Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જય આદ્યશક્તિ...'આરતીનાં કેટલાંક તથ્યો

                              જય આદ્યશક્તિ...'આરતીનાં કેટલાંક તથ્યો લગભગ 481 વરસ પહેલાની આ વાત છે. સુરતના અંબાજી રોડ પર નાગર ફળિયામાં રાઘવ હરિહર પંડ્યાનું ઘર આવેલું. ‘રામનાથી પંડ્યા’ તરીકે...
11:10 AM Oct 27, 2023 IST | Kanu Jani

                             

જય આદ્યશક્તિ...'આરતીનાં કેટલાંક તથ્યો

લગભગ 481 વરસ પહેલાની આ વાત છે.

સુરતના અંબાજી રોડ પર નાગર ફળિયામાં રાઘવ હરિહર પંડ્યાનું ઘર આવેલું. ‘રામનાથી પંડ્યા’ તરીકે ઓળખાતા આ પરિવારમાં રાઘવને બે પુત્રો હતા. એક વામદેવ અને બીજો સદાશીવ. સમગ્ર પરિવારની શ્રદ્ધા રામનાથ મહાદેવ સાથે જોડાયેલી.

સદાશીવને 35 વરસની ઉંમર સુધી ખાસ કંઈ આવડતું નહી. કુટુંબમાં કોઈએ સદાશીવને મેણું માર્યુ. સદાશીવને સ્વજનનું મેણું કાળજાળ લાગ્યું. પરિવારના ઇષ્ટદેવના મંદિરે જઈ તેઓ ઉપવાસ પર બેસી ગયા. કેટલાય દિવસોના નામસ્મરણ અને ઉપવાસ બાદ કોઈ સાધુ ત્યાં આવ્યા. જેણે સદાશીવને આશીર્વાદ આપી શક્તિપાત કર્યો. લોકવાયકા મુજબ એ સાધુ બીજા કોઈ નહી પરંતુ સ્વયં દુર્વાસા ઋષિ હતા.

ઋષિ દુર્વાસાના આશીર્વાદથી સદાશીવ સંસ્કૃતના પ્રખર વિદ્વાન બન્યા. તેઓ શાસ્ત્રજ્ઞ અને મંત્રશાસ્ત્રી થયા. સદાશીવના દાદાએ સંસ્કૃતના નવ ગ્રંથો લખેલા. વિદ્વતાનો એ વારસો સદાશીવે જાળવી રાખ્યો. પરંતુ તેના બંને સંતાનોને સંસ્કૃત અને સાહિત્યમાં બહુ રૂચિ નહોતી. મોટાભાઈ વામદેવના ઘરે ઇ.સ. 1541માં શિવાનંદ નામના અતિ તેજસ્વી પુત્રનો જન્મ થયો. પિતા વામદેવ નાની ઉંમરે મૃત્યુ પામ્યા અને બાળક શિવાનંદના ઉછેરની જવાબદારી સદાશીવજીને સોંપતા ગયા.

સમય જતા આ કાકા ભત્રીજાની જોડી જામી ગઈ. સદાશીવજીએ પોતાના અંત સમયે પોતાનું સર્વસ્વ ભત્રીજા શિવાનંદમાં ઠાલવી દીધું. દોસ્તો, આ શિવાનંદ એ જ આપણા ‘જય આદ્યાશક્તિ’ આરતીના રચિયતા, બૈજવાપાસ ગોત્રમાં નાગર-બ્રાહ્મણ પરિવારમાં 481 વરસ પહેલાં સુરત ખાતે અવતરેલા આ મહાપુરુષની રચેલી આરતી ગાયા વગર ગુજરાતની કોઈ ગરબીના શ્રી ગણેશ થતાં નથી કે વિરામ પણ...!

આ મહાપુરુષ વિશે બહુ ક્યાંય માહિતી પ્રાપ્ત પણ નથી.  જ્યારે જ્યારે ‘ભણે શિવાનંદ સ્વામી’વાળી કડી ગાતો ત્યારે મનમાં એક પ્રશ્ન થતો કે કોણ હશે આ શિવાનંદ સ્વામી? ક્યાંના હશે? આ આરતી રચવા પાછળ કઈ ઘટના હશે? આરતીના સાચા શબ્દો ક્યા હશે? સાચા દિલથી કરેલી પ્રાર્થના સદા ફળે છે. તેનો આ લેખ પૂરાવો છે.

શિવાનંદજીએ સંસ્કૃત-ગુજરાતી-મરાઠી-હિન્દીમાં પણ કાવ્યો લખ્યા છે. પરંતુ લોકો સુધી માત્ર તેની આરતી જ કંઠોપકંઠ સ્મૃતિથી જીવે છે. પંચીગરજીના મત મુજબ તેમણે 215 જેટલી કૃતિઓ રચી છે. જેમાં થોડાક ભજનો હનુમાનજીના અને બબ્રીક (બળીયાકાકા)ના અને તાપીમાતાનો ગરબો પણ ખાસ છે.

પણ ક્યાં છે શિવાનંદજીની બાકી રહેલી અદ્દ્ભુત રચનાઓ? જેનું કોઈ પુસ્તક નથી. સુરત કે દક્ષિણ ક્ષેત્રના વડિલોને કદાચ શિવાનંદજીના કોઈ પદો હૈયે હોય તો જ આ વિરાસત આપણને પાછી મળે. આ લેખ વાંચ્યા પછી કોઈને ‘ભણે શિવાનંદ સ્વામી’વાળી કોઈપણ રચના ક્યાંયથી પણ મળે તો પ્લીઝ મને ઈમેઈલથી મોકલજો. કોઈએ આ વ્યક્તિનું પુસ્તક બહાર પાડવું જોઈએ એવી સુફિયાણી સલાહ આપવા કરતા મને જો પૂરતી રચનાઓ મળશે તો હું જરૂર શિવાનંદજીનું પુસ્તક બહાર પાડીશ. ખેર આગે આગે ગોરખ જાગે;

એ સમયે શિવાનંદજીના ઘેર પાઠશાળા ચાલતી. ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા. તેમના પદો સુરતના મંદિરો અને ઘરોમાં આદરપૂર્વક ગવાતા. શિવાનંદજીની પવિત્રતા અને લોકપ્રિયતા એવી હતી કે સુરતની ટંકશાળામાં જ્યારે જ્યારે કોઈ એકસો તોલા સોનુ ગળાવે ત્યારે તેમાંથી એક આની (1/16 તોલું ) સોનું પ્રેમપૂર્વક શિવાનંદજીને ભેંટ ધરાતું. મજાની વાત એ કે શિવાનંદજીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદજીની દીકરી ડાહીગૌરી સાથે આપણા વીર કવિ નર્મદે બીજા લગ્ન કર્યા. આમ ‘જય જય ગરવી ગુજરાત’નો સૌ પ્રથમ જયઘોષ કરનાર વીર કવિ નર્મદ શિવાનંદજીની પેઢીના જમાઈ હતા. શિવાનંદજીએ જીવનના ઉતરાર્ધમાં 85 વરસે સન્યાસ લીધો જેથી શિવાનંદસ્વામી કહેવાયા અને ઇ.સ. 1626માં સમાધી લઈ આ મહાપુરુષે મહાપ્રયાણ કર્યું.

‘જય આદ્યાશક્તિ’ આરતીની કુલ અઢાર કડી જ છે. ત્યારબાદ અમુક ક્ષેપક કડીઓ ભક્તોએ જોડેલી છે. શિવાનંદજીએ શિવશક્તિનું કોઈ પવિત્ર અનુષ્ઠાન કર્યાની ધારણા છે. જે દરમ્યાન તેમણે આ આરતી રચી છે. આ આરતીમાં એકમથી પુનમ સુધીનો તિથિક્રમ છે અને શિવાનંદજીના પોતાના સ્વાનુભવ પણ છે. માતાજીના પરમધામ મણીદ્વીપમાં મણી-માણેકના અઢાર કિલ્લા છે. જેના લીધે તેમણે આ અઢાર કડીની આરતી રચેલી છે. જેમના કેટલાક શબ્દો પાઠ ફેર અને અપભ્રંશ પામ્યા છે. કંઠોપકંઠ સચવાતી કૃતિઓમાં આવી ભરપુર શક્યતાઓ રહે એવું શ્રી ગણપતભાઈ પંચીગર પણ સ્વીકારે છે. તેમ છતાં અમુક શબ્દોના તેમણે ખૂબ સચોટ અર્થ આપેલા છે. જેમ કે ‘જયોમ જયોમ માં જગદંબે’ નો કોઈ અર્થ જ નથી. ‘જય હો - જય હો માં જગદંબે’ જ સાચો શબ્દ છે. એક નજર મારીએ ચાર સદી પહેલાની રચાયેલી અણમોલ કૃતિ તરફ અને જ્યાં જ્યાં આપણો પાઠદોષ કે ઉચ્ચારણદોષ છે તે સુધારીયે. કોઈપણ જાતની ટેક્નોલોજી વગર 400 વરસથી જે આરતી ગુજરાતી-હિન્દીમાં સમગ્ર ભારતના ઘરે ઘરે ગવાય છે એજ આપણા માટે ગૌરવપ્રદ ઘટના છે. અહીં માત્ર અપભ્રંશ થયેલ શબ્દો અને અંતરા પર જ પ્રકાશ પાડ્યો છે.

“જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ,
અખિલ બ્રહ્માંડ નીપજાવ્યા પડવે પંડે થયા, જય હો જય હો માં જગદંબે”
અહી કેટલાક ‘પડવે પંડિત થ્યા’ બોલે છે જે અશુદ્ધ છે.

“બ્રહ્મા ‘ગુણપતી’ ગાયે હર ગાયે હર માં”
અહીં કેટલાક ‘ગણપતિ’ ગાયે એમ બોલે છે. જ્યારે કવિએ વિષ્ણુ ભગવાન માટે ‘ગુણપતિ’ શબ્દ પ્રયોજ્યો છે. બ્રહ્મા વિષ્ણુ અને હર ( કહેતા શિવે ) શિવશક્તિના ગુણ ગાયા એ ભાવ છે.

“ત્રય: થકી ત્રિવેણી, તમે ત્રિવેણી માં”
ઘણા ‘તમે તરવેણીમાં’ બોલે છે જે અશુદ્ધ છે. અહીં નવસર્જન, પરિપાલન અને વિસર્જનની ત્રણેય પ્રવૃત્તિને ત્રિભુવનેશ્વરી ‘ત્રિવેણી’ માતા છો એ સંદર્ભ છે.

“ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા,
ચાર ભૂજા ચૌ દિશા પ્રગટ્યા દક્ષિણમાં”
અહીં શિવાનંદજીને નર્મદા નદીને કાંઠે દક્ષિણ દિશામાં માતાજી દર્શન આપ્યાનો અનુભવ કવિએ લખ્યો છે. જ્યાં ચતુરા મહાલક્ષ્મીનો અર્થ છે જેની પાસે ધન છે તે ચતુર ગણાય.

“પંચમેં પંચઋષિ, પંચમે ગુણપદ માં”
‘ગુણપદ’ શબ્દનો અર્થ એકબીજાથી વિભિન્ન પ્રકારના લક્ષણો થાય. પાંચ મહાભૂત તત્વો જગદંબાએ ઉત્પન્ન કર્યા અને તેની વ્યવસ્થા સંભાળવા પાંચ બ્રહ્મર્ષિ ઉત્પન્ન કર્યા.

“સપ્તમે સપ્ત પાતાળ, સાંવિત્રી સંધ્યા,
ગૌ – ગંગા – ગાયત્રી, ગૌરી – ગીતા માં”
માનવ શરીરમાં રહેલા સાત ચક્રોની આંતર ચેતના વધારવા માટે શિવાનંદજીએ સાત ઉપાયો અહી આપ્યા છે. કેટલાક ‘સંધ્યા સાવિત્રી’ બોલે જે ખોટું છે.

1. સાવિત્રી એટલે સૂર્ય ઉપાસના, 2. સંધ્યા એટલે ત્રિકાળ સંધ્યા અથવા સાંજે ભજન કીર્તન 3. ગૌ સેવા 4. ગંગા સ્નાન 5. ગાયત્રી મંત્ર જાપ 6. ગૌરી અર્થાત પાર્વતી દેવીની સાધના 7. ગીતાજીનો ઉપદેશ. આ કડી માત્ર શબ્દમેળ નથી પણ ગુઢાર્થ સમજવો જરૂરી છે.

કીધા હરિ બ્રહ્મા’ની જગ્યાએ કોઈ હર બ્રહ્મા બોલે છે. ખરેખર હરિ (વિષ્ણુ) અને બ્રહ્માએ શીવ-શક્તિની પૂજા કરે છે એ સાચો ભાવ છે.

“કામ દુર્ગા કાલીકા, શ્યામા ને રામા”
અર્થાત કામદુર્ગા દેવી, કાલિકા અને શ્યામા (રાધાજી), રામા (સીતાજી)ની ભક્તિ તરફ શિવાનંદજીનો અંગુલીનિર્દેશ છે.

તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા” વાળી કડીમાં હે માં! તમે તુલજા ભવાની રૂપે શિવજીને તલવાર આપી હિંદુ ધર્મને તારનારા છો. તથા જવારાના સેવનથી ચિરકાળ તારુણ્ય બક્ષનારા છો.

વિક્રમ સંવત 1622માં શિવાનંદજીની સાધના શરૂ થઈ અને 1657માં પૂર્ણ થઈ એવી ધારણા છે. તેમજ ચતુર્ભુજ સ્વરૂપે માતાજીએ કવિને દર્શન આપ્યા. ત્રંબાવટી, રૂપાવટી અને મંછાવટી આ ત્રણ એ વખતની નજીકની નગરીના લોકોએ શિવાનંદજીને આ અનુષ્ઠાનમાં તન-મન-ધનથી મદદ કરી જેથી તેના આશરે ‘સોળ સહસ્ત્ર’ સોળ હજાર લોકો વતી કવિએ પ્રાર્થના કરી વિશિષ્ટ રૂપે આશીર્વાદ માંગ્યા.

અઢારમી કડીમાં ભણે શિવાનંદ સ્વામી પછીના તમામ અંતરા એ ભાવજગતથી ભક્તોએ જોડેલા છે.

                                         

Tags :
આરતીજય આદ્યશક્તિશિવાનંદજી
Next Article