Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

‘રૂમ નં – ૫૦૨’માંથી થયેલાં ફોનનું રહસ્ય!

આછા પીળા પ્રકાશથી ઝળહળી રહેલાં, સહેજ સાંકડા કહી શકાય એવા કૉરિડોરને વટાવીને હું મારા ઓરડા તરફ આગળ વધી રહ્યો હતો. અગિયાર વાગતાંમાં એકદમ શાંત થઈ ગયેલું વારાણસી ઊંઘમાં સરી પડ્યું હતું. ભાગીરથી ગંગાનો વ્હાલસોયો-મમતાસભર હાથ પોતાના સંતાનો પર ફરી રહ્યો હોય, એમ આખું શહેર મીઠાંમધુરા સ્વપ્નો જોઈ રહ્યું હતું. દિવસ આખાનો થાક હવે મારી આંખોમાં દેખાવા માંડ્યો હતો. સહેજ ઉપસી ગયેલાં પોપચાં અને આ
05:13 AM Jun 01, 2022 IST | Vipul Pandya
આછા પીળા પ્રકાશથી ઝળહળી રહેલાં, સહેજ સાંકડા કહી શકાય એવા કૉરિડોરને વટાવીને હું મારા ઓરડા તરફ આગળ વધી રહ્યો હતો. અગિયાર વાગતાંમાં એકદમ શાંત થઈ ગયેલું વારાણસી ઊંઘમાં સરી પડ્યું હતું. ભાગીરથી ગંગાનો વ્હાલસોયો-મમતાસભર હાથ પોતાના સંતાનો પર ફરી રહ્યો હોય, એમ આખું શહેર મીઠાંમધુરા સ્વપ્નો જોઈ રહ્યું હતું. દિવસ આખાનો થાક હવે મારી આંખોમાં દેખાવા માંડ્યો હતો. સહેજ ઉપસી ગયેલાં પોપચાં અને આંખની નીચે થઈ ગયેલાં કાળા કુંડાળાં સૂચિત કરતાં હતાં કે મારા શરીરને આરામની જરૂર હતી.
નગવા-લંકાની ત્રણ-સિતારા હૉટેલ સર્વેશ્વરીના પાંચમા ફ્લૉર પર આવેલાં મારા ડિલક્સ-રૂમ ૫૦૨ને કી-કાર્ડ વડે ખોલીને તરત જ મેં કિંગ-સાઇઝ બેડ પર ઝંપલાવ્યું. રવિવારે સાંજે પાંચ વાગ્યે કાશી પહોંચાડનારી ફ્લાઇટ ખૂબ મોડી પડીને અંતે આઠેક વાગ્યે એરપૉર્ટ પર લેન્ડ થઈ હતી! હું અને મારી મિત્ર પ્રિયંકા જસાણી એરપૉર્ટમાંથી બહાર નીકળીને ‘ઑલા ટેક્સી’ કરીએ, ત્યાં સુધીમાં તો નવ વાગી ગયા અને ત્યારબાદ ‘બનારસ હિન્દુ યુનિવર્સિટી’ની હૉસ્ટેલમાં પ્રિયંકાને છોડ્યા બાદ હું મારી હૉટેલ પર પહોંચ્યો ત્યારે અગિયાર વાગવામાં ગણતરીની મિનિટો બાકી હતી.
ચેક-ઇન, આઇડેન્ટિટી વેરિફિકેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હું પાંચમા માળે આવીને મારા કમરામાં આવીને જેવો પલંગ પર લાંબો થયો કે તરત નિદ્રાદેવીનું પ્રભુત્વ સ્થપાવાનું શરૂ થયું, પરંતુ એકદમ ઊંઘમાં સરી પડું એ પહેલાં જ ઊભો થઈને મારી લગેજ-બેગમાંથી ટ્રેક-પેન્ટ અને ટી-શર્ટ તથા પલંગ પર પડેલાં હૉટેલના બે ટૉવેલમાંથી એક ટૉવેલ ઉઠાવી હું વૉશરૂમ ભણી રવાના થયો. ઠંડાબોળ શાવર નીચે ઊભા રહીને સારું લાગ્યું અને ઝટપટ ખંખોળિયું ખાઈને ફરી પલંગ પર આવીને સૂતો. ત્યાં સુધીમાં લગભગ સાડા અગિયાર વાગી ચૂક્યા હતાં.
મોબાઇલમાં સવા અગિયાર વાગ્યાનો અલાર્મ મૂકીને હું આડો પડ્યો. રાજકોટથી અમદાવાદની પાંચ કલાકની સફર અને ત્યારબાદ અમદાવાદથી વારાણસી સુધીની લાંબી સફરનો થાક એમ કંઈ બે કલાકની ઊંઘમાં ઉતરી જાય, એવી શક્યતા નહોતી. પરંતુ શિવને પ્રિય સોમવારની મંગલા આરતી હું કોઈ સંજોગોમાં ચૂકવા નહોતો માંગતો. કાશી વિશ્વનાથના શરણમાં આવ્યા હોઈએ અને સોમવાર ચૂકી જઈએ એ તો કેમ ચાલે? સૂતાં પહેલાં એક વખત સવાર માટે જરૂરી સરસામાન અને ચીજ-વસ્તુઓ એની જગ્યાએ છે કે કેમ એની ચકાસણી કરી લીધી. કાશી વિશ્વનાથની પ્રાત: આરતીમાં પહોંચવું હોય તો અઢી વાગ્યે કતારમાં ઊભું રહી જવું પડે, ત્યારે છેક સાડા ત્રણ વાગ્યે દર્શનનો વારો આવે! સોમવારની ભીડ તો વળી અલગ! એટલે જ, મેં સાવચેતી ખાતર ૧:૧૫, ૧:૧૮, ૧:૨૦, ૧:૨૨ અને ૧:૩૦ વાગ્યાના એમ કુલ પાંચ અલાર્મ મૂકી રાખ્યા હતાં જેથી, ન કરે નારાયણ ને કદાચ એકાદ અલાર્મમાં ઊંઘ ન ઉડે તો અન્ય એલાર્મથી તો ઊડી જ જાય!  
પણ ધાર્યુ તો આખરે ધણીનું જ થાય! પાંચે-પાંચ અલાર્મ એક પછી એક વાગીને બંધ થઈ ગયા અને મારી આંખમાં ચડેલું ઊંઘનું ઝેર ન ઉતર્યુ! હું ગાઢ નિદ્રામાં પોઢી ચૂક્યો હતો... એટલી ગાઢ કે કદાચ કોઈ ઢોલ-નગારા વગાડે તો પણ બે ઘડી માટે મને કંઈ ફર્ક ન પડે!
‘ટિંગ ટોંગ...’ મને ડોરબેલનો ધીમો અવાજ કાથે અથડાયો. હું તંદ્રામાં હતો અને શરીર જવાબ દઈ ચૂક્યું હતું. થોડી મિનિટો પસાર થઈ હશે, અને કોઈકે જોરજોરથી દરવાજો પીટવાની શરૂઆત કરી!
ઊંઘરેટા ચહેરા સાથે ઊભા થઈને મેં લગભગ તંદ્રાવસ્થામાં જ દરવાજો ખોલ્યો. સામે હાઉસકિપીંગ-સ્ટાફનો માણસ ઊભો હતો.
‘સર... આ તમારો ટૉવેલ!’ તે ફાંકડું અંગ્રેજી બોલી રહ્યો હતો.
‘પણ મેં તો કોઈ ટૉવેલ મંગાવ્યો જ નથી!’ હું હજુ પણ ઘેનમાં હતો, ‘અને હું જાગતો જ ન હોઉં, તો તમને ફોન કોણ કરે?’    
‘સર, બે મિનિટ પહેલાં જ તો તમે રીસેપ્શન પર ફૉન કરીને ટૉવેલ મંગાવ્યો!’ તેણે વિનમ્ર સ્વરે કહ્યું.
હું સફાળો ભાનમાં આવી ગયો! આંખમાંથી ઊંઘની એકઝાટકે વિદાય થઈ ગઈ. તરત મેં પલંગ પર નજર કરી અને પેલા જુવાનિયાને ઈશારો કરતાં કહ્યું, ‘ભાઈ, જો આ રહ્યો મારો ટૉવેલ... મેં રાતે જ તૈયારી કરી લીધી...’
અને, હું બોલતાં-બોલતાં અટકી ગયો. અચાનક પાછળ ફરીને ઘડિયાળમાં સમય તપાસ્યો. સવારના પોણા બે વાગી રહ્યા હતાં!
‘સર... તમે રીસેપ્શન પર આવીને અમારા ફોનની તપાસ કરી શકો છો! રૂમ નંબર ૫૦૨ માંથી જ અમને કૉલ આવ્યો હતો.’
મારું મગજ ઘડીભર સુન્ન પડી ગયું. મને સમજ નહોતી પડી રહી કે આ શું થઈ રહ્યું છે! તાર્કિક મગજ મારા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ સુષુપ્ત મગજને ખબર જ હતી કે ઉત્તરો મળવાના નથી! શિવની નગરી કાશીએ પહેલાં જ દિવસે પોતાની અગોચર લીલા દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. કાશીનો કોટવાળ – કાળભૈરવ – પોતે જાણે ધૂણી ધખાવીને સઘળા તંત્રને અને સમયની ગતિ મને સમજાવી રહ્યો હતો.
એ પછી તો હાઉસકિપીંગ-સ્ટાફ પાસેથી તરત ટૉવેલ લઈ, એનો આભાર માનીને મેં દરવાજો બંધ કર્યો. એ બિચારો છેક સુધી વિચારી રહ્યો હશે કે કોઈક વિચિત્ર પ્રાણી એમની હૉટેલમાં રોકાયું છે!
સવા બે વાગ્યા સુધીમાં તૈયાર થઈ, ધોતી-ઝભ્ભો પહેરીને હું રીસેપ્શન પર આવી ગયો અને ફોનની તપાસ પણ કરી!
હા... એ ફોન ‘રૂમ નંબર ૫૦૨’ માંથી જ આવ્યો હતો!
કાશી... પૂર્ણ શ્રદ્ધા સાથે થયેલું નામોચ્ચારણ પણ આંખોમાંથી ભક્તિનો મહોદધિ છલકાવી દે, એટલું પવિત્ર અને પૌરાણિક શહેર. ૧૨ વર્ષની નાની ઉંમરે મારા જીવનના સર્વપ્રથમ ગુરુએ મને શાક્તપંથની દીક્ષા આપી, એ વેળા એમણે કાશીદર્શનનો મહિમા મને જણાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ૧૪ વર્ષના વ્હાણાં વીતી ગયા હોવા છતાં ક્યારેય વિશ્વનાથ બાબાનો આદેશ ન થયો. નાનપણમાં સમજના અભાવે અને મોટા થયા બાદ સમયના અભાવે કાશીના ભક્તિરસનું પાન ન થઈ શક્યું, પણ છેવટે અચાનક, સાવ અનાયાસે બાબાનું આમંત્રણ મળ્યું અને મોક્ષપ્રાપ્તિના દ્વાર સમા ઊર્જાવાન સ્થાન વારાણસીએ મને પોતાના ખોળામાં બોલાવી લીધો.
૩૩ કોટિ દેવતાઓ, ૬૪ યોગિનીઓ, અસંખ્ય નિત્યાઓના આ નગરમાં મૃત્યુ અને જીવન એકસાથે ધબકે છે. દેવાધિદેવના ત્રિશૂળ પર જેને સ્થાન મળ્યું છે, એવી કાશીનગરીમાં અષ્ટ-ભૈરવ આઠ અલગ-અલગ દિશાઓમાંથી તેનું રક્ષણ કરે છે. આ અષ્ટક્ષેત્રપાળ – રુદ્રભૈરવ, ચંદ્રભૈરવ, ક્રોધભૈરવ, ઉન્મત્તભૈરવ, કપાલીભૈરવ, ભીષણભૈરવ, સંહારભૈરવ અને અસિતાંગભૈરવ – ના પરિસરમાં પગ મૂકો, ત્યારે સમજાય કે વિધિવત્ રીતે પ્રાણ-પ્રતિષ્ઠિત તામસી-ઊર્જાના પ્રભાવમાં આવ્યા બાદની અનુભૂતિ કેવી હોય! અને છેલ્લે, કાશી તણા કોટવાળ – કાળભૈરવ – માનવદેહનાં સુષુપ્ત ઊર્જાચક્રોને પોતાની ઊર્જાની ભરી દે છે.
બાબા વિશ્વનાથના દરબારમાં થયેલી અનુભૂતિઓને શબ્દદેહ આપવાનું સામર્થ્ય મારામાં નથી રહ્યું, એટલે હું એ વિશે લખવાનું ટાળું છું. પાંચ દિવસ સુધી લાગલગાટ કરેલી મંગલા-આરતીના કંપનો હજુ પણ અનુભવી રહ્યો છે. પ્રકૃતિ અને પુરુષના દિવ્યદેહ સમા જ્યોતિર્લિંગ પર બિલિપત્ર અર્પણ કરી ચૂકેલી જમણાં હાથની તર્જની, અનામિકા, મધ્યમા, કનિષ્ઠા અને અંગુષ્ઠ વાટે હજુ પણ ઊર્જાનો અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે... ઈડા, પિંગળા અને સુષુમ્ણા નાડીઓ એકાગ્ર ચિત્તે અવિરતપણે ‘શિવોહમ્’ના જાપ કરી રહી છે. મૂળાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, મણિપુર, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર ચક્રો અગમ્ય-અગોચર ઊર્જાના પ્રભાવ હેઠળ બ્રહ્મપદાર્થની પ્રાપ્તિનો અનુભવ કરી રહ્યા છે...
મણિકર્ણિકા ઘાટની ચિતાઓનો પ્રચંડ અગ્નિ આંખોમાં પરાવર્તિત થઈને જીવનનું અંતિમ સત્ય ઉજાગર કરી રહ્યો છે. શિવના ભૂતગણના નગ્ન આંખે થયેલાં સાક્ષાત્કારને લીધે દુન્યવી વાસ્તવિકતા – માયા – ના પરિમાણો બદલાઈ ચૂક્યા છે. દુર્ગા અને લલિતા ઘાટ પર મધ્યરાત્રિ તેમજ બ્રહ્મમૂહુર્તમાં મેં કરેલાં દેવી-અનુષ્ઠાન ભૌતિક અસ્તિત્વના વિલિનીકરણની ક્રિયા આરંભી ચૂક્યા છે...   
આરતી દરમિયાન આંતરમન શિવ અને શક્તિની આ તેજોમય ભૂમિમાં વિલીન થતું રહ્યું. પંચમહાભૂતથી બનેલો દેહ નિરંતર પંચાક્ષરી ‘નમામિ ગંગે’નો જાપ કરી રહ્યો હતો. ભાગીરથીમાં તરબોળ થઈને રોમેરોમ રાજા ભગીરથ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યું હતું. આધુનિક છતાં અત્યંત પૌરાણિક, મલિન છતાં એકદમ નિર્મળ અને દૂષિત છતાં સદાય પાવનકારી ગંગાએ મને પોતાની ગોદમાં સમાવી લીધો...    

 bhattparakh@yahoo.com
Tags :
doordoorbelldrowsyFearFactGujaratFirstknockingphoneRoomNo.502Secretslowsound
Next Article