Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાનગી શાળાઓની દાદાગીરી હવે નહીં ચાલે, પણ બોલશે કોણ?

સોમવારથી ફરીને સ્કૂલો ધમધમવા માંડવાની. વેકેશનનો આ છેલ્લો વીકેન્ડ છે. બાળકો એમનું વેકેશન માણી રહ્યા છે અને મા-બાપ બાળકોની શાળાના પહેલા દિવસની તૈયારીમાં લાગી પડ્યા છે. ગણવેશ, પુસ્તકો, બૂટ-મોજાં, નોટબુક્સ, વોટરબેગ, લંચબોક્સથી માંડીને ઝીણાં ઝીણી જરુરી ચીજો માટે બજારમાં ધમધમાટ ચાલી રહ્યો છે. શાળાએ જતાં બાળકને એક પણ ચીજ વગર ક્યારેય ચાલે નહીં. ઓછી આવક હોય કે વધુ આવક હોય મા-બાપ એક વાત તો ચà«
ખાનગી શાળાઓની દાદાગીરી હવે નહીં ચાલે  પણ બોલશે કોણ
સોમવારથી ફરીને સ્કૂલો ધમધમવા માંડવાની. વેકેશનનો આ છેલ્લો વીકેન્ડ છે. બાળકો એમનું વેકેશન માણી રહ્યા છે અને મા-બાપ બાળકોની શાળાના પહેલા દિવસની તૈયારીમાં લાગી પડ્યા છે. ગણવેશ, પુસ્તકો, બૂટ-મોજાં, નોટબુક્સ, વોટરબેગ, લંચબોક્સથી માંડીને ઝીણાં ઝીણી જરુરી ચીજો માટે બજારમાં ધમધમાટ ચાલી રહ્યો છે. શાળાએ જતાં બાળકને એક પણ ચીજ વગર ક્યારેય ચાલે નહીં. ઓછી આવક હોય કે વધુ આવક હોય મા-બાપ એક વાત તો ચોક્કસ વિચારે છે કે, બાળકને ભણાવીશું તો એનું ભવિષ્ય ઉજ્જવળ થશે. કોઈ પણ સમય હોય એમાં ભણતર હંમેશાં ટોચના સ્થાને જ રહ્યું છે.  
અગાઉના સમયની શાળાઓમાં સ્લીપર પહેરીને જવું કે ઉઘાડા પગે જવું પણ સામાન્ય ગણવામાં આવતું હતું. થેલીની અંદર પુસ્તકો ભરીને જવામાં કોઈને નાનપ ન લાગતી. શાળામાં મૂકેલા નળમાંથી પાણી પી લેવું એ રુટીન હતું. કંપાસ બોક્સ ન હોય, છૂટ્ટી પેન હોય કે પેન્સિલ હોય તો પણ ચાલી જતું. પેન ન હોય તો બાજુમાં બેઠલા સહાધ્યાયીની પેન આસાનીથી ઉછીની લઈ શકાતી. તેલવાળું માથું, ઉઘાડા પગ, થેલીમાં ચોપડા, શર્ટના બટન આડાઅવળાં બીડેલાં હોવા, કોઈવાર ગણવેશ પહેરવામાં ગાપચી મારવી એકદમ સાહજિક વાત હતી. ખાનગી શાળાઓમાં ભણે એ તો ઠોઠડાં હોય એવી માન્યતા હતી. સરકારી સ્કૂલ કે ટ્ર્સ્ટની સ્કૂલમાં જ ભણવું એ બહુ આમ વાત હતી. પરંતુ, હવે સમય બદલાઈ ગયો છે.  
હવે સરકારી શાળાઓ કે ટ્રસ્ટની શાળાઓમાં ઓછી આવકવાળા લોકો ભણે છે એવી માન્યતા છે. જો કે, કોરોનાના સમયમાં ઓછી આવક થઈ હોય એવા અનેક પરિવારોના બાળકો સરકારી શાળાઓ કે કોર્પોરેશનની શાળામાં એડમિશન લીધાંના દાખલા બન્યા છે. હવેની ખાનગી શાળાઓનું તંત્ર જોઈને તો અચંબામાં મૂકાઈ જઈએ એવું છે. ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે કે, ખાનગી શાળાઓ હવે પોતાની રીતે મનમાની નહીં કરી શકે. શાળાઓ વાલીઓને ફરજ પાડી નહીં શકે કે, બાળકોની જરુરી વસ્તુઓ એમણે ચોક્કસ દુકાનોએથી ખરીદવી પડશે.  
વાલીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. સરકારે કહ્યું છે કે, પહેલી વખતની ફરિયાદમાં દસ હજારનો દંડ, બીજી ફરિયાદમાં કિસ્સા દીઠ પચીસ હજારનો દંડ અને વધુ ફરિયાદ થાય તો શાળાઓની માન્યતા પણ રદ થઈ શકે. વાંચવામાં બહુ સારુ લાગે પણ પણ સૌથી મોટો સવાલ એ છે કે, કોઈ ફરિયાદ કરશે કે કેમ? લગભગ તમામ શાળાઓની પુસ્તકોના, ગણવેશના, બૂટની દુકાનો સાથે સિન્ડીકેટ છે. તમે કોઈ દુકાને અમુક-તમુક સ્કૂલનો ગણવેશ માગો અને જો એ દુકાનદાર શાળા સાથે સંકળાયેલો ન હોય તો એ તરત જ કહેશે કે, મારે ત્યાં આટલી શાળાઓના ગણવેશ મળશે. તમને જે જોઈએ છે એ ગણવેશ પેલી દુકાને મળી જશે. દુકાનોની ઉપર રીતસર પાટિયાં મારેલાં હોય છે કે, અમારે ત્યાં આ-આ શાળાઓના ગણવેશ મળશે.  
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહ આ મુદ્દે બહુ સ્પષ્ટ મત ધરાવે છે. નરેશભાઈ કહે છે, સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અધૂરું છે. કેટલીક વાતો સ્પષ્ટ નથી થતી. લગભગ તમામ સ્કૂલોની દુકાનો સાથે સાંઠગાંઠ છે. કેટલી બધી શાળાઓ તો પોતાના સંકુલમાં જ દુકાનો ખોલીને બેઠી છે. એક બે શાળાઓના નામ સાથે તેમણે કહ્યું કે, અમુક શાળાઓ તો પોતાના બેઝમેન્ટમાં જ પુસ્તકો વેંચે છે. હકીકતે શાળાને લગતાં જે નિયમો ગેઝેટમાં છે એ મુજબ તો શાળાના સમયથી વધારાના સમયમાં તમે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરી શકો. કર્મશિયલની વાત જવા દો તમે શાળામાં મફત પણ કંઈ ન કરી શકો. બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ સિવાયની કોઈ પ્રવૃત્તિ તમે શાળાના સમય બાદ ન કરી શકો. શાળામાં ફરજ પાડવામાં આવે છે કે, બાળકે શાળાનો સિમ્બોલ-બિલ્લો ગણવેશ ઉપર લગાવવાનો રહેશે. હકીકતે ગેઝેટમાં એવું ક્યાંય જણાવાયું નથી કે, બાળકે શાળાનો બિલ્લો પહેરવો ફરજિયાત છે.  
નરેશભાઈ વર્ષોથી બાળકોના હિત માટે વાલીઓ સાથે મળીને લડત લડે છે. તેઓ કહે છે, શાળાઓની મનમાની તૂટી શકે જો ડીઈઓ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવે. ખાટલે મોટી ખોડ એ છે કે, અધિકારીઓ આકરા પાણીએ થતાં નથી એમાં વાલીઓનો મરો થાય છે. બાળકને જે વીસ માર્કસ મળે છે એ વીસ માર્કસના કારણે મા-બાપના હાથ બંધાયેલા છે. એ વીસ માર્કસ માટે પણ અમે રજૂઆત કરીએ છીએ કે, મા-બાપ અને બાળકોના હાથ અને જીભ આ વીસ માર્કસથી બંધાયેલા છે. જો કંઈ ફરિયાદ થાય તો સીધી એ વીસ માર્ક ઉપર અસર આવે. માનો કે કોઈ મા-બાપ સ્કૂલની મનમાની સામે ફરિયાદ કરે છે તો એ બાળકની સાથે કેવું વર્તન થશે? એની ચિંતા મા-બાપનો પીછો નથી છોડતી. સરવાળે સ્કૂલની સામે તમે કંઈપણ કરો તો એનો ભોગ તમારું બાળક બનશે એ ડરથી કંઈ થવાનું નથી. નરેશભાઈ છેલ્લે ઉમેરે છે કે, અમે આગામી દિવસોમાં જનતા રેડ કરવાના છીએ. જે શાળાઓ પોતાના સંકુલમાં બાળકો માટેની ચીજ વસ્તુઓ વેંચે છે એની સામે જનતા રેડ કરીને એ શાળાઓને મીડિયા સામે લઈ આવવાના છીએ.  
શાળાના સંચાલકો તરફથી જે ફરજિયાત કરવામાં આવે છે એનાથી અનેક પરિવારોના બજેટ ખોરવાઈ જાય છે. આ જગ્યાએથી જ આ વસ્તુ લેવાનો દુરાગ્રહ અનેક મા-બાપને આકરો પડી જાય છે. મા-બાપ પોતાના સંતાનના ભવિષ્ય માટે અને સંતાનને નુકસાન ન થાય એ માટે મોઢું બંધ રાખે છે. સરકારની વાત અને નિર્ણય આવકાર્ય છે. દંડ ફટકારવાની  જોગવાઈ પણ સરાહનીય છે. પરંતુ, આ દુરાગ્રહ સામે જીભ ઉપાડવા માટે ઘણું બધું જોખમમાં મૂકવું પડે એમ છે. કેમકે, દરેક મા-બાપ એના સંતાનનું ભણતર કોઈ વિધ્ન વગર પસાર થાય એવું જ ઈચ્છે છે.
Advertisement
Tags :
Advertisement

.