ મહાદેવે જે આપ્યો એ વાત આજે પણ સૌકોઈએ સમજવી અને જીવનમાં ઉતારવી અત્યંત આવશ્યક છે

રાવણના વધ પછી ચિત્રગુપ્તે દશાનનનાં કર્મોનાં તમામ લેખાંજોખાં જોયાં અને એ પછી રાવણ રાક્ષસકુળનો હોવા છતાં તેને સ્વર્ગમાં સ્થાન આપવાના નિર્ણય પર ચિત્રગુપ્ત પહોંચ્યા એ સમયે સમગ્ર દેવલોકમાં કોઈએ રાવણને નરક આપવાનો આગ્રહ કર્યો હોય તો એ મહાદેવ હતા. મહાદેવના આગ્રહને વશ થઈને રાવણને નરકમાં મોકલવામાં આવ્યો, પણ આ વાત મા પાર્વતીના મનમાં ઘર કરી ગઈ.

Advertisement

મહાદેવના અત્યંત પ્રખર ભક્ત એવા રાવણને સ્વર્ગમાં મોકલવા બાબતે અન્ય કોઈ દેવી-દેવતાઓ વિરોધ નહોતાં કરતાં એવા સમયે મહાદેવે રાવણના સ્વર્ગાગમનનો વિરોધ શા માટે કર્યો એ વાત તેમને સમજાતી નહોતી એટલે તેમણે પ્રાતઃકાળ આ બાબતે મહાદેવ સાથે વાત કરી અને મહાદેવને પૂછ્યું કે જો તમારો વિરોધ ન હોત તો રાવણને સ્વર્ગલોક મળવાનું હતું, તો તમે એનો વિરોધ શું કામ કર્યો? મા પાર્વતીએ દાખલા સાથે વાત કરતાં કહ્યું પણ ખરું કે રાવણે મા સીતા સાથે કોઈ દુર્વ્યવહાર પણ કર્યો નહોતો અને અજાણતાં પણ તેમની સાથે ખોટો વ્યવહાર ન થઈ જાય એ માટે મહેલથી જોજનો દૂર એવા એક મહેલમાં તેમને સ્થાન આપવાનું નક્કી કર્યું હતું, પણ સીતામા નહોતાં ઇચ્છતાં એટલે તેઓ અશોકવાટિકામાં રહ્યાં અને રાવણે એ વાતનો પણ સ્વીકાર કર્યો.

લંકામાં પણ રાવણે એવાં કોઈ કુકર્મ કર્યાં નહોતાં અને તેની પ્રજા પણ સુખાકારી સાથે રહેતી હતી. એક આડવાત કહી દઉં. એ સમયે લંકા સંસારનું એકમાત્ર રાજ્ય હતું જ્યાં એક પણ પ્રકારનો વેરો લેવામાં નહોતો આવતો અને એ પછી પણ લંકાપતિ રાજ્યના તમામ લોકોને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતા હતા. અરે, રાજ્યમાં કાયમી ધોરણે એક રસોડું ચાલતું જેમાં જમવા આવનારાને છપ્પનભોગ આપવામાં આવતા.

Advertisement

કહેવાનો ભાવાર્થ એ કે રાવણનાં તમામ કર્મો સારાં હતાં, અઢળક પુણ્યની કમાણી તેણે કરી હતી જેની સૌકોઈને ખબર હતી. રાવણ મહાદેવના પ્રચંડ ભક્ત છે એ પણ સૌ જાણે અને મહાદેવની ભક્તિને લીધે જ રાવણે શિવ-તાંડવની રચના કરી હતી. હા, આજે જે શિવ-તાંડવ ગવાય છે એની રચના રાવણે કરી છે અને એ પછી પણ મહાદેવ જ એકમાત્ર એવા હતા જેમણે રાવણને નરક મળવું જોઈએ એવો આગ્રહ રાખ્યો. શું કામ?

કારણ કે રાવણે સાધુનો વેશ ધારણ કરીને સીતાની ભક્તિનો દુર્લાભ લીધો હતો.

મહાદેવે કંઈક આવો જવાબ આપ્યો અને મા પાર્વતીને સમજાવ્યું કે માણસ સતનો માર્ગ છોડે એ સમજી શકાય, પણ સતનો ભેદી અંચળો ઓઢી અન્યને ઠગવાનું કામ કરે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. ધર્મનાં વસ્ત્ર પહેર્યા પછી માણસ જ્યારે દુરાચારી બને છે ત્યારે એમાં ધર્મનાં વસ્ત્રોને જ લાંછન નથી લાગતું, પણ સાથોસાથ સમગ્ર ધર્મ પર લાંછન લાગે છે અને એ કોઈ કાળે ચલાવી ન શકાય.

જો રાવણ પોતાના મૂળભૂત સ્વાંગમાં જ સીતાના હરણ માટે ગયો હોત તો તે સ્વર્ગવાસી થયો હોત, ધારો કે રાવણે મૂળભૂત સ્વાંગને બદલે અન્ય કોઈ પણ રૂપ ધારણ કર્યું હોત તો પણ તેના સ્વર્ગાગમનને અટકાવી ન શકાયું હોત, પણ રાવણ સાધુ બનીને ‘ભીક્ષાં દેહી...’ના નારા સાથે અન્નની માગણી કરતો ઝૂંપડીની બહાર ઊભો રહ્યો હતો. જો એવા સમયે પણ રાવણને સ્વર્ગમાં સ્થાન મળે તો ભવિષ્યમાં ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યાના પેટનો અગ્નિ ઠારવા આગળ નહીં આવે, ક્યારેય કોઈ સાધુ જીવનના બ્રહ્મચર્યને સન્માનની નજરે નહીં જુએ.

મા પાર્વતીને મહાદેવે કહ્યું હતું કે મેં રાવણને માફ કરી દીધો હોત, રાવણનું સ્વર્ગમાં હર્ષભેર સ્વાગત કર્યું હોત, જો રાવણે રાવણ બનીને મા સીતાનું અપહરણ કર્યું હોત. મેં રાવણને માફ કરી દીધો હોત, જો તેણે પોતાનાં પાપ છુપાવવા માટે સનાતનનો આધાર ન લીધો હોત, મેં રાવણને તો પણ માફ કરી દીધો હોત જો સીતાને લક્ષ્મણરેખાની બહાર આવવા માટે રાવણે સાધુત્વના લાંછનની આડશ ન લીધી હોત. રાવણે એવું કાર્ય કર્યું જેની અસર સંસાર પર સદીઓ સુધી રહેવાની છે, તો એવા સમયે દૈવીત્વ ધરાવતા સ્વર્ગમાં આવવા માટે હું રાવણનો કેવી રીતે વિરોધ ન કરું? અરે, અહીં માત્ર પ્રવેશ સામે જ મારો વિરોધ નહીં હોય, પણ હું રાવણને આજીવન ક્યારેય માફ નહીં કરું, ભલે ચાહે એ ભક્તિ કરતાં પોતાનો જીવ પણ ન આપી દે!

જો કોઈને ધર્મનો ભય દેખાડી, કોઈને ધર્મના નામે ખોટી રીતે મૂંઝવીને લાભ લેવામાં આવે તો પ્રખર પુણ્યશાળી હોય તો પણ તેને માટે સ્વર્ગનાં દ્વાર નથી ખૂલતાં…….. ક્યારેય નહીં.

Tags :
Advertisement

.