Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

The Father: સ્ટ્રોંગ, સ્ટ્રિક્ટ, સાયલન્ટ લવર છતાં સંવેદનશીલ

આજે ફાધર્સ ડે છે. દિવસોની ઉજવણીના વેસ્ટર્ન કલ્ચરને અપનાવીને આપણે અમુક દિવસે ચોક્કસ ઉજવણીઓ કરવા લાગ્યા છીએ. આપણી સંસ્કૃતિ અને પરંપરામાં પિતા જ નહીં પરિવારના સર્વે વડીલોને સન્માન આપવાની વાત કરવામાં આવી છે. પિતા એક દિવસ યાદ કરવા પૂરતી વ્યક્તિ નથી. પિતા, બાપ, ફાધર, અબ્બા, ડૈડી, ડેડ, પપ્પા, પાપા કે એને કોઈપણ સંબોધન કરો એનો હોંકારો મળે છે. આપણે માતાનો જેટલો મહિમા ગાયો છે એટલા ગુણગાન પિતાનà
04:47 AM Jun 19, 2022 IST | Vipul Pandya
આજે ફાધર્સ ડે છે. દિવસોની ઉજવણીના વેસ્ટર્ન કલ્ચરને અપનાવીને આપણે અમુક દિવસે ચોક્કસ ઉજવણીઓ કરવા લાગ્યા છીએ. આપણી સંસ્કૃતિ અને પરંપરામાં પિતા જ નહીં પરિવારના સર્વે વડીલોને સન્માન આપવાની વાત કરવામાં આવી છે. પિતા એક દિવસ યાદ કરવા પૂરતી વ્યક્તિ નથી. પિતા, બાપ, ફાધર, અબ્બા, ડૈડી, ડેડ, પપ્પા, પાપા કે એને કોઈપણ સંબોધન કરો એનો હોંકારો મળે છે. આપણે માતાનો જેટલો મહિમા ગાયો છે એટલા ગુણગાન પિતાના કર્યાં નથી. પિતા હેડ ઓફ ધ ફેમિલી છે. એની આખી જિંદગી બેલેન્સીંગ કરવામાં જ વીતતી હોય છે. પોતાના દિલમાં ઘણું બધું ધરબીને સંતાનો સામે હસતો રહેતો બાપ એક એવો માણસ છે જે ક્યારેય નબળો પડવાનું પસંદ કરતો નથી. બાળકનો સૌથી પહેલો હીરો એનો પિતા હોય છે. મા મમતાની મૂર્તિ છે તો પિતા તાકાતનું પ્રતીક છે. માતાની સરખામણીમાં પિતા થોડોક સખત લાગતો હોય છે. એ જરુરી પણ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે, મા-બાપમાંથી એક માયાળુ અને બીજી વ્યક્તિ થોડીક હાર્ડ અને હાર્શ હોવી જોઈએ. બેલેન્સ રાખવા માટે એ જરુરી છે.  
સમયની સાથે બધું બદલતું હોય છે. જૂના સમયના પિતા અને આજના જમાના પપ્પાના રોલમાં હાથી- ઘોડાનો ફરક છે. અત્યારનો પિતા અગાઉના પિતા કરતા વધુ ઋજુ અને બાળકોની કેર કરતો થયો છે. એનું એક કારણ એ પણ છે કે, હવે માતાની જવાબદારી વધી છે. એટલે એ ઘરના કામમાં પણ ભાગીદાર બનતો થયો છે. આપણાં સમાજમાં એવું કહેવાય છે કે, ભારતીય સમાજ પુરુષપ્રધાન છે. હવે બદલતી પરિસ્થિતિમાં ઘર પુરુષપ્રધાન રહ્યું નથી પણ સ્ત્રીપ્રધાન અને પુરુષપ્રધાન એમ સંયુક્ત રહ્યું છે. આજનો પિતા સંતાનનું ડાયપર બદલવામાં શરમ કે સંકોચ અનુભવતો નથી. અગાઉ પિતા સમક્ષ વ્યક્ત થવામાં સંતાનોને મુશ્કેલીઓ નડતી હતી. પિતાનું કંઈપણ કામ હોય કે પરવાનગી જોઈતી હોય તો પિતાના સારા મૂડની રાહ જોવી પડતી. હવે પિતાને પેટછૂટી વાત કરી શકાય છે. અલબત્ત એની એક સાઈડ ઇફેક્ટ એ પણ રહી છે કે પિતા પ્રત્યેના આદરમાં અને તેમનાથી લાગતા ડરમાં પણ ફરક પડ્યો છે. એક સમયે પિતાની આંખ ફરકે ત્યાં સંતાન ધ્રૂજી જતું હતું. હવે સામી દલીલ કરે છે. પહેલાં પપ્પાએ કહ્યું હોય એ ફાઈનલ હતું. હવે સંતાનો પોતાના વિકલ્પો અને પોઇન્ટ ઓફ વ્યૂ સામે મૂકતો થયો છે. અલબત્ત એ સારું થયું કે ખરાબ થયું એ ડિબેટેબલ ઈશ્યુ છે. સંતાનોને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ મળે એમાં કશું ખોટું તો ન જ ગણી શકાય. સવાલ એટલો છે કે, પિતા પ્રત્યેનો આદર ઘટવો ન જોઈએ.  
પિતાની વાત આવે ત્યારે એક વસ્તુ નોંધવા જેવી છે કે, પિતા દીકરી માટે જુદો હોય છે અને દીકરા માટે વળી સાવ અલગ જ હોય છે. દીકરી પિતાને વધુ વહાલી હોય છે એ વાતથી જરાપણ ઈનકાર થઈ શકે એમ નથી. દીકરીનો વહાલનો દરિયો કહેવાય છે પણ દીકરાને પ્રેમનો પહાડ કોઈએ કહ્યો નથી. દીકરી વિશે એવું કહેવાય છે કે, પિતાની જિંદગીમાં દીકરી એક એવી વ્યક્તિ છે જે એને ચૂપ કરાવી શકે છે. એને મનાવી શકે છે. અને પોતાનું ધાર્યું પણ કરાવી શકે છે. બાપ અને દીકરાના સંબંધમાં એક દેખીતું અંતર પેઢીઓથી વર્તાતું રહ્યું છે. દીકરા સાથે પિતા દીકરીની સરખામણીમાં વધુ સખત પણ રહેતો હોય છે. એવી પણ વાતો કરવામાં આવે છે કે, દીકરાનો પગ બાપના જોડાંમાં સમાઈ જાય મતલબ કે દીકરો પુખ્તવયનો થઈ જાય એટલે પિતાએ એની સાથે મિત્ર જેવું વર્તન કરવું જોઈએ. જો કે, તેની સામે એક દલીલ એવી પણ છે કે, બાપને બાપ રહેવા દો. બાપે મિત્ર બનવાની કોઈ જરુર નથી. એક કરડાકીવાળી નજર તો તમારી ઉપર રહેવી જ જોઈએ. એ નજર તમને ઘણુંબધું ખોટું કરતાં પણ રોકતી હોય છે. સંતાનને રોકવા કે ટોકવા પાછળ પિતાનો ઈરાદો સરવાળે તો સારો જ હોય છે.  
પિતાના કેસમાં એક ઘટના બહુ જ જુદી રીતે બનતી હોય છે. સંતાનો મોટા થાય એમ વધુ સશક્ત અને ક્ષમતાવાળા બનતા હોય છે. અને બીજી તરફ પિતા ઉંમરના કારણે નબળો પડતો જતો હોય છે. પપ્પા ઈઝ માય હીરોથી માંડીને માય પપ્પા ઈઝ ધ બેસ્ટથી માંડીને હવે તમે ચૂપ બેસો, તમને કંઈ ખબર ન પડે ત્યાં સુધીની સફર પિતા બહુ વિચિત્ર રીતે જીવતો હોય છે. ક્યારેક પિતા મૌન થઈ જાય છે. એને એવું લાગે છે કે, હવે મારા શબ્દોની કોઈ કિંમત કે કદર નથી અને કદાચ એની જરુર પણ નથી. પિતાનો પણ એક સ્વભાવ બંધાઈ ગયો હોય છે. એ થોડો એમ આસાનીથી છૂટવાનો છે? સંતાનો ગમે એવડાં મોટાં થઈ જાય તો પણ પિતા માટે એ બાળક રહેવાના છે. એટલે જ કદાચ પિતા પોતાનો કમાન્ડ છોડી શકતા નથી. મનમાંને મનમાં એ બોલતો હોય છે કે, હા હવે હું આઉટડેટેડ લાગું છું. હવે મને કંઈ ખબર નથી પડતી. એક પિતાએ એના દીકરાને એવું કહ્યું હતું કે, મને લેેટેસ્ટ મોબાઈલ ફોન વાપરતા નથી આવડતો એનો મતલબ જરાય એવો નથી કે મને કંઈ ખબર નથી પડતી. પિતા આપણને ખબર ન પડે એમ આપણાં માટે આખી જિંદગી જીવ્યો હોય છે ત્યારે એને કોઈ વાતનું ઓછું ન આવી જાય એની કાળજી રાખીએ તો એ ફાધર્સ ડેની સાચી ઉજવણી છે.
Tags :
CarringDadfathersdayFathersDayQuotesGujaratFirstHappyFathersDay2022ImportanceOfParent-ChildBondingParentChildBondingTipsParentsBondWithChildWishes
Next Article