Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાના લોકો પાસે જવા માટે બોસની રજા લેવાની!

નોકરી કરતા હોવ એ જગ્યા ખાનગી હોય કે સરકારી બોસનો મૂડ તો બધે જ મહત્ત્વનો રહેવાનો. ખાસ કરીને રજાઓનો મામલો હોય ત્યારે. આજકાલ એક ટ્વીટ બહુ વાયરલ થઈ છે. ડૉ. સુમિતા મિશ્રા હરિયાણાના એગ્રિકલ્ચર અને ફાર્મર્સ વેલફેર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, પોતાના ઘરે જ જવા માટે બીજા લોકો પાસેથી મંજૂરી માગવી પડે છે. કેવા ટર્ન પર લઈ આવે છે નોકરી. આ ટ્વીટ પર મજેદાર રિપ્લાય આવવા
પોતાના લોકો પાસે જવા માટે બોસની રજા લેવાની
નોકરી કરતા હોવ એ જગ્યા ખાનગી હોય કે સરકારી બોસનો મૂડ તો બધે જ મહત્ત્વનો રહેવાનો. ખાસ કરીને રજાઓનો મામલો હોય ત્યારે. આજકાલ એક ટ્વીટ બહુ વાયરલ થઈ છે. ડૉ. સુમિતા મિશ્રા હરિયાણાના એગ્રિકલ્ચર અને ફાર્મર્સ વેલફેર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, પોતાના ઘરે જ જવા માટે બીજા લોકો પાસેથી મંજૂરી માગવી પડે છે. કેવા ટર્ન પર લઈ આવે છે નોકરી. આ ટ્વીટ પર મજેદાર રિપ્લાય આવવા લાગ્યા અને અનેક લોકોએ રીટ્વીટ પણ કર્યું.  
કેટલાક લોકોએ સલાહ આપી કે નોકરી કરતા પોતાનો બિઝનેસ સારો. પોતે જ પોતાના બોસ. કેટલાક લોકોએ કહ્યું કે, તમને ખાનગી નોકરી કરનારાઓની પીડા હવે સમજાઈ. નોકરી કરનારા દરેક વ્યક્તિની આજકાલ આ સમસ્યા છે. રજાઓ માગતા પહેલા બોસનો મૂડ જોવાનો, ચહેરાના હાવભાવ જોવાના અને પછી રજા માગવી કે નહીં એ નક્કી કરવાનું. સાહેબનો સ્વભાવ કેવો છે, મિજાજ કેવો છે એ પ્રમાણે રજાની અરજી આપવી એવું દરેક વ્યક્તિ કરતી જ હોય છે.  
પોતાના ઘરે જવા માટે, પોતાના લોકો સાથે રહેવા માટે, પરિવારજનો સાથે સમય ગાળવા માટે પણ મંજૂરી લેવાની?  
સવાલ વાજબી છે. પણ નોકરીથી બંધાયેલા હોય ત્યાં તો આવો જ નિયમ હોવાનો. રજા જોઈતી હોય તો તમારે તમારા ઉપરીની મંજૂરી લેવી જ પડે. ઓફિસના વાતાવરણની એક નિયમિતતા હોય એને તમારે જાળવવી જ પડે. ઓફિસમાં તમે જ્યારે નોકરીમાં જોડાવ ત્યારે જ હ્યુમન રિસોર્સીસ ડીપાર્ટમેન્ટ નિયમો સમજાવે છે અને કહે પણ છે. જો પોતાની રીતે લોકો રજાઓ પાળવા માંડે તો ઓફિસના કામ પર, પર્ફોમન્સ પર અને બીજી અનેક વાતો પર તેની અસર થવાની છે. હા, ઓફિસમાં ઘણીવખત વહાલા દવલાંની નીતિ પણ ચાલતી હોય છે. બોસના લાડકાં હોય એની ફેવર થતી હોય. બોસને તમે ન ગમતાં હોવ તો તમને કદાચ સીધું કે આડકતરું નુકસાન પણ જાય. તમે રજા માગી હોય એના કરતાં ઓછી મંજૂર થાય. આવું ઘણું બધું બને. તેમ છતાં એ સવાલ તો પીડાદાયક જ છે કે, પોતાના લોકો પાસે જવા માટે ઉપરીની મંજૂરી લેવાની?  
રજાઓ અને નોકરી આ એવું સાયુજ્ય છે જેને કોઈ દિવસ એકબીજા સાથે બનતું નથી. સતત રજાઓ લેતાં લોકો અને કામમાં ગંભીર ન હોય એવા લોકોને કારણે ઘણી વખત ઓફિસમાં સિન્સીયર હોય એવા લોકોને ભોગ બનવું પડતું હોય છે. ઘણાં કિસ્સાઓમાં તો જરુરી હોય અને રજાઓ ન મળે ત્યારે નોકરી અને પગાર પર આધારિત હોવું તમને કોરી ખાય છે. નોકરી કરવી કે ધંધો કરવો એ દરેકની પોતાની પસંદગીની વાત છે. જ્યાં નોકરી શબ્દ આવે ત્યાં એક બંધન આવવાનું જ છે. દરેક કંપનીની એક પોલિસી હોય, દરેક સરકારી કર્મચારી માટે પણ એક વ્યવસ્થા હોય છે એને આપણે અનુસરવું પડે છે. હા, કદાચ સરકારી નોકરીમાં હક રજાઓ હોય તો તમે બિન્ધાસ્ત લઈ શકો. જે ખાનગી કંપનીમાં બહુ ધ્યાને લેવાતું નથી.  
સુમિતા મિશ્રાએ કરેલી ટ્વીટના રિપ્લાયમાં એક વ્યક્તિએ એવું લખ્યું છે કે, ઘણી કંપનીઓમાં રજા મંજૂર કરાવવા માટે પણ સાહેબને મસ્કાબાજી કરવી પડે છે. એ પીડા સરકારી નોકરિયાતની સમજની બહાર છે. બીજા એકે લખ્યું છે, મારે મારી મરજી પ્રમાણે કામ કરવું છે એટલે જ મેં બિઝનેસ શરુ કર્યો.  
રજાઓની બાબતમાં વિદેશનો એક ટ્રેન્ડ બહુ મજાનો છે. તમને જે કામની ફાવટ હોય એવું કામ તમને મળી જાય. અઠવાડિયાના પાંચ દિવસ કામ કરો. બે વીકનો પગાર લઈ લો. પછી તમને મન થાય તો તમે નોકરી મૂકીને ફરવા જતા રહી શકો. ફરી આવીને બીજી કોઈ જગ્યાએ તમને નોકરી પણ મળી જાય. આપણે ત્યાં આવી પદ્ધતિ અશક્ય જ લાગે. કેમકે, રજાઓ તો બાજુ પર રહી આપણે ત્યાં પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી બચાવવાનું પ્રેશર કંઈ નાનુંસૂનું નથી. પોતે જરા પણ ગાફેલ રહેશે તો પાણીચું  પકડાવવામાં કંપની જરા પણ વિચાર નહીં કરે એવું પણ બને છે. આ બધાંનો સરવાળે ઉકેલ તો એક જ છે, જ્યાં કામ કરો છો ત્યાં સો ટકા મન લગાવીને મહેનતથી વળગેલા રહો. તમારું કામ હંમેશાં પરિણામ સ્વરુપે બોલતું જ હોય છે. તમારી કોઈ ખાસ આવડત કે ખાસિયત હોય તો એટલું યાદ રાખજો કે, તમે નોકરી કરો છો. તમારી અંદરની આવડત છે એ નોકરી કરતા હોવ કે ન કરતા હોવ એ તમારી અંદર જીવંત જ રહેવાની છે, તમે જીવશો ત્યાં સુધી. નોકરિયાતો માટે રજાની વાત આવે ત્યારે સંસ્થાના નિયમો સૌથી ઉપરના સ્થાને જ રહેવાના એ વાતથી તો કોઈ અજાણ નથી જ. માટે જ કામને ગમતું કરો અથવા તો ગમતું કામ કરો....
Advertisement
Tags :
Advertisement

.