Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોઢું બંધ રાખવાની સમજ અને મોઢે ટેપ લગાડવાનો ટ્રેન્ડ

આવનારો સમય એવો હશે કે, દુનિયાનો દરેક માણસ એક વખત થોડી મિનિટો માટે પ્રખ્યાત થઈ જશે. વર્ષો પહેલા કહેવાયેલી આ વાત આજના સમયમાં સાચી પડી રહી છે. સોશિયલ મિડીયા અને એના પર ચાલી રહેલા ટ્રેન્ડ ઘડીકમાં વાયરલ થઈ જાય છે. થોડી જ મિનિટોમાં લાખો લોકો સુધી સાચી-ખોટી વાતો પહોંચી જાય છે. કંઈ ફોરવર્ડ કરતા પહેલા આપણે ભાગ્યેજ વિચાર કરીએ છીએ કે, આનાથી કોઈને નુકસાન તો નહીં થાય ને?  કોવિડના સમયમાં સૌથી વધાર
મોઢું બંધ રાખવાની સમજ અને મોઢે ટેપ લગાડવાનો ટ્રેન્ડ
આવનારો સમય એવો હશે કે, દુનિયાનો દરેક માણસ એક વખત થોડી મિનિટો માટે પ્રખ્યાત થઈ જશે. વર્ષો પહેલા કહેવાયેલી આ વાત આજના સમયમાં સાચી પડી રહી છે. સોશિયલ મિડીયા અને એના પર ચાલી રહેલા ટ્રેન્ડ ઘડીકમાં વાયરલ થઈ જાય છે. થોડી જ મિનિટોમાં લાખો લોકો સુધી સાચી-ખોટી વાતો પહોંચી જાય છે. કંઈ ફોરવર્ડ કરતા પહેલા આપણે ભાગ્યેજ વિચાર કરીએ છીએ કે, આનાથી કોઈને નુકસાન તો નહીં થાય ને?  
કોવિડના સમયમાં સૌથી વધારે ખોટી વાતો સોશિયલ મિડીયા ઉપર વહેતી થયેલી. લીંબુના ટીપાં નાકમાં નાખવાથી કોવિડ નહીં થાય, રોજ ઉકાળો પીવાથી શરીરમાં ગરમાવો રહેશે-રોગ પ્રતિકારક શક્તિ વધશે. નાસ લેવાથી શ્વાસનળીનો આખો ટ્રેક જંતુમુક્ત થઈ જાય છે.  આ અખતરા એટલા ભારે પડ્યાં છે કે, આના અનેક પેશન્ટ તમને ડૉક્ટરને ત્યાં મળી જશે. થોડાં સમય પહેલાં જ એક ફેમિલી ડૉક્ટરે કહ્યું કે, કોવિડ સમયના અખતરાના ખરાબ પરિણામો અને અસરો હવે દેખાઈ રહી છે.  
આજકાલ એક ટ્રેન્ડ બહુ વાયરલ થયો છે, માઉથ ટેપીંગ. સૂતા હોય ત્યારે હોઠ ઉપર ટેપ મારવાનો ટ્રેન્ડ. આ ટ્રેન્ડ કેટલો ફાયદાકારક છે એના પરિણામો કંઈ ખાસ નથી. તેમ છતાં, નસકોરાં બોલતાં હોય એવા લોકો મોઢા ઉપર ટેપ લગાવીને સૂવે છે. આ કારણે નસકોરાં ઓછાં બોલે છે એવું એ લોકોનું કહેવું છે. સાથોસાથ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય એવા લોકો પણ આ પ્રકારના ટ્રેન્ડને ફોલો કરે છે. આ વાતને મેડિકલ ફિલ્ડના એકપણ વ્યક્તિએ સમર્થન નથી આપ્યું. ઉલટું એમ કહ્યું છે કે, આ પ્રકારના અખતરાથી ઓક્સિજન લેવલ ડાઉન થઈ જવાની શક્યતા છે.  
આ ટ્રેન્ડ વિશે વાત કરતા એક વડીલે કહ્યું કે, મોઢું બંધ રાખવા માટે ટેપની નહીં બુદ્ધિ અને એના કરતા વધુ સમજની જરુર છે. આપણી સમસ્યા એ હોય છે કે, આપણને બોલી દેવું વધારે ફાવે છે. ચૂપ રહેવું ઓછું ફાવે છે. મૂંગા રહેવું, મૌન રહેવું આપણી પ્રકૃતિમાં જ નથી. આપણે બસ બોલી દેવું હોય છે. આપણે કોઈનું કંઈ બાકી નથી રાખવું હોતું. મેં તો એને કહી દીધું.... આવું કહીને આપણે એવું ફીલ કરીએ છીએ કે, બોલીને હું છૂટી ગયો કે છૂટી ગઈ. બોલીને ઘણી વખત આપણે સંબંધને એરણે ચડાવી દઈએ છીએ. બોલીને પતાવી દેવા કરતાં નહીં બોલીને જાળવી રાખવું સહેલું છે કે અઘરું? આવો વિચાર આપણને ભાગ્યે જ આવે છે.  
ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું એ જો સમજ આવી જાય તો મોં ઉપર ટેપ લગાવવાની નોબત જ ન આવે. સૂતી વખતે નસકોરાં ન બોલે કે મોઢામાંથી વાસ ન આવે એના માટેનો આ ટ્રેન્ડ વાયરલ થયો છે. પણ આપણે જાગતી અવસ્થામાં વિચારો અને વિકારોને ઉપર ક્યાં ટેપ મારી શકીએ છીએ? મોંમાંથી દુર્ગંધ ન આવે એ માટે ટેપ લગાડવાનો ટ્રેન્ડ છે પણ આપણી જાત સાથે સાત્વિકતાની સુગંધ આવે એ માટે આપણે કઈ ટેપ લગાવવી જોઈએ એ આપણે ક્યારેય નથી વિચારતા.  
કોઈ પણ ટ્રેન્ડ એમ જ વાયરલ નથી થતો હોતો. કોઈ અફવા એમ જ નથી ફેલાતી હોતી. કોઈ અંધશ્રદ્ધામાં લોકો એમ જ નથી માનવા માંડતા. અફવા અને ટ્રેન્ડને કોઈ તેડું નથી હોતું. સમજદારી જ તમને શીખવતી હોય છે કે, ક્યારે મોઢે ટેપ બાંધવી અને ક્યારે એ ટેપ હટાવીને વ્યક્ત થવું. ન બોલવામાં નવ ગુણ કે બોલે એના બોર વેંચાય આ કહેવત જે સમજી શકે એને દિવસે કે રાત્રે કોઈ ટેપ લગાડવાના ટ્રેન્ડને ફોલો નથી કરવો પડતો.  
સોશિયલ મિડીયા તો સાચી-ખોટી વાતોનો ખજાનો છે. એને સાબિતી ન મળે ત્યાં સુધી આ પ્રકારના અખતરાને ફોલો કરવામાં કોઈ વખત લેવાને બદલે દેવાની પરિસ્થિતિ આવી જાય છે. માટે જ આ પ્રકારના ટ્રેન્ડને અનુસરવા કરતા જીવના જોખમની પરવા કરવી વધુ સારી.  
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.