Paris Olympics માટે 72કરોડનો ખર્ચ, 10 મેડલ્સની આશા!
Paris Olympics : ઘોડેસવારીના હોર્સ માટે વિશેષ ડાયટનો પ્રસ્તાવ મંજૂર કરાયો, વેઇટલિફ્ટર મીરાબાઈને આઇપેડ અને હાઇ સ્પીડ કેમેરા અપાયો, રિયો ગેમ્સ કરતાં બે ગણો ખર્ચ કરાયો, મિશન ઓલિમ્પિક સેલ દ્વારા ત્રણ વર્ષમાં 150 બેઠકો યોજાઈ. વિવિધ રમતોમાં મેડલ્સ હાંસલ કરવા માટે ભારતીય એથ્લેટ્સ પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. ખેલાડીઓને સરકાર તરફથી તમામ પ્રકારનું સમર્થન મળી રહ્યું છે તેમાં વિદેશી કોચની સેવાઓ તથા વિદેશમાં ટ્રેનિંગ સહિત વિવિધ બાબતો સામેલ છે. મેડલ માટેના દાવેદાર ખેલાડીઓનું રમત મંત્રાલય દ્વારા પૂરો ખ્યાલ રાખવામાં આવે છે. જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી છે તેને જોતાં ભારત રમતના મામલે હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડની બરોબરી કરી રહ્યું છે તેવું કહી શકાય છે
100 એથ્લેટ્સના 403 પ્રસ્તાવ મંજૂર કરાયા
ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) હેઠળ 2021થી અત્યાર સુધી 72 કરોડ રૂપિયાનો ખર્ચ કવામાં આવ્યો છે જે 2016માં યોજાયેલી રિયો ઓલિમ્પિક દરમિયાન કરવામાં આવેલા ખર્ચ કરતાં બે ગણો વધારે છે. મિશન ઓલિમ્પિક સેલ (એમઓસી) દ્વારા 2023ના મે મહિનાથી 2024ના મે મહિના સુધી ટોપ્સના 100 એથ્લેટ્સના 403 પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા છે અને માત્ર 50 પ્રસ્તાવ મંજૂર થયા નથી. એમઓસી દ્વારા પ્રત્યેક ગુરુવારે આ બાબતે બેઠક પણ યોજાય છે.
ભારતની સફર 25મી જુલાઈથી શરૂ થશે, 27મીએ પ્રથમ મેડલ ઇવેન્ટ
રમતોના મહાકુંભ પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને પ્રત્યેક ચાર વર્ષે યોજાતી આ ગેમ્સ માટે વિશ્વભરના એથ્લેટ્સ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26મી જુલાઈએ ઓપનિંગ સેરેમની સાથે થશે પરંતુ ઇવેન્ટ્સ 24મી જુલાઈથી શરૂ થઈ જશે. ભારત આ વખતે 112માંથી 16 રમતોમાં મેડલ માટે પોતાની દાવેદાર રજૂ કરશે. ભારતની 47 મહિલાઓ તથા 65 મેન્સ ભાગ લઈ રહ્યા છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ્સ જીત્યા હતા અને આ વખતે મેડલ્સ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગેમ્સમાં ભારતની સફર 25મી જુલાઈથી થશે. સૌથી પહેલાં તીરંદાજીમાં મેડલનો દાવો રજૂ કરશે. ભારતની પ્રથમ મેડલ ઇવેન્ટ 27મી જુલાઈએ થશે જે શૂટિંગ ઇવેન્ટ રહેશે. 27મીએ ભારત હોકી, બોક્સિંગ સહિત વિવિધ સાત રમતોમાં ભાગ લેશે. ભારત પહેલી ઓગસ્ટે એથ્લેટિક્સ અને જૂડો સહિત હાઇએસ્ટ 10 ઇવેન્ટમાં ભાગ લેશે.
એથ્લેટ્સને વિવિધ હાઇટેક સાધનો અપાયા
એમઓસીને મળેલા પ્રસ્તાવોમાં ટ્રેનિંગ પ્લાન, શૂઝથી લઈને ગોગલ્સ, હાઇટેક સ્પોર્ટ્સ ઘડિયાળો, હાઇસ્પીડ કેમેરા, ટ્રેડિશનલ સાધનો, કપડાં, ડાયટ તથા એનર્જી સપ્લિમેન્ટ પણ સામેલ છે. 100 પ્રસ્તાવની સામે રમત મંત્રાલય 10 મેડલ્સની આશા રાખી રહ્યું છે. જે રમતોમાં મેડલ્સની આશા છે તેમાં બોક્સિંગમાં ત્રણ, બેડમિન્ટનમાં બેથી ત્રણ, એથ્લેટિક્સમાં બે, આર્ચરીમાં એક તથા વેઇટલિફ્ટિંગમાં એક મેડલનો સમાવેશ થાય છે.
12 જણાના સ્ટાફ સાથે સિંધુ ટ્રેનિંગ કરે છે
બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુ 15મી જૂનથી જર્મનીમાં ટ્રેનિંગ લઈ રહી છે. તેની સાથે મેન્ટર પ્રકાશ પદુકોણ, એક ચીફ અને બે સહાયક કોચ, એક મેન્ટલ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ તથા પાંચ સ્પેરિંગ પાર્ટનર છે. હૈદરાબાદી શટલર 12 લોકોની ટીમ સાથે ટ્રેનિંગ કરી રહી છે. મેન્સ સિંગલ્સમાં મેડલના દાવેદાર એચ.એસ. પ્રણોયને હાઇપર ઓક્સિજન થેરાપી તથા રેડ લાઇટ થેરાપી માટે ફંડ આપવામાં આવ્યું છે. ટેબલટેનિસ ખેલાડી શરથ કમલને તેના અલગ અલગ ટેસ્ટ માટે પણ ફંડ અપાયું છે.
TT પ્લેયર મનિકા બત્રા માટે ચીનથી વિશેષ ટેબલ મંગાવાયું
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર મહિલા ખેલાડી મનિકા બત્રા માટે ચીનથી વિશેષ બનાવટનું ટેબલ ટેનિસનું ટેબલ મંગાવવામાં આવ્યું છે. આ પ્રકારના ટેબલનો પેરિસ ગેમ્સમાં ઉપયોગ થશે. મનિકાને આ ટેબલથી બોલની સ્પીડ, સ્પિન તથા બાઉન્સને સમજવામાં ઘણી આસાની થશે. ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનૂને આઇપેડ અને હાઇ સ્પીડ કેમેરા આપવામાં આવ્યો છે. ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર એક્વેસ્ટેરિયન રાઇડર (ઘોડેસવાર) અનુશ અગ્રવાલને તેના ઘોડા માટે વિશેષ ડાયટ, સેડલ પેડ્સ, બૂટ્સ અને બ્લેન્કેટ માટે ફંડ આપવામાં આવ્યું છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીનને લેઝર યુનિટ આપવામાં આવ્યું છે જેના કારણે તે નાનામાં નાની ઈજાને જાણી શકશે.
જ્યોતિ ઓલિમ્પિકની100 મીટર રેસ માટે ક્વોલિફાય
મુંબઇ : રિલાયન્સ ફાઉન્ડેશનની સહાયતા પ્રાપ્ત કરનાર જ્યોતિ યારાજી પેરિસ ઓલિમ્પિકની 100 મીટર હર્ડલ રેસ માટે ક્વોલિફાય થનાર ભારતની પ્રથમ મહિલા એથ્લેટ બની છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં વિમેન્સ 100 મીટર હર્ડલ્સ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બનવા બદલ અમને રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લેટ જ્યોતિ યારાજી માટે અમે આનંદ તથા ગર્વ અનુભવી રહ્યા છીએ. જ્યોતિની સફર તેની પ્રતિબદ્ધતા અને અવિરત મહેનતનો પુરાવો છે. તે ભારતના યુવાઓની ભાવના, ટેલેન્ટ તથા મુશ્કેલીઓ સામે અડીખમ રહેવાની પ્રેરણા છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જ્યોતિ તથા અમારા તમામ યુવા એથ્લેટ્સને પ્રત્યેક મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે જ્યોતિ અને તમામ ભારતીય એથ્લેટ્સને પેરિસ ગેમ્સમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
આ પણ વાંચો - ZIMBABWE બાદ શું હશે ટીમ INDIA નો કાર્યક્રમ, હવે ક્યારે દેખાશે હવે વિરાટ – રોહિત ટીમમાં?
આ પણ વાંચો - શું જય શાહ હવે વિશ્વ ક્રિકેટ ઉપર કરશે રાજ? ICC ના અધ્યક્ષ બનવા તરફ કરી કુચ!
આ પણ વાંચો - સચિન તેંડુલકર બાદ હવે રાહુલ દ્રવિડને મળશે ભારત રત્ન? ગાવાસ્કરે કરી સરકાર પાસે માંગ